વિચારોના વૃંદાવનમાં / નવરાત્રિમાં યુવક-યુવતીઓને પ્રાપ્ત થતી અલૌકિક અધ્ધરતા કૃષ્ણના કુળની છે!

vicharo na vrundavanma by gunvant shah

  • સ્ત્રી-પુરુષ સહજીવનની ખૂબી સમજનારો કૃષ્ણ સિવાય બીજો અવતાર થયો નથી. નવરાત્રિના ગરબામાં જોડાયેલાં યુવક-યુવતીઓ જે અલૌકિક અધ્ધરતાની અનુભૂતિ કરે છે, તે શુષ્ક સાધુને ન સમજાય

ગુણવંત શાહ

Sep 29, 2019, 08:11 AM IST

ઋષિ વિનોબાનું એક મૌલિક વિધાન વર્ષોથી મારા હૃદયમાં અડ્ડો જમાવીને બેઠું છે: ‘વૈરાગ્ય પણ લાલિત્યપૂર્ણ હોવો જોઈએ.’ આવા વિધાનના પ્રેમમાં પડ્યા પછી થોરિયાના ઠૂંઠા જેવા વૈરાગ્યનું પ્રતિપાદન કરનારા કોઈ પણ ધર્મ પ્રત્યે મારો આદર લગભગ શૂન્ય કક્ષાએ પહોંચી ગયો છે. જે ધર્મ સંગીતવિરોધી, ગરબાવિરોધી, નૃત્યવિરોધી કે નારીવિરોધી હોય તે ધર્મ આતંકવાદી પ્રવૃત્તિનો જન્મદાતા બને એમાં નવાઈ પામવા જેવું કંઈ નથી. ચંગિઝખાનની ક્રૂરતાનાં મૂળિયાં આવી શુષ્કતામાં પડેલાં હોવાં જોઇએ. બાય ધ વે, ચંગિઝખાન મુસલમાન ન હતો, એવું પંડિત નેહરુએ ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ જેવા ગ્રંથમાં સ્પષ્ટ લખ્યું છે. એ જુલમગાર તો બૌદ્ધ ધર્મના એક પેટાપંથનો અનુયાયી હતો, જેને ‘આકાશનો ધર્મ’ કહેવામાં આવતો હતો. લાલિત્યનો ઉદ્ભવ વિસ્મયમાતાની કૂખેથી થતો હોય છે. મારા પરમ પ્રિય ધર્મનું નામ ‘વિસ્મય’ છે. હું જો ભૂલેચૂકે સાધુ બનું તો જરૂર મારું નામ સ્વામી વિસ્મયાનંદ રાખું. મેં જે કંઈ લખ્યું તે વિસ્મયની સાધના થકી લખ્યું. મારે મન નવરાત્રિના નવ દિવસનું મહત્ત્વ શું? એ દિવસો દરમિયાન ‘રોમેન્ટિક સ્પિરિચ્યુઅલિઝમ’ ફળિયે ફળિયે ઘૂમતું થાય છે.

મહાન વિજ્ઞાની આઇન્સ્ટાઇને ક્યાંક કહ્યું હતું તે યાદદાસ્તને આધારે અહીં પ્રગટ કરું છું. એણે કહ્યું હતું: જ્યારે દ્રવ્યનો કોઈ કણ પ્રકાશની ગતિ પ્રાપ્ત કરે ત્યારે એ દ્રવ્ય મટીને ઊર્જા બની જાય છે. આપણી સમગ્ર પૃથ્વી દ્રવ્યસ્વરૂપા અને ઊર્જાસ્વરૂપા છે. ઊર્જાની આરાધના વિના કોઈ સમાજ સમૃદ્ધ ન બની શકે. જ્યાં થોડાક સમય પહેલાં ‘હાઉડી મોદી’ જેવી ગૌરવપૂર્ણ ઘટના બની તે હ્યુસ્ટન શહેર દુનિયાની ઊર્જાની રાજધાની ગણાય છે. ઊર્જાનો વિરાટ પુંજ સૂર્ય છે. હું તેથી રોજ બે વાર કાયમ સૂર્યની સ્તુતિ કરું છું. પરમેશ્વર નિરાકાર, નિર્ગુણ, સાકાર કે સગુણ હોય તેની સાથે મને ઝાઝી લેવાદેવા નથી. મારે મન તો સૂર્ય એટલે પરમ સત્તા, જે અદૃશ્ય, અશ્રાવ્ય, નિરંજન અને નિરાકાર કહેવાય છે તેનો પ્રત્યક્ષ સંકેત સૂર્ય છે. ઇશોપનિષદમાં એને ‘પૂષન્’ (પોષણ કરનારો) કહ્યો છે. ઉપનિષદનો એ મંત્ર સૂર્યસ્તુતિ વખતે હું ભીના હૃદયે ઉદ્્ગારું છું. 365માંથી 360 દિવસ દરમિયાન મારો આ નિત્યક્રમ તૂટતો નથી. સૂર્ય એટલે ઊર્જાનું વિરાટ અક્ષયપાત્ર!

લખી રાખો કે હવે પછીની સદીઓમાં દ્રવ્યને બદલે ઊર્જાને આધારે વ્યક્તિની અને દેશની સમૃદ્ધિ મપાવાની છે. ઇજિપ્તમાં ઇસ્લામનો ઉદય થયો તે પહેલાંની સદીઓમાં સૂર્યપૂજા અને ગાયપૂજા પ્રચલિત હતી. ગાયના આંચળ વિશ્વના ઊર્જાતીર્થ ગણાય. ગાયનું છાણ ઊર્જાનું ઉપસ્થાન ગણાય. સ્ત્રીનું માતૃત્વતીર્થ એના સ્તનપ્રદેશમાં આવેલું છે. હિરણ્યકશ્યપ, બકાસુર, નરકાસુર અને હિટલર તથા સ્તાલિન જેવા રાક્ષસો ભલે ક્રૂર ગણાય, પરંતુ એ સૌની માતા તો પવિત્ર જ ગણાવી જોઈએ. વાઘણનું માતૃત્વ, નાગણનું માતૃત્વ અને રાવણની માતાનું માતૃત્વ પણ નિંદનીય ન ગણાય. માતાનાં સ્તનના મૃદુલ સ્પર્શે બાળક જે પામે છે, તે અમૂલ્ય છે અને અનિંદનીય છે. આવા તર્કને આગળ ચલાવીએ તો તો મગરી માતા માતૃત્વનું પવિત્ર ગણાય.

આવું લખતી વખતે યુવાનીનો એક પ્રસંગ યાદ આવે છે. તે દિવસોમાં દર પખવાડિયે સુરતથી દિલ્હી જવાનું થતું. હું એ માટે ડિલક્સ ટ્રેન કે વેસ્ટર્ન એક્સપ્રેસ ટ્રેનમાં જતો. સુરતથી ત્રણ વાગ્યે ટ્રેનમાં પ્રવેશતો બીજે દિવસે સવારે ન્યૂ દિલ્હીના રેલવે સ્ટેશને ઊતરીને મિટિંગમાં જતો. એક વાર મારા AC સેકન્ડ ક્લાસમાં કોટા સ્ટેશનેથી ત્રણ અધિકારીઓ ચડ્યા અને નીચેની બેઠક પર સ્થાન લીધું. હું ઊપલી બર્થ પર સૂતો હતો. રાજસ્થાનના એક ગામમાં રૂપકુંવર નામની યુવાન સ્ત્રી સતી થઇ તે સપ્તાહ દરમિયાન આ વાત બની હશે. અધિકારીઓ ઘણું ખરું આઈ.એ.એસ. અધિકારીઓ હતા. એમની ચર્ચાનો સાર એવો હતો કે હિન્દુઓની ધાર્મિક બાબતમાં કોઈને પડવાનો હક નથી. એમની ચર્ચા સાંભળીને મારાથી રહેવાયું નહીં. મેં એમને કહ્યું: ‘હું મુસલમાન છું તોય આ પ્રશ્ન દેશના નાગિરક ધર્મનો છે. હિન્દુ પરંપરાનું આ તો કલંક ગણાય.’ બંને જણા ખૂબ ખિજાયા. ‘તમારામાં તીન તલાક જેવો કુરિવાજ છે તેનું શું?’ મેં એમને સમજાવ્યું કે એ પ્રથા મને પણ માન્ય નથી, પરંતુ એમાં સ્ત્રી અન્યાયની પીડા જરૂર ભોગવે છે, પરંતુ એને ફરજિયાતપણે બાળી મૂકવામાં આવતી નથી. બંને અધિકારીઓ ક્રોધે ભરાયા. મને મારવા નહીં લીધો બાકી રાજસ્થાનના કોઈ ગામે આવો ઝઘડો થયો હોત તો મારું લિંચિંગ જરૂર થયું હોત. લોકો નારીવિરોધી વલણ ત્યજવા આજે પણ તૈયાર નથી.

તા. 19મી સપ્ટેમ્બરે અમિતાભ બચ્ચનનો KBC પ્રોગ્રામનો માત્ર એક જ એપિસોડ જોયો. ગામડામાં જન્મેલી, ઉછરેલી અને જીવેલી એક સ્ત્રી હોટ સીટ પર સામે બેઠી હતી. ક્યારે લાઇફલાઇનનો વિનિયોગ કરવો તેની ઊંડી સૂઝ સાથે એ રમતમાં આગળ વધી અને રૂપિયા એક કરોડ જીતીને ગઇ. છેલ્લો પ્રશ્ન રૂપિયા સાત કરોડ માટે હતો. એ પરિપક્વ સ્ત્રીએ ખોટું જોખમ ખેડવાનું ટાળીને રમત છોડવાનો નિર્ણય કર્યો. એ સ્ત્રી કોઇ નિશાળમાં મધ્યાહ્્ન ભોજન તૈયાર કરવાની નોકરી કરતી અને એનો પતિ એ જ નિશાળમાં પટાવાળા તરીકે નોકરી કરે છે. એ સ્ત્રી મેકઅપ વિનાની સીધી સાદી શ્યામળી સ્ત્રી હતી. એ સ્ત્રી જે રીતે નિર્ણયો લેતી હતી તે જોઇને મનમાં આદર પેદા થયો. માનશો? છેલ્લો સાત કરોડવાળો પ્રશ્ન એણે ટાળ્યો અને રમત છોડી. તે પહેલાં અમિતાભે પૂછ્યું: ‘આ છેલ્લા પ્રશ્નનો જવાબ તમે આપવાનું નક્કી કરો, તો એ જવાબ શું હોય?’ એ સ્ત્રીએ અનુમાન કરીને જે જવાબ આપ્યો તે સાવ સાચો નીકળ્યો. મનોમન એ જગદંબાને વંદન થઇ ગયાં.

પુરુષપ્રધાન સમાજમાં જે સ્ત્રીને ખીલવાની, ખૂલવાની અને આગળ વધવાની પૂરી છૂટ પ્રાપ્ત થાય ત્યારે પ્રગટ થતી નારીઊર્જા અચંબામાં નાખી દે તેવી હોય છે. આવી સ્ત્રીને અને સ્ત્રીશક્તિને ‘મધર ઇન્ડિયા’ કહેવાનું સર્વથા યોગ્ય ગણાય. કોઇ નરગિસ ફિલ્મમાં હળે જોતરાય છે અને બે દીકરાઓને મોટા કરે છે. આપણને રાણા પ્રતાપની બહાદુરી સમજાય છે, પરંતુ કૃષ્ણની ભક્તિમાં લીન બનીને અધરાતમધરાત ગામેગામ ભટકનારી મીરાંની બહાદુરીનો અંદાજ ઝટ નથી આવતો. એ સમયના પછાત અને પુરુષપ્રધાન સમાજે મીરાં પર માછલાં ધોવામાં કોઇ કસર બાકી રાખી હશે ખરી? મેડમ ક્યૂરીને વિજ્ઞાની તરીકે સૌ ઓળખે, પરંતુ એને કોઈ ‘તપસ્વિની’ કહે કે? ધર્મ છેક શરૂઆતથી સ્ત્રીઓને અન્યાય કરતો આવ્યો છે. એ બાબતે જગતનો કોઈ ધર્મ અપવાદરૂપ નથી. ઇસુ ભગવાન અને મેરી મેગ્ડેલિનાનું ઉદાહરણ આંખ ઉઘાડે તેવું છે. ઇસુનું વિધાન ક્રાંતિકારી છે. કહે છે: ‘જે કોઈ માણસ સ્ત્રી તરફ વાસનાભરી નજરથી જુએ છે, તે મનથી તેની સાથે વ્યભિચાર કરી ચૂક્યો છે.’ (મેથ્થી, 5,3-10 અને લૂક 6, 24-25). કરસનદાસ માણેકે ઇસુને ‘મેરીનંદન’ કહ્યા છે.

ઇસુએ ક્યાંક કહ્યું છે:

આ સૃષ્ટિ તો તેની
જે નૃત્ય કરે એની.
જે કોઇ નૃત્ય કરી ન જાણે
શું થઇ રહ્યું છે, તે કશું ન જાણે!

નૃત્ય આખરે શું છે? It is a liberating experience. ગોપીઓ સાથેની ગોકુળ ગામની રાસલીલા તો બ્રહ્મલીલાના પ્રતીક જેવી હતી. બગદાદ, બૈરુત અને ઇસ્લામાબાદમાં જે દિવસે રાસગરબા રમાશે ત્યારે આતંકવાદ સમાપ્ત થયો એમ જાણવું. જ્યાં શુષ્કતાનો મુકામ હોય ત્યાં શેતાનિયતનો મુકામ હોવાનો. શુષ્ક સાધુ સેક્સની દૃષ્ટિએ એટમ બોમ્બ જેવો ભયંકર જાણવો. સ્ત્રી-પુરુષ સહજીવનની ખૂબી સમજનારો કૃષ્ણ સિવાય બીજો અવતાર થયો નથી. નવરાત્રિના રાસગરબા વખતે ગરબામાં જોડાયેલાં યુવક-યુવતીઓ જે અલૌકિક અધ્ધરતાની અનુભૂતિ કરે છે, તે શુષ્ક સાધુને ન સમજાય. આજના રાસગરબા એ જ ગોકુળ ગામમાં થતી રાસલીલાનો પવિત્ર રેલો જાણવો. રોમેન્ટિક અધ્યાત્મ આજની નવી પેઢીની તોફાની માગ છે. એ માગ અપવિત્ર નથી. કહેવાતા લંગોટમૂલક બ્રહ્મચર્ય કરતાં એ અધ્ધરતા અધિક પવિત્ર છે. માતૃત્વ એ જ ખરી આદ્યશક્તિ! આ બાબતે યશોદાનંદન અને મેરીનંદન એકમત છે. સંગીત અને નૃત્ય જીવનપોષક વિટામિન્સ છે.

પાઘડીનો વળ છેડે
હે બ્રાહ્મણ!
તારું મન જ્યારે સંતાનરહિત થશે
ત્યારે
ગાયના પગલામાં જેમ હાથી ડૂબતો નથી
તેમ સંસારના વ્યવહારમાં તું મગ્ન નહીં થાય.
જેમ છિન્નભિન્ન થયેલો મચ્છર
ગાયના પગલા જેટલો પાણીમાં પણ ડૂબી જાય
તેમ દીનતાવાળું મન
ગાયના પગલા જેટલા કર્મમાં પણ
ખૂંપી જાય છે.- અન્નપૂર્ણા ઉપનિષદ

X
vicharo na vrundavanma by gunvant shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી