વિચારોના વૃંદાવનમાં  / કૃષ્ણનો એજન્ડા: ધર્મની સંસ્થાપના મહાકાવ્યની નિયતિ એ જ શાશ્વતી

Krishna's agenda: the fate of the epic destiny of the institution of religion is eternal

  • કૃષ્ણે યુદ્ધના અઢાર દિવસમાં છળકપટ કર્યાં તેમાં સાપેક્ષતા હતી, નિરપેક્ષતા ન હતી. કૃષ્ણ આ બાબતે આઇન્સ્ટાઈનના પક્ષે હતા, ન્યુટનના પક્ષે નહીં. માનવી દ્વારા પ્રતિપાદિત સત્ય સાપેક્ષ (રિલેટિવ) જ હોઈ શકે

ગુણવંત શાહ

Sep 22, 2019, 07:39 AM IST

મહાભારત જેવા મહાકાવ્યનાં મૂળિયાં એક જાણીતા વેદમંત્રમાં સચવાયાં છે:

ૐ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાસુવ|
યદ્ ભદ્રં તં ન આસુવ||
વેદના ઋષિ કહે છે: ‘હે પરમાત્મન્! હે દેવ! આ વિશ્વમાં જે દુરિતનાં પરિબળો છે તેની સાથે ભદ્રતાનાં પરિબળોની ટકરામણ સતત ચાલતી રહે છે. અમને તું ભદ્રતાનાં પરિબળો તરફ લઇ જા અને દુરિતનાં પરિબળોથી દૂર લઇ જા.’ આ સદીએ સદીએ કાયમ શુભ અને અશુભનાં પરિબળો, સત્ય અને અસત્યનાં પરિબળો, અહિંસા અને હિંસાનાં પરિબળો તથા સુજનતા અને દુર્જનતાનાં પરિબળો વચ્ચેની અથડામણ વચ્ચે માનવી દળાતો જ રહ્યો છે. આવી અથડામણ પુરાણપુરાતન અને વળી સનાતન છે. મહાભારત જેવું મહાકાવ્ય એ આખરે તો શાશ્વત અથડામણનું મહાકાવ્ય છે. અથડામણ કે ટક્કર શાશ્વત છે માટે મહાકાવ્યનો મર્મ પણ શાશ્વત છે. અહીં આ સભામાં કેટલાક શાસ્ત્રોપસ્કૃત વિદ્ધાનો બેઠા છે. દક્ષિણ આફ્રિકામાં તમે ગમે તે હિન્દુના ઘરે જાઓ, સૌને આ એક વેદમંત્ર કંઠસ્થ હોય છે એવો મારો અનુભવ છે.


આવા મહાકાવ્યની નિયતિ શું હોઇ શકે? જવાબ છે: શાશ્વતી એ જ મહાકાવ્યની નિયતિ. આજે પણ મહાભારતનાં બધાં પાત્રો જૂજવે રૂપે જીવતાં જણાય છે. આજે પણ દુર્યોધનત્વ ક્યાંક જીવે છે. આજે પણ યુધિષ્ઠિરત્વ ક્યાંક જીવે છે. આજે પણ કોઇ ને કોઇ સ્વરૂપે દ્રૌપદિતા જીવે છે, શકુનિત્વ જીવે છે, અર્જુનત્વ જીવે છે, ભીમત્વ, દુ:શાસનત્વ, કર્ણત્વ, દ્રુપદત્વ, દ્રોણત્વ, ભીષ્મત્વ અને ધૃતરાષ્ટ્રત્વ જીવે છે. આપણી પાસે એ પાત્રોને નવલાં સ્વરૂપે નીરખવાની અને પરખવાની દૃષ્ટિ હોવી જોઇએ. આજે પણ કુંતી અને ગાંધારી ક્યાંક જીવે છે. કારણ શું? એ બધાં જ પાત્રો મહાભારત જેવા મહાકાવ્યમાં આબાદ ગોઠવાઇ ગયાં છે. આમ, મારી દૃષ્ટિએ મહાભારત એ ‘માનવ સ્વભાવનું મહાકાવ્ય’ છે. માનશો? ‘સ્વરાજ્ય’ જેવો શબ્દ સૌપ્રથમ ધૃતરાષ્ટ્ર દ્વારા પ્રયોજાયો છે. એ જ રીતે ‘લોકતંત્ર’ શબ્દ માનવ-ઇતિહાસમાં પહેલી વાર ભીષ્મ પિતામહ દ્વારા પ્રયોજાયો છે. ભીષ્મ ‘આતતાયીઓ’ માટે ‘લોકતંત્ર વિઘાતકા:’ શબ્દો પ્રયોજે છે.


મહાભારત સાથે ગીતાનું એક મહાવિધાન અર્થપૂર્ણ રીતે જોડાયેલું છે: ‘પ્રકૃતિ યાન્તિ ભૂતાનિ.’ ગીતાધ્વનિમાં કિ. ઘ. મશરૂવાળાએ આ શ્લોકાર્ધનો અનુવાદ કર્યો અને કહ્યું: ‘સ્વભાવે જાય છે પ્રાણી.’ આપણે ત્યાં કહે છે: ‘પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય.’ જીવનની છેલ્લી ક્ષણ સુધી દુર્યોધન પોતાનો સ્વભાવ ન છોડી શક્યો. આ સ્વભાવનો સંદર્ભ જન્માંતર (ટ્રાન્સમાઇગ્રેશન) સાથે છે. બધી યોનિઓમાંથી પસાર થતો જીવ માનવી તરીકે જન્મ પામે છે. આમ, પ્રત્યેક માનવીને પોતાનો એન્થ્રોપોલાજિકલ ભૂતકાળ અથવા ‘એનિમલ પાસ્ટ’ હોય છે. તેથી ગીતામાં કહ્યું: ‘સ્વભાવે જાય છે પ્રાણી.’


મહાભારતનો યુગબોધ સમજવા જેવો છે. મહાભારતમાં ‘અહિંસા’ની પ્રતિષ્ઠાપના થઇ છે. મહાભારતનો એજન્ડા સ્પષ્ટ છે:


1. ધર્મની સંસ્થાપના કરવાની છે.
2. અધર્મનું અભ્યુત્થાન કરવાનું છે.
3. સજ્જનોનું (સાધુઓનું) પરિત્રાણ કરવાનું છે.
4. આતતાયીઓને ખતમ કરવાના છે.

અહિંસા પરમ ધર્મ છે, પરંતુ એનો વ્યાપ ધર્મ કરતાં વિશાળ નથી. કૃષ્ણે ધર્મને અત્યંત વ્યાપક સ્વરૂપે પ્રગટ કર્યો છે. ધર્મની વ્યાપકતામાં અહિંસા અવશ્ય સમાઇ જાય છે, સત્ય પણ સમાઇ જાય છે અને કરુણા પણ સમાઇ જાય છે. ગીતાના 12મા અધ્યાયમાં ‘કરુણા’નો સુપેરે ઉલ્લેખ થયો છે.


હવે વિચારવા જેવી વાત એ છે કે જેમ આઇન્સ્ટાઇનના E=mc2 જેવા મહામંત્ર પછી ન્યુટનનું પદાર્થવિજ્ઞાન ઝાંખું પડ્યું એ પ્રમાણે નિરપેક્ષતા (એબ્સોલ્યુટિઝમ) સામે સાપેક્ષના (રિલેટિવિઝમ)ની બોલબાલા વધતી જ ગઇ. કૃષ્ણે યુદ્ધના અઢાર દિવસમાં છળકપટ કર્યાં તેમાં સાપેક્ષતા હતી, નિરપેક્ષતા ન હતી. કૃષ્ણ આ બાબતે આઇન્સ્ટાઇનના પક્ષે હતા, ન્યુટનના પક્ષે નહીં. માનવી દ્વારા પ્રતિપાદિત એવું કોઇ પણ સત્ય નિરપેક્ષ (એબ્સોલ્યુટ) ન હોઇ શકે. એ સાપેક્ષ (રિલેટિવ) જ હોઇ શકે.
એક જ ઉદાહરણ પ્રસ્તુત છે. ગુજરાતના શિક્ષણગુરુ નાનાભાઇએ પોતાના પુસ્તક (સંસ્થાનું ચારિત્ર્ય)માં એક પ્રસંગ નોંધ્યો છે. એક ઓરડામાં પૂજ્ય નાનાભાઇ, કિશોરલાલભાઇ અને મહાત્મા સાથે બેઠા હતા. કોલેજોમાં યુવાન છોકરાઓ યુવતીઓની છેડતી કરે, તે વિષય પર ચર્ચા ચાલી.

ગાંધીજીએ પૂછ્યું: ‘કિશોરલાલ, તમે એવા યુવાનને શી સજા કરો?’ કિશોરલાલે કહ્યું: ‘હું તો યુવતીને કહું કે તારા પગના ચંપલથી એ યુવાનને ફટકારવો.’ ગાંધીજીએ તરત કહ્યું: ‘હું શું કરું તે જાણવું છે? હું તો એ બહેનને કહું કે જો તારી પાસે ચપ્પુ હોય, તો તે ચપ્પુને તારે એ ભાઇની છાતીમાં હુલાવી દેવું અને હું આ કૃત્યને એક અહિંસક કૃત્ય તરીકે જાહેર કરીશ.’ (સંસ્થાનું ચારિત્ર્ય, પાન-10) આ પુસ્તક યોગ્ય નિશાની કરીને મને ભાવનગરથી પૂજ્ય નાનાભાઇ ભટ્ટના સુપુત્ર પ્રશાંતભાઇએ મોકલી આપ્યું હતું. વાત માનવામાં ન આવે તેવી છે ને? હા, પરંતુ સાવ સાચી છે. અહિંસા પણ પરિસ્થિતિ-નિરપેક્ષ નથી. હવે બીજો પ્રસંગ કહું?


સરદાર પટેલ દિલ્હીમાં એક પોલીસચોકી પાસે ઊભા હતા. એટલામાં સામેના એક ઘરમાંથી છૂટેલી ગોળી સનનન કરતી સરદારના કાન પાસેથી પસાર થઇ ગઇ. સરદારે પોલીસ અધિકારીને પૂછ્યું: ‘ગોળી કોણે છોડી?’ અધિકારીએ જણાવ્યું કે સામેના ઘરમાં એક મુસલમાન ગુંડો રહે છે. સરદારે પૂછ્યું: ‘એને સીધો કરવાનો કોઇ ઉપાય?’ અધિકારીએ કહ્યું: ‘એ આખા ઘરને ફૂંકી મારવા સિવાય બીજો કોઇ જ ઉપાય નથી.’ સરદારે કહ્યું: ‘ફૂંકી મારો.’ (ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધીએ આ પ્રસંગ પોતાના મૂલ્યવાન ગ્રંથમાં નોંધ્યો છે. આ બંને પ્રસંગોમાં ગાંધીજી અને સરદાર દ્વારા પરિશુદ્ધ અહિંસા પાળવામાં આવી નથી).


મહાકાવ્યોનાં પાત્રો સાથે જોડાઇ જતો બૃહદતર ભાવ મહત્ત્વનો છે. બાદશાહ જહાંગીરના સમયમાં મૌલાના મસીહી નામના ફારસી કવિ થઇ ગયા. એમને રામાયણમાં સીતાને પહોંચેલી પીડા એટલી તો સ્પર્શી ગઇ કે એમણે ઘણી બધી પંક્તિઓ સીતાજી માટે લખી. એ બધું જાણીને સાહિત્યકાર ઇન્દિરા ગોસ્વામીને એવી સંવેદના જાગી કે એમણે રામાયણ પર એક સંશોધનાત્મક ગ્રંથ લખ્યો અને પરિણામે ઇન્દિરા ગોસ્વામીને જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો. આમ, સીતાની પીડા કેવળ સીતાની ન રહી અને બૃહદતર સંવેદનામાં પરિણમી. તેથી મારે કહેવું છે કે મહાકાવ્યની નિયતિ જ શાશ્વતીમાં સમાયેલી છે. દ્રૌપદીની પીડા આપણા સૌની પીડા બની રહે છે. પરિણામે આટલાં હજાર વર્ષો પછી પણ આપણે આજે ‘મહાભાારત’ પર વિચાર કરવા બેઠા છીએ.


(નોંધ: તા. 15મી સપ્ટેમ્બર, 2019ના દિવસે અમદાવાદમાં આત્મા હોલમાં મળેલી યાદગાર સભામાં સુજ્ઞ શ્રોતાઓ સમક્ષ કરેલા પ્રવચન માટે કરેલા હોમવર્કનો સાર.) ⬛


***

પાઘડીનો વળ છેડે
હે સત્યભામા!
મહારાજ યુધિષ્ઠિરના રાજ્યની
આવક-જાવકનો હિસાબ હું
મારે એકલે હાથે જ રાખતી હતી.
હે કલ્યાણી!
યશવાન પાંડવોનાં બધાં કર્મોને
હું જાણું છું.
હે સુંદર મુખવાળી સત્યભામા!
ભરતકુળના સિંહ એવા પાંડવો
સમગ્ર કુટુંબનો બધો ભાર મારા
પર છોડીને ઉપાસના કરવામાં
જ મગ્ન રહેતા.
(આરણ્યક પર્વ, 222 શ્લોક: 51-52)


નોંધ: વનવાસ દરમિયાન કૃષ્ણ સત્યભામા સાથે પાંડવોને મળવા ગયા અને દ્રૌપદી તથા સત્યભામા વચ્ચે મધુર સંવાદ થયો, ત્યારે દ્રૌપદીએ સત્યભામાને આવા શબ્દો કહ્યા હતા. દ્રૌપદી ઇન્દ્રપ્રસ્થની રાજ્યલક્ષ્મીની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવી હતી!!!

X
Krishna's agenda: the fate of the epic destiny of the institution of religion is eternal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી