વિચારોના વૃંદાવનમાં  / બારડોલી સત્યાગ્રહના એપિસેન્ટર પર થયું સરદાર પટેલનું ગુણસંકીર્તન

Sardar Patel's memoir on Bardoli Satyagraha's Epicenter

  • મહાદેવભાઈ દેસાઈએ પોતાના પુસ્તકમાં નોંધ્યું છે, ગાંધીજી બારડોલીમાં હતા ત્યારે રાયમ ગામના લોકોએ ગાંધીજીને આગ્રહ કર્યો: ‘બાપુ, અમારા ગામે પધારો.’ ગાંધીએ કહ્યું: ‘સરદાર હુકમ કરે તો આવું.’ સરદારે છૂટ આપી પછી ગાંધીજી રાયમ ગયા

ગુણવંત શાહ

Dec 15, 2019, 07:37 AM IST

આ દરણીય લોકશિક્ષક શ્રી મોરારિબાપુ,
વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને અનુભવવૃદ્ધ
શ્રી નગીનબાપા,
અમારો પંચશીલ મિત્ર ભાઇ ભદ્રાયુ વછરાજાની,

યાદ છે? આજે સરદાર વલ્લભભાઇ પટેલની પુણ્યતિથિ છે. આજે આપણે સૌ જ્યાં બેઠા છીએ એ બારડોલી સ્વરાજ આશ્રમને હું સરદારતીર્થ કહું છું. વર્ષ 1928માં આ પંથકના ખડૂતોએ બ્રિટિશ સરકારે મહેસૂલ વધાર્યું તેના વિરોધમાં જે સત્યાગ્રહ કર્યો તેના નેતા વલ્લભભાઇ પટેલ હતા. એ સત્યાગ્રહના એપિસેન્ટર પર અત્યારે આપણે સૌ બેઠા છીએ. એ સત્યાગ્રહમાં અહિંસક ક્ષત્રિયત્વ પ્રગટ થયું હતું. અત્યારે મને રામયુગમાં બનેલી એક ઘટનાનું સ્મરણ થાય છે. સીતાને વનમાં મોકલવામાં આવી પછી બનેલી ઘટના છે. રાજા દશરથને ચાર પુત્રો હતા તે સાથે એક દીકરી પણ હતી. એનું નામ શાંતા હતું.

દશરથે એ દીકરીને મુનિ ઋષ્યશૃંગ સાથે પરણાવી હતી. એ મુનિએ યજ્ઞ કર્યો પછી દશરથને સંતાનપ્રાપ્તિ થઇ હતી. ઋષ્યશૃંગે અયોધ્યાની નજીક આવેલા આશ્રમમાં યજ્ઞ કર્યો. યજ્ઞ પૂરો થયો પછી જ્યારે અયોધ્યાના પ્રતિષ્ઠિત નગરજનોને મુનિશ્રીએ વિદાય આપવાની તૈયારી કરી ત્યારે ક્યાંકથી એક એવું વિધાન સાંભળવા મળ્યું, જે સૌને આશ્ચર્યમાં ગરકાવ કરતું ગયું. એ વિધાનમાં પ્રગટ થતી ગાંધીમુદ્રા અનોખી હતી. એ વિધાનમાં દૃઢતા હતી અને સાથે સત્યપ્રીતિ પણ હતી. એ વિધાન કરનારી સ્ત્રીનું નામ અરુંધતી હતું અને અરુંધતી ઋષિ વસિષ્ઠની પત્ની હતી. વિધાન હતું: ‘સીતા વિનાની અયોધ્યામાં હું પ્રવેશ કરવાની નથી.’ આ વિધાનમાં સવિનય અસહકારનો મંગલ ધ્વનિ હતો. આજે પણ આકાશમાં સપ્તર્ષિના સાત તારા નરી આંખે જોવા મળે છે.

આ સાત તારાઓ સાથે એક ઝાંખો તારો પણ જોવા મળે છે. એ તારો ઋષિપત્ની અરુંધતીનો છે. સપ્તર્ષિ કોણ હતા? સાત ઋષિઓનાં નામ છે: મરીચિ, અત્રિ, અંગિરસ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ અને વસિષ્ઠ. અરુંધતીનો તારો ઝાંખો છે. તેના નામ પરથી ‘અરુંધતી-દર્શન-ન્યાય’ જાણીતો થયો, જેનો અર્થ એટલો જ કે ઝાંખા તારાને નીરખવા માટે તેની પાસેનો મોટો તારો દેખાડવામાં આવે છે. આ ન્યાયનું રહસ્ય એ પણ છે કે સ્થૂળ પરથી સૂક્ષ્મ તરફની ગતિ માટે આમ કરવું રહ્યું: રામાયણયુગમાં બનેલી આ ઘટનામાં અસહકારની ગાંધીમુદ્રા અરુંધતી જેવી ઋષિપત્નીના મક્કમ વલણ દ્વારા તે જમાનામાં પ્રગટ થઇ. ઋષિ વસિષ્ઠે અરુંધતીની આ વાતને સ્વીકારી લીધી અને બધાએ ઋષિ વાલ્મીકિના આશ્રમમાં જવાનો નિશ્ચય કર્યો. અરુંધતીના આવા પરાક્રમમાં સંતાયેલો ‘ગાંધીધ્વનિ’ રામાયણ વાંચનારાઓના ધ્યાન બહાર ન જાય, તો વાંચેલું સાર્થક ગણાય. મુનિ ઋષ્યશૃંગ વિભાંડક ઋષિના પુત્ર હતા અને પછીથી તેઓ રાજા દશરથના જમાઇ બન્યા. કહેવાય છે કે જંગલના નિવાસ દરમિયાન ઋષ્યશૃંગે કોઇ સ્ત્રીને જોઇ ન હતી. એમને અયોધ્યામાં લાવવા માટે રાજા દશરથે અયોધ્યાની રૂપવતી ગણિકાઓને દૂર જંગલમાં મોકલી. એ સ્ત્રીઓએ મુનિશ્રીને લાડુ ધર્યા ત્યારે મુનિશ્રીએ કહ્યું: ‘આ તો કોઇ જુદી જાતનું મધુર ફળ છે.’
***
બારડોલી સત્યાગ્રહ શરૂ થયો ત્યારે સરદારસાહેબે હુકમ કર્યો: ‘મારા સિવાય કોઇએ પ્રવચન કરવું નહીં.’ (કોઇ બોલી પાડે અને બફાટ ન થાય તે માટે સરદારે આવી સૂચના આપી હતી.) ગાંધીજી બારડોલીમાં હતા ત્યારે રાયમ ગામના લોકોએ ગાંધીજીને આગ્રહ કર્યો: ‘બાપુ, અમારા ગામે પધારો.’ ગાંધીએ કહ્યું: ‘સરદાર હુકમ કરે તો આવું.’ સરદારે છૂટ આપી પછી ગાંધીજી રાયમ ગયા. લોકોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું અને ગામની સ્ત્રીઓએ સમૂહકાંતણનો કાર્યક્રમ યોજ્યો. ગાંધીજી પ્રસન્ન થયા. ગામલોકોએ વિનંતી કરી: ‘બાપુ! અમને કંઇક કહો.’ ગાંધીજીએ કહ્યું: ‘સરદારે સૌને સૂચના આપી રાખી છે કે કોઇએ પ્રવચન કરવું નહીં.’ ગામલોકોએ ખૂબ આગ્રહ કર્યો ત્યારે ગાંધીજીએ માત્ર એટલું જ કહ્યું: ‘રેંટિયા પર બેઠેલી સ્ત્રીઓને કાંતતી જોઇને મને ખૂબ આનંદ થયો છે.’ આ પ્રસંગ મહાદેવભાઇ દેસાઇએ પોતાના પુસ્તકમાં નોંધ્યો છે.

બારડોલી સત્યાગ્રહમાં વિજય મળ્યો ત્યારે આખા દેશમાં સરદાર છવાઇ ગયા. એ વિજયને કારણે લોકોને એટલું સમજાયું કે બ્રિટિશ હકૂમતને અહિંસક સત્યાગ્રહના માર્ગે પણ નમાવી શકાય છે. દેશ આખામાંથી પત્ર અને તારની વર્ષા થઇ, જેમાં એક તાર સુભાષચંદ્ર બોઝનો પણ હતો. વલ્લભભાઇ પટેલ ‘સરદાર પટેલ’ બની ગયા. સુરતમાં સરઘસ નીકળ્યું અને એમાં બારડોલીના ખેડૂતોએ ભાગ લીધો. સરદારને સુરતમાં સન્માનપત્ર અપાયું તેનો જવાબ સરદારે આપ્યો તેમાં બધો જ જશ મહાત્માજીને જ આપ્યો. એ હતું સરદારનું આભિજાત્ય. મહાદેવભાઇએ પુસ્તકમાં લખ્યું કે ગાંધીજીની ઉપસ્થિતિમાં સન્માનપત્ર મળે તે વાત જ સરદારને ગમતી ન હતી.

બધો જશ એમણે ગાંધીજીને અર્પણ કર્યો. (યાદદાસ્ત પરથી). ગાંધીજી અને સરદાર વચ્ચે ત્યારથી જે સંબંધ બંધાયો તે છેક ગાંધીજીના જીવનની છેલ્લી ક્ષણ સુધી ટકી રહ્યો. યાદ રાખવું રહ્યું કે 1948ના જાન્યુઆરીની 30મી તારીખે ગાંધીજીના અવતારકૃત્યનો છેલ્લો કલાક સરદાર પટેલ સાથે વીત્યો હતો. એ બંને મહાનુભાવો સાથેની છેલ્લી વાતો દરમિયાન કું. મણિબહેન ઉપસ્થિત હતાં. પંડિતજી સાથે સરદાર ગાંધીજીની ઉપસ્થિતિમાં મળે તેવો નિર્ણય છેવટે લેવાયો હતો. લોર્ડ માઉન્ટબેટને ગાંધીજીને સ્પષ્ટ રીતે કહ્યું હતું: સરદાર અને નેહરુ ભેગા મળીને શાસન કરે તે જરૂરી છે. ડો. રાધાકૃષ્ણનના સુપુત્ર શ્રી એસ. ગોપાલે પોતાના ગ્રંથમાં નોંધ્યું છે: ‘નેહરુ અને માઉન્ટબેટન વચ્ચે અંગત સંબંધ હતો, પરંતુ માઉન્ટબેટનને સરદાર સાથે કામ કરવામાં વધારે ફાવટ રહેતી.’

સરદારને પંડિત નેહરુ તરફથી અન્યાય થયો એની વાતો અહીં કરવી નથી, પરંતુ ગાંધીજી તરફથી બે વાર અન્યાય થયો તેનો માત્ર ઉલ્લેખ કરું?
1. 1929માં સરદારને લાહોરમાં મળનારા કોંગ્રેસ અધિવેશનમાં કોંગ્રેસપ્રમુખ (રાષ્ટ્રપિતા) થતાં ગાંધીજીએ રોક્યા હતા.
2. 1946ના વર્ષમાં ગાંધીજીએ સરદાર દેશના પ્રથમ વડાપ્રધાન બને તેમાં પણ ગાંધીજીએ જ રોક્યા હતા.

ગાંધીજી કદી પણ ભૂલ ન કરે એવા મહાત્મા ન હતા, કારણ કે તેઓ મહાત્મા હતા, તોય આખરે તો માણસ હતા. પૃથ્વી પર જન્મેલો કોઇ મનુષ્ય પૂર્ણ નથી હોતો. ગાંધીજી કદી પણ ભૂલ ન કરે એવા મહાત્મા ન હતા એમ કહેવામાં ગાંધીજીને કોઇ અન્યાય થતો નથી. ગાંધીજી પાસેથી એમનું મનુષ્યપણું ઝૂંટવી લેવાનો અધિકાર ગાંધીભક્તોને પણ નથી. સરદારે ગીતાના ત્રણ શબ્દો સાવ સહજપણે જીવનમાં ઉતાર્યા હતા. અભય, દંભમુક્તિ અને ત્યાગ. સરદાર તેથી મહાન હતા. સરદારે બે વાર નેહરુની તરફેણમાં મોટા સન્માનનો ત્યાગ કર્યો હતો, પરંતુ પંડિત નેહરુએ એ માટે સરદારને ‘થેંક્યૂ’ કહ્યાનું ક્યાંય નોંધાયું નથી. આભારને બદલે ઉપેક્ષા મળે તેવું બન્યું એ નક્કી!

નોંધ: બારડોલીના સ્વરાજ આશ્રમમાં આસપાસથી આવેલા ગામલોકો અને મુ. નગીનદાસ સંઘવી તથા પ્રિય ભદ્રાયુ વછરાજાનીની ઉપસ્થિતિમાં યોજાયેલા વ્યાખ્યાનનું હોમવર્ક. તા. 15 ડિસેમ્બર, 2019, સરદારની પુણ્યતિથિ.

X
Sardar Patel's memoir on Bardoli Satyagraha's Epicenter

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી