વિચારોના વૃંદાવનમાં / ભૂલ કરે તે માણસ, પરંતુ ભૂલ કબૂલ કરે તે ખરો માણસ

A man who makes a mistake, but a true man who makes a mistake

  • પોતાની ભૂલ કબૂલ કરનારા ભલા માણસોએ જ આ પૃથ્વીને હજી જીવવાલાયક રાખી છે. ભૂલ કદી કબૂલ ન કરનારા મનુષ્ય સાથે ગાળેલી એક જ ક્ષણ આપણા આખા દિવસને ખારો બનાવી શકે છે

ગુણવંત શાહ

Jan 12, 2020, 07:48 AM IST

લૂંટાઇ ગયેલો માણસ જ્યારે હસી પડે ત્યારે એક અનોખી ઘટના બને છે. એ ઘટના સ્થૂળ આંખે દેખાતી નથી. ખરેખર શું બને છે? જે ક્ષણે લૂંટાયેલો આદમી હસી પડે ત્યારે લૂંટારા પાસેથી કશુંક લેતો હોય છે. આવી મૌલિક વાત આપણને વિલિયમ શેક્સપિયર તરફથી મળી છે. લૂંટાઇ ગયા પછી હસવું સહેલું નથી. સંત તુકારામ વારંવાર કહેતા: ‘ભોળપણ એ તો ભક્તનું ભૂષણ છે.’ સંત તુકારામના દેહુ ગામે જઇને હું એમના ઘરના બધા ઓરડામાં આંટો મારી આવ્યો છું. જે ઇન્દ્રિયાણી નદીમાં પોતાના રચેલા અભંગ ગામના બ્રાહ્મણોએ પધરાવી દેવાની ફરજ પાડેલી તે નદીએ ગયો ત્યારે મેં શું જોયું? જીવનનું સર્વસ્વ લૂંટાઇ ગયા પછી વિઠ્ઠલના સાચા ભક્ત તુકારામ રડી રહ્યા ન હતા. ખરેખર તો સંતનું સર્વસ્વ લૂંટી લેનારા બ્રાહ્મણો જ લૂંટાઇ રહ્યા હતા. સંત તુકારામ તો મનોમન બોલી રહ્યા હતા: ‘જેવી વિઠ્ઠલની મરજી.’ આ વાતે ભક્ત તુકારામ અને કવિ શેક્સપિયર એકરૂપ થઇ ગયા!

નિખાલસતાપૂર્વક પોતાની ભૂલ કબૂલ કરનારા માણસનો ચહેરો ધારી ધારીને જોવા જેવો હોય છે. એ ચહેરો વંદનીય દીસે છે. કારણ શું? કારણ એ જ કે ભૂલ કબૂલ કરતી વખતે અહંકારનું તાંબું છૂટું પડી ગયા પછીનું શુદ્ધ સુવર્ણ એના ચહેરા પર તેજનું લીંપણ પાથરતું હોય છે. એ ક્ષણે બહારથી પામર જણાતો આદમી દિવ્યતાનો પ્રસાદ પામતો જણાય છે.

* યુધિષ્ઠિર ભૂલ કબૂલ કરી શકે, પરંતુ જીવનની અંતિમ ક્ષણ સુધી દુર્યોધન ભૂલ કબૂલ ન કરી શકે.
* રાવણનું પાપ મંદોદરીને ખૂંચે, પરંતુ રાવણને ન ખૂંચે.
* મહાત્મા ગાંધી પોતાની રાઇ જેવડી ભૂલને હિમાલય જેવડી ગણાવી શકે, પરંતુ મોહમ્મદ અલી ઝીણા હિમાલય જેવડી ભૂલ કબૂલ ન કરી શકે. તેઓ ભૂલ કરે તો ભૂલ કબૂલ કરવાનો પ્રશ્ન ઊભો થાય ને?!

* ગાંધીજીએ ઝીણાને અવિભાજિત ભારતના પ્રથમ વડાપ્રધાન બનવાની ઓફર કરી એ ભૂલ નાની ન હતી. ભલું થજો પંડિત નેહરુ અને સરદાર પટેલનું કે બંને નેતાઓ આ બાબતે સંપૂર્ણપણે એક હતા. મહાત્માને આવી હિમાલયન ભૂલ કરવાનું પાલવે, નેહરુ-સરદારને ન પાલવે. અનેક મતભેદો હતા, તોય ભાગલા અનિવાર્ય છે, એ બાબતે એકમત હતા. જો દેશના ભાગલા ન થયા હોત, તો આજે અખિલ ભારત પાકિસ્તાન જેવું હોત. કોમી હુલ્લ્ડો કાયમી બની ગયાં હોત અને મુસલમાનોનું પછાતપણું ઝનૂની બનીને હિન્દુઓને થથરાવતું હોત.

* હિટલર કદી ભૂલ કબૂલ ન કરી શકે. હિટલર એટલે વીસમી સદીનો નરકાસુર, બકાસુર અને હિરણ્યકશ્યપ! એ પોતાના બંકરમાં એની પ્રિયતમા સાથે આત્મહત્યા કરીને મર્યો.

કદી પણ ભૂલ ન કરનારા મનુષ્યોએ આ દુનિયા પર ઊગેલી માનવજાતને ખૂબ પજવી છે. કોઇપણ ઓફિસમાં એક ગાંગડુ માણસ એવો હોય છે, જે કદી પણ ભૂલ ન કરે. કદી પણ ભૂલ ન કરે એવા સેતાનનું નામ સદ્દામ હુસૈન રાખવું. એણે લાખો કુર્દ સ્ત્રી-પુરુષો અને બાળકોની સામૂહિક કતલ કરાવી હતી. એ બીજી રીતે સેક્યુલર નેતા હતો. સ્તાલિન સેક્યુલર નાસ્તિક હતો. સ્તાલિનની પત્નીએ આત્મહત્યા કરી હતી. કારણ શું? એક પાર્ટીમાં સ્તાલિને પત્નીને શરાબ પીવાનો આગ્રહ કર્યો હતો. આ વાત સ્તાલિનની ભલી દીકરી સ્વેતલાનાએ પોતાના પુસ્તક ‘Twenty Letters to A Friend’માં કરી છે. એનો ગુજરાતી અનુવાદ સુભદ્રા ગાંધીએ કર્યો છે. એ દીકરીએ ભારતીય યુવાન સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. એનો પતિ મૃત્યુ પામ્યો પછી સ્વેતલાના ભાવપૂર્વક ભારત આવી હતી અને પતિની ચિતાભસ્મ એણે ગંગામાં પધરાવી હતી.

પોતાની ભૂલ કબૂલ કરનારા ભલા માણસોએ જ આ પૃથ્વીને હજી જીવવાલાયક રાખી છે. ભૂલ કદી કબૂલ ન કરનારા મનુષ્ય સાથે ગાળેલી એક જ ક્ષણ આપણા આખા દિવસને ખારો બનાવી શકે છે. આવા માણસોથી ડરીને દૂર રહેવું સારું. ગાંધીજીએ વર્ષો પહેલાં ડાકોરમાં માણેકઠારી પૂનમને દિવસે 40 હજાર માણસો સમક્ષ કરેલા પ્રવચનમાં સંત તુલસીદાસજીને યાદ કરીને એક વિધાન રજૂ કર્યું હતું: ‘અસંતથી દૂર ભાગો.’ (પુસ્તક: ‘પ્રાણપ્રતિષ્ઠા’ નવજીવન.) કોઇ ભલા માણસને ‘કજિયાબેગમ’ પત્ની તરીકે ભટકાઇ જાય ત્યારે કજિયાબેગમ ક્યારેય ભૂલ નથી કરતી. એ કાયમ સાચી જ હોય છે. સંસાર કાયમ સળગતો જ રહે છે. છૂટાછેડા કાયમ અપવિત્ર જ ગણાય એવા સમાજમાં નાઠાબારી નથી હોતી. દુર્યોધને રચેલા ભવ્ય લાક્ષાગૃહમાં જો મુક્તિદ્વાર ન હોત તો! તો પાંચે પાંડવો અને કુંતીમાતા ભસ્મીભૂત થઇ ગયાં હોત. ભલું થજો વિદુરજીનું કે એમણે નાઠાબારીની ગોઠવણ કરી રાખી હતી.

ભૂલ કબૂલ કરવામાં જે બહાદુરી જોઇએ, તે હિટલર કે દુર્યોધન કે સદ્દામ હુસૈનમાં નથી હોતી. ભૂલ કરવાની પાત્રતા કેવળ માનવમાં જ હોય છે, પ્રતિમાનવ(antiman)માં નથી હોતી. આપણે ત્યાં બાયલા પુરુષ માટે ‘કાપુરુષ’ શબ્દ પ્રયોજાય છે. સ્ત્રી વિચિત્ર હોય, તો તેને માટે કોઇ શબ્દ ખરો? હા, એ માટે ‘કુભારજા’ (કુભાર્યા) શબ્દ યોજાય છે. એ સ્ત્રી કર્કશા, ક્લેશા, ફુવડ પણ હોય અને કજિયાબેગમ પણ હોય. ભૂલ કબૂલ કરનાર મનુષ્યને કોઇ મર્દ નથી કહેતું. લોકો અપ્રામાણિક વેપારીને સફળ વેપારી કહે છે, પરંતુ પ્રામાણિક વેપારીને કોઇ બહાદુર નથી કહેતું. ખરી વાત એ છે કે પ્રામાણિક વેપારીની દુકાન ખરા અર્થમાં ‘દેરાસર’ ગણાવી જોઇએ. આવી એક દુકાન સુરતમાં હતી. લોકો એ પ્રામાણિક વેપારીને ‘નૂરાડોસા’ તરીકે આજે પણ યાદ કરે છે.

નાનપણમાં ગલ્લા પર બેઠેલા એ નૂરાડોસા જોયા હતા. મોરારજીભાઇ વડાપ્રધાન બન્યા પછી પ્રથમ વાર સુરત આવ્યા ત્યારે જાહેરસભામાં એમણે નૂરાડોસાને બિરદાવેલા. ગામ રાંદેરમાં ખેડૂતો વાતવાતમાં કહેતા: ‘નૂરડોસાની દુકાને બાળક જાય તોય છેતરાય નહીં.’ શબ્દકોશમાં ‘જલ્લાદ’ શબ્દ જડે, પરંતુ ક્યાંય ‘ગલ્લાદ’ શબ્દ જડે ખરો? જે દુકાનના ગલ્લા પર બેસીને ગ્રાહકને છેતરે, તે ‘ગલ્લાદ’ કહેવાય. દુકાનદારને પ્રામાણિક મનુષ્ય બનવા માટે તપસ્યા કરવી પડતી હોય છે. આજકાલ દુકાનદાર કરતાંય પ્રામાણિક રહેવા માટે રાજકારણીને ખૂબ વધારે જહેમત કરવી પડે છે.

દુનિયા જેને ‘શોર્ટકટ’ કહે છે તેની શોધ કોઇ અજ્ઞાત ખેડૂતે કરી હોવી જોઇએ. એ ખેડૂત તો ખરા અર્થમાં પાયથાગોરસના પ્રખ્યાત પ્રમેયનો પિતા ગણાય. એ ખેડૂત તરફથી એક ગામઠી શબ્દ ‘ઉબાણ’ મળ્યો. ચોરસ આકાર ધરાવતા ખેતરને પાર કરવા માટે એ 90 અંશના શેઢાને બદલે જ્યારે સીધો(ઉબાણ) ગયો ત્યારે ઓછાં ડગલાં ચાલવાં પડે તેવું એ અભણ ખેડૂતને સમજાયું. એ ઉબાણ (કર્ણ) પર માંડેલાં ઓછાં ડગલાંમાં જ પાયથાગોરસના પ્રમેયનું ગર્ભાધાન થયું ગણાય. જો એ કાટખૂણે આવેલા બે શેઢા પર ચાલે તો એણે વધારે ડગલાં ભરવાં પડે. ખેડૂત અભણ હશે, પરંતુ એણે શેઢે શેઢે ચાલવાની ભૂલ ટાળી પછી સદીઓ બાદ પાયથાગોરસનો પ્રમેય રચાયો. પોતાની ભૂલ સમજાય પછી એ ભૂલ દૂર કરવાની સમજણ કેળવાય ત્યારે માનવજાત વિજ્ઞાનને પંથે પડે છે. એમાં એક શબ્દ મળ્યો: ‘શોર્ટકટ.’
શોર્ટકટ એટલે ઘણું ખરું
ઝડપભેર એવા સ્થાને
પહોંચવા માટેનો માર્ગ,
જ્યાં તમારે જવું ન હતું.

પ્રચારના ધોધ આગળ વિચારની દદૂડી શરમાઇ મરે એવું સતત બની રહ્યું છે. સદીઓથી સત્યને ચૂપચાપ સંતાઇને પડી રહેવાની આદત છે. આ આદતનો ભારે ગેરલાભ ધર્મગુરુઓ અને રાજકારણીઓએ લીધો છે. માણસ આજે હોંશેહોંશે છેતરાઇ રહ્યો છે. એવી વિરાટ છેતરપિંડીને માઇક્રોફોનની અને લાઉડ સ્પીકરની જબરી મદદ મળી રહી છે. એવા સમયે ભૂલ કબૂલ કરે તે લલ્લુ ગણાય છે.
***
પાઘડીનો વળ છેડે
ઇસ કદર
પાબન્દી-એ-મજહબ કે
સદકે આપકે,
જબ સે આઝાદી મિલી હૈ
મુલ્ક મેં રમઝાન હૈ|
- દુષ્યંત કુમાર
બે ભૂખ્યા વરુઓને
જો બકરીઓનાં ટોળાંમાં
છોડી દેવામાં આવે અને
જો બકરીઓનો રખેવાળ
ન હોય, તોય તે વરુઓ
બકરીઓનું એટલું નુકસાન
નથી કરી શકતા,
જેટલું નુકસાન સંપત્તિ
અને સત્તાની લાલચ
માનવીના ધર્મને પહોંચાડે છે.
- હઝરત મોહંમદ પયગંબર

X
A man who makes a mistake, but a true man who makes a mistake

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી