આપ મોટાપે સે પરેશાન હૈ? હમારા સ્વેટિંગ બેલ્ટ...’થી શરૂ કરીને બેરિયાટ્રિક સર્જરી સુધીની જાહેરાતો રોજ ટીવી, સોશિયલ મીડિયા અને અખબારોમાં જોવા મળે છે. શું કરવાથી વજન ઊતરે એ વિશેનાં કેટલાંય સજેશન ગૂગલ અને યુટ્યૂબ ઉપર રોજ અપલોડ કરાય છે. લગભગ દરેક ભણેલા અને અપસ્કેલ જિંદગી જીવતા માણસને હવે ‘ફિટ’ થવું-દેખાવું છે. કાર્બલેસ ડાયટ, જીએમ ડાયટ, કીટો ડાયટ... પહેલાં ક્યારેય નહોતા સાંભળ્યા એવા શબ્દો આપણે અવારનવાર સાંભળતાં થયાં છીએ. ગ્રીન ટી પીવાથી વજન ઊતરે, કોન્ફ્લેક્સથી વજન ઊતરે. કેટલીયે જાહેરાતો માથે મારવામાં આવે છે ને આપણામાંના ઘણા હોંશે હોંશે આ માર્કેટિંગની ગિમિક્સના શિકાર બને છે. કરીના કપૂરે ઝીરો ફિગર બનાવીને એક મિશાલ કાયમ કરી દીધી. લગભગ દરેક છોકરીને એવું લાગ્યું કે આ જ સાચું ફિગર છે. કેટરીનાનું ફ્લેટ પેટ કે દીપિકા પદુકોણના લાંબા લિસ્સા પગ આપણા બધા માટે ઇન્સ્પિરેશન છે, કદાચ! હવે તો મિસીસ ઇન્ડિયા, મિસીસ વર્લ્ડની કોન્ટેસ્ટ થાય છે. બે છોકરાની મા પોતાના અદ્્ભુત ફિગર સાથે પોતાની ‘હેલ્થ ટિપ્સ’ શેર કરે છે...
આ બધાને કારણે જેનું વજન વધારે છે એવા કેટલાય લોકો કોમ્પ્લેક્સનો શિકાર બન્યા છે. ઓબેસિટી કે જાડાપણું કે ચરબી કે બેડોળ શરીર એ આજના સમયનો સૌથી મોટો પ્રશ્ન છે. ગ્રીક ગોડ જેવું શરીર ધરાવતી મોડેલ્સ, ફિલ્મસ્ટાર્સ, અભિનેત્રીઓ અને રેમ્પ વોક કરતી સુંદર છોકરીઓ જોઈને લગભગ દરેકને લાગે છે કે એમણે પહેરેલાં કપડાં આપણા શરીર ઉપર પણ એવાં જ લાગશે. સ્વાભાવિક રીતે એવું થતું નથી. અહીંથી શરૂ થાય છે ‘ઇન્ફિરિયારિટી’. આ લઘુતાગ્રંથિ ધીમે ધીમે વ્યક્તિને પેલા શરીર જેવું પરફેક્શન અચીવ કરવા ઉશ્કેરે છે. બીજી તરફ આ કામ એટલું સરળ નથી એટલે સ્ટિરોઇડ, પ્રોટીન પાવડર, એનર્જી ડ્રિંક અને ફૂડ સપ્લિમેન્ટ જેવી વસ્તુઓ બજારમાં આવે છે. બહુ નવાઈની વાત છે કે આપણે બધા અખબારોમાં અને ગૂગલ ઉપર આ ફૂડ સપ્લિમેન્ટ્સની કે પ્રોટીન પાઉડર-સ્ટિરોઇડ્સની આડઅસર વિશે વાંચીએ છીએ, તેમ છતાં પેલું ‘અદ્્ભુત’ શરીર આપણને આકર્ષે છે. ગુજરાતી જીવનશૈલી જરા જુદી છે. વઘાર, તળેલું, રોટલી પરનું ઘી અને ગળપણ ફરસાણ સાથેનું આપણું રોજિંદુ ભોજન અને બેઠાડુ જીવનનું કોમ્બિનેશન આપણને બહુ ધીમે, પણ ઓબેસિટી તરફ ધકેલે છે. લાઇફસ્ટાઇલ ડિસીઝમાં એનું નામ મોખરે છે. બહુ ઓછા લોકોને ખબર છે, પરંતુ વજન વધવાનું મુખ્ય કારણ ઓછી ઊંઘ અને કસમયનું ભોજન છે. ઓછી ઊંઘ અને કસમયના ભોજનનું કારણ સ્ટ્રેસ છે અને સ્ટ્રેસનું કારણ આજનો હરીફાઈનો, કટ થ્રોટ કોમ્પિટિશનનો સમય છે! માણસ માત્ર પાસે બીજાથી વધુ હોવું જોઈએ એવો દરેકનો હઠાગ્રહ છે. આ હઠાગ્રહને કારણે મોટાભાગના માણસો બિનજરૂરી સ્ટ્રેસ નોતરે છે. પૈસા અને સગવડો આપણને હંમેશાં ઓછી લાગે છે, કારણ કે આપણાથી બેટર લોકો સાથે આપણી સરખામણી કરીએ છીએ. સતત દેખાડવા માટે અને સાબિત કરવા માટે જે જિંદગી જિવાય છે એ જિંદગીમાં સમસ્યા સિવાય બીજું કંઈ રહેતું નથી.
ઓછી ઊંઘને કારણે શરીરનો વાયુ ઇમ્બેલેન્સ થાય છે. કસમયના ભોજનને કારણે પાચન બરાબર થતું નથી. અપાચ્ય ખોરાક ખવાય છે, વાસી-મેંદો અને પ્રિઝર્વેટિવવાળું ખાવાનું કાચો આમ જમા કરે છે. જેમાંથી વાયુ થાય છે. આ બધાને કારણે સીધી અસર લોઅર એબ્ડોમેન પર થાય છે. દુંટીની નીચે ચરબીનો એક આખો પટ્ટો ધીમે ધીમે જમા થતો જાય છે, જે ઓબેસિટીની પહેલી નિશાની છે. ઝૂકવાનું, વળવાનું કે નીચા નમીને કામ કરવાનું, જમીન પર બેસવાનું હવે ઓછું થતું જાય છે. જે શરીર લચીલાપણું ગુમાવે છે એ ઓબેસિટી તરફ વળે છે. કમ્પ્યૂટર અને સોશિયલ મીડિયા, સેલફોનને કારણે હવે આપણાં જીવન બેઠાડુ થતાં જાય છે. રિમોટ કંટ્રોલ અને લગભગ દરેક ચીજ મશીનથી કામ કરવા લાગી છે ત્યારે મહેનતનું પ્રમાણ સાવ ઘટી ગયું છે. નવાઈની વાત એ છે કે જે સ્ત્રી-પુરુષ વજન ઉતારવા માટે જિમ જાય છે એમને ઘરમાં કામ કરવામાં આળસ આવે છે. પાંચસો મીટર ચાલીને દૂધ, દહીં કે ટામેટાં લેવા જવાનું ટાળે છે. જે લોકો ડાયટ કરે છે એ બધા અજાણતાં જ ડિપ્રાઇવ થાય છે. કોઈ આપણી સામે ભાવતી વસ્તુ ખાતું હોય તો એક તરફનું મન એ ખાતા રોકે છે, કારણ કે આપણે ખૂબ મહેનત કરીને વજન ઉતારવાના પ્રયાસો કરી રહ્યા હોઈએ છીએ. તો બીજી તરફ, ભાવતા ભોજનને કારણે આપણી સલાઇવા એ ભોજન માગે છે. આપણે ડિપ્રાઇવ કે વંચિત રહ્યાની લાગણી થાય છે. જે આપણને નિરાશા અથવા ડિપ્રેશન તરફ ધકેલે છે. જે જોઈએ છે તે નથી મળતું, એવું આપણા મનને લાગે છે. આપણું કોન્શિયસ અથવા સજાગ મન ભાવતી વસ્તુ નહીં ખાવા માટે દબાણ કરે છે, જ્યારે સબકોન્શિયસ અથવા અજાગૃત મન એ માગે છે. બંને વચ્ચે સંઘર્ષ થાય છે અને આ સંઘર્ષ ફરી એકવાર સ્ટ્રેસ તરફ દોરી જાય છે. પરાણે કરેલી કોઈ પણ પ્રવૃત્તિ પાણી જેવી હોય છે. એક જગ્યાએથી રોકીએ તો એ બીજી તરફથી પોતાનો રસ્તો શોધી લે છે. આ અનુભવ સૌનો હશે કે ડાયટિંગ કરતી વ્યક્તિ વધુ ચીડચીડી અને તંગ મનોદશા ધરાવતી હોય છે. આપણે અજાણતાં જ મન ઉપર જે અત્યાચાર કરીએ છીએ એના પરિણામ સ્વરૂપ મન પણ અજાણતાં જ એ અત્યાચારની સામે વિદ્રોહ કરતું થઈ જાય છે. અત્યંત મહેનત અને ક્રેશ ડાયટથી ઉતારેલું વજન જેવું નોર્મલ ભોજન ખાવાનું ચાલુ થાય કે તરત બમણી ઝડપે વધે છે, આનું કારણ એ છે કે જે મનને અત્યાર સુધી સતત બંધનમાં રાખ્યું એ જેવું છુટ્ટું થાય એવું તૂટી પડે છે. ગમે કે ન ગમે, પણ આ સત્યને આપણે સમજવું જોઈએ. આનો રસ્તો શું? આનો સરળ રસ્તો એ છે કે જે ભાવે તે ખાવું, સ્વાદ પૂરતું. પેટ ભરીને નહીં. પેસ્ટ્રી ભાવતી હોય તો એક ચમચી-આઇસ્ક્રીમ ભાવતો હોય તો ચાર-પાંચ ચમચી, ભજિયાં કે દાળવડાં ભાવતાં હોય તો બે કે ત્રણ. સ્વાદનો સંતોષ થાય ને પેટને ભાર ન પડે! બીજી મહત્ત્વની વાત એ છે કે રોજિંદા જીવનમાં કસરત અને ચાલવાનું પ્રમાણ વધારવું જોઈએ. કસરત કરવાથી શરીરની નેગેટિવિટી-ડિટોક્સ થાય છે. પરસેવાની સાથે શરીરનો કચરો નીકળે છે. નેગેટિવિટી ઓછી થાય એટલે સ્ટ્રેસ ઘટે. વળી, થાક લાગે એટલે સમયસર ઊંઘ આવે. સમયસર ઊંઘી જઈએ તો કસમયની ભૂખ ન લાગે અને પાચન થાય એટલે કારણ વગરનો કાચો આમ શરીરમાં જમા ન થાય.
હમણાં થોડા સમયથી ઘણી બધી ફિલ્મોમાં જ્યારે અભિનેત્રીને સ્ટ્રેસ થાય, સંબંધનું કે ઇમોશનનું ત્યારે એ ચોકલેટ, કેક, આઇસક્રીમ ખાય છે. આ સાવ નવી શોધ છે. ગળ્યું ખાવાથી સિરોટીનીન અને ડોપામાઇનનું લેવલ ઊંચું આવે છે. આપણને રિજેક્ટેડ કે દુઃખ લાગતું હોય તો ગળ્યું ખાવાથી મૂડ સુધરે છે એવી શોધ પશ્ચિમ તરફથી આવી છે. આપણા દેશમાં ડાયટિંગ નામનો કોન્સેપ્ટ કદી હતો જ નહીં. રાવણની પત્ની ‘મંદોદરી’ના નામનો અર્થ છે, મંદ-ઉદરી, જેનું પેટ, કટિ પાતળી છે એવી! દ્રૌપદીને દ્યુતમાં મૂકતી વખતે યુધિષ્ઠિર એનું જે વર્ણન કરે છે એમાં પણ એના ફ્લેટ પેટ અને પાતળી કમરની વિગતો છે, પાંચ પુત્રોની મા હોવા છતાં! ખજૂરાહોનાં શિલ્પમાં જોઈએ તો આ દેશમાં ક્યારેય પાતળી-પટપટિયા જેવી સ્ત્રીને સુંદર માનવામાં આવી નથી. પાતળી સ્ત્રીનો વિચાર જ પશ્ચિમથી આવ્યો છે, કારણ કે એ દેશનાં વસ્ત્રો પણ પાતળી સ્ત્રીને શોભે એવાં છે. આપણા દેશમાં ઉત્તરીય અને કંચુકીની સાથે કમરથી નીચે પહેરાતી ધોતી કે ચણિયાચોળી કે સાડી કે પટિયાલા જેવાં વસ્ત્રો બહુ પાતળી સ્ત્રીને શોભે એવાં છે જ નહીં! આ પાતળાપણાનું બિનજરૂરી પ્રેશર ગ્લેમર વર્લ્ડમાંથી રોજિંદા જનજીવનમાં ઊતરી આવ્યું છે.
જે કરીના કપૂરે ઝીરો ફિગર બનાવીને જબરજસ્ત પબ્લિસિટી મેળવી એ જ કરીના કપૂરે થોડા દિવસ પહેલાં કરન જોહરના શો પર સ્ટેટમેન્ટ કર્યું, ‘મેન લાઇક ફ્લેશ (પુરુષોને માંસ ગમે છે) ઓન્લી ડોગ્સ રન ફોર બોન્સ (માત્ર કૂતરાં જ હાડકા પાછળ દોડે છે.)’ આજે એક અને કાલે બીજી વાત કરનારા આ માર્કેટિંગ અને પબ્લિસિટીના માણસો કારણ વગર આપણને આપણા આત્મવિશ્વાસમાંથી હચમચાવે છે. શરીર કેવું છે એના કરતાં વધુ મહત્ત્વ સ્વભાવ અને સમજ કેવી છે, એનું હોવું જોઈએ. ‘દમ લગા કે હઇસા’ જેવી ફિલ્મ આ જ વાત સમજાવવાનો પ્રયત્ન કરે છે. આપણે બધાં પેકેજિંગ અને દેખાવના માણસો બની ગયા છીએ, અંદર રહેલી પ્રોડક્ટની ક્વોલિટી વિશેની સભાનતા ઘટતી જાય છે.
પાતળા હોવું, સુદૃઢ હોવું, ફિટ હોવું સરસ વાત છે. એ માટે પ્રયત્ન કરતા રહેવું એ વધુ સારી વાત છે, પરંતુ ફક્ત એટલું જ અગત્યનું છે એમ માનીને જિંદગીનાં સુખોને અળગાં રાખીને સતત વંચિત ચીડચીડિયા અને દુઃખી રહેવાનો શો અર્થ છે?
kaajalozavaidya@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.