માય સ્પેસ / એન્કાઉન્ટરઃ આપણી નિરાશાનું સીધું પરિણામ છે?

Encounter: is the direct result of our frustration

  • બે-ચાર, દસ-બાર બળાત્કારીઓને ગોળી મારી દેવાથી ઉકેલ આવશે એવું માની લેવા જેટલી બેવકૂફી કોઈ નથી. તો પછી શું છે આ પરિસ્થિતિનો ઉકેલ?

કાજલ ઓઝા વૈદ્ય

Dec 15, 2019, 07:34 AM IST

હૈદરાબાદ એન્કાઉન્ટર પછી વી.સી. સજ્જનારને મીડિયાએ હીરો બનાવ્યા છે તો, માનવ અધિકારનો ઠેકો લઈને ફરનાર સૌ સજ્જનારને દોષી માને છે તો બીજી તરફ જયા બચ્ચન જાહેર નિવેદન કરે છે, ‘દેર આયે દુરસ્ત આયે...’

ભારતીય ન્યાયતંત્ર સામે આ એન્કાઉન્ટર બહુ મોટો ક્વેશ્ચનમાર્ક લઈને આવ્યું છે. ‘યુ.પી. સરકારે આ કેસમાંથી શીખવું જોઈએ’ એવાં વિધાનો પણ કરવામાં આવ્યાં છે, કારણ કે ઉન્નાવ કેસનો ચુકાદો હજી આવ્યો નથી. 11 જુલાઈ, 2018ના દિવસે ઉત્તર પ્રદેશના ઉન્નાવ શહેરમાં 17 વર્ષની છોકરીનો બળાત્કાર કરવામાં આવ્યો. ન્યાય માગવાના પ્રયાસના બદલામાં એના પિતાનું કસ્ટડીમાં મોત થયું. 28 જુલાઈ, 2019ના દિવસે બળાત્કાર પીડિતા છોકરી ટ્રકની ટક્કરમાં ઘાયલ થઈ અને એના પરિવારની બે વ્યક્તિઓનું મૃત્યુ થયું. એ પહેલાં એને ધમકી આપવામાં આવી રહી હતી એવી એની ફરિયાદને નજરઅંદાજ કરવામાં આવી. 31 જુલાઈ, 2019એ સુપ્રીમ કોર્ટે સુઓમોટો અરજી સ્વીકારી, પરંતુ એ પહેલાં ટ્રકનો અકસ્માત થઈ ચૂક્યો હતો.

કોઈ હિન્દી સિનેમાની જેમ બળાત્કાર કરનારાને મીડિયા ટ્રાયલમાં ગુનેગાર ઠેરવવામાં આવે છે, પરંતુ પુરાવાના અભાવે કે એમની પહોંચને કારણે એમને થવી જોઈએ એવી સજા થતી નથી. સજા સંભળાવ્યા પછી પણ આપણી ન્યાયવ્યવસ્થા એમને મોટી કોર્ટમાં અપીલ કરવાની છૂટ આપે છે, જેને કારણે નિર્ભયા કેસના આરોપીઓને હજી સુધી ફાંસી થઈ શકી નથી. સવાલ એ નથી કે પોલીસને એન્કાઉન્ટરની છૂટ આપવી જોઈએ કે નહીં, સ્ત્રી કે લેખક તરીકે હું સજ્જનારની તરફેણ કરતી નથી, પરંતુ એટલું જરૂર પૂછવા માગું છું કે આપણી ન્યાય પદ્ધતિમાં સુધારો થવો જોઈએ કે નહીં? બળાત્કાર પીડિતા સાથે કોર્ટમાં થતા સવાલ જવાબ, એનું પરીક્ષણ, એની સાથે જોડાયેલા બીજા પ્રશ્નો વિશે આપણે શું કરીશું?

હિન્દી સિનેમા છેલ્લા કેટલાય સમયથી યુવા પેઢીને પોતાનો ન્યાય જાતે જ મેળવી લેવા માટે ઉશ્કેરી રહ્યું છે. ‘પ્રહાર’ અને ‘અંધા કાનૂન’ જેવી ફિલ્મોએ નવી પેઢીને જાતે જ ન્યાય મેળવી લેવાનો એક નવો રસ્તો બતાવ્યો છે. ‘સિંઘમ’ કે ‘મર્દાની’ જેવી ફિલ્મો આપણે તાળી પાડીને જોઈએ છીએ, પરંતુ જ્યારે ખરેખર આવા કોઈ પોલીસ ઓફિસર ‘સિંઘમ’ બનવાનો પ્રયત્ન કરે ત્યારે ઊભા થતા માનવ અધિકારના રક્ષકોને જવાબ આપવાની આપણી પાસે આવડત કે હિંમત છે ખરી? 1988માં રજૂ થયેલી ડિમ્પલ કાપડિયાની ફિલ્મ ‘ઝખ્મી ઔરત’માં એ બળાત્કારીઓને કાસ્ટરેટ (લિંગ કાપી નાખે છે) કરે છે. ‘ઈન્સાફ કા તરાઝુ’માં ઝિન્નત અમાન અંતે જાતે જ એના બળાત્કારીની હત્યા કરે છે.

આ બધી ફિલ્મો શું બતાવે છે? આ ફિલ્મોનું સુપરહિટ થવું આપણી નબળી માનસિકતા છતી કરે છે? આપણે કાયદેસર ન્યાય મેળવી શકીએ તેમ નથી માટે આપણે જાતે જ ન્યાય કરી લેવો પડે એ વાતને સિનેમા અને સમાજ એન્ડોર્સ કરે છે?

આપણે એ સમજી શકીએ છીએ કે સિનેમા એ સમાજનું પ્રતિબિંબ છે, એવી જ રીતે સમાજ સિનેમાનું પ્રતિબિંબ છે. કદાચ આ ચાર બળાત્કારીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હોત, એમના પર કાયદેસર કાર્યવાહી (ન્યાયિક રીતે) કરવામાં આવી હોત તો ભારતીય ન્યાયતંત્ર બળાત્કાર પીડિતાને ન્યાય મળશે જ એવું વચન આપી શકવાની સ્થિતિમાં છે ખરું?

છેલ્લા ઘણા સમયથી આપણે બધા જ જોઈ રહ્યા છીએ કે સ્ત્રી સાથે થતા અત્યાચારોનું પ્રમાણ વધી રહ્યું છે અને વધુ વિકૃત થઈ રહ્યું છે. હજી હમણાં જ રજૂ થયેલી ફિલ્મ ‘આર્ટિકલ 15’ ઉન્નાવ કેસનું સીધું પ્રતિબિંબ છે. પહોંચેલા, સરકારમાં વગ ધરાવતા, પૈસા ખર્ચી શકે એવા લગભગ બધાને જાણે કે ગુનો કરવાની છૂટ મળી ગઈ હોય એવી સ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ. પોલીસ નિષ્ક્રિય છે, કે સરકાર કશું નથી કરતી એવું તો નહીં જ હોય, પરંતુ જે બની રહ્યું છે અને દેખાઈ રહ્યું છે એના વિશે આપણે અસહાય છીએ એવું આપણે સૌએ અજાણતાં જ સ્વીકારી લીધું છે.

અગત્યનો મુદ્દો એ છે કે સમાજ ધીમે ધીમે સ્વાર્થી અને ભીરુ થવા લાગ્યો છે. ‘આપણે શું?’નો એટિટ્યૂડ લગભગ બધાનાં મન અને મગજમાં ઘર કરી ગયો છે. ‘લફરામાં નથી પડવું’ એવું લગભગ બધા જ માનતા થઈ ગયા છે. આ પરિસ્થિતિમાં જે કોઈ ન્યાય માગવા ઊભું થાય એનો અવાજ દબાવી દેવાનું મુઠ્ઠીભર લોકોને સરળ પડે છે, કારણ કે ન્યાય માગનારના પક્ષે ઊભા રહેનાર ખાસ કોઈ હોય જ નહીં એટલું ઓછું હોય એમ, જે હિંમતથી ન્યાય માગવાનો પ્રયાસ કરે એને, ‘કંઈ નહીં થાય, ઊલટાના હેરાન થશો’ કહીને એની હિંમત તોડી પાડનારની સંખ્યા ઘણી વધુ હોય છે! બીજું એક ‘ક્ષમા’નું તૂત આ દેશે જરા જુદી રીતે પકડી લીધું છે.

ગાંધીની અહિંસા આ દેશમાં જ જન્મી અને સફળ પુરવાર થઈ, પરંતુ ‘મારા સ્વજનને મારીને મળેલું રાજ્ય મારે શું કામનું’ કહીને હથિયાર નાખી દેનાર અર્જુનને જગાડનાર કૃષ્ણ પણ આ દેશમાં જન્મ્યા છે! ગાંધી આજે હોત તો આવા બળાત્કારીને ક્ષમા કરવાનું કહેત ખરા? ન્યાયિક વ્યવસ્થા અથવા જ્યુડિશિયરી જનસામાન્યને ન્યાય મળે એ માટે ઊભી કરવામાં આવેલી એક એવી સિસ્ટમ છે જેના પર દેશનો નાગરિક ભરોસો કરે તો જ એ સરકારને આદર આપી શકે. અત્યારની પરિસ્થિતિ એ છે કે આપણે બધા નીચા માથે, અપમાનિત થઈને એવું સ્વીકારી લીધું છે કે હવે આ દેશમાં ન્યાય નહીં મળે. એન્કાઉન્ટર્સ આ અપમાનિત અને નબળી મનઃસ્થિતિનું પરિણામ છે. આરોપીને સીધેસીધો ખતમ કરી નાખવાનો રસ્તો કાયદો અને વ્યવસ્થાનો રક્ષક ક્યારે અપનાવે? જ્યારે એ પોતે જે સિસ્ટમમાં છે, એ જ સિસ્ટમ પરથી એને વિશ્વાસ ઊઠી ગયો હોય ત્યારે... એક સજ્જનારને અટકાવીશું કે સજા કરીશું તો બીજા દસ સજ્જનાર જાગશે.

સોહરાબુદ્દીન હોય કે લતીફ, અંતે આપણે ઉકેલ તો એન્કાઉન્ટરમાં જ શોધીએ છીએ. આનું કારણ કદાચ એ છે કે ભારતીય ન્યાયપ્રક્રિયા લાંબી અને નિરાશાજનક પુરવાર થઈ છે. હમણાં જ રજૂ થયેલી એક ફિલ્મ ‘સેક્શન 375’માં વકીલનું પાત્ર ભજવતા અક્ષય ખન્ના કહે છે, ‘આપણે કાયદાના બિઝનેસમાં છીએ, ન્યાયના બિઝનેસમાં નથી.’ આનો અર્થ એ થઈ શકે કે કાયદાને પોતાની રીતે તોડી-મરોડીને એમાં છીંડાં શોધીને દરેક વ્યક્તિને પોતાની છટકબારી જાતે જ ઊભી કરવાનો અધિકાર ભારતીય ન્યાયતંત્ર આપે છે?

એન્કાઉન્ટર્સ કોઈ પરિસ્થિતિનો ઉકેલ નથી, ફોર શ્યોર! બે-ચાર, દસ-બાર બળાત્કારીઓને ગોળી મારી દેવાથી ઉકેલ આવશે એવું માની લેવા જેટલી બેવકૂફી કોઈ નથી. તો પછી શું છે આ પરિસ્થિતિનો ઉકેલ? સત્ય એ છે કે આ દેશની ન્યાયિક વ્યવસ્થાને ધરમૂળથી બદલવાની જરૂર છે. જે હિંમત અને તાકાતથી ડિમોનેટાઈઝેશન અથવા આર્ટિકલ 370 વિશે નિર્ણય લેવામાં આવ્યો એટલી જ દૃઢતા અને હિંમતથી બળાત્કારીનો નિર્ણય થવો જોઈએ. એ કોનો સગો છે, કોનો દીકરો છે, કઈ પાર્ટીનો છે, એ બધું જ ભૂલીને એને બળાત્કારી તરીકે જ જોવામાં આવે તો કદાચ, ન્યાય થઈ શકે.

સુપ્રીમ કોર્ટ જો રામમંદિરનો નિર્ણય હિંમતપૂર્વક કરી શકે અને આખો દેશ એ નિર્ણયને આદરપૂર્વક સ્વીકારી શકે તો ભારતીય જનસમાજમાં સ્ત્રીની સલામતી અંગેના ચુકાદા પણ હિંમતપૂર્વક અને પ્રામાણિકપણે અપાવા જોઈએ. એન્કાઉન્ટર સામે ઊહાપોહ કરવાને બદલે એ ન થાય તે જોવાની જવાબદારી માનવ અધિકારપંચ કેમ લેતું નથી? બળાત્કાર પીડિતાના પિતાના મૃત્યુ વખતે કે નિર્ભયા કેસના બળાત્કારીની ફાંસીનો અમલ ન થાય ત્યારે માનવ અધિકારપંચ કેમ ચૂપ હોય છે?

‘શત્રુબુદ્ધિ વિનાશાય...’ ભારતીય પરંપરાની પ્રજ્જ્વલિત જ્યોતિ છે. શત્રુનો નહીં એની કુબુદ્ધિનો વિનાશ, એવું આપણાં શાસ્ત્રો અને જ્ઞાન શીખવે છે, પરંતુ આ શિખામણ ત્યારે જ કામ લાગે જ્યારે એ વિશેના પ્રયત્નો ન્યાયના સિંહાસન પર બેઠેલા અને ન્યાયની વ્યવસ્થા સાથે જોડાયેલા બધા જ ભયરહિત બનીને લાલચ વગર કરી શકે.

X
Encounter: is the direct result of our frustration

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી