વિચારોના વૃંદાવનમાં  / શ્રદ્ધા મનુષ્યને કદાચ તારે છે, પરંતુ અંધશ્રદ્ધા મનુષ્યને જરૂર ડુબાડે છે

Faith may strike a human being, but superstition sinks in to human needs

  • જે સંપ્રદાય કોઈ પણ નવા વિચારનું અભિવાદન ન કરી શકે, તે નદી મટીને તળાવ બની રહે છે. તળાવ હોય ત્યાં બંધિયારપણાની બોલબાલા હોવાની જ. આ તફાવત જેવો તેવો નથી

Divyabhaskar.com

Sep 15, 2019, 07:39 AM IST

વર્ષ 1948માં સુરત પંથકમાં દુકાળ પડેલો. દુકાળ એવો કે એક નાનું ઝાપટું પડે તોય ખેડૂતો હરખાઈ જતા. ઉદગ્રીવ દૃષ્ટિએ ખેડૂતો આકાશ ભણી જોતા અને નિરાશ થતા. તે દિવસોમાં લોકોને મુખે સાંભળવા મળતી બે પંક્તિઓ હજી પણ યાદ છે:
દહાડે વાદળ રાતે તારા,
એ તો દુકાળના ચાળા.
રાંદેરના પારેખ ફળિયામાં અંબામાતાનું મંદિર હતું, આજે પણ છે. એના પ્રાંગણમાં હોમહવન કરવાનો નિર્ણય લેવાયો. એ માટે ઉઘરાણું શરૂ થયું. રાંદેરના પોલીસ પટેલ મંછાકાકાએ બધી જવાબદારી પોતાને માથે ઉપાડી લીધી. સ્વરાજ મળ્યું તે વાતને માંડ થોડાક મહિના થયા હતા. અંગ્રેજી રાજ્યના રથનાં બે પૈડાં એટલે પોલીસ પટેલ અને તલાટી. મંછાકાકાના બોલનું વજન પડતું. મારા બાપુ ચુસ્ત આર્યસમાજી હતા. પાટીદાર હતા તોય અમારા ઘરમાં ચાર વેદગ્રંથો બાપુ સતત વાંચતા રહેતા. પરિવાર આસ્તિક હતો, તોય લગભગ રેશનલિસ્ટ હતો. મંછાકાકા ઉઘરાણાની વાત લઈને ઘરે આવ્યા. મને બરાબર યાદ છે.

બાપુએ કહ્યું, ‘મંછાભાઈ! હું બીજા સારા કામ માટે પૈસા આપવા તૈયાર છું, પણ હોમહવન કરવાથી વરસાદ થાય એ વાત મારા ગળે નથી ઊતરતી. મને આવી અંધશ્રદ્ધા ગમતી નથી, માટે પૈસા આપવા માટે મારું મન ના પાડે છે.’ મંછાકાકા નિરાશ થયા, પણ બાપુનું વલણ પારખી ગયા. આ ડાયલોગ હજી બરાબર યાદ છે. હું નાસ્તિકતાની ધાર પર જઈને પાછો ફરેલો આસ્તિક છું. મૂર્તિપૂજા પ્રત્યે મને ઝાઝો લગાવ નથી. કાકાસાહેબ કાલેલકરે એક તોફાની વિધાન કરેલું: ‘આર્યસમાજી એટલે વેદમાં શ્રદ્ધા ધરાવતો મુસલમાન.’ આજે પણ મને ઇસ્લામ ધર્મ તરફથી મળેલી ‘તૌહીદ’ જેવી સંકલ્પનામાં કોઈ મુસલમાનમાં હોય તેવી શ્રદ્ધા છે. ઈશ્વર એક અને માત્ર એક છે. દેવ-દેવીઓની વાતમાં દમ નથી. પરિવારમાં એવું પર્યાવરણ હતું કે મંદિર ગૌણ બને અને માનવતા કેન્દ્રમાં આવી જાય.

લોકતંત્રમાં જેમ વિચારસ્વાતંત્ર્ય અનિવાર્ય છે, તેમ ધર્મતંત્રમાં શ્રદ્ધાસ્વાતંત્ર્ય પણ જરૂરી છે. આદરણીય મોરારિબાપુનો જે વિકાસ મન અને હૃદયની કક્ષાએ જોવા મળ્યો છે, તે અદ્્ભુત ગણાય તેવો છે. આવી ઉત્ક્રાંતિ સંપ્રદાયલક્ષી સાધુઓમાં વૈચારિક લગભગ ગેરહાજર જણાય છે. બાપુનો કોઈ સંપ્રદાય નથી. એવો સંપ્રદાય શરૂ કરવાનું એમને માટે શક્ય હોય તોય એવા તમોગુણી લોભથી તેઓ સર્વથા મુક્ત રહ્યા છે અને એ જ એમની સૌથી મોટી ઉપલબ્ધિ છે. જ્યાં પંથ હોય ત્યાં પંથપ્રપંચ હોય જ. વ્યક્તિગત કક્ષાએ પ્રશંસકો, ચાહકો અને શિષ્યો હોય એ શક્ય છે. જે સંપ્રદાય કોઈ પણ નવા વિચારનું અભિવાદન ન કરી શકે, તે નદી મટીને તળાવ બની રહે છે. તળાવ હોય ત્યાં બંધિયારપણાની બોલબાલા હોવાની જ. આ તફાવત જેવો તેવો નથી. નદી પાસે એક ધ્યેય હોય છે અને તે મહાસાગરને મળવાનું. તળાવ વહેતું નથી, જ્યારે નદી સદાય વહેતી રહે છે. આ વાત કથાસરિતા વિશે પણ સાચી છે. બાપુએ દુનિયાને ખૂણે ખૂણે રામસુગંધ પહોંચાડી છે. આ શ્રદ્ધાસુગંધ માટે તેમના ઋણથી મુક્ત થવાનું અશક્ય છે.

આજે તો એવી દશા છે, જેને પરિણામે કાર્લ માર્ક્સમાં અંધશ્રદ્ધા રાખનાર ડાબેરી પ્રોગ્રેસિવ અને લિબરલ ગણાય. વર્ષો પહેલાં સુરતના નિષ્ઠાવંત સામ્યવાદી નેતા શ્રી જશવંત ચૌહાણ દિલ્હીના ગુજરાત ભવનના ભોજનાલયમાં ભેગા થઈ ગયા. મેં પૂછ્યું: ‘જશવંતભાઈ કેમ છો?’ જવાબ મળ્યો: ‘હું મક્કા જાઉં છું.’ મને નવાઈ લાગી, પણ તરત એમણે ખુલાસો કર્યો: ‘હું મોસ્કો જઈ રહ્યો છું. મોસ્કો એટલે અમારા જેવા સામ્યવાદીઓનું મક્કા!’ પાછળથી એમણે ભારતના સિનિયર સામ્યવાદી શ્રીપાદ ડાંગેનું એક પુસ્તક પ્રેમથી મોકલી આપેલું. મથાળું કંઈક આવું હતું: ‘Communs in the vedas.’ શ્રી ડાંગે વેદાભ્યાસી હતા. એ પુસ્તકમાં વૈદિક યુગમાં પ્રચલિત લગ્નપ્રથાની સુંદર છણાવટ થઈ છે.

એ અંગેની માહિતી મને મારા એક પુસ્તકમાં ઘણી ઉપયોગી સાબિત થઈ હતી. ભારતના ડાબેરી નેતાઓ પહેલા નંબરના અંધશ્રદ્ધાળુ ભક્તો છે. એમને ક્રેમલિનમાં, દાસ કેપિટલમાં અને માર્ક્સની વિચારધારામાં આંધળી ભક્તિ હોય છે. મને ગાંધીજીમાં અને એમની સત્યનિષ્ઠામાં અપાર શ્રદ્ધા છે, પરંતુ લગીરે અંધશ્રદ્ધા નથી. ગાંધીજીનાં અગિયાર વ્રતો નાનપણમાં વગર સમજ્યે અમે રાગડા તાણીને ગાતાં, પરંતુ બ્રહ્મચર્યવ્રત, અસ્વાદવ્રત અને અપરિગ્રહવ્રતમાં મને જરા પણ શ્રદ્ધા નથી. મેં આ બાબતે ગાંધીજી સાથે અસંમતિ દર્શાવી છે. મહાત્મા તો મહાત્મા જ હતા, પરંતુ એમની બધી જ વાતો આંખો મીંચીને સ્વીકારવાનું મને મંજૂર નથી.

સદગત કિશોરલાલ મશરૂવાળાના શબ્દો મને વધારે સ્પર્શી ગયા છે. સાંભળો :
કોઈ પણ શાસ્ત્ર વેદ, ગીતા, કુરાન કે બાઇબલ
પણ ઈશ્વરપ્રણિત કે ઈશ્વરવાણી નથી.
વિવેકબુદ્ધિ પર જેનાં વચનોની કસોટી કરી
શકાય નહીં એવી રીતે કોઈ વચનને પ્રમાણરૂપે
સ્વીકારવું કે બતાવવું નહીં. કોઈ મનુષ્યને
પરમેશ્વર કે પયગંબર (પરમેશ્વરે ખાસ મોકલેલા)ની
કોટિમાં મૂકવો નહીં. કોઈને અસ્ખલનશીલ, જેના
વિચાર કે વર્તનમાં કોઈ ભૂલ હોઈ જ ન શકે,
એવો માનવો નહીં.
(‘સમૂળી ક્રાંતિ’ પુસ્તકમાંથી.)

આવા પ્રાણવાન શબ્દો મારા જીવનમાં કાયમી સ્થાન પામ્યા છે. મારા રામાયણ પરના ભાષ્યમાં પણ સીતાના ત્યાગની આલોચના થઈ છે. આટલી ઓબ્જેક્ટિવિટી સાથે આદરણીય મોરારિબાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે આજકાલ ચાલી રહેલા વિવાદને સમજવામાં સરળતા રહેશે. વિવાદ જેમ છીછરો, તેમ તેમાં રહેલો વિવેક ઓછો. મારા પર પ્રેમ વરસાવવામાં આદરણીય મોરારિબાપુની માફક પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે પણ કોઈ કસર નથી છોડી. પરિણામે મારી સ્થિતિ અત્યંત નાજુક છે. આમ છતાં ખૂબ જ ટૂંકમાં મને જે લાગ્યું તે લખું છું. એમાં ક્યાંય કપટ નથી અને પલાયન પણ નથી. જે લખું તેમાં ગાળ ખાવાની તૈયારી હોય જ છે. આવી તૈયારી તો મારો સ્થાયીભાવ છે.

(1) જે સામસામી દલીલો કે નિંદા થાય તેમાં ગંદકી પેસી જાય તો ગંદકી પેસવા દેનાર પક્ષ ફુલ્લી નપાસ ગણાય.
(2) આદરણીય મોરારિબાપુ સાથેના લાંબા પરિચય પછી મને એવી પ્રતીતિ થઈ છે કે તેઓ સ્વભાવે સમન્વયવાદી, સત્યનો આદર કરનારા અને ધર્મોને તથા માનવોને જોડનારા વિચારક અને કથાકાર છે. કટુતા રાખવી કે કેળવવી એ એમની પ્રકૃતિમાં નથી.
(3) અક્ષરધામ પર હુમલો થયો ત્યારે પ્રમુખસ્વામી મહારાજે જો બ્રેક મારવાનો વિવેક ન બતાવ્યો હોત તો! ભારે ખુવારી થઈ હોત.
(4) જ્યાં સંપ્રદાય હોય ત્યાં અંધશ્રદ્ધાળુ અને બુદ્ધિહીન ભક્તો ન હોય એ શક્ય જ નથી. બંને પક્ષે આ બાબતે મને એવા ભક્તો જોવા-જાણવા મળ્યા છે. બંને પક્ષે NRI લોકો સરખા અંધશ્રદ્ધાળુ જણાયા છે. વિદેશ પ્રવાસો થયા ત્યારે નજરે આવી અંધશ્રદ્ધા નિહાળી છે.
(5) આદરણીય મોરારિબાપુ સમય સાથે બદલાતા રહ્યા છે. એમની માનસિક ઉત્ક્રાંતિ થતી જ રહી છે. આ બાબતે કહેવું જ રહ્યું કે સમયાનુસાર પરિવર્તન પામવાની તૈયારીની વાત કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાય નારીશક્તિ અને નારીમુક્તિની બાબતે અપરિવર્તનીય જણાયો છે.
(6) સ્વામી સહજાનંદે હિન્દુઓમાં પછાત ગણાતી જ્ઞાતિઓને પંથમાં આવકારવામાં અને વ્યસનમુક્તિની ચળવળમાં જે સફળતા મળી તેને ક્રાંતિ જ કહી શકાય. મારા એક મિત્ર જ્ઞાતિએ ‘ખાલપા’ હતા તોય સ્વામિનારાયણ સંપ્રદાયે એમને ખુલ્લા હાથે સ્વીકારેલા. પંચશીલ આંદોલન શરૂ કર્યું ત્યારે વ્યસનમુક્તિ પર જે ભાર મુકાયો તે સ્વામી સહજાનંદી કુળનો હતો. માંસાહારમુક્તિમાં પણ આ સંપ્રદાયનો ફાળો ઓછો નથી.
(7) મારી આવી વાતમાં કોઈને બેવડી અને નિર્માલ્ય તટસ્થતા જણાય, તો એવા આક્ષેપમાં દમ છે, પરંતુ વાચકો માટે એટલું જ કહેવું છે કે મને બેવડી વાતો કરવામાં ફાવટ નથી આવતી. આદરણીય બાપુ નિંદાવૃત્તિથી જોજનના જોજન દૂર જણાયા છે. પરિણામે વિવેક જાળવવાની સઘળી જવાબદારી સંપ્રદાયના ભક્તો પર આવી પડી છે. આ બાબતે હું આદરણીય મોરારિબાપુનો જામીન થવા તૈયાર છું.
(8) હવે વિવાદ ન લંબાય તો સારું. જે વિવાદ લંબાવે તે પક્ષનો દોષ ગણાશે.

***
પાઘડીનો વળ છેડે
મેં એક વાર કોઈ માણસને
ભગવાનનું નામ લેતી વખતે રડતો જોયો.
વળી બીજા માણસને,
ભગવાનનું નામ ગણગણતો સાંભળ્યો.
એણે કહ્યું: હું તો પ્રાર્થના કરું છું
બેમાંથી કોઈએ મને કહ્યું નહીં કે
ભગવાન તરફથી શો જવાબ મળ્યો.
મેં એ બંનેને પૂછ્યું:
જો જવાબ ન મળતો હોય, તો
પ્રાર્થના કરવાનો શો અર્થ?
બંને જણા બોલ્યા:
શાંત રહેવું એ તો પ્રાર્થના કરવા કરતાંય
વધારે પજવનારી બાબત છે!

X
Faith may strike a human being, but superstition sinks in to human needs
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી