વિચારોના વૃંદાવનમાં  / હૃદયના ઊંડાણમાંથી ઊગેલો ભીનો અને સ્વચ્છ ઉદગાર: ‘ભગવાન એનું ભલું કરો.’

latest article by gunvant shah

  • ક્યારેક માણસ પર ઉપકાર થાય ત્યારે એના હૃદયમાંથી નીકળી પડેલા ઉદગારનું સૌંદર્ય એમાં રહેલી સ્વચ્છતા અને ભીનાશમાં રહેલું હોય છે. આવા સાચકલા  ઉદગાર પર તો ધરી વિનાની આ પૃથ્વી ટકેલી છે

ગુણવંત શાહ

Dec 22, 2019, 07:34 AM IST

આજના નવા માણસની તરસ જૂની નથી હોતી. ક્યારેક માણસ પર ઉપકાર થાય ત્યારે એના હૃદયમાંથી નીકળી પડેલા ઉદગારનું સૌંદર્ય એમાં રહેલી સ્વચ્છતા અને ભીનાશમાં રહેલું હોય છે. માણસને પજવતી નવી ઝંખનાઓ જ નવા જમાનાની મુદ્રાને ઉપસાવતી હોય છે. આવી ઝંખનામાં પાપ નથી હોતું તોય ઘરડા માણસોને એમાં પાપ દેખાય છે. આવા ઘરડા માણસો દયનીય ગણાય, પરંતુ ઘૃણાસ્પદ ન ગણાય. વીતી ગયેલો જમાનો વંચિત વૃદ્ધોને પજવતો હોય છે. કોઇ માણસની આંતરડી ઠરે ત્યારે એની નાભિમાંથી એક ઉદગાર નીકળી પડતો હોય છે: ‘ભગવાન એનું ભલું કરજો.’ આવા ઉદગાર પર તો ધરી વિનાની આ પૃથ્વી ટકેલી છે.

આવો સાચકલો અને સ્વચ્છ ઉદગાર ફળે છે ખરો? રેશનલિસ્ટ મનુષ્યને આ વાત સમજાય તેવી નથી. દુનિયા કેવળ તર્કના આધારે નથી ચાલતી. તર્કને આપણી પરંપરામાં ઋષિ કહ્યો છે. ‘તર્કો વૈ ઋષિ:’ વાત સાચી છે, પરંતુ કેવળ તર્ક પ્રજાળે છે. કેવળ દલીલબાજી પ્રજાળે છે. જ્યારે સાચી લાગણી ઠારે છે. ‘ભગવાન એનું ભલું કરો’ એ ઉદગારનો આદર ભગવાન કરે કે ન કરે, પરંતુ તેથી એ ઉદગારનું મહત્ત્વ ઘટતું નથી. માણસ કદી પણ માતાને રેશનલી નિહાળી શકતો નથી. રેશનલિસ્ટ માતાનો દીકરો ભાગ્યે જ સુખી હોઇ શકે.

એક જમાનામાં આવો ઉદ્્ગાર ભૂખ્યા આદમીને અપાતા ભોજન સાથે, તરસ્યા આદમીને પાણી પીવડાવનારી પરબડી સાથે કે આપત્તિમાં સપડાયેલા આદમીને અપાતી સહાય સાથે જોડાયેલો રહેતો. અણીને વખતે પહોંચાડવામાં આવતી મદદ મૂલ્યવાન ગણાતી. નવા માણસની તરસ જૂની નથી હોતી. ભૂખ અને તરસની પીડા સનાતન ગણાય. આ વાત સમજવી હોય તો ફરી એક વાર રાજ કપૂરનું પ્રાણવાન સર્જન ‘જાગતે રહો’ જેવી ફિલ્મ જોવી રહી. ભૂખ અને તરસથી ટળવળતા એ ગરીબ માણસને રાજ કપૂરને બાગમાં ફૂલછોડને પાણી પાનારી નરગિસ ઝારી વડે જ્યારે આખી રાત તરસે રહેલા અજાણ્યા ગરીબના ખોબામાં પાણીની ધાર પાડે, ત્યારે જે દૃશ્ય જોવા મળે ત્યારે ઝંખનાની કવિતા પ્રગટ થતી દીસે છે. આટલી ભૂમિકા પછી નવા યુગની ઝંખનાને સમજીએ.

ક્યારેક કોઇ પ્રામાણિક અને સ્વચ્છ મનુષ્ય માટે ગંદી અફવાઓ ઇરાદાપૂર્વક હિતશત્રુઓ દ્વારા ફેલાવવામાં આવે છે. ક્યારેક એવા માણસ માટે નનામા પત્રોનો ધોધ યોજનાપૂર્વક વહેતો થાય છે. હવે એવા ષડ્યંત્રમાં ફેસબુક ભારે મદદ પહોંચાડતી હોય છે. શત્રુ ગણાતા માણસના ચારિત્ર્યને ચૂંથવામાં મળતી મજા સ્વાદિષ્ટ જણાય છે. એક ગંદી ઝુંબેશ શરૂ થઇ જાય છે. આવી બંદૂકબાજીનો શિકાર બનેલો મનુષ્ય સાવ નિર્દોષ નથી હોતો, કારણ કે માણસ હોવું એટલે જ અપૂર્ણ હોવું. આવી પરિસ્થિતિમાં સપડાયેલો મનુષ્ય અંદરથી ગૂંગળામણ અનુભવે છે. એને ‘Loss of face’ જેવી પીડા પજવે છે. આવી પરિસ્થિતિમાં એ મનુષ્યને પડખે ઊભા રહીને એનો આત્મવિશ્વાસ ટકી રહે તેવું પવિત્ર કર્મ કરનાર માટે આપણે સૌ ઉદ્્ગારીએ: ‘ભગવાન એનું ભલું કરજો.’

બે ‘મળેલા જીવ’ નિરાંતે ભેગા મળીને વાતો ન કરી શકે એવા રુગ્ણ સમાજમાં ખણખોદના બાવળિયા આપોઆપ ઊગી નીકળતા હોય છે. લોકોને તો પ્રેમના પુષ્પ કરતાં તો તમોગુણી બાવળિયા પ્રત્યે વધારે આકર્ષણ રહેતું હોય છે. પ્રેમ ઢોળવાની ઝંખના પવિત્ર છે, પરંતુ ગંદકીનું ઉપસ્થાન હજી બદલાયું નથી એવી ઝંખના સંતોષનાર માણસ પણ એવી ઝંખના પામનારની વગોવણીમાં સામેલ થાય છે. આપણો સમાજ બડો વિચિત્ર છે. એ સમાજ સજ્જનને પીડે છે અને દુર્જનને નમે છે. આવા બે જણા મળી ન શકે અને ભીનો સહવાસ માણી ન શકે એવા સમાજમાં બળાત્કારને નિરાંત હોય છે. બે જણા ભયને નેવે મૂકીને ધારેલું કરે તેવા નફ્ફટ નથી હોતા. એમને મળ્યા વિના ચેન નથી પડતું. મળવા માટે મજબૂર હોય ત્યારે પણ હજારો ગંદી નજરોને ચુકાવીને એમણે ગુનેગારની માફક છાનામાના મળવું પડે છે. એમની વેદનાની વેલ પર સાચકલી લાગણીનાં ફૂલ બેસે ત્યારે લોકો એને પાપમાં ખપાવવાની ઉતાવળમાં હોય છે. આવી મજબૂરી એ બે જણાને સતાવે ત્યારે બંનેને નિરાંતે મળવાની સગવડ કરી આપનાર સજ્જન માટે આપણે સૌ ઉદ્્ગારીએ: ‘ભગવાન એનું ભલું કરો.’

અમારી ઓફિસે ઘણા લોકો નાનું મોટું કામ લઇને આવે છે. ધૂમકેતુની વાર્તામાં પોસ્ટ ઓફિસે રોજ આંટો ખાતા કોચમિન અલિ ડોસા જેવા એ માણસો અંગ્રેજી બોલી નથી શકતા. એમનું તો ગુજરાતી પણ પ્રભાવશાળી નથી હોતું. પોતાના ટેબલ સુધી લાંબી મજલ કાપીને પહોંચી ગયેલા એવા કોઇ લાગવગવિહીન અને પ્રભાવવિહીન ગામડિયાને આઉટ ઓફ ધ વે જઇને મદદરૂપ થનારા કો’ક સરકારી કર્મચારી માટે આપણે ભીના હૃદયે ઉદગારીએ: ‘ભગવાન એનું ભલું કરો.’
પોતાની રંગીન યુવાનીમાં શ્રોતાઓની તાળીઓના અઢળક ગડગડાટ વચ્ચે પોંખાયેલા કોઇ દર્દમંદ શાયર કે સર્જક કલાકાર કે પછી લોકસેવામાં પોતાનું આયખું ખર્ચીને જીવનસંધ્યાએ પહોંચેલો લોકસેવક આર્થિક મજબૂરીના વમળમાં સપડાયેલો જણાય ત્યારે કોઇ ન જાણે તેમ એ બુઝાતા દીપકના કોડિયામાં તેલ પૂરવું એ તો પુણ્યનું કામ છે. એવા સજ્જનના પ્રદાનને બિરદાવીને ખાનગીમાં બધું જ કરી છૂટનારા ખાનદાન માણસ માટે અંતરની ઊંડી સંવેદના સાથે આપણે
ઉદગારીએ:‘ભગવાન એનું ભલું કરો.’ આવા એક સજ્જનની ભાળ મને બીજાઓ દ્વારા મળી હતી. એ સજ્જનનું નામ છે: અહમદ પટેલ. આપણા એક સરળ, સજ્જન એવા સાહિત્યકારને એમણે પોતાનું નામ જણાવ્યા વિના આર્થિક મદદ પહોંચાડી હતી. એ સાહિત્યકાર આજે પણ ભરૂચમાં એકલતા સાથે જીવે છે. ⬛
***
પાઘડીનો વળ છેડે
દર્પણમાં એક
ચહેરો જોઇને
રણ વિશેની
કલ્પના ભોંઠી પડે.
- જયેન્દ્ર શેખડીવાળા (‘કિંવદન્તી’)
આમ ખીંટી પર લટકતા માણસો
દોર તૂટે ને બટકતા માણસો
લ્યો, મળ્યા, છૂટા પડ્યા ને આવજો
એમ ઘટનાથી છટકતા માણસો
- પ્રફુલ્લા વોરા (‘શ્વાસનો પર્યાય’માંથી)

X
latest article by gunvant shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી