એકબીજાને ગમતાં રહીએ / પ્રતિક્ષા પછી જ પરીક્ષા થાય છે...

ek bijane gamta rahiye by kajal oza vaidya

  • ઝઘડો થાય છે એનો અર્થ એવો નથી કે સાથે નહીં જ રહી શકાય
  • મતભેદ છે એનો અર્થ એવો નથી કે સહજીવન અસંભવ છે

Divyabhaskar.com

Jul 09, 2019, 08:35 AM IST

હમણાંથી લગભગ રોજેરોજ ટ્વિટર ઉપર કે ગૂગલમાં રિશી કપૂરની તબિયતના અને એને ન્યૂયોર્કમાં મળતાં સ્ટાર્સના ફોટા પોસ્ટ થતા રહે છે. જેને લીધે પોતે ડિપ્રેશનનો શિકાર બની એવી દીપિકા પદુકોણ પણ અંતે રિશી કપૂરને જઈને મળી આવી ત્યારે લગભગ બધાંને લાગ્યું કે રિશી કપૂર કદાચ હવે છેલ્લા દિવસો ગણી રહ્યા છે. છેલ્લા આઠ-નવ મહિનાથી ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર લઈ રહેલા રિશી કપૂરના ફોટા એમના ચહેરા પર દેખાતા ઉત્સાહ અને શરીર પર દેખાતી બીમારીની સાક્ષી પૂરે છે. આમ તો અનેક સેલેબ્રિટીઝ છેલ્લા થોડા વર્ષમાં કેન્સરનો શિકાર બન્યાં. રાજેશ ખન્નાને આપણે ખોયા, પણ લિઝા રે, સોનાલી બેન્દ્રે, મનિષા કોઇરાલા, યુવરાજ સિંહ અને મળતા સમાચાર પ્રમાણે ઇરફાન ખાન પણ પોતાની ટ્રીટમેન્ટ પછી સાજા થઈને પાછા ફર્યા છે! સમાચાર મળે છે કે રિશી કપૂર પણ સપ્ટેમ્બરમાં પાછા ફરવાના છે. બોરિયા-બિસ્તરા સાથે આખેઆખું અસ્તિત્વ શિફ્ટ કરીને નીતુ સિંઘ કપૂર એમને આ કેન્સર સામેની લડતમાં મોરલ અને ફિઝિકલ સપોર્ટ પૂરો પાડી રહ્યાં છે.

22 જાન્યુઆરી, 1980માં એ બંને જણાંએ લગ્ન કર્યાં. એમનાં લગ્નને ચાર દાયકા પૂરા થવાની તૈયારીમાં છે. નીતુ સિંઘ, રિશી કપૂરના લગ્નમાં રેખાજી સિંદૂર પૂરીને દુલ્હાનની જેમ તૈયાર થઈને આવ્યાં હતાં એ વાતની કદાચ આજની પેઢીને ખબર નહીં હોય. કોન્ટ્રોવર્સી અથવા ચર્ચાનું ચકડોળ એ લગ્નની બારાતથી બરાબર ઘૂમ્યું હતું! લગભગ ચાર-પાંચ વર્ષના ડેટિંગ પછી રિશી કપૂર અને નીતુ સિંઘે લગ્ન કર્યાં. નીતુ સિંઘના શબ્દોમાં, ‘અમારી રિલેશનશિપ બહુ ઇનસિક્યોર હતી. રિશી દર મહિને નવી છોકરી સાથે જોવા મળતો. કેટલી બધી નવી હિરોઇનો સાથે એણે પેર બનાવવાની કોશિશ કરી. 1975માં હું એને ‘ખેલ ખેલ મેં’ના સેટ પર મળી હતી. હું માત્ર 17 વર્ષની હતી. રિશી કપૂર ખાનદાનનો દીકરો હતો. તેણે ઓલરેડી ‘બોબી’ જેવી સુપરહિટ ફિલ્મ આપી હતી. છોકરીઓ એની દિવાની હતી. સ્વાભાવિક છે કે મને એના તરફ આકર્ષણ થાય. ડેટિંગનો એને કોઈ વાંધો નહોતો, પણ હું તો મિડલક્લાસ શીખ પરિવારમાંથી આવતી હતી. મારું શિક્ષણ પણ સ્ટુડિયોમાં જ થયું. બેબી સોનિયા તરીકે 8 વર્ષની ઉંમરથી હું કામ કરતી હતી. રિશીનું અંગ્રેજી, સ્ટાઇલ અને જીવનશૈલી અમારાથી સાવ જુદાં.’

રિશી-નીતુના જીવનની કથા સિન્ડ્રેલાની પરીકથા જેવી છે. ‘દો કલિયાં’ ફિલ્મમાં એણે ડબલ રોલ કરીને એવોર્ડ મેળવ્યો. એ પછી નીતુ સિંઘ ‘બેબી સોનિયા’ના નામે ફિલ્મોમાં કામ કરતી હતી. ‘રિક્શાવાલા’ (1973)માં એણે હિરોઇન તરીકે પહેલી ફિલ્મ કરી. લગભગ 50 ફિલ્મોમાં કામ કર્યા પછી 1980માં લગ્ન કરીને 1983 સુધી એણે બધી ફિલ્મો પૂરી કરી નાખી. એ પછી 2009 સુધી એમણે સંતાનો અને ઘરની જવાબદારી સ્વીકારી. ફિલ્મોમાં કામ ન કરવા છતાં એમની લોકચાહનામાં કોઈ ફેર પડ્યો જ નહીં, એ નવાઈની વાત નથી? 2009માં ‘લવ આજકલ’ ફિલ્મમાં નાનકડો ગેસ્ટ અપિયરન્સ કરીને એમણે કારકિર્દીની ફરી શરૂઆત કરી.

નીતુ સિંઘ ભારતીય સ્ત્રી, પત્ની, મા, દીકરી, બધાં જ રોલમાં પરફેક્ટ બેસે એવું જીવન જીવી રહ્યાં છે એમ કહીએ તો ખોટું નથી. દીકરી રિદ્ધિના સંતાનો સાથે એમની તસવીર જોઈએ તો, એમનું ‘નાની’ સ્વરૂપ પણ સ્નેહાળ અને વહાલસોયું દેખાયું. કેન્સર સાથે લડી રહેલા પતિની પડખે મજબૂતીથી ઊભી રહેલી આ સ્ટ્રોંગ ભારતીય સ્ત્રીએ ક્યારેક આ જ પતિની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી! સંબંધો વિશે ખરેખર નીતુ કપૂર પાસે ઘણું શીખવાનું છે. આ એ સ્ત્રી છે કે જેણે પોતાના પતિ સામે એની સાથેના મતભેદ વખતે અવાજ ઊઠાવ્યો હતો, પરંતુ જ્યારે એને તકલીફ પડી કે એના જીવનમાં સમસ્યા આવી ત્યારે બાજુમાં ઊભી રહી!

આજે કદાચ રિશી કપૂરને સમજાતું હશે કે, નીતુ સાથે લગ્ન કરવાનો પોતાનો નિર્ણય કેટલો સાચો અને યોગ્ય હતો! કેટલીક વાર લગ્નજીવનના શરૂઆતનાં વર્ષો અઘરા અને મુશ્કેલ લાગે. બે લોકો એકબીજાંને નથી સમજતાં કે એકબીજાં સાથે નથી ગોઠવાઈ શકતાં એવી સમસ્યા પણ કદાચ શરૂઆતના વર્ષોમાં યુગલને નડે. ઝઘડો થાય છે એનો અર્થ એવો નથી કે સાથે નહીં જ રહી શકાય. મતભેદ છે એનો અર્થ એવો નથી કે સહજીવન અસંભવ છે. જુદા જુદા ઘરમાં જન્મેલાં અને જુદા જુદા ઉછેરમાંથી આવતાં, જુદી માન્યતા ધરાવતાં બે જણાં સાથે રહેવાનું શરૂ કરે ત્યારે સ્વાભાવિકપણે કેટલીક મુશ્કેલીઓ નડે. ભોજનથી શરૂ કરીને જીવનશૈલી સુધી ઘણી બાબતો એવી હોય છે જેને કારણે બે જણાં એકબીજાની સાથે સંઘર્ષમાં ઉતરે. ભારતીય લગ્નો સામાન્ય રીતે બે પરિવારો વચ્ચે કરવામાં આવે છે.

એક જ જ્ઞાતિના, ગોરના કે ઓળખીતા પરિવારના બે જણાં પણ જ્યારે લગ્ન કરે ત્યારે સમસ્યા નહીં જ થાય એવું વચન આપવું શક્ય નથી. એકબીજાને ઓળખવા માટે કોફીશોપના ટેબલની સામસામે બેસીને ડાહી ડાહી વાતો કરવી પૂરતી નથી જ, એવું આજની પેઢી સમજી શકી છે, સમજી રહી છે! માતા-પિતા ત્રણ-ચાર મીટિંગ પછી પ્રેશર કરવા માંડે છે, ‘હવે જવાબ આપવો પડશે’ આવા સમયે કેટલીક વાર છોકરાંઓ એવું વિચારીને હા પાડે છે કે, ‘ફરી કદાચ આવી છોકરી નહીં મળે’ કે ‘આવો છોકરો, પરિવાર અને ઓફર ફરી નહીં આવે’ પરંતુ આ કોઈ ડીલ નથી, નોકરીની કે ધંધાની ઓફર નથી. જિંદગીનો સવાલ છે. સૌથી પહેલાં તો માતા-પિતાએ આવું પ્રેશર ન કરવું જોઈએ. છોકરાઓને નિર્ણય કરવા માટે એમનો સમય લેવા દેવો જોઈએ. ચાર-છ વાર સાથે ફર્યા પછી કે આઠ-દસ મીટિંગ પછી કદાચ બેમાંથી એકને યોગ્ય ન લાગે તો એ વિશે સમાજને વચ્ચે લાવ્યા વિના સંતાનોને તેમનો નિર્ણય લેવા દેવાની સમજણ અને ઉદારતા માતા-પિતાએ કેળવવી જ રહી.

એક વાર લગ્ન થઈ ગયાં પછી દરેક યુગલે પણ સમજવું પડે કે આ કોઈ પિક્ચરની ટિકિટ નથી કે ફાડી નખાય. આ કોઈ ખોટી ખરીદી નથી કે એક્સચેન્જ કરીને લેવાય. આ સંબંધ છે, જિંદગીનો મહત્ત્વનો સંબંધ. એને એમ ફેંકી દેવાથી આપણા અસ્તિત્વનો એક હિસ્સો કપાઈ જતો હોય છે. ભારતીય ઉછેરમાં હજી પણ લગ્ન મહત્ત્વની ઘટના છે. સોળ સંસ્કારોમાંના એક, લગ્ન છે. ધામધૂમથી ઊજવણી કરીને કેટલાય લોકોને સાક્ષી બનાવીને બે જણાં સાથે જીવવાનું નક્કી કરે ત્યારે એ સંબંધની જડ - મૂળ છેક ભીતર સુધી ઊતરી જતાં હોય છે. નવી પેઢીના છોકરાઓ જ્યારે ડિવોર્સની વાત કરે, ત્યારે એ જેટલી સ્વાભાવિક્તાથી છૂટા પડવાનો નિર્ણય કરે છે એટલી સ્વાભાવિક્તાથી પછીની જિંદગી જીવી શકતા નથી. માતા-પિતાને એમની એકલતાની ચિંતા થાય છે.

કેટલીક વાર ઇમોશનલ છોકરીઓ પરિણીત પુરુષ સાથેના સંબંધમાં લપેટાય, તો ક્યારેક ઇમોશનલ પુરુષો પરિણીત કે મોટી ઉંમરની સ્ત્રીના સંબંધમાં લપેટાય. આ બધું અંગત રીતે ઉઝરડા આપી જાય છે. આપણને લાગે છે, ‘એમાં શું?’ પરંતુ સત્ય એ છે કે ઇમોશનલ માણસ ભાગ્યે જ દુ:ખી થયા વગર પોતાનો સંબંધ પૂરો કરવાની હામ અને તાકાત કેળવી શકે છે. કોઈ કારણ વગર આપણે સંબંધોને ઝડપથી પૂરા કરવા ઉતાવળા થઈ જઈએ છીએ. દરેક સંબંધ પાસે પોતાની શક્યતા અને સંભાવનાઓ રહેલી જ હોય છે. આપણે એને એક્સપ્લોર કરવાની શક્યતાઓને છોડી દઈએ છીએ, કારણ કે આપણામાં એ સંબંધને ક્યાંક પહોંચાડવાની ધીરજ હવે ખૂટી ગઈ છે. ધીરજથી, શાંતિથી અને સમજણ સાથે કશુંક ઉછેરવાનો આખો વિચાર જ આપણે બાજુએ મૂકી દીધો છે.

નીતુ કપૂરનો જન્મદિવસ ગઈ કાલે હતો. એમને 60 વર્ષ પૂરાં થયાં છે. સાઠે બુદ્ધિ નાઠીને બદલે સાંઇઠ વર્ષની ઉંમરે પહોંચેલી આ ઠરેલ, સમજદાર અને મજબૂત સ્ત્રીએ પોતાના લગ્નજીવન અને અંગત જીવનને જે રીતે હેન્ડલ કર્યું છે, એમાંથી આપણે ઘણું શીખવાનું છે. માત્ર સ્ત્રીઓએ જ નહીં, પુરુષોએ પણ શીખવાનું છે કે, અવાજ ઉઠાવતી કે વિરોધ કરતી પત્નીને ધિક્કારવાને બદલે જરૂરતના સમયે એની આ બીજી બાજુ ઉઘડે ત્યાં સુધી સંબંધને પૂરેપૂરો જાણવાની ને માણવાની પ્રતિક્ષા કરવી જોઈએ.

X
ek bijane gamta rahiye by kajal oza vaidya
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી