તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરીબ માણસની સમૃદ્ધિ અનલિમિટેડ! જે છે તેની કદર ન હોય એ જ ખરું અજ્ઞાન

એક વર્ષ પહેલાલેખક: ગુણવંત શાહ
 • કૉપી લિંક
 • આપણી અંતરસમૃદ્ધિથી અજાણ રહી જવું એ ખોટનો ધંધો ગણાય. આપણા હાથમાં વૈશાખની બપોરે સ્વચ્છ પાણીનો એક ગ્લાસ હોય ત્યારે આપણે કેટલા સમૃદ્ધ છીએ તે યાદ કરવા જેવું છે

વર્ષો પહેલાં ઉત્તર ભારતમાં પંડિત લાલન નામના સાધુચરિત વિદ્વાન થઇ ગયા. મારી નાની ઉંમરે તેઓ રાંદેરમાં ઘરે પધાર્યા હતા ત્યારે એમને નજીકથી જોયાનું યાદ છે. એમણે કહેલી એક વાર્તા આજે ઓચિંતી યાદ આવી ગઇ. એક ગરીબ માણસ કોઇ સાધુ પાસે ગયો ત્યારે વાતચીત શરૂ થઇ. સાંભળો:  સાધુ: તું ગરીબ નથી. તું તો બહુ મોટો પૈસાદાર છે. ગરીબ: અરે! હું વળી પૈસાદાર શેનો? જેમ તેમ રોટલાભેગો થાઉં છું. મહારાજ મને તમારી વાત નથી સમજાતી. સાધુ: સાંભળ મારી વાત. જો તું તારો ડાબો હાથ મને કાપવાની છૂટ આપે તો હું તને રૂપિયા એક કરોડ રોકડા આપું. ગરીબ: મહારાજ! તમે એક અબજ રૂપિયા આપો તોય મારો હાથ નહીં આપું. સાધુ: જો તું મને તારો પગ આપે તો પચાસ લાખ રૂપિયા રોકડા... ગરીબ: મહારાજ! મારા પગ ન હોય તો હું ચાલી ન શકું. સાધુ: તો પછી તારા કાનના રૂપિયા બે કરોડ ચાલે? ગરીબ: કાન ચાલી જાય પછી જીવવામાં શી મજા? સાધુ: તો પછી તારી આંખના રૂપિયા પાંચ કરોડ ચાલે? ગરીબ: મહારાજ! હવે બીજી વાત કરો તો કૃપા થશે.  હું શરીરનું કોઇ અંગ વેચવા તૈયાર નથી. મારી ગરીબી મારી પાસે... સાધુ: તારી પાસે હાથપગ છે, આંખ છે, કાન છે, હૃદય છે, મગજ છે અને તું જીવતો છે. બોલ, તું ગરીબ ગણાય ખરો? ગરીબ: હું ગરીબ નથી એ વાતમાં દમ છે.  કબૂલ કરું છું. સાધુ: તું કેટલો પૈસાદાર છે તે તને સમજાય છે? તું લૂલો નથી, લંગડો નથી, બહેરો નથી, આંધળો નથી અને ગાંડો નથી. તું વળી ગરીબ શેનો? ગરીબ: મહારાજ! તમારી વાત મારા હૈયે ચોંટી ગઇ! *** રાંદેરના અમારા ઘરે કેવા કેવા સાધુચરિત મહાનુભાવો પધાર્યા હતા? શ્રદ્ધેય કેદારનાથજી (‘વિવેક અને સાધના’ જેવો સુંદર ગ્રંથ રચનારા). બે વાર રહી ગયા હતા. સ્વાધ્યાય મંડળ(પારડી)ના વેદજ્ઞ શ્રીપાદ દામોદર સાતવળેકરજી પણ પધારેલા. એમણે પરિવાર માટે ‘અથર્વવેદ’ના ભાષ્યગ્રંથના પ્રથમ કે બીજા પાને આશીર્વચન લખી આપ્યાં હતાં તે મારી લાઇબ્રેરીમાં સચવાયાં છે. પ્રાત: સ્મરણીય ગુરુદયાલ મલ્લિકજી રાંદેર વારંવાર આવતા. એમની અપર માતા રાંદેરની જૂની પોસ્ટઓફિસના માળ પર રહેતાં હતાં. ગુરુદયાલજી કદાચ કવેકરપંથી હતા અને રવીન્દ્રનાથ ટાગોરના અંતેવાસી હતા અને એમણે શાંતિનિકેતનમાં પ્રાધ્યાપક તરીકે વર્ષો સુધી સેવા આપી હતી. ગાંધીજીના સેવાગ્રામમાં રહેનારા વિચિત્ર સાધક શ્રી ભણસાળીજી ઘરે પધાર્યા ત્યારે ઉંમર નાની હતી. તેમનું આગમન યાદ છે, કારણ કે તેઓ મૌન પાળનારા હતા તેથી તાંબાના તાર વડે બે હોઠ સીવી દીધા હતા. મને એ વાત ગળે ઊતરતી ન હતી. નારાયણ દેસાઇએ ભણસાલીજી વિશે ‘સંત સેવતાં સુકૃત વાધે’ પુસ્તકમાં આ વિચિત્રતા વિશે સુંદર લખ્યું છે. સરદાર પટેલને આવા ધૂની લોકો નહોતા ગમતા. એમને મહાદેવભાઇએ કહ્યું: બાપુ ડોક્ટર છે અને ડોક્ટરને ત્યાં તો દરદી જ આવે ને? (યાદદાસ્તને આધારે). આજે હું કંઇ છું તેમાં આવા અનેક મહાનુભાવોની સાથે ગાળેલી નાદાન ક્ષણોનો ફાળો છે. સવારે ઊઠ્યા પછી કર્ણમૂળમાં વેદમંત્રો, ઉપનિષદમંત્રો અને ગીતાના શ્લોકો જ સંસ્કાર તરીકે જળવાયા હોય તેનો ફાળો છે. વ્યસનોનો જીવનમાં પ્રવેશ ન થયો તેનો યશ મારા બાયોલોજિકલ પિતા કરતાંય મનોઆધ્યાત્મિક રાષ્ટ્રપિતા ગાંધીજીનો ફાળો વધારે ગણાય. આપણી અંતરસમૃદ્ધિથી અજાણ રહી જવું એ ખોટનો ધંધો ગણાય. એક જ ઉદાહરણ પૂરતું છે. સહરાના રણમાં કારમાં બેસીને રખડવાનો આનંદ માણ્યો છે. આપણા હાથમાં વૈશાખની બપોરે સ્વચ્છ પાણીનો એક ગ્લાસ હોય ત્યારે આપણે કેટલા સમૃદ્ધ છીએ તે યાદ કરવા જેવું છે. ‘હેલ્લારો’ જેવી યાદગાર ફિલ્મમાં પાણી ભરવા ગયેલી સ્ત્રીઓની નજરે એક અજાણ્યો બેભાન માણસ પડ્યો ત્યાંથી ફિલ્મની ખરી શરૂઆત થાય છે. પાણીનો એ ગ્લાસ કેટલો મૂલ્યવાન ગણાય? એમાં તો સાક્ષાત્ અમૃત રહેલું ગણાય. સહરાના રણમાં બળતી બપોરે એ જ ગ્લાસમાં રહેલું જળ અમૃતસ્વરૂપ ગણાય એ સમજાય. પાણીનો બગાડ તો મહાપાપ ગણાય. આ વાત કચ્છના ‘મીઠાના રણમાં’ જઇને સો ટચની તરસની અનુભૂતિ થાય તો એક નાનકડો સાક્ષાત્કાર થાય એમ બને. વહેતી ગંગાનું દર્શન થાય ત્યારે નદીના માતૃત્વનો સાક્ષાત્કાર થાય એમ બને. નાની-નાની વાતે નાનો નાનો સાક્ષાત્કાર! આવા નાના નાના સાક્ષાત્કાર થતા રહે તે પળે પળે પ્રાર્થના! દોઢ-બે વર્ષ પર ફ્રેક્ચર થયું ત્યારે દોઢ મહિનો ખાટલાવશ રહેવાનું થયું. એ ખાટલાને ત્યારે ‘ખાટલાબ્રહ્મ’ કહેવાનું બનેલું. ત્યારે એક વાત તીવ્રતાપૂર્વક સમજમાં આવેલી હતી. ચાલવાની છૂટ કે ક્ષમતા કેટલી મૂલ્યવાન ગણાય? મેં ડો. પંચાલને વિનંતી કરી: ‘ડોક્ટર, મને જબલપુર સુધી ચાલવાની છૂટ ક્યારે મળશે?’ ડોક્ટરને થયું. જબલપુર? મેં જવાબમાં કહ્યું: ‘જબલપુર એટલે મારા ખાટલાથી માંડ દસ ફૂટ દૂર આવેલો બાથરૂમ! ખાટલા બ્રહ્મથી છુટકારો થયો પછી ચાલતો થયો, ત્યારે પ્રાર્થનામય ચિત્તે સમજાયું કે ચાલવાની ક્ષમતા એ પ્રભુની કેવી કૃપા છે. આવું બને ત્યારે ચાલવાનું પણ પ્રાર્થનામય બની જાય છે. મને એ દોઢ મહિનો જાણે દીક્ષા આપતો ગયો. હવે મારું રોજનું ચાલવાનું છેક નોર્મલ નથી રહ્યું. એ પ્રાર્થનામય બની રહ્યું છે.’ તમને જ્યારે પણ કોઇ દ્વારા થતી ઇર્ષ્યા પજવે ત્યારે જરૂર એક વાત યાદ રાખજો. એ મનુષ્ય તમારા પર બહુ મોટો ઉપકાર કરી રહ્યો છે. એ તમારો ફુલટાઇમ સર્વન્ટ છે. તમે નસીબદાર છો કારણ કે તમારામાં ઇર્ષ્યા કરવાલાયક એવી કોઇ ભેટ જરૂર પડેલી છે એ નક્કી. મિત્ર વિનોદ ભટ્ટ રોજ યાદ આવે છે. એક દિવસ ફોન પર મને કહ્યું: ‘ગુણવંતભાઇ! તમારી અદેખાઇ કરનારાઓની સંખ્યા વધી રહી છે.’ મેં કહ્યું: ‘નસીબદાર મનુષ્યોની જ અદેખાઇ થતી હોય છે.’ પછી મેં એક ઢીલા ઢીલા અને ગરીબડા લેખકનું નામ દઇને કહ્યું: ‘વિનોદભાઇ! બોલો એ ભાઇની અદેખાઇ થતી જાણી છે?’ નામ સાંભળીને વિનોદભાઇ ખૂબ હરખાયા અને બોલી ઊઠ્યા: ‘વાત અત્યંત મૌલિક કરી.’ વિનોદભાઇ વારંવાર યાદ આવે છે. આવા સરળ, અકૃત્રિમ અને પેટમાં પાપ નહીં રાખનાર બીજા સાહિત્યકાર નજરે નથી પડતા. જાણી રાખવા જેવું છે કે ‘શિવસહસ્રનામ’માં શિવ ભગવાનનું એક નામ છે: ‘અકૃત્રિમ’ વિનોદભાઇ દેખાવડા ન હતા, પરંતુ અંદરથી સુંદર હતા. એમની ગેરહાજરીમાં એમની મહાનતા સમજાય છે. શું કરવું? હું એમને લગભગ રોજ યાદ કરું છું. જીવન સાગર જેવું છે ને? સાગરની અનંત તરંગરાશિ પર એક નાનકડી સ્ટીમર તરતી દેખાય છે. એ સ્ટીમરને સાગરના ઊંડાણનો પરિચય નથી હોતો. સાગરનો ખરો પરિચય સબમરિનને હોય છે. જે છે, તેની કદર ન હોય અને જે નથી તેની ઝંખના હોય એનું જ નામ અજ્ઞાન! ભક્ત તે છે, જેને પ્રતિ ક્ષણ ભગવદ્્કૃપાના ધોધની નીચે થતા સ્નાનની પ્રતીતિ થતી રહે છે. આવી કૃપાનુભૂતિ થતી રહે તો ભગવાન વિના આપણું કશુંય અટકતું નથી. આંખમાં આંસુ ન છલકાય તેથી દર્દ ગેરહાજર છે, એવું માનનાર માણસને રેશનલિસ્ટ ગણવાની ભૂલ કરવા જેવી નથી. હવે જ્યારે દીવાસળીને હાથમાં પકડો ત્યારે એને સાક્ષાત્ અગ્નિદેવતાની દીકરી તરીકે જોવાનું રાખશો. મનની ઋતુ બદલાઇ જશે. ઉપરવાળો ગ્રેસફુલ છે, આપણે ગ્રેટફુલ બનીએ તોય ઘણું! ખબર છે? એક બેન્કનું નામ છે: ‘બંધન બેન્ક’. વાહ ક્યા બાત હૈ? *** પાઘડીનો વળ છેડે  હે પરમાત્મા! તમે અમારા આનંદને પુષ્ટ કરો. એવું ધન મળો કે જેનાથી આનંદમાં ઉત્તરોત્તર વધારો થાય. વાણી મધુર બને અને પ્રત્યેક દિવસ ‘સુદિન’, (શુભ દિવસ) બને. (ઋગ્વેદ, 2-11-6) આ ઋચાના મંત્રદૃષ્ટા ગૃત્સમદ ભાર્ગવ શૌનક છે. ગુજરાતના શાસ્ત્રોપસ્કૃત વિદ્વાન ડો. હર્ષદેવ માધવના પુસ્તક ‘જ્ઞાનનું સાયબર કાફે: વેદમંત્રો’માંથી સાભાર વાંચવા-વસાવવા જેવું સમૃદ્ધ પુસ્તક.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો