પરદે કે પીછે / રમેશ સિપ્પી : 'શોલે'થી 'શિમલા મિર્ચ', સમય બળવાન છે

Ramesh Sippy: From Sholay to 'Shimla Pepper', time is strong

Divyabhaskar.com

Jan 06, 2020, 07:36 AM IST
રમેશ સિપ્પીની તાજેતરની ફિલ્મ 'શિમલા મિર્ચ' પ્રત્યે દર્શકોએ ઉત્સાહ દેખાડ્યો નથી. હકીકતમાં, હેમામાલિની અભિનીત આ ફિલ્મ થોડા વર્ષ પહેલા જ બની ગઈ હતી, પરંતુ કોઈ વિતરક પ્રદર્શનનું જોખમ લેવા તૈયાર ન હતો. ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં 'શોલે' ફિલ્મ એટલી સફળ રહી હતી કે, ફિલ્મના ઈતિહાસને 'શોલેથી પહેલાનો' અને 'શોલે પછીનો' એમ બે ભાગમાં વહેંચીને જોવામાં આવવા લાગ્યો હતો. રમેશ સિપ્પીએ વર્તમાનના કેટલાક કલાકારોને જોડવા માટે થોડા દિવસ શૂટિંગ કર્યું હતું. આ રીતે જુની કઢીને નવેસરથી ઉકાળવામાં આવી હતી. બજારમાં આ પ્રકારનો માલ વેચવો અઘરું હોય છે. એક સમય હતો જ્યારે ફિલ્મ ઉદ્યોગના લોકપ્રિય કલાકારો પણ રમેશ સિપ્પીની પાછળ ભાગતા હતા, પરંતુ આજે તેમની સાથે કામ કરવા કોઈ તૈયાર નથી.
ગુરુદત્તની 'કાગઝ કે ફૂલ'ના હીરોની જેમ રમેશ સિપ્પી ઉપેક્ષાનો ભોગ બનેલા છે, પરંતુ ગુરુદત્તના હીરોની જેમ તેઓ કંગાળ નથી. રમેશના પિતા પી. સિપ્પીએ મુંબઈમાં બહુમાળી ઈમારતો બનાવતા હતા અને ફિલ્મ નિર્માણ પણ કરતા હતા. તેમની ફિલ્મ કંપનીના સારા દિવસો શમ્મી કપૂર અભિનીત 'બ્રહ્મચારી'ની સફળતા પછી આવ્યા હતા. 'બ્રહ્મચારી'ના નિર્માણ સમયે રમેશ સિપ્પીને એ કામ અપાયું હતું કે તેઓ ફિલ્મના હીરો સાથે દોસ્તી વધારે. તેમણે અમેરિકન નવલકથાથી પ્રેરિત શમ્મી કપૂર અને હેમામાલિની અભિનીત 'અંદાઝ' બનાવી હતી. આ ફિલ્મના નિર્માણમાં શમ્મી કપૂર અને હેમા માલિનીને રમેશ સિપ્પીની પ્રતિભા પર વિશ્વાસ બેસી ગયો અને રાહુલ દેવ બર્મન પણ રમેશ સિપ્પીથી પ્રભાવિત થયા હતા.
ઉલ્લેખનીય છે કે, એ સમયે જી.પી. સિપ્પી રાજેન્દ્ર સિંહ બેદીના પુત્ર નરેન્દ્રથી ખુબ જ પ્રભાવિત હતા. તેમનો એક કથા વિભાગ હતો, જેમાં પટકથા માટે વિષય પસંદ કરાતા હતા. નરેન્દ્ર બેદી વિદેશી ફિલ્મોનું સારું જ્ઞાન ધરાવતા હતા. તેમણે જાપાની દિગ્દર્શક અકીરા કુરોસાવાની 'સેવન સમુરાઈ'થી પ્રેરિત ફિલ્મ બનાવવાની પહેલ કરી અને 'ખોટે સિક્કે' નામની ફિલ્મ બનાવી. સલીમ જાવેદે 'સેવન સમુરાઈ'ને મોટા કલાકારો સાથે ભવ્ય ફિલ્મ બનાવવાની પહેલ કરી અને 'શોલે'ની પટકથા લખી. સંજીવ કુમાર, ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને હેમા માલિની સાથે ભવ્ય ફિલ્મ બનાવવાની યોજના બની.
રમેશ સિપ્પીએ ફિલ્મના એક્શન દૃશ્યો માટે વિદેશથી નિષ્ણાંતો બોલાવ્યા. રમેશ સિપ્પીએ પોતાના કેમેરામેન દ્વારકા દ્વિવેચાને સંપૂર્ણ પટકથા સંભળાવી અને ફિલ્મની સફળતામાં તેમનું મોટું યોગદાન રહ્યું. કેટલાક અમર દૃશ્યો મજબુરીના કારણે પણ બની જતા હોય છે. ઉલ્લેખનીય છે કે, બેંગલુરુથી થોડે દુર શોલે માટે લોકેશન શોધવામાં આવ્યું હતું, જ્યાં એક ગામનો સેટ લગાવાયો હતો. થોડે દૂર ગબ્બરનો અડ્ડો પણ બનાવાયો હતો. એ સમયે ધર્મેન્દ્ર સુપરસ્ટાર હતો અને ખુબ જ વ્યસ્ત. ફિલ્મના સેટ પર ધર્મેન્દ્રની રાહ જોવાઈ રહી હતી.
આ સમયનો ઉપયોગ કરીને દ્વારકા દ્વિવેચાએ એક દૃશ્યની કલ્પના કરી કે, ઠાકુરની કોઠીમાં એક-એક કરીને બધા જ રૂમની લાઈટ બંધ કરવામાં આવી રહી છે અને અજવાળાવાળા એક રૂમની બારીની નજીક ઠાકુરની વિધવા પુત્રવધુ જયા બચ્ચન એવી રીતે ઊભી છે, જાણે કે બારીની ફ્રેમમાં એક સ્થિર ચિત્ર બનાવેલું હોય. દૂર અમિતાભ બચ્ચન માઉથ ઓર્ગન વગાડી રહ્યો છે. બંનેની નજરો મળે છે અને આંખોનો એક સેતુ બને છે. પ્રેમની અભિવ્યક્તિનું આ એક અદભૂત દૃશ્ય હતું. દ્વારકા દ્વિવેચાના મૃત્યુ પછી રમેશ સિપ્પી કોઈ મહાન ફિલ્મ બનાવી શક્યા નથી. ગબ્બરની ભૂમિકા માટે ડેનીનો સંપર્ક કરાયો, પરંતુ એ સમયે તેઓ ફિરોઝ ખાનની ફિલ્મ 'ધર્માત્મા'નું અફઘાનિસ્તાનમાં શૂટિંગ કરી રહ્યા હતા. સલીમ સાહેબ અમજદ ખાનને એક નાટકમાં જોઈ ચૂક્યા હતા. તેમની ભલામણ પર અમજદ ખાનને લેવાયો અને આ પાત્ર અમર બની ગયું.
જાપાનમાં અકીરા કુરોસાવાની 'સેવન સમુરાઈ'થી પ્રેરિત ફિલ્મો અણેરિકા, ઈંગ્લેન્ડ અને યુરોપમાં પણ બની છે, પરંતુ એક પણ નિર્માતા ફિલ્મની સૌથી ઊંડી વાતને રેખાંકિત કરી શક્યો નથી. ફિલ્મનું ગામ સભ્યતા અને ડાકુ અસભ્યતાના પ્રતીક છે. 'સભ્યતા' પર સંકટ આવે છે ત્યારે આત્મરક્ષા માટે તેઓ ભાડાના સમુરાઈ સમુદાયની સેવા લે છે. સંકટ સમાપ્ત થતાં જ પ્રજા પોતાના સ્વાભાવિક સ્વભાવ પર ઉતરી આવે છે. સમુરાઈની વિદાય સમયે એ જ ગામની પ્રેમિકા તેનો હાથ છોડાવીને પોતાના ખેતર તરફ દોડે છે. વરસાદ પડી રહ્યો છે અને વાવણીની ઋતુ છે. આમ આદમીનો વ્યવહાર સંકટના સમયે પ્રેમપૂર્ણ હોય છે, પરંતુ સામાન્ય કાળમાં તે પોતાની સંકુચિત માનસિક્તા પર પાછો આવી જાય છે.
X
Ramesh Sippy: From Sholay to 'Shimla Pepper', time is strong
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી