એકબીજાને ગમતાં રહીએ / ઇમોશનલ ઈએમઆઈ : પહેલાં અને પછી

Emotional EMI: Before and After

Dainik Bhaskar

Jun 11, 2019, 08:03 AM IST

‘હું પ્રાઇવેટ પર્સન છું. તું જ્યાં જઈશ અને જે કરીશ એ બધું જ અખબારમાં છપાયા વગર રહેશે નહીં. તારી સાથે જીવવાનો અર્થ છે મારી અંગત જિંદગી ખતમ થઈ જશે.’ ડૉક્ટર હસનત ખાન કહે છે, પ્રિન્સેસ ઓફ વેઇલ્સ ડાયનાને, ફિલ્મ ‘ડાયના’માં.
‘હું પ્રસિદ્ધ છું એની ખબર તમને મારી સાથેના સંબંધમાં પ્રવેશતાં પહેલાં જ હતી. હું મારી જિંદગી કે વ્યક્તિત્ત્વને બદલી શકું એમ નથી, એ મારા હાથમાં જ નથી.’ ડાયના આંખમાં આંસુ સાથે આ વાત ડૉક્ટર હસનતનું પાત્ર ભજવતા નવીન એન્ડ્રુઝને કહે છે.
પ્રિન્સેસ ઓફ વેઇલ્સ, લેડી ડાયના, ડી તરીકે ઓળખાતી એક એવી સ્ત્રી, જે બ્રિટિશ ટેબ્લોઇડ્ઝ માટે મીઠાઈની દુકાન હતી! એ છીંક ખાય કે કોઈની સાથે સૂઈ જાય. દરેક વાત સમાચાર બની જતી. એ પોતે પબ્લિસિટી ઝંખતી હતી કે પબ્લિસિટીથી ભાગતી હતી એ વાત એના મૃત્યુ સુધી કોઈ સમજી શક્યું નહીં. બીબીસીને આપેલા પોતાના ઇન્ટરવ્યૂમાં એણે કહ્યું હતું, ‘અવર મેરેજ વોઝ બિટ ક્રાઉડેડ. ધેર આર થ્રી પીપલ ઇન ઇટ(અમારા લગ્નમાં જરા ભીડ થઈ ગઈ. એમાં ત્રણ જણાં હતાં માટે.)’ હવે આ ત્રણ જણાં કોણ એ વિશે બ્રિટિશ અખબારોએ જાતજાતની અને ભાતભાતની લોકવાયકાઓ વહેતી કરી હતી. જેમાંની એક અફવા, જે વર્ષો પછી સત્ય પૂરવાર થઈ એ હતી, લંડનમાં કામ કરતા હાર્ટ અને ફેફસાંના સર્જન ડૉક્ટર હસનત ખાન સાથેનો સંબંધ! કેટ સ્નેઇલ નામની બ્રિટિશ લેખિકા અને ફિલ્મ મેકરે ‘ડાયના : હર લાસ્ટ લવ’ નામના પુસ્તકમાં હસનત સાથેના સંબંધ વિશે કેટલીક ચોંકાવનારી હકીકતો લખી છે. એના પરથી 2013માં બનેલી ફિલ્મ ‘ડાયના’માં ઓસ્કર અભિનેત્રી નાઓમી વોટ્સ ડાયનાના રોલમાં રજૂ થઈ. એ આખી ફિલ્મમાં બે વ્યક્તિઓ વચ્ચેના સંબંધની એક એવી કથા કહેવામાં આવી છે, જેમાં કેટ સ્નેઇલ અને દિગ્દર્શક ઓલિવરે ડાયના અને હસનતના સંબંધની નાજૂક ગૂંચને સુંદર છતાં સંવેદનશીલ રીતે રજૂ કરી છે. બે જુદી પર્સનાલિટી અને તદ્દન જુદી માન્યતા ધરાવતાં બે જણાં ગમે તેટલો પ્રયાસ કરે, પરંતુ સંબંધને ટકાવી શકતાં નથી. ડાયના, પ્રિન્સ ઓફ વેઇલ્સ ચાર્લ્સથી જુદી પોતાનાં અંગત નિવાસમાં રહેતી હતી. ડાયનાની દોસ્તી હસનત સાથે થઈ, કારણ કે હસનતે એને કોઈ દિવસ અહોભાવથી, પ્રિન્સેસ તરીકે જોઈ જ નહીં! જાઝ મ્યુઝિકના શોખીન હસનત ખાન ઓપરેશન વખતે પણ સંગીત સાંભળતા.
ડાયના એમને ‘મિસ્ટર વન્ડરફુલ’ તરીકે સંબોધતી, એમ કહેવાય છે. ડાયનાના નિકટના મિત્રો એવો દાવો કરે છે કે એના જીવનમાં જો કોઈ એક વ્યક્તિએ એને સાચી રીતે ચાહી હોય તો એ ડૉક્ટર હસનત ખાન હતા. 2004 (ડાયનાના મૃત્યુ પછી)માં હસનત ખાને કોર્ટ સમક્ષ ડાયના સાથેના સંબંધની કબૂલાત કરી હતી. 1995ના ઉનાળામાં એ હસનત ખાનને પહેલી વાર મળી હતી. જૂન, 1997માં એ સંબંધ પૂરો કરવાની પહેલ ડૉક્ટર હસનત ખાને કરી હતી, પરંતુ એ હિંમતવાળા માણસે સપ્ટેમ્બર, 1997માં ડાયનાના અંતિમ સંસ્કારમાં હાજરી આપીને પોતાની લાગણી છુપાવ્યા વગર એની સાથેના સંબંધને સન્માન આપ્યું હતું! એમણે ડાયનાને એક સામાન્ય જીવન જીવવાની મજા શીખવાડી. એ પોતે સામાન્ય હતા અને લોકોથી દૂર સામાન્ય જિંદગી જીવવા માગતા હતા. શક્ય છે ડાયનાને થોડા વખત માટે એ જિંદગીમાં મજા આવી હોય, પરંતુ સમય જતાં એની પબ્લિસિટી માટેની ખેવના અને એના જીવનની કેટલીક મજબૂરીઓએ એને ઘેરી લીધી હોવી જોઈએ. હસનત સાથેના એના સંબંધો લંડનના ટેબ્લોઇડ્ઝ માટે ઉજાણી પૂરવાર થયા. હસનતે ડાયનાને સમજાવવાનો બહુ પ્રયાસ કર્યો હશે એવું પુસ્તક વાંચીને અને ફિલ્મ જોઈને લાગે છે.
હસનત ખાન પોતાની જિંદગી બંધ બારણાની પાછળ જીવવા માગતા હતા. જે ડાયના જેવા પબ્લિક ફિગર, પ્રસિદ્ધ વ્યક્તિ સાથે અસંભવ હતું. આ પ્રશ્ન ઘણા લોકો સાથે થતો હોય છે. જેને પ્રેમ કરતાં હોઈએ એ વ્યક્તિ સાથેનો સંબંધ શરૂ થાય, ત્યારે બધું જ સારું લાગે છે. આપણે એ વ્યક્તિને ઓળખતાં જ હોઈએ છીએ, એની નબળાઈઓ, એની સારાઈ બંને આપણને ખબર હોય છે. મોટાભાગના લોકો એ સમજણ અને જાણકારી સાથે જ સંબંધમાં દાખલ થતાં હોય છે, પરંતુ એક વાર સંબંધમાં પ્રવેશ્યાં પછી આપણે બધું આપણી રીતે ગોઠવવું હોય છે. એ વ્યક્તિને સંપૂર્ણપણે બદલવી કે આપણને અનુકૂળ કરી લેવી એ આપણી જરૂરિયાત જ નહીં, જીદ બની જાય છે. ફિલ્મ ‘ડાયના’માં આ વાત બહુ સરસ રીતે મૂકવામાં આવી છે. ડાયના પોતાના તરફથી સામાન્ય થવાનો અને જીવવાનો પૂરો પ્રયાસ કરે છે. એ એક વિગ બનાવડાવે છે, જેનાથી એના સોનેરી વાળ અને જાણીતી હેર સ્ટાઇલ સંતાઈ જાય. એ પોતાના બટલરની ગાડી લઈ હસનત સાથે કન્ટ્રી સાઇડ પિકનિક કરવા જાય છે. એનાથી જે કંઈ બની શકે તે બધું જ કરવા છતાં જે એના હાથમાં નથી એ વિશે કોઈ પણ વ્યક્તિ શું કરી શકે? ડાયના સાથે પણ કદાચ એમ જ થાય છે. હસનત જ્યારે એની સાથેના સંબંધમાં દાખલ થાય છે ત્યારે એ જાણે જ છે કે ડાયના પ્રસિદ્ધ છે. એ જ્યાં જશે ત્યાં એની પ્રસિદ્ધિ એની પાછળ આવશે જ અથવા તો એની પહેલાં પહોંચી જશે, પરંતુ એના પરિણામોની કલ્પના એમને પ્રેમમાં પડતી વખતે નથી,
કદાચ!
ડાયના જ શું કામ? વિશ્વની કોઈ પણ પ્રસિદ્ધ વ્યક્તિને પ્રેમમાં પડવાનો અધિકાર નથી? એની અંગત જિંદગી અને એની કારકિર્દીને જુદી નહીં રાખી શકાય તે વાત એને પ્રેમ કરનાર વ્યક્તિએ સમજવી જ પડે. પ્રસિદ્ધ વ્યક્તિ પોતે કદાચ એ બે જિંદગીઓને જુદી રાખવા માટે છે અને એ માટે પ્રયાસ પણ કરે છે, તો એ પ્રયાસની નોંધ લેવાની જવાબદારી એ વ્યક્તિની છે, જે એને પ્રેમ કરે છે. કોઈ આપણી અંગત જિંદગીમાં દખલ દે તો આપણે શું કરી શકીએ? ડાયનાના બીબીસીના ઇન્ટરવ્યૂ પછી ડૉક્ટર હસનતના ઘર પાસે ભેગા થયેલા પત્રકારોને જોઈને હસનતની મન:સ્થિતિ બદલાઈ જાય છે. એ ભૂલી જાય છે કે ડાયના ફક્ત એના માટેના પ્રેમને ખાતર છેક લાહોર, એના ઘર સુધી જવાની હિંમત દાખવી શકે છે.
આપણે બધા જ પ્રેમને ‘પ્રેમ’ તરીકે જોઈ શકતા જ નથી. આપણને પ્રેમ પણ આપણી ફ્રેમમાં ફિટ કરવો હોય છે. મુક્ત, વહેતો, સ્વતંત્ર, પાંખો ફફડાવતો, આકાશ માપી શકતો પ્રેમ મોટેભાગે કોઈને પચતો નથી. જેને પ્રેમ કરતાં હોઈએ એ વ્યક્તિએ આપણે બનાવેલી ફ્રેમમાં ફિટ થઈ જવું પડે, તો જ આપણે આપણો પ્રેમ ‘કન્ટિન્યૂ’ કરી શકીએ. નહીં તો એ સંબંધ પૂરો થઈ જાય! કેવી નવાઈની વાત છે! બધું જાણી, સમજીને સંબંધમાં પ્રવેશેલી એક વ્યક્તિ માટે ધીરે ધીરે એ સંબંધની નાની-નાની બાબતો મોટી થતી જાય, જે વાત સમજદારીથી નિભાવવાની હતી એ સમસ્યા બની જાય! સવાલ ફક્ત ડાયના કે હસનતનો નથી, વિશ્વભરના એવા લોકોના પ્રણયસંબંધનો છે, જેમણે પ્રેમમાં પડતી વખતે અને પ્રિયજનને પામી ગયા પછી બે જુદા સ્ટારન્ડર્ડઝમાં પોતાના સંબંધને તોળીને એને ગૂંચવી નાખ્યો હોય. પ્રેમમાં પડતી વખતે કોઈ વિચારતું નથી, એવું કહેવાય છે. એવું પણ કહેવાય છે કે, પ્રેમ કરાય નહીં, થઈ જાય છે, પરંતુ એ થઈ ગયેલા કે પ્રેમમાં વિચાર્યા વગર પડી ગયા પછી જે ગણતરી અને વિચાર શરૂ થાય છે, જે ગમા-અણગમા અને પસંદ-નાપસંદ વિશેની સમજણ વિકસે છે એ બધું એટલા માટે પછીથી થાય છે, કારણ કે આપણને ‘પ્રેમ’ શબ્દ સાથે જોડાયેલા મૂલ્ય અથવા પ્રાઇસટેગની ખબર નથી હોતી. એ સંબંધનું બિલ આવે ત્યારે સમજાય છે કે આના ઈએમઆઈ કેટલા મોટા હશે અને કેટલા બધા વર્ષો સુધી ભરવા પડશે.
બની શકે તો બીજી વ્યક્તિને એ સંબંધમાં ઘસડતાં પહેલાં આપણે સમજી લેવું જોઈએ કે એનું વ્યક્તિત્વ અને એની સાથે જોડાયેલી બીજી બાબતોને આપણે પચાવી શકીશું કે નહીં. એ પછી 2006માં હસનત ખાને હાદિયા શેર અલી સાથે લગ્ન કર્યાં, પરંતુ જુલાઈ, 2008માં એમણે ડિવોર્સ માટેના પેપર્સ ફાઇલ કર્યાં.
[email protected]

X
Emotional EMI: Before and After
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી