વિચારોના વૃંદાવનમાં  / ગાંધીજીની સો ટચની સત્યસાધના ‘સિદ્ધાર્થ’ ફિલ્મનો ડાયલોગ યાદ છે?

Remember Gandhi's dialogue with Siddhartha's 'Siddhartha' hundredth touch?

  • દુનિયાને એટમિક પાવર કેવો હોઈ શકે તે સમજાય છે, પરંતુ સત્ય-પાવર કેવો હોય તે નથી સમજાતું. ગાંધીજીએ પોતાના આચરણ દ્વારા સત્યના પ્રભાવનો પરિચય કરાવ્યો હતો

Divyabhaskar.com

Oct 20, 2019, 07:44 AM IST

સુદામાને દ્વારકા જતાં જેટલા દિવસ લાગ્યા હશે તેટલા કલાકો મને વડોદરાથી પોરબંદર પહોંચતાં થયા હશે. તબિયત થોડીક સારી થઇ ત્યારે પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના પ્રેમાક્રમણને કારણે આજે તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. જે સમય મળે તેમાં અહીં સાંદીપનિ વિદ્યાલયમાં રહીને આ સુંદર ઉપવનનું પર્યાવરણ સૂંઘી રહ્યો છું.
ઉપનિષદના ઋષિને કોઇ જિજ્ઞાસુએ સદીઓ પહેલાં એક પ્રશ્ન પૂછ્યો હતો: ‘ઉપનિષદ એટલે શું?’ઋષિનો જવાબ ટૂંકો ને ટચ હતો: ‘ઉપનિષદ એટલે ‘સત્યસ્ય સત્યમ્’ સત્યસ્ય સત્યમ્ એટલે પરમ સત્ય. મહાત્મા ગાંધીએ સત્યની ઉપાસના જીવનભર કરી અને જાણે ભારતીય સંસ્કૃતિના તત્ત્વબોધની ચોટલી જ પકડી લીધી! એમનાં બે વિધાનોમાં એમની ઉપાસના આબાદ પ્રગટ થઇ: 1. મરતાં પણ સત્ય ન છોડવું અને 2. સત્ય એ જ પરમેશ્વર. સત્ય માટેની આની ચીકણી ચીવટ અન્ય કોઇ મહામાનવમાં જોવા મળે ખરી? પોતાના અંતરાત્માને ટેબલ પર રાખીને મેગ્નિફાઇંગ ગ્લાસ વડે તપાસતાં રહેવાની એમને જાણે ટેવ પડી ગઇ હતી.

આવી વાત મને સુરતમાં ગુજરાતી સાહિત્યના મહાન વિવેચક એવા બ્રાહ્મણશ્રેષ્ઠ સદગત શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સાહેબે કરી હતી. અત્યારે આ ક્ષણે મને હરમન હેસની નવલકથા પરથી તૈયાર થયેલી ફિલ્મ ‘સિદ્ધાર્થ’નો ડાયલોગ યાદ આવે છે. એ ફિલ્મ 1972માં તૈયાર થઇ હતી. એમાં નાયક તરીકે, અભિનેતા તરીકે શશિ કપૂર અને નાયિકા તરીકે સીમી ગરેવાલે ભૂમિકા ભજવી હતી. નાયિકા અત્યંત સૌંદર્યવાન હતી અને તે કાળે ગણિકાને નગરનંદિની કહેવાની પરંપરા હતી. કોઇ ગામમાં નાયિકાનો મુકામ હોય છે. નાયક ત્યાં પહોંચે છે અને બંને વચ્ચે આકર્ષણનો સેતુ રચાય છે. નાયિકા સિદ્ધાર્થને પૂછે છે: ‘સિદ્ધાર્થ! મોટા મોટા લોકો મને મળવા આવે ત્યારે કીમતી ઉપહાર લાવે છે. તું મને ઉપહાર તરીકે શું આપીશ?’ નાયિકાનું નામ કમલા હોય છે. કમલાએ પૂછેલા આ પ્રશ્નનો સિદ્ધાર્થ માર્મિક જવાબ આપે છે. એ કહે છે:
‘મારી પાસે ધન નથી, પરંતુ હું ત્રણ બાબતોને કારણે ધનવાન ગણાઇ શકું.’

1. I can wait (હું પ્રતીક્ષા કરી શકું છું.)
2. I can fast (હું ઉપવાસ કરી શકું છું.)
3. I can think (હું વિચારી શકું છું.)

આ ત્રણે વિધાનો મહાત્માને આબાદ લાગુ પડે છે. ગાંધીજીએ સ્વરાજની લડત ચલાવી અને લડત બરાબર જામી હતી ત્યારે 1922ના અરસામાં ચૌરીચોરામાં 22-23 પોલીસોને જીવતા બાળી મૂકવામાં આવ્યા. લોકોમાં એટલો આક્રોશ હતો કે પોલીસને એક ઓરડામાં પૂરી દઇને એ ઓરડાને આગ ચાંપવામાં આવી. આ ઘટનાએ ગાંધીજીને ભારે આઘાત પહોંચાડ્યો. અહિંસાના પૂજારી એવા મહાત્માએ પોતાનું અસહકાર આંદોલન સમેટી લીધું. પંડિત નેહરુ, સરદાર પટેલ અને અન્ય બધા નેતાઓ નારાજ થયા, પરંતુ ગાંધીજી પોતાના નિર્ણયમાં અડગ રહ્યા. હિંસા દ્વારા મળતું સ્વરાજ એમને માન્ય ન હતું. તેઓ થોભવા તૈયાર હતા, પરંતુ હિંસાવૃત્તિ થકી આંદોલન એમને માન્ય ન હતું. આવી સિદ્ધાંતનિષ્ઠા પાછળ રહેલી તપશ્ચર્યાને કારણે જ્યારે 1942ની લડત દરમિયાન એમણે મુંબઇમાં જ્યારે બે જ શબ્દો કહ્યા તેનો જાદુઇ પ્રભાવ પડ્યો: ‘હિંદ છોડો.’ તેઓ થોભવા માટે તૈયાર હતા, પરંતુ હિંસક માર્ગે મળનારા સ્વરાજ માટે અધીરા ન હતા.

ઉપવાસની તે શી વાત કરવી? એમણે 1931-32ના ગાળામાં યરવડા જેલમાં દલિતો માટે જુદા મતવિભાગોના વિરોધમાં જે આમરણ ઉપવાસ શરૂ કર્યા ત્યારે ડો. આંબેડકરે એમની સાથે સમાધાન કર્યું. રવીન્દ્રનાથ ટાગોરે એ વખતે જે શબ્દો કહ્યા, તે યાદગાર હતા: હજારો વર્ષ પછી પરમેશ્વરે આપણને મહાત્માની ભેટ મોકલી છે. શું આપણે મહાત્માને સાવ ખાલી હાથે વિદાય કરીશું? (યાદદાસ્ત પરથી). સમાધાન થયું અને ડો. આંબેડકરની ઉદારતાને કારણે મહાત્મા બચી ગયા. મહાદેવભાઇએ તે વેળાનો સંવાદ અક્ષરશ: એમની ડાયરીના બીજા ભાગમાં (પાન-81) નોંધ્યો છે.

ઠક્કરબાપા: આંબેડકરનું પરિવર્તન થયું છે.
બાપુ: એ તમે કહો છો. આંબેડકર ક્યાં કહે છે?

આંબેડકર: હા, મહાત્માજી થયું છે. તમે મને બહુ મદદ કરી. તમારા માણસોએ મને સમજવાનો પ્રયત્ન કર્યો તેના કરતાં તમે મને સમજવાનો વધારે પ્રયત્ન કર્યો. મને લાગે છે કે એ લોકોના કરતાં મારામાં અને તમારામાં ઘણું સામ્ય છે.

ત્રીજી વાત વિચારની. ગાંધીજીએ દુનિયા સમક્ષ જે વિચારધારા પ્રગટ કરી તે ઉત્ક્રાંતિના કુળની હતી. એમના અંગે જેટલા ગ્રંથો પ્રગટ થયા તેની સંખ્યા વિક્રમજનક ગણાય તેવી છે. આખા વિશ્વમાં એમના વિચારો પહોંચ્યા છે. ‘સિદ્ધાર્થ’ ફિલ્મનો ડાયલોગ કેટલો અર્થપૂર્ણ હતો? સિદ્ધાર્થ બુદ્ધત્વની શોધમાં નીકળી પડ્યો હતો અને કમલા સુધી પહોંચી ગયો હતો. ગઇ સદીની એ શ્રેષ્ઠ ફિલ્મ હતી.

***

ગાંધીજીની સત્યસાધના કેવી? 1940ના વર્ષમાં ગાંધીજીની 70મી જન્મતિથિએ ડો. રાધાકૃષ્ણને એક ગ્રંથનું સંપાદન કર્યું, જે બીજી ઓક્ટોબરે ગાંધીજીને ભેટ તરીકે અપાયું હતું. ગુજરાતીમાં એ પુસ્તકનું મથાળું છે: ‘ગાંધીજીને જગવંદના.’ એમાં દક્ષિણ આફ્રિકાના હાકેમ જનરલ સ્મટ્સનો પત્ર પણ છપાયો છે. મેં એ પત્રની નકલ મારી ડાયરીમાં પ્રિટોરિયામાં આવેલા જનરલ સ્મટ્સના (સ્મારકરૂપે સચવાયેલા) ઘરમાં બેસીને જ ઉતારી હતી. પત્રનો સાર જ અહીં રજૂ કરું છું. ‘Dear Gandhi’ જેવા મજાના સંબોધનથી શરૂ થતા એ પત્રમાં સ્મટ્સ લખે છે: તમને કદાચ યાદ હશે કે તમને મેં જ્યારે જેલમાં કેદી તરીકે પૂર્યા હતા ત્યારે તમે પ્રેમપૂર્વક તમારા હાથે તૈયાર કરેલાં સેન્ડલની એક જોડ મને ભેટ તરીકે આપી હતી. કેટલાક ઉનાળાઓ સુધી મેં એ સેન્ડલનો ઉપયોગ પણ કર્યો હતો. મને હવે સમજાય છે કે તમારાં એ સેન્ડલમાં પગ મૂકવાની મારી પાત્રતા નથી. આ ઘટનામાં ગાંધીજીનો ‘Truth Power’ પ્રગટ થતો દીસે છે.

મિત્રો! દુનિયાને હોર્સપાવર, વિદ્યુત પાવર, સોલર પાવર, હાઇડ્રો પાવર અને એટમિક પાવર કેવો હોઇ શકે તે સમજાય છે, પરંતુ સત્ય-પાવર (ટ્રુથ પાવર) કેવો હોય તે નથી સમજાતું. ગાંધીજીએ પોતાના આચરણ દ્વારા સત્યના પ્રભાવનો પરિચય કરાવ્યો. સત્ય શાશ્વત છે, માટે ગાંધીજી શાશ્વત છે. બાવીસમી સદીની વાત ક્યાં કરવી? બાવીસ સદી વીતે પછી પણ મહાત્મા પ્રસ્તુત રહેશે. એમણે કહેલું કે ‘સત્યાગ્રહમાં પરાજયને સ્થાન નથી.’ મહાત્માએ સત્યની તાકાત શું હોઇ શકે તે દુનિયાને બતાવી આપ્યું. જનરલ સ્મટ્સ જેવા વિરોધીને પણ જીતી લેવાની તાકાત એમના સત્યાચરણમાં જોવા મળી. સત્યનો નાળ-સંબંધ શાશ્વતી સાથે હોય છે. સત્ય અમર છે, માટે ગાંધીજી અમર છે.
પોરબંદરમાં હોવું અને ગાંધીજીની સાર્ધશતાબ્દિના વર્ષમાં હોવું એ રોમહર્ષ જગાડનારી બાબત ગણાય. તમે મને શાંતિપૂર્વક સાંભળી લીધો તે માટે સાંદીપનિ સંસ્થાનો અને આદરણીય ભાઇશ્રીનો ઉપકૃત છું. ધન્યવાદ.
(તા. 6 ઓક્ટોબર, 2019ને દિવસે, સાંદીપનિ ગુરુકુળમાં ‘22મી સદીમાં ગાંધીજી’ વિષય પર આપેલા વ્યાખ્યાન માટેનું હોમવર્ક.)
***
પાઘડીનો વળ છેડે
કદાચ તેઓ સફળ ન થાય,
કદાચ તેઓ નિષ્ફળ પણ જાય, પરંતુ
જે રીતે બુદ્ધ અને ઈસુ
મનુષ્યોને અધર્મથી અલગ કરવામાં
નિષ્ફળ ગયા, પરંતુ
પોતાના અસાધારણ જીવનને કારણે
પ્રત્યેક યુગમાં તેમનું સ્મરણ થતું જ રહેશે.
- રવીન્દ્રનાથ ટાગોર

X
Remember Gandhi's dialogue with Siddhartha's 'Siddhartha' hundredth touch?
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી