વિચારોના વૃંદાવનમાં  / બગદાદી કૂતરાના મોતે મર્યો છે એના માનવ-અધિકારનું શું કરીશું?

What should human rights do to Baghdadi's death?

  • દેશમાં એક ગંદી ગટર જેવી લોબી હજી જીવે છે. એ લોબી બગદાદીની હત્યા થઈ તે ઘટનામાં પણ માનવ-અધિકારનો ભંગ જોવા આતુર છે. ઊંધે માથે લટકીને કરેલું દર્શન આવું જ હોય

Divyabhaskar.com

Nov 24, 2019, 07:33 AM IST

સામાન્ય માણસની વ્યાખ્યા શી? એ જ કે એ પોતાના મનમાં ચોંટી ગયેલો ભ્રમ ઝટ છોડી શકતો નથી. છેલ્લાં કેટલાંક વર્ષોથી મારા મનમાં એક ભ્રમ અડ્ડો જમાવીને બેઠો છે. આ ભ્રમને કારણે મને એવું લાગ્યા કરે છે કે રોજ મારા આયુષ્યમાં પાંચ મિનિટનો વધારો થાય છે. મનુષ્યનો ભ્રમ કદી તર્કશુદ્ધ હોતો નથી. ભ્રમને અને તર્કને તે વળી શી લેવાદેવા? હવે મારા હઠીલા ભ્રમની વાત પર આવી જાઉં?


રોજ કલાકોના કલાકો દરમિયાન હું વૃક્ષો, પાંદડાં અને પુષ્પોની વચાળે હીંચકે બેસું છું. આ જ મારી કંપની અને આ જ મારો વૈભવ. બાકીના કોઇ વૈભવની મારે ગરજ નથી રહેતી. મારો મૈત્રીવૈભવ અત્યંત ઓછો છે, પરંતુ જેટલો છે, તે અત્યંત ભીનો છે. લુચ્ચા માણસો ઘરે આવે તેમને સહન કરી લઉં છું. મારે માટે એ સમયનો બગાડ છે. જેમને વિચાર પ્રત્યે સ્નેહ ન હોય તેવા માણસો મારે ત્યાં ન આવે એમ ઇચ્છું છું. તેઓ ન આવીને મારા પર ઉપકાર કરતા હોય છે. લોકો જેને ‘ફ્રેન્ડ સર્કલ’ મોટું છે એમ કહીને ફુલાતા ફરે છે, તેઓ દયનીય છે, કારણ કે તેમને કદી સર્કલના કેન્દ્રની ભાળ નથી મળતી. છીછરી મૈત્રીમાં છબછબિયાં કરવામાં મને લગીરે રસ નથી. સાચી મૈત્રી એ તો ભગવાન બુદ્ધે ઉપદેશેલા બ્રહ્મવિહારનું પ્રથમ પગથિયું છે. સાચી મૈત્રી તો કેડી પર શોભે, હાઇવે પર એ ગૂંગળાઇ જ મરે. જે વિચારે, તે કેડી પર ચાલે, પરંતુ જેને વિચારવાનું મંજૂર ન હોય, તે હાઇવેની ભીડમાં ભચડાઇને ફરે. કેડી પર ભીડ નથી હોતી, તેથી સ્વતંત્ર રીતે ચાલતા વિચારનારને મોકળાશ મળી રહે છે. જ્યાં ભીડ હોય ત્યાં મોકળાશ ન હોય અને મોકળાશ ન હોય ત્યાં સમય અને અવકાશ (સમયાવકાશ)ની ખેંચ હોવાની જ.


વિચારી તો જુઓ! ઘરના ગોખલામાં માટીના કોડિયામાં ટમટમતો દીવો જોયાને કેટલાં વર્ષ વીતી ગયાં? એ દીવાની જ્યોત એટલે અંધકારનું આશ્ચર્યચિહ્્ન! એ ગોખલામાં બેઠેલા દીવાને માટે ‘ગવાક્ષદીપ’ જેવો મજાનો શબ્દ લગભગ શબ્દકોશમાં બંદી બનીને માંડ જળવાઇ રહ્યો છે. પ્રત્યેક વિચારવંત મનુષ્ય, ભલે એકલો એકલો ઘરને ઓટલે બેઠો હોય તોય ‘ગવાક્ષદીપ’ છે. એ મનુષ્ય ભીડમુક્ત છે અને તેથી કદાચ વિચારયુક્ત છે. પોરબંદરથી થોડેક દૂર આવેલા રોકડિયા હનુમાનના મંદિરથી માંડ બે-ત્રણ ખેતરવા દૂર એક વાડી આવેલી છે. એ વાડી ખરેખર મનમોહિની છે. ત્યાં રાજસીભાઇ ઓડેદરા નામે એક સોરઠી ખેડૂત પોતાના પરિવાર સાથે વર્ષોથી રહે છે. રાજસીભાઇની એ વાડી કેવી? દર્શકે ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ નવલકથામાં ગોપાળબાપાની વાડીનું વર્ણન કર્યું છે તેવી!


સાંદીપનિ વિદ્યાલયમાં પ્રવચન માટે પોરબંદર જવાનું થયું ત્યારે મારા પ્રિય વાચક એવા ખેડૂત રાજસીભાઇની વાડીએ જઇને થોડોક સમય ગાળ્યો. લીલી વાડી જેવો જ લીલો પરિવાર જોઇને સવાર સુધરી ગઇ! અન્ય વાનગીઓ (કલાપીની ‘ગ્રામમાતા’ જેવી) ખેડૂતપત્નીએ તૈયાર રાખી હતી. બધી વાનગીઓ બાજુએ રહી ગઇ અને માત્ર તાજી બાફેલી મગફળીની મહેફિલ માણી. ખેતરમાં જ પાકેલી એ મગફળીનો સ્વાદ હજી ભૂલ્યો નથી. રાજસીભાઇ સુજ્ઞ વાચક છે અને મને હૃદયથી પ્રેમ કરનારા કિસાન છે. એમને હું ‘ગવાક્ષદીપ’ કહું છું. જીવનભર ખેતર પર જીવનારા આવા વાચકો કેટલા? મૈત્રીનું પવિત્ર સ્વરૂપ નજરે દીઠું! વાચકો જ મારાં સાચાં સગાં ગણાય. લોહીની સગાઇ કરતાંય સુંદર વિચારની સગાઇ મૂઠી ઊંચેરી ન ગણાય? ગાંધીયુગના મૌલિક વિચારક અને મૌલિક ભાષ્યકાર સદગત દાદા ધર્માધિકારી કહે છે: ‘વિચાર અપૌરુષેય છે.’ વિચારની સગાઇ ખરા અર્થમાં સેક્યુલર સ્પેસ કહેવાય. આ વિશ્વ વિચારોનું બનેલું છે અને પ્લેટો કહે તેમ પ્રેમ એટલે અખિલાઇની આરાધના. (Love is the pursuit of the whole). વારંવાર લખ્યું છે કે વિચારશૂન્ય મનુષ્ય અને બાખડી ભેંસ વચ્ચે કોઇ તફાવત નથી. મનમાં જન્મેલા વિચારોનું સરોવર મીઠાં જળ જેવું હોય ત્યારે એ સરોવર વિશ્વશાંતિથી શોભતી દુનિયાનું રિહર્સલ ગણાય.


નવું વર્ષ શરૂ થયું ત્યારે નવા વિચારનું સરોવર કેવું હોય? અબુ બકર અલ બગદાદી કૂતરાને મોતે મર્યો તેનો શોક હોય ખરો? એના ગયા પછી દુનિયા, ટર્કીના, બગદાદના અને અન્ય દેશોના નિર્દોષ નાગરિકો માટે અધિક શાંતિમય અને સલામત બનશે. એક તલવાર કેટલાં ડોકાં કાપી શકે? જે મસ્તિષ્ક વિચારતું હતું તે એક જ ક્ષણમાં નિર્જીવ બની ગયું. આવા મસ્તિષ્કને ખતમ કરનાર રાક્ષસ કદી ધાર્મિક હોઇ શકે? સમાચાર આવ્યા છે કે પાકિસ્તાન બગદાદીના મૃત્યુના સમાચારને હજી સાચા ગણવા તૈયાર નથી. આવા પાકિસ્તાનને ‘નીતિનાશને માર્ગે’ જતાં કોણ રોકી શકે? એવું બને એ હવે માત્ર સમયનો સવાલ છે. આતંકવાદીનો આદર કરનારું રાષ્ટ્ર ભસ્માસુરના માર્ગે નાશ પામવાનું એ નક્કી જાણવું.


દેશમાં એક ગંદી ગટર જેવી લોબી હજી જીવે છે. એ લોબી બગદાદીની હત્યા થઇ તે ઘટનામાં પણ માનવ-અધિકારનો ભંગ જોવા આતુર છે. એ લોબીને બગદાદીના અધિકારની ચિંતા થાય, પરંતુ બગદાદીએ તલવારથી વાઢેલાં નિર્દોષ (મુસ્લિમ) નાગરિકોનાં ડોકાં વઢાયાં તેની ચિંતા ન થાય. ઊંધે માથે લટકીને કરેલું દર્શન આવું જ હોય. એ લોબીને કન્હૈયા કુમાર ગમી જાય એ સ્વાભાવિક છે. આવા ડાબેરી બદમાશોની અવળમતિ દેશ માટે ખતરનાક છે. એમનું ચાલે તો દાઉદ ઇબ્રાહિમની પ્રતિમા શહેરના ચોક અથવા JNUના કેમ્પસ વચ્ચે સ્થાપે. ગાંધીજીએ બગદાદી જેવા જાલિમ હત્યારાઓ માટે શું કહ્યું હતું? સાંભળો:


પાઘડીનો વળ છેડે
જ્યારે નિરાશામાં ડૂબી જાઓ
ત્યારે યાદ રાખજો કે:
સમગ્ર ઇતિહાસમાં સદાય
સત્ય અને પ્રેમનો જ વિજય થયો છે.
જુલમ કરનારાઓ અને હત્યા કરનારાઓ
થોડાક સમય માટે અપરાજેય
જણાયા છે ખરા, પરંતુ
છેવટે તો તેઓ હંમેશાં પડ્યા જ છે.
આ વાત પર કાયમ
વિચારતા રહેવું.
- ગાંધીજી

નોંધ: એટેન્બરોની વિખ્યાત ફિલ્મ ‘ગાંધી’માં ઉપવાસ પર ઊતરેલા મહાત્માએ સાવ નબળા પડી ગયેલા અવાજમાં આ શબ્દો મીરાંબહેનને કહ્યા છે. આ જ શબ્દો ખુશવંતસિંહના પુસ્તક: ‘The Khushwant sing Treasury’માં પણ આ અવતરણ અંગ્રેજીમાં સ્થાન પામ્યું છે. હિરણ્યકશ્યપથી માંડીને ઓસામા બિન લાદેન અને નરકાસુરથી માંડીને હિટલર સુધીના હત્યારાઓ આ જ માર્ગે વિદાય થયા છે. આવું લખાણ કન્હૈયા કુમારને કોણ પહોંચાડશે? જે સૂત્રોચ્ચાર એણે JNUના કેમ્પસ પર કર્યા એવા સૂત્રોચ્ચાર એ સામ્યવાદી ચીનમાં કે રશિયામાં કરી શક્યો હોત કે? સામ્યવાદી ચીનમાં સૂત્રોચ્ચાર કરનારા યુવાનો પર સામ્યવાદી સરકારની ટેન્કો ફરી વળી હતી. એ ભયંકર ઘટના ટાઇનામેન સ્ક્વેરમાં બની હતી. યાદ છે? કેટલાંય યુવક-યુવતીઓ ટેન્કની નીચે કચડાઇ મર્યાં હતાં. કન્હૈયા કુમાર બૈજિંગમાં જઇને આજે પણ ટાઇનામેન સ્ક્વેર પર જઇ શકે છે. એને સામ્યવાદી બર્બરતા તરત સમજાઇ જશે. એના સૂત્રોચ્ચારમાં એક સૂત્ર હતું: ‘તુમ એક અફઝલ મારોગે, હર ઘર સે અફઝલ નિકલેગા.’ એ અફઝલ સંત કે ફકીર કે ખુદાનો બંદો ન હતો. એ મિનિ-બગદાદી હતી.

X
What should human rights do to Baghdadi's death?
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી