તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂપ! જરાક પણ સાચું બોલ્યા છો તો...

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

એક કોન્વોય પસાર થઈ રહ્યો છે. સૂમસામ રસ્તા પર બે હજાર લોકો ગાતાં, વાતો કરતાં, પોતાના સ્વજનનો વિચાર કરતાં, કોઈકને યાદ કરતાં ને મનોમન જિંદગી વિશેના  સ્વપ્ન પ્લાન કરતાં જઈ રહ્યા છે ત્યારે અચાનક એક ધડાકો થાય છે. ગોળીઓનો વરસાદ વરસે છે. 40 લોકો પોતાનો જીવ ખોઈ બેસે છે.
એમનું તો મૃત્યુ થયું જ, પણ સાથે આ દેશના ગૌરવનું પણ મૃત્યુ થયું છે. જે લોકો આપણને પ્રોટેક્ટ કરે છે, જેને કારણે આપણે શાંતિથી આપણાં ઘરોમાં સૂઈ શકીએ છીએ, આપણી બહેન-દીકરીઓને સલામત રાખી શકીએ છીએ એ લોકોને કોઈ એટેક કરે, મારી નાખે ને એ પણ કોઈ ગુના વગર. છતાં આપણી જિંદગીઓમાં કંઈ ફેર ન પડે તો માનવું કે આપણે હવે જાડી ચામડીના અને નપુંસક થઈ રહ્યા છીએ. નીતિન રાઠોડ, વિજય બેરંગ, મનિન્દરસિંહ, ભગીરથસિંહ, સંજયકુમાર સિંહા, અમિતકુમાર, હેમંત રાજ, ગુરુદત્ત. આવા ચાલીસ અને એક ચિત્રેશ બિષ્ટ શેનો ભોગ બન્યા છે?

આપણા ભય અને ભીરુતાનો. એમની મા, બહેન, પત્નીઓના વીડિયો વાઇરલ થાય છે ને આપણે પણ આ વીડિયો વાઇરલ કરતી વખતે આંખમાં આંસુને બદલે ગોસિપ અને સમાચાર તરીકે જ ફોરવર્ડ કરીએ છીએ, ત્યારે મારે પૂછવું છે કે સમાચાર જોતાં જોતાં આપણે ચા પી શકીએ છીએ, જમી શકીએ છીએ. એનો અર્થ જ એ છે કે આપણું રુવાડુંયે ફરક્યું નથી. આમાં આપણો દીકરો નથી, આપણો ભાઈ, પતિ કે પિતા નથી એટલે આ આપણા માટે એક સમાચાર છે. ‘અરેરે! બિચારા’થી વધુ આપણે કંઈ જ કરવાના નથી.
આપણે અભિપ્રાયના લોકો છીએ. પ્રયાસ કે પુરુષાર્થના માણસો જ નથી. સુંવાળા સોફામાં બેસીને અભિપ્રાય આપવાનું આપણને અનુકૂળ છે, ઊભા થઈને મોરચે વળી કોણ જાય? થોડા વખત પછી કોઈ કાશ્મીર જશે ત્યારે એમને ‘પુલવામા’ જોવું હશે! અચ્છા! અહીં થયેલું, એમ ને? બસ? આપણી ભીતર કશું હચમચતું નથી, કંઈ વલોવાતું નથી. નિર્ભયા હોય કે પુલવામા, આપણા માટે એનું આયુષ્ય 8-10 દિવસના ફેસબુક અપડેટ અને દલીલબાજીથી વધુ નથી.

એમાં વળી જો કોઈ એક વ્યક્તિ પોતાનો અભિપ્રાય આપે, કદાચ એના અભિપ્રાયમાં થોડુંક વજૂદ હોય તો એને તોડી-મરોડીને સરકારની વિરુદ્ધમાં કે ફેવરમાં કેવી રીતે ગોઠવી દેવું એની જ ફિરાકમાં છીએ આપણે? દરેક માણસ કાં તો મોદીભક્ત હોય ને કાં તો મોદી વિરુદ્ધ હોય. એ સિવાયનો કોઈ અભિપ્રાય હોઈ શકે જ નહીં? આ ઘટના વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે દુ:ખ વ્યક્ત કર્યું ને રાહુલ ગાંધી, વિપક્ષના નેતાઓ ત્યાં હાજર રહ્યા ત્યારે ગ્રેસ જાળવ્યો. એ કહી શક્યા હોત કે મને આ પ્રસંગે વિપક્ષના નેતાઓની હાજરી નથી જોઈતી, પરંતુ એમણે મૃત્યુનો મલાજો જાળવ્યો.

દેશના દરેક નાગરિકને પોતાનો આદર અને સન્માન વ્યક્ત કરવાની છૂટ છે એવું જો એકબીજા સામે લડી રહેલા બે રાજનેતાઓને સમજાતું હોય તો આપણને કેમ નથી સમજાતું? આપણે શા માટે બધી વાતને રાજકીય રંગ આપવા ઉતાવળા થઈ જઈએ છીએ?
ટીવી9 પર મુકાયેલા મારા એક વીડિયોમાંથી એક જ વાક્ય શોધીને અંડરલાઇન કરવામાં આવ્યું. એ વાક્ય સરકાર વિરુદ્ધ છે એવું તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું. કેમ? કારણ કે સહુને મોદીજીના વહાલા થવું છે. ‘સાહેબ’ને દેખાડવું છે કે એ કેટલા વફાદાર છે અને બીજા કેટલા બેઇમાન અને બેવફા. હું જ્યાં સુધી સમજુ છું, માનું છું ત્યાં સુધી મોદીજીને પોતાનો આગવો અભિપ્રાય છે. જો ન હોય તો દેશના પ્રધાનમંત્રી થઈ શકે જ નહીં. આવા સમાચારોનું સત્ય અને બેવકૂફી એમને સમજાય જ છે, આ વાત વહાલા થનારને નથી સમજાતી?
આપણે બધાં જ ધીરે ધીરે કોઈ પણ પ્રકારના સ્ટેન્ડ વગરના માણસો બની ગયા છીએ. ગઈ કાલ સુધી જે લોકો મુકેશ અંબાણીની દીકરીનાં લગ્નમાં એણે કરેલા ખર્ચ વિશે ભાતભાતનું કહેતા હતા, લખતા હતા એ બધા અચાનક મુકેશ અંબાણીના પક્ષમાં બેસી ગયા છે. કેમ? કારણ કે એણે સૈનિકોના પરિવારની જવાબદારી લીધી. એના પૈસા, એણે દીકરી પરણાવી ને પછી બીજા માટે પણ ખર્ચવા તૈયાર છે ત્યારે એના વિશે કોઈપણ અભિપ્રાય આપતા પહેલાં એકાદ ક્ષણ રોકાવું જોઈએ એવું આપણને નથી લાગતું?

પ્રસંશા અને નિંદા બંનેમાં આપણે ઉતાવળ કરી નાખીએ છીએ, કારણ કે ફેસબુક ઉપર બધા આપણને વાંચે, ઓળખે, લાઇક આપે ને આપણી ચર્ચા થાય એવી આપણી અદમ્ય ઝંખના હોય છે. ફેસબુકની આખી દુનિયા જ એકબીજા સાથે યુદ્ધ કરવાની દુનિયા છે. ફ્રસ્ટ્રેશન કાઢવાની દુનિયા છે. બધાને પોતાની ભીતર ઉકળી રહેલા ચરુ બીજાના આંગણામાં ઠાલવવા છે, કેમ? ખબર નથી.
સોશિયલ મીડિયા એવું માધ્યમ છે જેનો ઉપયોગ પબ્લિક અવેરનેસ માટે કરી શકાય. સાચી જાણકારી, માહિતી અને બીજી કેટલીયે બાબતો સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડી શકાય એને બદલે આપણે કોને પછાડી શકાય, બદનામ કરી શકાય, તોડી-મરોડી શકાય એના માટે સોશિયલ મીડિયા વાપરતા થઈ ગયા છીએ. કારણ એ છે કે આપણે ભીતરથી એટલા કડવા છીએ કે હવે આપણી કડવાશ આપણાથી જીરવાતી નથી. કોઈ પણ માણસ સહેજ સફળ હોય કે એના અભિપ્રાયનું મહત્ત્વ વધતું લાગે કે તરત જ એનો ટાંટિયો કેમ તોડવો એની પેરવી થવા લાગે છે. કોઈને આગળ નથી વધવું, બીજાને આગળ વધતા રોકવા છે. હું તો નિરાશ છું જ, પણ તમે કેવી રીતે આશા રાખી શકો? આ કયા પ્રકારની માનસિકતા છે? 
એક બીજો કિસ્સો પણ અહીં ટાંકવો છે. હૈદરાબાદ એરપોર્ટ ઉપર એક બહેને મને પૂછ્યું, ‘તમે એફબીવાળાં બહેન છો?’ મેં નમ્રતાથી કહ્યું, ‘જી.’ ફ્લાઇટ પકડવાની ઉતાવળ, કપડાં બદલવાં હતાં, બાથરૂમ જવું હતું ને ભૂખ પણ લાગી હતી. એમણે સેલ્ફી માગી. મેં કહ્યું, ‘બાથરૂમમાં હોય બહેન, જરા વિચાર તો કરો.’ એમની સાથે એમની યુવાન પુત્રવધૂ હતી. એમણે ઝઘડો કર્યો એટલું જ નહીં, મને ધમકી આપી, ‘સી યુ ઓન એફબી.’ જાણે ફેસબુક કોઈ યુદ્ધનું મેદાન હોય! આ કયા પ્રકારની ધમકી છે? આ કઈ દિશામાં છીએ આપણે?

આપણું ધાર્યું ન થાય કે કોઈ એક વ્યક્તિને નીચી પાડવી હોય, બદનામ કરવી હોય તો આપણે સોશિયલ મીડિયાનો સહારો લઈએ?
ધીરે ધીરે આપણે એવા જગતમાં પ્રવેશી રહ્યાં છીએ કે જ્યાં માણસ સાચું બોલતા, અભિપ્રાય આપતા કે નિષ્ઠાપૂર્વકનું વર્તન કરતા અચકાવા લાગશે. આપણને સૌને ફક્ત સારું સાંભળવું છે, સાચું નથી સાંભળવું. અર્થ એ થયો કે માણસે સારું જ બોલતા રહેવું, પ્રશંસા જ કરતા રહેવું, ચાપલૂસી જ કરતા રહેવું.

જો કોઈ એની વિરુદ્ધ ગયું તો એનું આવી બને. આપણે ગાંધી અને સરદારના દાખલા દઈએ છીએ, પરંતુ એ તો વિરોધીઓને માન આપનારા હતા. હરિપુરા કોંગ્રેસમાં કોને અધ્યક્ષ બનાવવા જોઈએ એવો સવાલ પુછાયો ત્યારે ગાંધીજીએ સુભાષચંદ્રનું નામ આપેલું. કોઈકે પૂછેલું કે એ તો તમારા વિરોધી છે ને. ત્યારે બાપુએ કહેલું, ‘એટલે જ.’ સરદાર પણ પોતાના વિરોધીઓની વાત સાંભળતા. એટલું જ નહીં, એમાં તથ્ય હોય તો સ્વીકારતાય ખરા. જે નેતાઓના નામે આપણે ભારત માતા કી જય બોલાવીએ છીએ એ નેતાઓને ફોલો કરતા નથી, વાપરી ખાઈએ છીએ. જે સરદારના ફોલોઅર હોય એમણે સરદારની ખેલદિલી અને જે ગાંધીમાં માનતા હોય એમણે ગાંધીની સજ્જનતા તો શીખવી પડે કે નહીં?

વાચકોને મારો સવાલ એ છે કે, આવા લોકો આવું બધું અપલોડ કરે ત્યારે વાંચવું જોઈએ? કદાચ વાંચીએ તો માનવું જોઈએ? આવા લોકોને અેન્કરેજ કરવા જોઈએ? જો આ સવાલોના જવાબ તમને જડ્યા હોય અને જાતની સાથે સાચું બોલી શકતા હો તો હવે પછી કચરા જેવી પોસ્ટને લાઇક ન આપતા. એમાં લખાયેલા મેટર વિશે અંદરોઅંદર ચર્ચા ન કરતા. kaajalozavaidya@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો