વિચારોના વૃંદાવનમાં / આખરે કળિયુગ એટલે શું? માનવ-ઇતિહાસનો શ્રેષ્ઠ યુગ કળિયુગ

vicharo na vrundavan ma by gunvant shah

  • લોકતંત્રને કળિયુગની ભેટ ગણીએ તો કહેવું રહ્યું કે સ્વસ્થ અને સ્વચ્છ સેક્યુલરિઝમ વિના લોકતંત્રનું આરોગ્ય કથળે એ નક્કી. વોટબેન્કની ગંદકી વિનાનું સેક્યુલરિઝમ પવિત્ર છે અને એને કળિયુગની ભેટ ગણાવી શકાય

ગુણવંત શાહ

Oct 13, 2019, 08:30 AM IST

વરસાદ અટકી ગયો છે, પરંતુ ધરતીમાંથી ઊગી નીકળેલી ભીનાશનો નશો મનને અવનવા વિચારોથી ભરી દેનારો હોય છે. વરસાદના દિવસોમાં વાંચવા જેવાં ત્રણ મહાકાવ્યો મહાકવિ પ્રેમાનંદે આપ્યાં છે: ‘નળાખ્યાન, કુંવરબાઇનું મામેરું અને સુદામાચરિત્ર.’ સંસારને સુગંધથી ભરી દેનારાં આ ત્રણ મહાકાવ્યો વાંચીએ ત્યારે વર્ષાઋતુ હૃદયને તરબતર કરનારી જણાય છે.

દમયંતીથી વિખૂટો પડેલો રાજા નળ ઘનઘોર વનમાં દમયંતીને છોડીને ચાલી નીકળે છે. કર્કોટક નાગના ડંખને કારણે નળ કાળોકૂબડો બની જાય છે. સાવ કદરૂપો બની ગયેલો નળ રાજા ઋતુપર્ણના સારથિ તરીકે કુંદનપુર જવા નીકળે છે. બંને વચ્ચે કાવ્યશાસ્ત્રવિનોદ થાય છે. જે ક્ષણે નળના દેહમાંથી કળિ વિદાય થયો, ત્યારે જતી વખતે કળિ પોતે પોતાનાં કુલક્ષણો નળ સમક્ષ વર્ણવી બતાવે છે. કળિ કહે છે:
પંડિત દુ:ખી મૂરખ સુખી,
ભોગીને રોગ ભરિયા;
અસાધુ અન્ન સંતોષે પામે,
સાધુ ઘડી ન ઠરિયા.

પ્રેમાનંદની આ પંક્તિઓ આજે પણ પ્રસ્તુત જણાય છે. મુગલ બાદશાહ ઔરંગઝેબના સમકાલીન એવા પ્રેમાનંદની સ્મૃતિમાં ‘કવિવર પ્રેમાનંદ સ્મૃતિગ્રંથ’ વડોદરાની પ્રેમાનંદ સાહિત્યસભા તરફથી પ્રગટ થયો છે. એના સંપાદક ગુજરાતી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી સિતાંશુ યશશ્ચંદ્ર છે. આ દળદાર ગ્રંથમાં ગ્રંથના પ્રથમ પ્રકરણમાં સિતાંશુભાઇનું ગહન ચિંતન અને ગવેષણા પ્રગટ થયાં છે. એ જ ગ્રંથનું બીજું પ્રકરણ શ્રી હેમંત દવેએ લખ્યું છે. મહાકવિ પ્રેમાનંદ ઔરંગઝેબનો સમકાલીન હતો.

પ્રેમાનંદના સમયનું ચિત્રાંકન શ્રી હેમંતભાઇએ કર્યું છે તેવું અગાઉ વાંચવાનું સ્મરણમાં નથી. એમને નડિયાદ ફોન જોડ્યો, પણ ફોન ન લાગ્યો. બીજે દિવસે સવારે ફરીથી પ્રયત્ન કર્યો અને વાતો થઇ. એમના લેખમાં વાંચવા મળેલી કેટલીક વાતો પીડા પહોંચાડનારી હતી. એ લેખમાં એમણે ખૂબ ઝીણું કાંતીને જે હકીકતો પ્રગટ કરી તેનો ટૂંકસાર પ્રસ્તુત છે:
1. અલાઉદ્દીન ખિલજીના સૈન્યએ ઉલુગ ખાનની સરદારી હેઠળ ગુજરાત લીધું. એ સમયના ફારસી ઇતિહાસકારોએ લખ્યું છે તેમ, હજારો ગામડાં તબાહ કરવામાં આવ્યાં, મંદિરો, મઠો, મહાલયોમાં બેફામ લૂંટ ચલાવવામાં આવી અને એમનો ધ્વંશ કરવામાં આવ્યો. મહમૂદ ગઝનવીએ ભાંગેલું અને ભીમદેવે અને પછી કુમારપાળે નવું કરાવેલું સોમનાથનું મંદિર આ ચડાઇ વેળાએ જ તોડીને ભ્રષ્ટ કરવામાં આવ્યું. સ્ત્રીઓ તથા બાળકોને બંદી બનાવીને એમને ઉપભોગ અર્થે દિલ્હી લઇ જવામાં આવ્યાં. (પાન-35).
2. પદ્મનાભ કન્હડદે પ્રબંધમાં લખે છે તેમ, જે ઠામ દેરાસર હતાં ત્યાંથી બાંગ પોકારાવા લાગી. એક તરફ કેટલાક મુસ્લિમ શાસકો મંદિરો તોડવામાં ગૌરવ માનતા હતા, ત્યારે એ સમયે એતદેશીય શાસકો અને ઉચ્ચાધિકારીઓનું વલણ એથી જુદું હતું. જેમ કે લક્ષ્મીસાગર સૂરીના વસ્તુપાલ તેજપાલ રાસમાં કહ્યું છે તેમ વસ્તુપાલ-તેજપાલે તુર્ક લોકોને ચોસઠ મસ્જિદો બંધાવી આપી હતી. (પાન-35).
3. આ લડાઇઓમાં મંદિરો તૂટતાં, સ્ત્રીઓએ જૌહર કરવું પડતું, સ્ત્રીઓ-બાળકો કેદ પકડાતાં, પરાણે ધર્મપરિવર્તન અને સ્ત્રીઓનું શીલહનન થતું, ગામોમાં મોટે પાયે લૂંટફાટ થતી, ખેતરોમાં ઊભો પાક સળગાવી દેવામાં આવતો વગેરે.
4. લાવણ્યસમય જેવા જૈન કવિ ‘વિમલપ્રબંધ’માં લખે છે: ‘જ્યાં જ્યાં હિન્દુઓનું નામ જણાય ત્યાં ત્યાં (સુલતાનો) તે દેશ અને ગામ ઉજ્જડ કરી મૂકે છે.’
જાણે હિન્દુઓનો કાળ અવતર્યો છે. જો ચાલે તો એમનું રક્ષણ કરો. (પાન-41).
લોકતંત્રને કળિયુગની ભેટ ગણીએ તો કહેવું રહ્યું કે સ્વસ્થ અને સ્વચ્છ સેક્યુલરિઝમ વિના લોકતંત્રનું આરોગ્ય કથળે એ નક્કી. વોટબેન્કની ગંદકી વિનાનું સેક્યુલરિઝમ પવિત્ર છે અને એને કળિયુગની ભેટ ગણાવી શકાય.

કળિયુગને માનવ-ઇતિહાસનો શ્રેષ્ઠ યુગ કહેવા માટે કોઇ વાજબી કારણ ખરું? જવાબમાં ત્રણ કારણો જડે છે:
1. કળિયુગમાં જ લોકતંત્રનો અભ્યુદય થયો. (રામરાજ્ય ઉત્તમ હતું, પરંતુ એ લોકરાજ્ય ન હતું).
2. સેક્યુલરિઝમ જેવી માનવતાવાદી સંકલ્પના પણ ખરેખર તો કળિયુગનું જ પ્રદાન ગણાય.
3. માનવ-અધિકારનો આટલો મહિમા આગળના કોઇ યુગમાં થયો ન હતો. મોગલવંશનું શાસન પૂરું થયું પછી જ્યારે અંગ્રેજોનો રાજવટ શરૂ થયો ત્યારે અંગ્રેજી શાસનની અનેક મર્યાદાઓ હતી. તોય ‘કાયદો અને વ્યવસ્થા’ તથા ન્યાયની પ્રક્રિયા પ્રમાણમાં સારી હતી. કવિ દલપતરામે તેથી એની ખુલ્લી પ્રશંસા કરી હતી. કાયદો અને વ્યવસ્થાની જાળવણી એટલે શું?

આજથી લગભગ 2600 વર્ષ પહેલાં ચીનમાં લાઓ ત્ઝુ અને કન્ફ્યુશિયસ જેવા બે મહાન ચિંતકો થઇ ગયા. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધના એ બંને મહામાનવો સમકાલીનો હતા. કન્ફ્યુશિયસ કેવળ ફિલસૂફ જ ન હતો, એની પાસે સુશાસન કોને કહે તેનું ઊંડું જ્ઞાન હતું. તે સમયના ચીનના પ્રાદેશિક શાસકો કન્ફ્યુશિયસને સુશાસન શી રીતે ચલાવવું તે અંગે આદરપૂર્વક આમંત્રણ પાઠવતા અને સલાહ લેતા. કન્ફ્યુશિયસ કોઇ ગામમાં ગયો ત્યારે એક દુ:ખી સ્ત્રી તેને મળવા આવી. ગામમાં માણસખાઉ વાઘ એના પતિને અને પછી એના બાળકને ખાઇ ગયો હતો. પરિણામે એ સ્ત્રી રડી પડી. કન્ફ્યુશિયસે એ સ્ત્રીને પૂછ્યું: ‘વાઘનો ભયંકર ત્રાસ હોવા છતાં તું બીજે કોઇ સ્થાને રહેવા માટે કેમ જતી નથી?’ જવાબમાં સ્ત્રીએ કહ્યું: ‘આ ગામના રાજા બહુ સારા છે તેથી કાયદો અને વ્યવસ્થાનું બરાબર પાલન થાય છે. માટે મારે આ ગામ છોડવું નથી.’

કાયદો અને વ્યવસ્થા બરાબર જળવાય છે, તેની નિશાની કઇ? જો રાજવટમાં સજ્જનો સુખચેનથી રહે અને ગુંડાઓ થરથર કાંપે તો જાણવું કે ત્યાં કાયદો અને વ્યવસ્થા જળવાય છે. આતંકવાદ અંગે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિનો અમલ થાય, તો જ આવું બની શકે. આમ ન બને તો ગુંડાઓ (આતતાયીઓ)નું ચડી વાગે. જો લોકતંત્રમાં કાયદો અને વ્યવસ્થા ખાડે જાય તો નિર્દોષ નાગરિકોના માનવ-અધિકારો પણ ન જળવાય. આજે સેક્યુલરિઝમ અને માનવ-અધિકારો જેવી સંકલ્પનાઓ પણ વોટબેન્કને પનારે પડી છે. આવા શાસનમાં સજ્જનો દુ:ખી હોવાના અને દુર્જનો સુખી હોવાના. સરદાર પટેલની કડકાઇ લોકતંત્રમાં માનવ-અધિકારોની માવજત માટે પણ જરૂરી ગણાય. ગુંડો ડરવો જ જોઇએ. એના માનવ-અધિકારોની ચિંતા એટલે તો નિર્દોષ નાગરિકોના માનવ-અધિકારોની ઘોર અવગણના.

એવા શાસનમાં ઢીલો-ઢીલો અને પોચો-પોચો આદર્શવાદ ન ચાલે. હા, લોકતંત્રમાં અને સેક્યુલરિઝમમાં પણ કળિયુગ સંતાઇને બેસી રહેતો હોય છે. આદર્શ શાસકની એક આંખમાં કરડાકી અને બીજી આંખમાં કરુણા હોવી જોઇએ. અલ કાયદા સાથે કાર્યરત એવો આતંકવાદી (આતતાયી) પકડાઇ જાય ત્યારે એ બચવા ન પામે એવું ટટ્ટાર શાસન ખૂબ જરૂરી છે, જે મનુષ્ય રાક્ષસ હોય તેના વળી માનવઅધિકારો કેવા? હડકાયા કૂતરાને શ્વાન સમાજમાં શ્વાનીય અધિકાર પ્રાપ્ત ન હોઇ શકે. આતંકવાદી એટલે હડકાયો કૂતરો, જે બંદૂકના ધડાકે કેટલાય નિર્દોષ નાગરિકોની હત્યા કરી શકે છે. પાકિસ્તાનનો ગુંડો હાફિઝ સૈયદ સજ્જન ઇમરાન ખાનને બ્લેકમેઇલ કરતો રહે છે. પાકિસ્તાનમાં જો કોઇ કન્ફ્યુશિયસ હોય તો તે લાચાર છે. ત્યાં સુશાસન શક્ય જ નથી. પાકિસ્તાનમાં હજી કળિયુગનો ઉદય પણ નથી થયો.

પાઘડીનો વળ છેડે
ફ્રાન્સમાં 1944માં સ્ત્રીઓને મતાધિકાર પ્રાપ્ત થયો. જાપાનમાં 1946માં સ્ત્રીઓને મતાધિકાર પ્રાપ્ત થયો અને ટર્કીમાં 1930માં અને રાષ્ટ્રીય કક્ષાએ 1934માં સ્ત્રીઓ મતાધિકાર પામી. ટર્કીમાં એક સ્ત્રી પ્રાઇમ મિનિસ્ટર પણ બની હતી. નારીમુક્તિની બાબતે ટર્કીનો રાષ્ટ્રપિતા કમાલ અતાતુર્ક પોતાના જમાનાથી ઘણો આગળ હતો. ત્યાં 1966માં સ્ત્રી-પુરુષ માટેના રોજગારી દર સરખા કરવામાં આવેલા. વળી, કોર્ટમાં બે સ્ત્રીઓની સાક્ષી બરાબર એક પુરુષની સાક્ષી-એવી કુપ્રથા કમાલ પાશાએ તાબડતોબ નાબૂદ કરી નાખી હતી. એ મહાન મુસ્લિમ શાસકનું મૃત્યુ 1938માં થયું હતું. આપણે ત્યાં તીન તલ્લાકની પ્રથા નાબૂદ કરનારું બિલ તા. 30મી જુલાઇ(2019)ને દિવસે પસાર થયું! આવું નારીવાદી બિલ તો પંડિત નેહરુ જેવા પ્રોગ્રેસિવ-લિબરલ અને રેશનલિસ્ટ નેતાએ પ્રથમ વર્ષમાં જ નાબૂદ કરવું જોઇતું હતું. નહેરુ જેવા પ્રોગ્રેસિવ નેતા પણ કમાલ અતાતુર્ક જેવા નેતાનું અનુસરણ ન કરી શક્યા! મજાક તો જુઓ! એ બિલ કોંગ્રેસના અવરોધ વચ્ચે પસાર થયું. કળિયુગનો આભાર માનશું? હવે તો વરસાદ દિલ લઇને તૂટી પડ્યો છે. વેદમાં વરસાદને ‘પર્જન્ય’ કહ્યો છે.

X
vicharo na vrundavan ma by gunvant shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી