વિચારોના વૃંદાવનમાં  / શાંતિપ્રિય, લિબરલ અને શાણો મુસ્લિમ સમાજ જોવો છે? તો આગળ વાંચો

See peace, liberal and wise Muslim community

  • હિન્દુ-મુસ્લિમ એકતાની વાતે ગાંધીજી પણ સફળ ન થયા. અસ્પૃશ્યતા સામે હિન્દુઓએ જ બળવો કરવો પડે. એ જવાબદારી અન્યધર્મીની નથી. એ જ રીતે તીન તલાક સામે મુસ્લિમોએ જ બળવો કરવો રહ્યો

ગુણવંત શાહ

Jun 09, 2019, 07:35 AM IST

પૂર્વગ્રહો પ્રત્યે માણસને પ્રેમ હોય છે, કારણ કે એ સાવ પોતીકો હોય છે. કેટલાક માણસો પોતાના સંતાનને પંપાળે એમ પોતાના પૂર્વગ્રહોને પંપાળતા રહે છે. ક્યારેક બે સમાન પૂર્વગ્રહો ધરાવનાર બે માણસો મળી જાય ત્યારે એમની મૈત્રીને ચાર ચાંદ લાગી જાય છે. કહેવાતા વિચારવંત મનુષ્યો પણ પોતીકા પૂર્વગ્રહોને મનના સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂકી રાખે છે. જણસની માફક જાળવી રાખવાની એક ચીજ હોય તેમ Mr. પૂર્વગ્રહની જાળવણી થતી રહે છે. આપણા દેશમાં સેક્યુલર ગણાતા પૂર્વગ્રહો સાચવી રાખનારા લોકોને ‘બૌદ્ધિક’ કહેવાનો કુરિવાજ છે. આપણા આદિ શંકરાચાર્યનું એક વિધાન સાંભળો:

અગ્નિનો સ્પર્શ
શીતળ હોય છે,
એવું વેદમાં કહ્યું
હોય તોય ન માનવું.

આદિ શંકરાચાર્યનું બીજું વિધાન પણ યાદ રાખવા જેવું છે: ‘બુદ્ધે: ફલમ્ અનાગ્રહ:’. માણસ જ્યારે આગ્રહ છોડે ત્યારે જ એ બુદ્ધિમાન ગણાય. જો ગાંધીજીએ કેવળ શાસ્ત્રો પર કે પરંપરા પર આધાર રાખીને જીવન ગોઠવ્યું હોત, તો? તો એમણે અસ્પૃશ્યતા સામે જોરદાર ચળવળ ન ચલાવી હોત. કદાચ એકવીસમી સદી માટે કોઇ મહાવિધાન શોધવાનું સાહસ કરવાનું કામ કોઇ સોંપે તો હું એક જ વિધાન જરૂર જરૂર સૂચવું: ‘સત્ય એ જ પરમેશ્વર.’ બસ, બધા ઝઘડા ખતમ!

કોઇપણ લેખક બહુસંખ્ય વાચકોની પ્રશંસાને કારણે નથી ખીલતો, પરંતુ સુજ્ઞ વાચકોની પાતળી લઘુમતીને કારણે જીવતો હોય છે. મુંબઇમાં કેમિકલ ઉદ્યોગ દ્વારા આર્થિક સમૃદ્ધિ પામેલા મિત્ર શ્રી સુરેશભાઇ ગાલા મારા અત્યંત પ્રિય વાચક છે. તેમણે જૈન ધર્મની કેટલીક બાબતો પર અભ્યાસપૂર્ણ અને રેશનલ અભિગમ ધરાવતાં પુસ્તકો પણ લખ્યાં છે. એમની સંમતિ અને અસંમતિમાં વિવેકની ધાર જોવા મળે છે. આ કોલમમાં વાચકોના પત્રો છાપવાનું ટાળવામાં આવે છે, પરંતુ એમનો છેલ્લો પત્ર મને સ્પર્શી ગયો તેથી ટૂંકાવીને અહીં પ્રગટ કર્યો છે. પત્ર આંખ ખોલનારો છે તેથી અહીં એમના શબ્દોમાં પ્રસ્તુત છે સાંભળો:

સ્નેહીશ્રી ગુણવંતભાઇ,
અમે મે માસના પહેલા અઠવાડિયામાં છ દિવસ માટે અઝરબૈઝાનની રાજધાની બાકુમાં પ્રવાસે ગયા હતા. પહોળા રસ્તા, ઠેર ઠેર વૃક્ષો, પુષ્પો અને ફુવારાઓ ઉપરાંત 15 અંશ સેન્ટિગ્રેડ જેટલું ઉષ્ણતામાન. અનેક બગીચાઓથી શોભતું એ નગર યુરોપના કોઇ નગરની યાદ અપાવે તેવું સુંદર નગર છે. એમાં 85 ટકા વસ્તી શિયા મુસલમાનોની છે.

લોકો અત્યંત વિનયશીલ અને અન્યને સહાયરૂપ થવા સદાય તત્પર જણાયા. સ્વભાવે સાલસ એવા એ લોકોને કારણે તમે અડધી રાતે પણ રસ્તા પર નિર્ભયપણે ચાલી શકો. અહીં શનિવાર અને રવિવાર રજાના દિવસો ગણાય છે, શુક્રવારે રજા નથી હોતી. નગરમાં ક્યાંય બુરખાધારી સ્ત્રીઓ જોવા ન મળે. અહીંની ભાષા રશિયન અને લોકલ અઝરબૈઝાની છે. મારે તમને બે પ્રસંગો કહેવા છે, જે તમને જરૂર ગમશે.

અમે જે હોટેલમાં ઊતર્યા હતા તેનો મેનેજર અત્યંત સારા સ્વભાવનો હતો. એણે અમને કહ્યું: ‘અત્યારે જે આતંકવાદીઓ છે, તેમને તો ‘મુસલમાન’ કહી જ ન શકાય, કારણ કે અમારા મજહબમાં કીડીને પણ મારવાની મનાઇ છે.’

અમે મહારાની ઇન્ડિયન રેસ્ટોરાંમાં જમવા ગયાં હતાં. ત્યાં 35 વર્ષની યુવતીને મળવાનું બન્યું. એના હાથમાં ઓશો રજનીશનું પુસ્તક હતું. મેં એ યુવતીને પૂછ્યું: ‘તમે ઓશોને વાંચો છો?’ એણે મને કહ્યું: ‘મને અંગ્રેજી કરતાં હિન્દીમાં બોલવાનું વધારે ફાવે છે.’ અમે પછી હિન્દીમાં વાતચીત શરૂ કરી. એ યુવતીએ કહ્યું: ‘હું જન્મે મુસ્લિમ છું, પરંતુ કૃષ્ણ મારા આરાધ્ય દેવ છે. હું વર્ષમાં ત્રણ વખત ભારત જાઉં છું. હું ઇસ્કોન મંદિર સાથે સંકળાયેલી છું. મુંબઇમાં જૂહુમાં આવેલા ઇસ્કોન મંદિરમાં રહું છું. વારંવાર વૃંદાવન જાઉં છું. સતત હું કૃષ્ણના નામનો જપ કરતી હોઉં છું. દરરોજ રાતે સૂતાં પહેલાં અને સવારે ઊઠીને રડતાં રડતાં કૃષ્ણને કહું છું: ‘મારો જન્મ ભારતમાં વૈષ્ણવ પરિવારમાં કેમ ન થયો?’

મેં એને પૂછ્યું: ‘તારો પરિવાર આવું વર્તન સ્વીકારે છે?’ જવાબમાં એણે કહ્યું: ‘શરૂઆતમાં મારા પરિવારનો વિરોધ હતો, પણ હવે વડીલોએ બધું સ્વીકારી લીધું છે. હું વેજિટેરિયન છું અને ઇંડાં પણ ખાતી નથી. બાકુમાં ઇસ્કોનના ગ્રૂપમાં હું નિયમિત જાઉં છું. એ ગ્રૂપમાં બધાં મને ‘રાધારાણી’ કહે છે. છેવટે મેં એ યુવતીને કહ્યું: ‘તું એ સમયે જરૂર કૃષ્ણની ગોપી હોઇશ.’ એ યુવતી મારી વાત સાંભળી ખુશ ખુશ થઇ ગઇ! ગુણવંતભાઇ! સદ્્ભાવનું આવું વાતાવરણ આપણા દેશમાં ક્યારે રચાશે?’

તા. 14- મે- 2019
સુરેશ ગાલા

***
જવાબમાં શું લખું? ભારતમાં એક દુર્ઘટના બની તે એ કે કબીરક્રાંતિ નિષ્ફળ ગઇ. કબીરક્રાંતિનું રહસ્ય શું? કબીરની પ્રતિભામાં ભક્તિ અને ક્રાંતિનો સમન્વય પ્રગટ થયો. કબીરને હિન્દુઓનો સાથ મળ્યો, પણ મુસલમાનોનો ન મળ્યો. માનશો? મારાં દાદીમા (અંબામા) કબીરપંથી હતાં. ગાંધીજી અને કબીરને જોડતો સેતુ પણ ભવ્ય અને દિવ્ય છે. ધર્મના નકાર વિનાનું સેક્યુલરિઝમ ન જામ્યું તે ન જ જામ્યું! હિન્દુ-મુસ્લિમ એકતાની વાતે ગાંધીજી પણ સફળ ન થયા. જે તે ધર્મ પાળનારાઓમાંથી જ પોતપોતાના વાસી ધર્મમાં પેઠેલાં અનિષ્ટો સામે બળવો કરવો રહ્યો. અસ્પૃશ્યતા સામે હિન્દુઓએ જ બળવો કરવો પડે. એ જવાબદારી બિનહિન્દુઓની નથી. એ જ રીતે તીન તલાક સામે મુસલમાનોએ જ બળવો કરવો રહ્યો, પરંતુ એમ બનતું નથી તેથી ‘સેક્યુલરિઝમ’ શબ્દ ગાળ બની ગયો. આ માટે મેં ચાર-પાંચ પુસ્તકો લખ્યાં અને લિબરલ ગણાતા લોકોની ગાળો ખાધી. મારી પુત્રવધૂ મુસલમાન છે. મારાં સ્વજનોને એ માટે મેં જ સમજાવ્યાં. પુત્રવધૂનું ધર્મપરિવર્તન થયું? ના. એનું નામ બદલાયું? ના. લગ્ન થયાં પછી પરિવારમાં એક નાનો ઝઘડો થયો? ના. આવું બને તેને ‘સેક્યુલરિઝમ’ કહેવાય ખરું? કબીરના આશીર્વાદ મળે, પણ કહેવાતા લિબરલ લોકો તો મને મળે ત્યારે મોં મચકોડે! પુત્રવધૂની એક ફિલ્મ (બાળકો માટે) બની, જેને રાષ્ટ્રપતિ તરફથી એવોર્ડ મળ્યો. એના સર્જનમાં એક મુશ્કેલી સર્જાઇ ત્યારે મદદ શ્રી અહમદ પટેલની મળી. વધારે શું લખવું? સમજને વાલે સમજ ગયે હૈં, ના સમજે વો અનાડી નહીં હૈં, દંભી હૈં.

***
પાઘડીનો વળ છેડે
રજવાડાંની સમસ્યા એટલી તો
મુશ્કેલ છે કે માત્ર તમે જ
તેનો ઉકેલ લાવી શકો.
ગાંધીજીએ સરદાર પટેલને જણાવ્યું હતું.
(રજનીકાંત પુરાણિકના પુસ્તક, ‘Sardar Patel, The Best PM India Never Had’ના પ્રથમ કવરપેજ પર મૂકેલું અવતરણ.
નોંધ: સરદારને થયેલા ઘોર અન્યાયના મૂળમાં નેહરુમુદ્રા ધરાવનારો ‘સેક્યુલર સનેપાત’ હતો. ઉદાહરણ તાજું છે: શાહબાનો કેસ.

X
See peace, liberal and wise Muslim community

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી