વિચારોના વૃંદાવનમાં  / આ લેખ માત્ર પટેલો માટે નથી ઓશો રજનીશ પટેલ હતા?!? હા.

latest article by gunvant shah

  • વીસમી સદીમાં ચિત્ર બદલાયું. શિક્ષણનો પ્રસાર થયો અને કેટલાક પટેલોએ શિક્ષણના ક્ષેત્રે માતબર પ્રદાન કર્યું. ગુજરાતમાં શબ્દકોશોની રચનાને ક્ષેત્રે પટેલોનું પ્રદાન ધ્યાન ખેંચે તેવું છે

ગુણવંત શાહ

Jan 19, 2020, 07:35 AM IST

પટેલના શબ્દકોશમાં ‘કાયરતા’ જેવો શબ્દ નથી હોતો. આપત્તિના સમયે એક જ વાર કોઇ પટેલ મદદે આવે પછી તમારી લડાઇ એ જ લડી લેવાનો. મિત્રના શત્રુને પોતાનો શત્રુ ગણવામાં પટેલો ખાસી ઉતાવળ કરતા હોય છે. પટેલની ભીતર સંતાયેલો ક્ષત્રિય અન્યને થતો અન્યાય સહન કરવા માટે તૈયાર નથી હોતો. શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રણિત પુષ્ટિમાર્ગમાં વ્રજભાષાના આઠ વિશિષ્ટ કવિઓ ‘અષ્ટસખા’ તરીકે પ્રસિદ્ધ છે. એમાંના એક કૃષ્ણદાસ (અથવા કરસનદાસ) ચરોતર બાજુના લઠ્ઠાબાજ પટેલ હતા. વ્રજમંડળમાં ગિરિરાજનો કબજો લઇ બેઠેલા બંગાળી બ્રાહ્મણોને તેમણે દંડા મારીને હાંકી કાઢેલા. તેઓ શ્રીનાથજીના મંદિરમાં કોઠારી હતા. તેમની ધાક એવી હતી કે આજે પણ શ્રીનાથજીના મંદિરમાં કોઠારીનું નામ ગમે તે હોય, પરંતુ તે કૃષ્ણદાસ જ કહેવાય છે. (‘ભારતીય તત્ત્વવિદ્યા: એક દૃષ્ટિ’, લે. ડો. ભોગીલાલ સાંડેસરા ‘યજ્ઞશેષ’ પાન 50). મિત્રનું દેવું પોતે ભરપાઇ કરે ત્યારે ખરા પટેલને દિલમાં ટાઢક થાય છે. તકરારથી ભાગે એ પટેલ નહીં, પરંતુ વેચાતી તકરાર વહોરવામાં જે ખરબચડી ઉતાવળ કરે તેને પટેલ જાણવો. પટેલની વ્યાખ્યા શું? જે જાહેરમાં પત્નીનું બિલકુલ ન માને, પરંતુ ખાનગીમાં બધું જ માને તેને પટેલ જાણવો.
અરે! લેઉઆ પટેલ અને કડવા પટેલ વચ્ચેનો તફાવત કેવો? એ તફાવત તો કોકાકોલા અને પેપ્સિકોલા વચ્ચેના તફાવત જેટલોય નથી. અમેરિકામાં ખૂબ પ્રવાસ કર્યો છે. ઘણી મોટેલોમાં રહેવાનું બન્યું છે. રિસેપ્શન પર ઊભેલી પટલાણી જે આત્મવિશ્વાસથી કોઇ ધોળિયા સાથે અંગ્રેજીમાં વાત કરે તે સગે કાને સાંભળ્યું છે. ખોટું અંગ્રેજી પણ આટલા વિશ્વાસથી વાત કરતી પટલાણીઓ પાંચ ડોલર રળી આપે છે. પટેલો પાસે ડોલર આવ્યા છે, પરંતુ ભારતથી ગયેલા ગમે તેવા અસાધુને પણ પટેલો આંખો મીંચીને ડોલરનું દાન કરે છે. પટેલો વિના એ સૌની દુકાનો બંધ થઇ જાય. આવા વિવેકહીન દાન કરવામાં પટેલો સૌથી આગળ છે. આવી કુટેવ છોડવા જેવી છે.
વીસમી સદીમાં ચિત્ર બદલાઇ ગયું. શિક્ષણનો પ્રસાર થયો અને કેટલાક પટેલોએ શિક્ષણના ક્ષેત્રે માતબર પ્રદાન કર્યું. ગુજરાતમાં શબ્દકોશોની રચનાને ક્ષેત્રે પટેલોનું પ્રદાન ધ્યાન ખેંચે તેવું છે. ગોંડલના રાજવી શ્રીમંત ભગવતસિંહજીએ વિખ્યાત ‘ભવગદ્્ગોમંડલ’ના (શબ્દ-જ્ઞાનકોશ)નવ ભાગ પ્રગટ કરાવ્યા હતા. એના રચયિતા સદગત ચંદુલાલ બહેચરલાલ પટેલ હતા. તેઓ કવિ પણ હતા. ગૂજરાત વિદ્યાપીઠ તરફથી ગાંધીજીના આગ્રહને કારણે તૈયાર થયેલ ‘સાર્થ ગૂજરાતી શબ્દકોશ’ની રચનામાં સદગત મગનભાઇ પ્ર. દેસાઇનો ફાળો અત્યંત મહત્ત્વનો હતો. મગનભાઈ જ્ઞાતિએ પટેલ હતા. એમણે હિન્દી-ગુજરાતી શબ્દકોશની રચના પણ કરી હતી. વળી, ગૂજરાત વિદ્યાપીઠ તરફથી પ્રગટ થયેલો, ‘સંસ્કૃત-ગુજરાતી વિનીત કોશ’ ગોપાળદાસ જીવાભાઇ પટેલ તરફથી પ્રગટ થયો છે. ટૂંકમાં, ગુજરાતને ચાર-ચાર માતબર શબ્દકોશ આપવામાં પટેલોનો ફાળો નાનોસૂનો નથી. સદગત મગનભાઇ દેસાઇએ ઉપનિષદોનાં ભાષ્યો પણ લખ્યાં છે, જેમનું પ્રકાશન ‘શિક્ષણ અને સાહિત્ય’ નામના એમના તંત્રીપદે પ્રગટ થતા સામયિકમાં થતું રહ્યું. એ જ રીતે સદગત ગોપાળદાસ જીવાભાઇ પટેલે ‘શ્રીમદ્ ભાગવત’ પર પણ ઉત્તમ ગ્રંથ લખ્યો છે. પટેલોમાં રહેલા પ્રચ્છન્ન બ્રાહ્મણત્વની આ વાત ટૂંકમાં પૂરી કરીએ. એક વાત અવશ્ય નોંધવી પડે. મૂળે ઉત્તર ગુજરાતના જૈન વિદ્વાન અને સાધુ બુદ્ધિવિજયસૂરિજીએ લગભગ 200 પુસ્તકો લખ્યાં અને જૈનદર્શનની વિચારધારામાં માતબર પ્રદાન કર્યું છે એ વાત જાણીતી નથી. એમણે કવિતાઓ પણ લખી છે. એમના પૂર્વાશ્રમનું નામ બહેચરદાસ પટેલ હતું. લીંબડીનો પાસો કવિ શ્રાવક પાટીદાર હતો. કવિશ્રી અનામીએ સુંદર ભક્તિકાવ્યો લખ્યાં છે. એમનું નામ રણજિત પટેલ હતું. સંત તુકારામ જ્ઞાતિએ કણબી હતા એવું આદરણીય કેદારનાથજીએ નોંધ્યું છે.
મણિનગર(અમદાવાદ)ની કોલેજોના સ્થાપક અને સ્વામિનારાયણ પંથના સાધુ મુક્તાનંદજીને પ્લેટિનમથી તોળવામાં આવેલા. તેઓ પૂર્વાશ્રમમાં કડવા પટેલ હતા. ‘અર્જુનગીતા’ના કર્તા ધનદાસ ધંધુકાના પાટીદાર હતા. નિરાંત ભગત દેવાણના પાટીદાર હતા. ભક્તકવિ ભોજા ભગતના ચાબખા એક જમાનામાં જાણીતા હતા. તેઓ આખાબોલા પાટીદાર હતા. (એમના વિદ્વાન વંશજ શ્રી મનસુખલાલ સાવલિયા થકી આજે પણ મૂલ્યવાન ગ્રંથો લખાતા રહ્યા છે.)
હજી આજે પણ પટેલો પેટાજ્ઞાતિ સાથે જોડાયેલી વાડાબંધી છોડવા તૈયાર નથી. સુરત પંથકના પાટીદારોમાં એક ઉક્તિ પ્રચલિત છે: ‘કપાસનું કાલું અને કણબી સાથે ફાટે.’ પરદેશમાં સેટલ થયેલા (NRI) પટેલો વિના ભારતથી ગયેલા કોઇ મહારાજ કે બાવાની દુકાન ચાલે તેમ નથી. પટેલો હજી આજે પણ અંધશ્રદ્ધાપૂર્વક દાન આપવાની ઉતાવળ છોડવા તૈયાર નથી. આ બાબતે પટલાણીઓ મોખરે રહે છે. પટેલોને દાન આપવાની ચળ ઊપડે છે. પટેલો પાસે નાગરો જેવી વાકપટુતા નથી અને ભદ્રતા પણ ઝાઝી નથી. એમની પાસે ચાર મૂલ્યવાન બાબતો છે: જાતમહેનત, પરાક્રમ, સાહસ અને પરોપકારવૃત્તિ. કમાણી કર્યા પછી જેને દાન આપવાની વૃત્તિ ન જાગે તેને ‘પટેલ’ કહેવાની ભૂલ કરવી નહીં. લોસ એન્જલસના શ્રી ગણપત પટેલ ખોબલે ખોબલે પોતે સ્થાપેલી યુનિવર્સિટીમાં પૈસા ઠાલવે છે માનશો? અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં ડો. કુમાર પટેલ જ્યારે કુલપતિ હતા ત્યારે મળવાનું બનેલું.
હવે ઓશો રજનીશની વાત કરું? ઓશોના બાયોલોજિકલ પિતા જૈન હતા, પરંતુ એમના અધિકૃત પિતા પટેલ હતા. મારી વાત તદ્દન ઊલટી છે. મારા પિતા કડવા પટેલ હતા. મારા ઘરે ભેંસ હતી, પણ બળદ ન હતા. મેં બાળપણમાં ભેંસને ચરાવા લઇ જવાનું કામ કર્યું હતું અને ભેંસ પર સવારી પણ કરી હતી. હા, ખેતરમાં જઇને કપાસની કરસાંટી પણ એ માટેના ચીપિયા વડે ઊખેડી હતી. કદાચ આજે પણ ઊખેડી શકું. આજે પણ ગાડું હાંકી શકું, પરંતુ મને હળ ચલાવવાની તક નથી મળી. હું કિસાનનો બેટો ખરો, પરંતુ મારી અટક શાહ છે. રજનીશ જ્ઞાતિએ જૈન ખરા, પણ તેઓ પાટીદાર અંબાલાલ ચતુરભાઇ પટેલ (ગામ-ભાદરણ)ના દત્તક પુત્ર હતા. આજે જો ઓશો જીવતા હોત, તો એમનું વાસ્તવિક નામ રજનીશચંદ્ર મોહન જૈન હોત. દત્તક આપવાની તથા લેવાની ઓફિશિયલ કાર્યવાહી તાલુકે (પેટા મહલ ભાદરણ) પેટલાદ ખાતે સન 1936 મહિનો જાન્યુઆરી તા. 12મી વાર બુધવારને દિવસે થઇ હતી. દીકરાને દત્તક આપવાનું કારણ શું હતું? રજનીશનો જન્મ થયો ત્યારે જોશીએ તેમની જન્મોત્રી કે કુંડલી લખી આપવાની ના પાડી હતી. કારણમાં જણાવાયું હતું કે આ છોકરો સાત વર્ષની ઉંમરનો થાય તે પહેલાં એનું મૃત્યુ નિશ્ચિત છે. જો તેને બચાવવો હોય તો એને કોઇ પરિવારમાં દત્તક દઇ દેવો જોઇએ. આ રીતે જો છોકરો બચી જશે તો તેનું આયુષ્ય ખાસું લાંબું રહેશે અને તે દુનિયાને બચાવનાર કોઇ બુદ્ધ કે મહાવીર જેવી પ્રતિભા નીવડી શકે છે. (ઓશોના પ્રકાશન: ‘This Very Place, The Lotus Paradise’ પાન-536) આ ઉતારો રજનીશના પિતાશ્રીના હસ્તાક્ષરમાં લખાયેલો છે. દસ્તાવેજની નકલ સાચવીને મારી પાસે રાખી છે.
છેલ્લે આજે મારે ભૂમિપુત્ર એવા જગતના તાત ગણાતા પટેલબંધુઓને માત્ર ત્રણ-ચાર વાતો જ નમ્રભાવે કરવી છે. સાંભળો:
‌1. પેટાજ્ઞાતિઓ સાથે જોડાયેલી વાડાબંધી હવે એકવીસમી સદીમાં વાસી જણાય છે.
2. લગ્નપ્રસંગે ખોટા ખર્ચા કરવામાં મૂર્ખતા છે, મિથ્યાભિમાન હોઇ શકે, અક્કલ નહીં.
3. પૈસો પ્રાપ્ત થાય ત્યારે વિવેકની જરૂર પડે છે. એ વધારાનો પૈસો તો આર્કિમિડીઝના નાળચાવાળા વાસણના નાળચા દ્વારા કોઇ વાસણમાં વહી જવો જોઇએ. એક શિક્ષક તરીકે મારે કહેવું છે કે એ પવિત્ર વાસણનું નામ શિક્ષણ છે.
4. જે NRI સ્ત્રી-પુરુષો વિદેશ જઇને પાંચ પૈસા રળ્યાં છે, તેમને વિશેષ વિનંતી છે. ધર્મના નામે થતા ધતિંગથી બચવા જેવું છે. આદરણીય લોકશિક્ષક શ્રી મોરારિબાપુ પણ ધર્મે અને કર્મે શિક્ષક છે. તેઓ પણ આ જ સલાહ આપશે. એમણે અંધશ્રદ્ધાને ક્યારેય આવકારી નથી. જો આ વાતનો તમે સૌ સ્વીકાર કરો તો એક શાંતક્રાંતિ તમારા વિકાસોદયની પ્રતીક્ષા કરી રહી છે. સજ્જડ-બમ્મ પાંજરાંને પહોળાં થવાની હોંશ હોય છે. શિક્ષણનો ચમત્કાર જ્યારે કન્યાશિક્ષણ દ્વારા પ્રગટ થાય ત્યારે આર્થિક વિકાસ બહુ છેટો નથી હોતો. ખોટા ખર્ચા દ્વારા જે વૈભવ પ્રગટ થાય છે, તે છીછરો હોય છે અને અનેક જીવલેણ વ્યસનોનો જન્મદાતા બને છે. વૈભવ પણ વિવેક વિના ગંદકીવર્ધક અને ગુણવિનાશક બની શકે છે. મારે વધારે શું કહેવું? તમારા સ્નેહ બદલ આભારી છું અને તમારી સંસ્થા તરફથી મળેલા આ એવોર્ડ માટે મારો આભાર પ્રગટ કરું છું.
(શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ તરફથી લવ-કુશ મહાસંમેલનમાં ભાગવત વિદ્યાપીઠ, સોલા ખાતે ઘણી મોટી સંખ્યામાં ભેગા થયેલા ગુજરાતના હજારો ભૂમિપુત્રોની ઉપસ્થિતિમાં પ્રાપ્ત થયેલા સાહિત્ય ગૌરવ એવોર્ડનો સ્વીકાર કરતી વખતે કરેલા પ્રવચનનું હોમવર્ક,
તા. 12 જાન્યુઆરી, 2020, અમદાવાદ.)
***
પાઘડીનો વળ છેડે
દસ્તાવેજ ઓશોના પિતા સાથે (નકલ)
‘સંવત 1992 માહે પોષ વદ 4, એટલે કે સન 1936 મહિનો જાન્યુઆરી તા. 12ને વાર બુધને દિને તમો દત્તક લેનાર પા. અંબાલાલ ચતુરભાઇ જણ કાશીભાઇ જાતે પાટીદાર ઉંમર વર્ષ આશરે 24, ધંધો ખાનગી ટ્યુશન્સ અને કોચિંગ ક્લાસીસ વડે વિદ્યાર્થીઓને ભણાવવાનો, હાલ રહેવાસી મુંબઇ, મૂળ રહેવાસી ભાદરણ તાલુકે (પેટા મહાલ ભાદરણ) પેટલાદ જોગ દસ્તાવેજ લખી આપનાર શ્રી બાબુલાલ આત્મજ હજારીલાલ જાતે જૈન હિન્દુ ઉંમર વર્ષ આશરે 20, ધંધો કાપડનો વેપાર પા. અંબાલાલ ચતુરભાઇને લખી આપું છું કે મારો દીકરો રજનીશ મોહન, જાતે જૈન, ઉંમર વર્ષ 4, તેને દત્તક લેવાની ઇચ્છા દર્શાવી છે, જે મારી પણ ઇચ્છા છે. તેથી તમારી માગણીનો સ્વીકાર કરું છું...’
નોંધ: પુસ્તકનું શીર્ષક ઉપર પ્રમાણે રજનીશજીના પિતાશ્રીના હસ્તાક્ષરમાં અક્ષરશ: ઉપર પ્રમાણે વાંચવા મળે છે. (પાન-536). પટેલો તરફથી સરદાર વલ્લભભાઇ મળ્યા અને ઓશો રજનીશ પણ મળ્યા. ક્યા બાત હૈ?

X
latest article by gunvant shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી