વિચારોના વૃંદાવનમાં  / જલોદર થાય તેને શરીરનો વિકાસ કહેવાય? શ્વાસની તકલીફને ફેફસાંનો વિકાસ કહેવાય?

Ascites it is called body growth? What is the development of lungs called respiratory distress?

  • આપણી વિચારશૂન્યતા સૌપ્રથમ ધર્મ નામની અત્યંત પવિત્ર બાબતને અભડાવે છે. આજે આખી દુનિયા ધર્મમાં પેઠેલા પ્રદૂષણથી પીડાય છે

ગુણવંત શાહ

Nov 10, 2019, 07:42 AM IST

ન્યુ દિલ્હી જેવા મહાનગરમાં વૃક્ષોની વસતી ઓછી નથી. જ્યાં જુઓ ત્યાં વનસ્થલી જોવા મળે છે. આવા મહાનગરમાં લોકોને શ્વાસની તકલીફ રહે એ વાત માનવામાં આવે તેવી ન હોવા છતાંય હકીકત છે. દિલ્હી વાસ્તવમાં ફેફસાંના રોગોની રાજધાની છે. આવું કેમ બન્યું? મોટરગાડીઓની સંખ્યા માનવીની સંખ્યા કરતાં પણ વધારે હોય ત્યાં પ્રદૂષણ ન વધે તેવું બને ખરું? આજકાલ માણસ વિકાસ અને રકાસ વચ્ચે થતી મોઘમ મારામારીનો શિકાર બની ચૂક્યો છે. તહેવારો દરમિયાન ઘોંઘાટનું પ્રદૂષણ (સોનિક પોલ્યુશન) વધે છે. ગણપતિ ચોથ કે ઘોંઘાટચોથ? જન્માષ્ટમી કે જુગારાષ્ટમી? આવા પ્રશ્નોની પજવણી હવે ખલેલ નથી પહોંચાડતી. વિચાર ન હોય ત્યાં ખલેલ ક્યાંથી? ખલેલ ન થાય ત્યાં ઉપાય ક્યાંથી? ઉપાય ન થાય ત્યારે રોગનું ચડી વાગે છે. ‘વિકાસ’ નામનો સુંદર શબ્દ આપણને છેતરે છે. માણસનું મોટું પેટ લચી પડે તેને શરીરનો ‘વિકાસ’ થયો એમ ન કહેવાય. એને ગ્રોથ કહેવાય, ડેવલપમેન્ટ ન કહેવાય.


વર્ષો પહેલાં ગોરજમાં આવેલા મુનિઆશ્રમમાં કેન્સર હોસ્પિટલનું શિલારોપણ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલે કર્યું હતું. એ સમારંભમાં અતિથિવિશેષ તરીકે અનુબહેને આગ્રહ કરીને મને બોલાવ્યો હતો. મેં પ્રવચનમાં કહ્યું હતું: ‘આ હોસ્પિટલમાં ગોઠવાયેલા ખાટલા ઘણું ખરું ખાલી પડી રહે એવી મારી શુભકામના.’ પ્રામાણિકતાને કારણે જળવાઇ જતી ખાલી પડેલા ખાટલાઓની શોભા જોવી હોય તો આણંદમાં આવેલી ડો. મહેશ દેસાઇની હોસ્પિટલ જોવા જવાની ખાસ ફરમાઇશ કરું છું. અન્નક્ષેત્રનો લાભ (?) લેનારા લોકોની સંખ્યા ક્રમશ: ઘટતી જાય તો રાજી થવા જેવું છે. આપણો વાસી ધર્મ આપણને ખોટા રવાડે ચડાવે છે. મુંબઇની સબર્બન ટ્રેનમાં થતી ધમાચકડી પણ આપણને ખલેલ નથી પહોંચાડતી. માણસ જેવો માણસ બારીના સળિયા પર લટકીને મુસાફરી કરે અને અકસ્માતમાં મરે તે વાત આપણને ખલેલ ન પહોંચાડે ત્યારે એટલું જરૂર કહી શકાય કે ‘વિકાસ’ હવે રકાસને માર્ગે થઇ રહ્યો છે. ઝરણું ગટર બની જાય, ભીડ સભા બની જાય, ફેફસાં ફાઇબ્રોસિસના રોગમાં સપડાય અને હોસ્પિટલમાં દરદીઓ વધી પડે ત્યારે તેમને ગમે ત્યાં સૂવું પડે છતાં આપણે વિચારવા તૈયાર નથી.


આપણી વિચારશૂન્યતા સૌપ્રથમ ધર્મ નામની અત્યંત પવિત્ર બાબતને અભડાવે છે. આજે આખી દુનિયા ધર્મમાં પેઠેલા પ્રદૂષણથી પીડાય છે. વિચારશૂન્ય ધર્મ અને ધર્મશૂન્ય બુદ્ધિ દુનિયા આખીને પજવે છે. આ લખી રહ્યો છું ત્યારે ટર્કી અને સિરિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઇસ્લામની ખરી શત્રુતા ઝનૂન અને વિચારહીનતામાં ડૂબકાં ખાતા ISIS સાથે છે. જ્યાં જ્યાં ઝનૂન હોય ત્યાંથી વિચાર નાસી છૂટે છે અને ધર્મની લાશ રસ્તે રઝળે અને પછી ગંધાતી રહે છે. કાલે ઊઠીને આપણે સમાજમાં રોજ રોજ થતી આત્મહત્યાના બનાવોની સંખ્યા વધતી જાય તેને પણ વિકાસ નહીં કહીએ ને?


પશ્ચિમી જગતમાં જન્મેલા વિચારક એરિક ફ્રોમે એક શકવર્તી પુસ્તક લખ્યું હતું: ‘Revolution of Hope’ (આશાની ક્રાંતિ) ક્યાંક એ વિચારકે ઊંચે ને ઊંચે જતા ગ્રાફની મશ્કરી કરી હતી. આપણે ઊંચે જતા ગ્રાફના પ્રેમમાં પડી જઇને એવું માનવા લાગીએ છીએ કે આપઘાત કરનારી વ્યક્તિઓની સંખ્યાનો ગ્રાફ ઊંચે જાય, તો તેને પણ ‘વિકાસ’ કહેવા તૈયાર છીએ! આ તો આપણું ‘કન્ડિશનિંગ’ કહેવાય. ધર્મને પણ આપણે ‘કન્ડિશનિંગ’ની કક્ષાએ લાવી મૂક્યો છે. જાણીતા કટારલેખક અને મૌલિક વિચારક શ્રી તાહિર મેહમૂદે પોતાની કોલમ (The Indian Express, 22-10-2019)માં એક સચોટ પ્રશ્ન ઉઠાવ્યો છે: ‘Does a prayer become objectionable because it is in Urdu, because God is invoked as khuda and Allah?’ ઉર્દૂ પ્રાર્થના ઉર્દૂ ભાષામાં થાય અને ભગવાન ખુદા કે અલ્લાહના નામથી થાય તો એ વાંધાજનક બની જાય ખરી? પ્રાર્થના એટલે શું? પ્રાર્થના એટલે બંદા અને ખુદા વચ્ચેની ખાનગી વાતચીત કે બીજું કાંઇ? આવી પ્રાર્થના પણ હવે પ્રદૂષિત થઇ ચૂકી છે. એક વાર વિનોબાજી અને મૌલાના આઝાદ વચ્ચે વાતચીત શરૂ થઇ. વિનોબાજીએ કહ્યું: ‘ખુદા પાસે ભક્તે કોઇ તરફેણની વિનંતી ન કરવી જોઇએ.’ મૌલાના આઝાદ તો ઇસ્લામના આલિમ હતા તેમણે વિનોબાજી સાથે અસંમત થઇને કહ્યું: ‘ના, ખુદા પાસે ફેવર માગવાનો ભક્તને અધિકાર છે.’


ગાંધીજીએ વર્ષ 1909માં સ્ટીમર પર પ્રવાસ કરતી વખતે ‘હિંદ સ્વરાજ’ નામનું શકવર્તી પુસ્તક લખ્યું હતું. મને એ પુસ્તકની ઘણી બધી વાતો ગમતી નથી. મારી સાથે સહમત થનારાઓમાં મુ. મનુભાઇ પંચોળી (દર્શક) અને ગોપાળકૃષ્ણ ગોખલે જેવા બે મહાનુભાવો ગણાવી શકાય. જેઓ એ પુસ્તકની પ્રશંસા કરવામાં આગળ હતા. તેમાં મુ. નારાયણ દેસાઇ અને મિત્ર કાંતિભાઇ શાહ મુખ્ય હતા. નારાયણભાઇ જમવા બેસતા ત્યારે થાળીમાં દવાની ગોળીઓ ગોઠવી દેતા. કશુંય ખોટું નથી, પરંતુ એ ગોળીઓ તો દુનિયાની મલ્ટીનેશનલ કંપનીઓમાં બનેલી હતી અને વળી લાખો ઉંદરો અને વાંદરાઓને પ્રયોગ દરમિયાન મારી નાખ્યા પછી માર્કેટમાં પ્રવેશનારી હતી. ‘હિંદ સ્વરાજ’ ક્યાં રહ્યું?


દ્રવ્યને નીચું નથી ગણવાનું. પૈસો જીવનનો છઠ્ઠો મહાભૂત છે. પૈસાની અવગણના કદી ન કરવી. આપણે ‘વિકાસ’ શબ્દને અખિલાઇપૂર્વક નીરખવાનો છે. એક વિચારકે સાચું કહ્યું છે: ‘પૈસા બહુત કુછ હૈ, સબકુછ નહીં. ’ ‘મહાભારત’માં યુધિષ્ઠિર પૈસાનો મહિમા કરે છે ને કૃષ્ણને કહે છે:
હે વાસુદેવ!
ધનને ડાહ્યા માણસો પરમધર્મ કહે છે,
કારણ કે સર્વે બાબતો
ધનને આધારે ટકેલી છે.
આ પૃથ્વીલોકમાં ધનવાનો જ
ખરું જીવન જીવે છે.
જે માણસો નિર્ધન છે
તે મરેલા જેવા જ ગણાય.
(ઉદ્યોગપર્વ, 70,23)
ધનને હડે હડે કરવાનું નથી. જે રૂપિયા આપણા ઘરમાં પ્રવેશ પામે તેમાંથી કેટલા રૂપિયા આપણા સુખમાં પરિવર્તન પામે છે? રૂપિયો ખરા અર્થમાં ‘કન્વર્ટીબલ’ હોવો જોઇએ. કમાણી દ્વારા પ્રાપ્ત થયેલો પ્રત્યેક રૂપિયો સુખમાં પરિણમે તે ઇચ્છનીય છે.
યાદ રહે કે રૂપિયો દુખદાયી પણ બની શકે છ. યુધિષ્ઠિરની વાત સાવ સાચી છે. દ્વારકા નગરી સુવર્ણમયી હતી. ‘સુદામાચરિત્ર’માં પ્રેમાનંદ દ્વારકાનું વર્ણન કરે તેમાં કહે છે: ‘કનકકોટ ચળકાટા કરે.’ ‘દરિદ્રનારાયણ’ શબ્દ બહુ પંપાળવા જેવો નથી. દંભમુક્તિ જેવી કોઇ સંપ્રાપ્તિ નથી. પ્રામાણિકતાપૂર્વક જીવનારો મનુષ્ય કોઇ પણ સાધુથી બહુ છેટો નથી. દંભી સાધુ તો સંસારી માણસ કરતાં ઘણા નીચા સ્થાને હોવાનો. પ્રામાણિકતા પરમો ધર્મ:!
***
પાઘડીનો વળ છેડે
હે કૃષ્ણ!
ધનસંપત્તિનો નાશ મનુષ્ય માટે
મોટી આપત્તિ ગણાય.
એ (આપત્તિ) તો મૃત્યુ કરતાંય
વધુ કષ્ટદાયક ગણાય, કારણ કે
ધર્મ અને કામનું નિમિત્ત
ધન છે.
(મહાભારત, ઉદ્યોગપર્વ, 70,27)
નોંધ: રાવણની લંકા પણ દ્વારિકાની માફક સુવર્ણમયી હતી. એક નગરીમાં અસુરનું શાસન હતું, જ્યારે બીજીમાં કૃષ્ણનું સુશાસન હતું. કૃષ્ણની દ્વારકા શરાબને કારણે ખતમ થઇ અને યાદવાસ્થળીમાં બધા યાદવો કપાઇ મૂઆ. આગળથી ચેતી જઇને કૃષ્ણે દ્વારકામાં કડક દારૂબંધી શરૂ કરેલી. માનવ ઇતિહાસની એ પ્રથમ દારૂબંધી ગણાય. વર્ષો પછી પયગંબરે શરાબસેવનને હરામ ગણાવ્યું હતું.

X
Ascites it is called body growth? What is the development of lungs called respiratory distress?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી