વિચારોના વૃંદાવનમાં  / ઈશ્વરનું રાજ્ય આપણી ભીતર છે. જે તલવારથી લડશે, તે તલવારથી મરશે

latest article by gunvant shah

  • આર્ટાબાનનું ભક્તહૃદય ઈસુને કહે છે: ‘હે પ્રભુ! મારા પૂરા પ્રયત્ન છતાં હું તારા માટે કોઈ ભેટ લાવી ન શક્યો અને જીવનભર રઝળતો રહ્યો તેથી તારાં દર્શન પણ કરી ન શક્યો.’ 

ગુણવંત શાહ

Dec 29, 2019, 07:43 AM IST

એક ખ્રિસ્તી લોકકથા છે એના લેખક છે હેન્રી વાન ડાઇક. લોકકથાનું મથાળું છે: ‘ધ સ્ટોરી ઓફ ધ અધર વાઇઝ મેન’. આ જાણીતી કથા પરથી હોલિવૂડમાં એક ફિલ્મ પણ બની છે: ‘ધ ફોર્થ વાઇઝ મેન.’ ઇસુ જ્યારે પૃથ્વી પર અવતાર લેવાના હતા ત્યારે ચાર ડાહ્યા માણસોને ખબર પડી ગયેલી. એ જમાનામાં શાણા માણસને ‘મેગી’ કહેવાનો રિવાજ હતો. કહે છે કે મેગીઓને તારાઓની ભાષા સમજાતી હતી. આ ડાહ્યા માણસો અગ્નિપૂજક હતા. તારાઓ પાસેથી એ ચારને એવી ખબર પડી ગયેલી કે પૃથ્વી પર ઉચ્ચ કક્ષાના આત્માનું અવતરણ થવાનું છે.

એ ચારમાં ચોથા ડાહ્યા માણસનું નામ આર્ટાબાન હતું. લાંબી મજલ કાપવાની હતી તેથી એ ડાહ્યા માણસે બધી મિલકત વેચી મારીને જવાની તૈયારી કરી. અન્ય ત્રણ ડાહ્યા માણસોને અમુક જગ્યાએ મળવાનું નક્કી થયું. ભક્તિભાવથી છલકાતા હૃદયે આર્ટાબાને ચાલવાનું શરૂ કર્યું. રાતના આછા અજવાળામાં એ ચોથા ડાહ્યા માણસે એક માનવઆકૃતિ જોઇ. પાસે જઇને જોયું તો એક માણસ તાવના કારણે કણસી રહ્યો હતો. આર્ટાબાનનું હૃદય દ્રવી ઊઠે છે. એ માંદા માણસની સેવા કરવામાં ખાસો સમય વીતી જાય છે. પેલા ત્રણ સાથીઓ ચોથા મિત્રની ખૂબ રાહ જુએ છે, પરંતુ પછી યાત્રા શરૂ કરે છે. આર્ટાબાન એમને મળી શકતો નથી.
હવે રણપ્રદેશ શરૂ થાય છે અને આર્ટાબાન ઊંટ પર બેસીને યાત્રા શરૂ કરે છે. ઊંટ ખરીદવામાં આર્ટાબાન એક રત્ન ખર્ચી નાખે છે. એ બેથલહામ તો પહોંચે છે, પરંતુ ખૂબ મોડો પહોંચે છે. બેથલહામ ગામમાં સન્નાટો છવાઇ ગયો છે. યહૂદીઓના રાજાનો જન્મ થવાનો છે એવી ખબર પડી જવાથી કેટલાક લોકો ગામમાં બાળકોને શોધી શોધીને મારી નાખવા માંડે છે. એવામાં ક્ષીણ થઈ ગયેલી અેક સ્ત્રીનો રડવાનો અવાજ ડાહ્યા માણસને કાને પડે છે. એ જ ક્ષણે રોમન સૈનિકો ત્યાં આવી પહોંચે છે.

એ સૈનિકો ઘાંટો પાડીને પેલી સ્ત્રીને પૂછે છે: તારું બાળક ક્યાં છે? પેલી સ્ત્રી થરથર કાંપી રહી છે. સૈનિકો એના બાળકને એ સ્ત્રીના હાથમાંથી આંચકી લે છે. એ માતાનું આક્રંદ સાંભળીને ડાહ્યો માણસ કરુણાથી પીગળી જાય છે. પોતાની પાસેનું બીજું રત્ન સૈનિકોને આપીને બાળકને બચાવી લે છે.

ગામલોકો કહે છે: અમે ત્રણ મેગીઓને એલેક્ઝાન્ડ્રિયા તરફ જતા જોયા છે. લાંબી રઝળપાટ પછી આર્ટાબાન એક ગામે પહોંચે છે. ગામમાં એક રૂપાળી સ્ત્રી ચોધાર આંસુએ રડી રહી છે. પૈસાની ઉઘરાણી માટે આવેલા માણસો એ સ્ત્રીને ગુલામ તરીકે પકડી લે છે. ડાહ્યો માણસ પોતાની પાસે સાચવેલું ત્રીજું રત્ન અને છેલ્લું રત્ન પેલા માણસોને આપી દઇને સ્ત્રીને ગુલામ થતી બચાવી લે છે. એ સમયે એના કાને એક અફવા સંભળાય છે. ગુલગથા (ખોપરીઓનું ખેતર)માં ઇસુને વધસ્તંભે ચડાવવાના છે. આર્ટાબાન દુ:ખી દુ:ખી થઇ જાય છે ત્યાં તો ધરતીકંપ થાય છે અને એના શરીર પર લાકડાનો વજનદાર ભારોટિયો તૂટીને પડે છે. એનું ભક્તહૃદય ઇસુને કહે છે: ‘હે પ્રભુ! મારા પૂરા પ્રયત્ન છતાં હું તારા માટે કોઇ ભેટ લાવી ન શક્યો અને જીવનભર રઝળતો રહ્યો તેથી તારાં દર્શન પણ કરી ન શક્યો. તારાં દર્શન કર્યા વિના હવે જીવન પૂરું થયું તેનો મને રંજ છે.’

એ જ ક્ષણે ચોથા ડાહ્યા માણસને અંદરથી ઇસુનો અવાજ સંભળાય છે: ‘હે મારા પ્રિય ભક્ત! તેં તરસ્યાને પાણી પાયું તે મને પહોંચ્યું છે. તેં ભૂખ્યાંને ભોજન કરાવ્યું, તે પણ મને પહોંચ્યું છે. તેં દીનદુ:ખિયાની સેવા કરી, તે પણ મને પહોંચી છે. તું પરમ પિતાને પામશે જ, માટે દુ:ખી ન થઇશ.’ બીજી જ ક્ષણે એ ચોથો માણસ મૃત્યુ પામે છે.

***
ઇસુ સુથારના પુત્ર હતા. આપણે ત્યાં સ્વામી નિષ્કુળાનંદ પણ સુથારના પુત્ર હતા. તુલાધાર વૈશ્ય હતા. રૈદાસ રોહિત સમાજના હતા. કબીર વણકર હતા. ગોરો કુંભાર હતો. સેનો વાળંદ હતો. દાદૂ પીંજારા હતા. કાનોપાત્રા ગણિકા હતી. ખોદ નપુંસક હતો. બંકો મહાર હતો. તુકારામ કણબી હતા તેથી કહ્યું:
અજામીલ, ગીધ, વ્યાઘ્ર,
ઇનમેં કહો કૌન સાધ,
પંછી હૂં પદ પઢાત,
ગનિકાસી તારી!

આપણા સંતોએ ઈશ્વરને પતિતપાવન, દીનબંધુ, કરુણાનિધિ અને અધમોદ્વારક તરીકે જ જોયો છે. ઇસુ પંડિત ન હતા, આચાર્ય ન હતા, પરંતુ સંત હતા. જ્ઞાન ઘણું હોય પરંતુ શીલ ન હોય ત્યારે સમાજને પંડિત મળે છે. ધનવાનોને કડવાં વેણ સંભળાવવામાં ઈસુ ભલભલા માર્ક્સવાદીઓને પણ ટપી જાય તેવા હતા.
સંતોની ભાષા સરળ હોય છે. સંત ઇસુ કહે છે:
માગો એટલે મળશે,
શોધો એટલે જડશે,
ખખડાવો એટલે
બારણાં ખૂલી જશે.

ઈસુ મને સાવ પોતીકા લાગે છે. નાતાલના દિવસોમાં મારા ઘરના પ્રવેશદ્વાર પાસે તારો લટકતો હોય છે. અમેરિકામાં અને અમેરિકાથી ભારત આવ્યો ત્યારથી આ રિવાજ પાળ્યો છે. (આ તારો મારા મિત્ર જિતેન્દ્ર ફિલીપે ભેટ આપેલો છે. જિતેન્દ્ર પેટલાદ પાસે મરિયમપુરા ગામનો ઇસુભક્ત છે.) મહાન મનોવિજ્ઞાની કાર્લ યુંગે પુસ્તક લખ્યું છે: ‘Modern Man In Search of soul’ કાર્લ યુંગના ઘરના પ્રદેશદ્વાર પર ગળે નાગ વીંટળાયેલા હોય એવા ભગવાન શિવનું ચિત્ર જોવા મળતું. ઝુરિકના એ ઘરે વિજ્ઞાની આઇન્સ્ટાઇન વારંવાર ડિનર માટે જતો હતો.

ગાંધીજી ઇસુની ખૂબ જ નજીક હતા. ઇસુના ઉદગાર હૃદયમાંથી સોંસરા નીકળતા તેથી લોકોના હૃદયમાં સીધા પ્રવેશી જતા. સાંભળો:
કોઇ તારા એક ગાલ પર તમાચો મારે
તો તું તેને તારો બીજો ગાલ ધરજે.
કોઇ તારો ડગલો લઇ લે, તો તું
તારું પહેરણ પણ લેવા દેજે.
તમારા ઉપર પ્રેમ રાખે તેમના ઉપર જ
તમે પ્રેમ રાખો, એમાં તમે શું પુણ્ય કર્યું?
પાપીઓ સુધ્ધાં પોતાના પર પ્રેમ રાખનારને પ્રેમ કરે છે.
તમારા પરમ પિતા જેવા દયાળુ છે,
તેવા તમે પણ દયાળુ થજો.

X
latest article by gunvant shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી