વિચારોના વૃંદાવનમાં  / ઇન્સાફ કા મંદિર હૈ યે, ભગવાન કા ઘર હૈ   

latest article by gunvant shah

  • આપણે સૌ સુપ્રીમ કોર્ટના શાણા ન્યાયમૂર્તિઓના આભારી છીએ. હવે વિવાદ શમી જવો જોઈએ. એ વિવાદે દેશને પૂરતું નુકસાન પહોંચાડ્યું છે. હવે કેવળ એકતા અને અમનથી ઝળહળતા વિકાસને જ નૂતન ધર્મનું સ્થાન મળવું જોઈએ

ગુણવંત શાહ

Nov 17, 2019, 07:47 AM IST

મંદિર, મસ્જિદ, ચર્ચ, દેરાસર, ગુરુદ્વારા અને પેગોડા જેવી ઇમારત સાથે જ પરમાત્માને જોડવાની પરંપરા મને છેક નાનપણથી સ્વીકાર્ય નથી. જો ભગવાન જેવી કોઇ મહાસત્તા હોય, તો એનું ખરું સ્થાન માનવીનું હૃદય છે. એ હૃદયમાં નીતિ, પ્રામાણિકતા, કરુણા, પ્રેમઝંખના અને સત્યપ્રીતિનો વસવાટ ન હોય તો એ હૃદય લોહીના ભ્રમણ માટે જવાબદાર એવો એક પંપ જ ગણાય. અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થાય પછી દેશની સરેરાશ નીતિમત્તા કે કરુણામાં એક મિલિગ્રામનો પણ વધારો થાય, તે વાતમાં દમ નથી. રસૂલેખુદા પયગંબર સાહેબે કહ્યું હતું: ‘ખુદા તમારી નાડીના ધબકારા કરતાંય વધારે સમીપ છે.’ આપણો એ પરમેશ્વરને રોજરોજ પ્રતિક્ષણ છેતરતા રહીને ‘ધાર્મિક’ હોવાના દંભમાં રાચનારા માણસો હોઇએ, તો બધાં જ ધર્મસ્થાનકો બેકાર ગણાય. સાચા ધર્મને પરમેશ્વરના ઇમારતીકરણ સાથે કશી જ લેવાદેવા નથી એવી મારી માન્યતા મારી પાસે ભલે રહી. જ્યાં ભીનો પ્રેમ હોય ત્યાં, જ્યાં કરુણા હોય ત્યાં, જ્યાં લેવડદેવડની સ્વચ્છતા હોય, ત્યાં ભગવાન હોય એ શક્ય છે. જ્યાં જૂઠ, ફરેબ, બેઇમાની, ઝનૂન અને ક્રૂરતા હોય ત્યાં ભગવાન હાજર હોય તોય એવા ભગવાનમાં મને કોઇ રસ નથી.


તા. 9મી નવેમ્બરે દેશની સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો તેથી કોર્ટને મંદિરનો દરજ્જો પ્રાપ્ત થયો. વડોદરા દુનિયાનું એકમાત્ર એવું નગર છે, જ્યાં કોર્ટની ભવ્ય ઇમારતને ‘ન્યાયમંદિર’ કહેવામાં આવે છે. ન્યાય તો સત્યનો સગો ભાઇ છે. ‘અમર’ ફિલ્મમાં નૌશાદ જેવા સંગીતજ્ઞ દ્વારા નિર્માયેલું અને મોહમ્મદ રફીના કંઠમાં ગવાયેલું ગીત મને અત્યંત પ્રિય છે:


ઇન્સાફ કા મંદિર હૈ યે
ભગવાન કા ઘર હૈ|


દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી પાંચ ન્યાયાધિશોની બેંચ દ્વારા સર્વસંમતિથી અપાયેલો ફેંસલો ઉપરોક્ત પંક્તિઓને ચાર ચાંદ લગાવનારો છે. આપણે સૌ આવા શાણા ન્યાયમૂર્તિઓના આભારી છીએ. હવે વિવાદ શમી જવો જોઇએ. એ વિવાદે દેશને પૂરતું નુકસાન પહોંચાડ્યું છે. હવે કેવળ એકતા અને અમનથી ઝળહળતા વિકાસને જ નૂતન ધર્મનું સ્થાન મળવું જોઇએ. અયોધ્યામાં હવે પછી જે ભીડ જામવાની છે તેને ધર્મસંવર્ધક ભીડ ગણવાની કોઇ જરૂર નથી. સાચો ધર્મ ભીડની ‘વિશિષ્ટ ઘનતા’ પર આધાર રાખતો નથી.


ગાંધીજીએ ગરીબીને ‘સૌથી વરવી હિંસા’ ગણાવી હતી. એ ગરીબી ટકી રહે તે માટે પોલો ધર્મ ઓછો જવાબદાર નથી. બર્લિનની દીવાલ પણ આજ 9/11 તારીખે તૂટી હતી. એ જોઇ ત્યારે એવો વિચાર પણ આવ્યો ન હતો કે માંડ એક જ વર્ષમાં એ જમીનદોસ્ત થઇ જશે. રશિયન પ્રમુખ ગોર્બાચોફે અશક્યને શક્ય કરી બતાવ્યું, ત્યારે એ દીવાલ થોડાક કલાકોમાં જ ગાયબ થયેલી. વાંસળીવાદન કરનારા ગોર્બોચોફનું અનન્ય પેઇન્ટિંગ મિત્ર ફિરોઝ ખાન રશિયાથી (‘અજૂબા’ ફિલ્મ નિર્માણ પામી ત્યારે) લેતા આવેલા, તે જોઇને આનંદ થયેલો. એ પેઇન્ટિંગ રશિયાના ચિત્રકારે તૈયાર કર્યું હતું.


આગ લાગે ત્યારે એની નિયતિ શું? હજી સુધી દુનિયામાં ક્યાંય અને ક્યારેય એવી આગ નથી લાગી, જે અંતે હોલવાઇ ગઇ ન હોય. હોલવાઇ જવું એ પ્રત્યેક આગની નિયતિ ગણાય. અયોધ્યાના ચુકાદાએ આ સત્યની પ્રતીતિ કરાવી છે. દેશના ભાગલા પડ્યા પછી દેશમાં કોમવાદી કટુતા અને ક્રૂરતાની આગ લાગી હતી. ગાંધીજી પણ એ આગને હોલવી ન શક્યા, ત્યારે એક ‘બ્રહ્મરાક્ષસે’ એક એવા રામભક્તની હત્યા કરી, જેને ‘શહાદતની મોહિની’ વળગી હતી. આ બે શબ્દો ગાંધીજી
માટે આચાર્ય કૃપાલાનીએ પ્રયોજેલા છે. બાપુના હત્યારા માટે ‘બ્રહ્મરાક્ષસ’ શબ્દ સ્વામી આનંદે પ્રયોજેલો છે.


આર્યસમાજમાં શ્રદ્ધા રાખનારા લોકોમાં એક શબ્દપ્રયોગ પ્રચલિત છે: ‘પાખંડખંડન’. સ્વામી અગ્નિવેશ દ્વારા વર્ષો પહેલાં પ્રયાગરાજના કુંભમેળામાં એક સ્ટોલ રાખવામાં આવ્યો હતો. જેના પર બોર્ડ હતું: ‘પાખંડખંડન.’ કવિ મૈથિલીશરણ ગુપ્તની એક પંક્તિમાં અયોધ્યા નગરી માટે શબ્દો પ્રયોજાયા હતા: ‘અવનિ કી અમરાવતી.’ અયોધ્યામાં સ્વચ્છતા જળવાય તો શ્રીરામ રાજી રાજી! હા, છેલ્લો કુંભમેળો સ્વચ્છતાની દૃષ્ટિએ સૌને અભૂતપૂર્વ જણાયો હતો. તીર્થસ્થાનોમાં ગંદકી હોય જ એવા અનુભવોથી હિંદુઓ ટેવાઇ ગયા છે. બાકી હિંદુઓ માટે અયોધ્યા વેટિકન છે અને મક્કા પણ છે. એક વિચાર દૂર દૂરથી આવીને મને પજવી રહ્યો છે. અયોધ્યા કે એના પાદર પર એક યુનિવર્સિટી શરૂ થઇ શકે? એ યુનિવર્સિટીનું નામ હોય: ‘મર્યાદા યુનિવર્સિટી.’ મર્યાદા પુરુષોત્તમ રામના આ દેશમાં બધી મર્યાદા તૂટી રહી છે.


પહેરવેશમાં સ્ત્રીઓ બધી જ મર્યાદાને તિલાંજલિ આપી રહી છે. ફ્રોકની જગ્યાએ મિનિસ્કર્ટ આવી ગયું અને એની નીચલી ધાર ઘૂંટણ છોડીને સતત ઉપર તરફ જતી જણાય છે. ખભો ખુલ્લો થતો ચાલ્યો છે અને ધીરે ધીરે છાતી અનાવૃત થતી ચાલી છે. બે પ્રકારની નગ્નતા હોવાની: 1. સવસ્ત્ર નગ્નતા અને 2. સહજ નિર્વસ્ત્ર નગ્નતા. એમાં સવસ્ત્ર નગ્નતા વધારે અશ્લીલ હોવાની ફિલ્મનું આઇટમ સોન્ગ એટલે મર્યાદાનો ઉલાળિયો. માત્ર સ્ત્રીઓની જ વાત નથી. સૂર્યો, સાગરો, તારાઓ, નક્ષત્રો અને આકાશગંગાઓ પોતપોતાની મર્યાદામાં રહીને પોતાની ભ્રમણકક્ષામાં બ્રહ્માંડમાં પ્રતિક્ષણ ઘૂમી રહ્યાં છે. સાગર અને પવન પોતાની મર્યાદા તોડે, તેને લોકો સુનામી કહે છે. આવી સુનામી આપણી ઋતુઓને પણ પજવી રહી છે. છેલ્લું ચોમાસુ abnormal હતું.


‘મર્યાદા’ શબ્દનો અંગ્રેજી પર્યાય ઝટ જડતો નથી. બધાં સામાજિક, રાજકીય અને ધાર્મિક મૂલ્યોની માતાનું નામ મર્યાદા છે. લજ્જાને સ્ત્રીનું ભૂષણ ગણાવનારો દેશ આજે બધી મર્યાદાઓ તોડવાની ફેશન અપનાવી બેઠો છે. અયોધ્યાની આ નવી યુનિવર્સિટીમાં મર્યાદાની મૂલ્યરક્ષા માટે અભ્યાસક્રમો રચાશે અને સંશોધનો પણ થશે. કોમી હુલ્લડ થાય, તે પણ એક પ્રકારનો મર્યાદાભંગ જ ગણાય. માતાપિતા વૃદ્ધાશ્રમમાં જાય એમાં પણ મર્યાદાભંગ રહેલો છે. મરાઠી ભાષામાં બલાત્કાર માટે ‘વિનયભંગ’ જેવો સુંદર શબ્દ છે. બલાત્કારથી વધારે બીભત્સ એવો મર્યાદાભંગ બીજો ન હોઇ શકે. આ વિચાર ગંભીરતાપૂર્વક વિચારવાની જવાબદારી રાજકારણીઓ પર છોડી ન શકાય. રાજનીતિ કરતાંય લોકનીતિનું સ્થાન લોકતંત્રમાં ઊંચેરું છે. મર્યાદા વિનાનો લવઅફેર પણ કદી દીર્ઘજીવી હોતો નથી.


ગીતામાં કૃષ્ણ સાચું કહે છે: ‘ધર્મનું અલ્પ આચરણ પણ – મહાન ભયથી બચાવી લેતું હોય છે.’ આજના ચુકાદાએ દેશની મર્યાદા જાળવણીનો સંકેત આપ્યો છે. એને કારણે દેશના પવિત્ર ન્યાયમંદિરની ગરિમા વધી છે. મર્યાદાનો વિજય થયો છે અને કટ્ટરતાનો પરાજય થયો છે. મુસ્લિમોએ આટલી મર્યાદા ગાંધીજીના જીવતાં પણ બતાવી ન હતી. વાત તો સાચી, પરંતુ સુપ્રીમ કોર્ટમાં જવાનું ટાળીને બંને કોમ વચ્ચે વાટાઘાટો દ્વારા સમાધાન થયું હોત તો દેશના લોકતંત્રની શોભા ઓર વધી હોત. રાહુલ ગાંધીએ સર્વોચ્ચ ન્યાયાલયનો ચુકાદો સ્વીકારીને પ્રથમ વાર પરિપકવતાનો પરચો કરાવ્યો છે.


મહાકવિ ઇકબાલે રામનો મહિમા કરનારું સુંદર કાવ્ય લખ્યું હતું. આખું કાવ્ય મારી ડાયરીમાં સચવાયું છે. એ કાવ્યમાં રામને ‘ઇમામે હિંદ’ ગણાવીને રામ-મહિમા થયો છે. રામજીને કોઇએ અયોધ્યામાં વસનારા હિંદુઓની વાત કરી હોત તો એમણે જરૂર પૂછ્યું હોત: હિંદુ એટલે કોણ? રામ તો ‘સત્યપ્રતિજ્ઞ’ એવા આર્યશ્રેષ્ઠ હતા. મહાકવિ વાલ્મીકિએ એમને ‘સત્યપ્રતિજ્ઞ’ કહ્યા હતા. ગાંધીજીએ જીવનમાં સત્યપાલનમાં કોઇ જ અપવાદ રાખ્યો ન હતો. રામ અને ગાંધીજીને જોડનારો સત્યસેતુ ઇતિહાસમાં અમર રહેશે. રામજીના સમયમાં એક ગાળ પ્રચલિત હતી: ‘અનાર્ય.’ અપહરણ થયું ત્યારે સીતાએ રાવણને ‘અનાર્ય’ કહ્યો હતો.


દેશના ઘણાખરા મુસ્લિમો ભૂતપૂર્વ હિંદુઓ ગણાય. આ વાત ઝીણાસાહેબે અને ન્યાયમૂર્તિ શ્રી એમ. સી. ચાગલાએ કરી હતી. બંને કોમના લોકો વાસ્તવમાં આર્ય ગણાય. સીતા રામને ‘આર્યપુત્ર’ કહીને સંબોધતી હતી. આર્યત્વમાં બધા ભેદભાવો ઓગાળવાની શક્તિ રહેલી છે. આવા આર્યત્વના શ્રેષ્ઠતમ મહામાનવ શ્રીરામ હતા અને એમને મર્યાદાપુરુષોત્તમ કહેવામાં આવ્યા. વાહ વાહ રામજી! ⬛ (લખ્યા તા. 9-11-2019)
***
પાઘડીનો વળ છેડે
એક રામ દશરથ કા બેટા,
દૂજા રામ ઘર ઘર મેં બૈઠા |
તીજે રામ કા સકલ પૈસારા |
ચૌથા રામ હૈ સબ સે ન્યારા ||
- સંત કબીર
નોંધ: કોર્ટના ચુકાદા પછી ભારતના મુસ્લિમોએ પૂરતો grace બતાવ્યો છે. ક્યાંય કોમી છમકલાં નથી થયાં. ગાંધીજી જીવતા હતા ત્યાં સુધી આમ બન્યું ન હતું. (‘grace’ શબ્દનો ગુજરાતી પર્યાય મને ઝટ જડતો નથી. એમાં વિનય અને ઉદારતાનું સંયોજન છે. એક વિચાર આવે છે. શું અયોધ્યાના રામમંદિરનું શિલારોપણ કોઇ ઉત્તમ મુસ્લિમને હાથે કરાવી શકાય? એ સેક્યુલર હોય અને વિદ્વાન પણ હોય. વર્ષ 1589માં અમૃતસરના સુવર્ણ મંદિરનો શિલાન્યાસ લાહોરના પીર એવા સાંઇ મિયાં મીરને હાથે કરાવવામાં આવ્યો હતો. આવા grace માટે કેરાલાના રાજ્યપાલ એવા વિદ્વાન મુસ્લિમ
શ્રી આરિફ મોહંમદ ખાનનું નામ જડે છે. આપણું કોણ સાંભળે?)

X
latest article by gunvant shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી