તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાદશાહો કા બાદશાહ: બુલ્લે શાહ પ્રેમધર્મનો મહિમા કરનારા સૂફી સંત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

લયલા-મજનૂ, શીરીં-ફરહાદ, હીર-રાંઝા જેવાં યુગલોને લોકો યાદ કરે છે. આવાં પ્રેમઘેલાં યુગલોમાંથી કોઈ પણ યુગલ સુખી હતું ખરું? ફિલ્મી કથાઓ અને ગીતો પરથી તો સ્પષ્ટ જણાય છે કે એક પણ યુગલ સુખી ન હતું. કારણ શું? કારણ એ જ કે આપણા સમાજની અન્યનું સુખ સહન કરવાની ક્ષમતા ખૂબ જ ઓછી છે. ગામ રાંદેરના પારેખ ફળિયામાં મારા ઘરથી માંડ 75 મીટર છેટે એક યુગલ રહેતું હતું. પત્ની રૂપાળી હતી અને પતિ એના પર આફરીન હતો. આજે એ સ્ત્રી છેલ્લી માંદગીને બિછાને છે.

બંને પ્રેમમાં ગળાડૂબ હતાં, પરંતુ આખું ફળિયું નિંદા- કૂથલીમાં રમમાણ હતું. વંચિત વૃદ્ધો માટે નિંદા-કૂથલી જેવો ટાઇમપાસ બીજો કયો હોઈ શકે? વારંવાર અખબારોમાં સમાચાર વાંચવા મળે છે: આંતરજ્ઞાતીય પ્રેમસંબંધ બાંધનારાં મુગ્ધ યુગલને ગામની પંચાયતે સજા ફરમાવી અને નગ્ન હાલતમાં ઝાડ સાથે બાંધીને સખત માર માર્યો. કેટલાક કિસ્સા એવા પણ બને, જેમાં બંને આત્મહત્યા કરે કે રેલવેના પાટા પર પડતું મૂકે અને કચડાઈ મરે. આવો સમાજ સંપૂર્ણ શાકાહારી હોય, તોય માંસાહારી જ ગણાય.

હરિયાણાના કેટલાક વિસ્તારોમાં ચાલતી ખાપ પંચાયત એટલે ઓછો I.Q. ધરાવનારા ડોસાઓ ન્યાયાધીશ બની જાય તેવો ક્રૂર સમાજ. ન્યાયના ત્રાજવાને દાંડી જ ન હોય તો શું થાય? ચીભડાંની ચોરી પણ ન કરનારને ફાંસીની સજા!
આ લખતી વખતે મને સૂફી સંત બુલ્લે શાહનું પાવક સ્મરણ થયું. સૈયદ બુલ્લે શાહ કાદરી (લાડકું નામ બુલ્લે શાહ) મોગલ યુગમાં થઈ ગયા. તેઓ ઇસ્લામી ફિલસૂફ હતા અને કવિ પણ હતા. એમના પ્રથમ મુરશિદ(ગુરુ)નું નામ શાહ ઇનાયત ખાન કાદરી હતું અને તેઓ લાહોરમાં રહેનારા હતા. આવા મહાન સંતના ગુરુ એક માળી હતા. પંજાબી અને સિંધી કવિતામાં કાફીનો મહિમા છે. બુલ્લે શાહની કાફી કવિતાઓ પંજાબીમાં ‘જાના’ તરીકે વિખ્યાત છે. ભારત અને પાકિસ્તાનને મનોવૈજ્ઞાનિક રીતે જોડનાર આ સૂફી ભક્તકવિ બુલ્લે શાહની કાફી કવિતાઓ ‘બુલ્લેયા કી જાના’ તરીકે આજે પણ લોકપ્રિય છે. એક નમૂનો પ્રસ્તુત છે: 
હું અલ્લાહમાં માનનારો તોય મસ્જિદમાં માનનારો નથી,
નથી હું ખોટા કર્મકાંડમાં માનનારો પેગન,
હું બગડી ચૂકેલા લોકોમાં નહીં બગડેલો નથી,
નથી હું મોસીસ કે નથી હું ફેરોઆહ,
નથી હું વેદગ્રંથોનો જ્ઞાતા,
નથી હું શરાબી, નથી હું અફીણી,
નથી હું જાગતો કે નથી હું નીંદરમાં, 
‘બુલેયા કી જાના’ મૈં કૌન બુલેયા તેની
મને તો કાંઈ ખબર નથી!
ભક્ત બુલ્લે શાહે ભજન લખ્યું: ‘તેરે ઇશ્ક નચાયા કર, થૈયા થૈયા.’ આ ભજન પરથી હિન્દી ફિલ્મ ‘દિલ સે’માં ગીત રચાયું: ‘છૈયા છૈયા.’ યાદ છે? રાજકપૂર નિર્મિત ફિલ્મ બોબીમાં એક ગીત સાંભળવા મળે, જે મૂળે બુલ્લે શાહનું સર્જન ગણાય. સાંભળો:
બેશક મંદિર-મસ્જિદ તોડો,
બુલ્લે શાહ યે કહેતા:
પર પ્યાર ભરા દિલ કભી ન તોડો,
જિસ દિલ મેં દિલબર રહેતા!
(યાદદાસ્ત પરથી ગીત ગાનાર-કંચન)
બુલ્લે શાહ શીખપંથના ગુરુ ગોવિંદસિંહના સમકાલીન હતા. આ બંને સંતોને મોગલ બાદશાહ ઔરંગઝેબ જેવા ધર્માંધ બાદશાહનો ખોફ વહોરવો પડ્યો હતો. બુલ્લે શાહ ગુરુ ગોવિંદસિંહના મુક્ત પ્રશંસક હતા. એમણે ગુરુ ગોવિંદસિંહની પ્રશંસા માટે પંક્તિઓ લખી હતી:
ના કરું અબકી,
ના કરું બાત તબકી,
ગર ના હોતે ગુરુ ગોવિંદ સિંહ,
સુન્નત હોતી સબકી!
પરિસ્થિતિ એવી હતી કે જો દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહ ન હોત, તો ઔરંગઝેબે સૌનું ધર્માંતર કરાવીને એમને મુસલમાન બનાવ્યા હોત. ગુરુ ગોવિંદસિંહે ઔરંગઝેબની સામે થઈને શીખોને બચાવ્યા એટલું જ નહીં, પરંતુ એમણે બંદા બહાદુરને સાચી સલાહ આપી અને ઔરંગઝેબની ક્રૂરતાનું વેર ન લેવાય તેવું કહીને નિર્દોષ મુસલમાનોની રક્ષા પણ કરી. આ ઘટનાને સમજવી હોય તો દિલ્હીના ચાંદની ચોકમાં જઈને મહાન શીખ ગુરુની શહાદતના સ્થાનક પર પાંચ મિનિટનું મૌન પાળવું અને સાચા સેક્યુલરિઝમનું ચિંતન કરવું. એ ક્ષણે તમને ઔરંગઝેબના મોટા ભાઈ દારા શુકોહનું સ્મરણ ન થાય તો જ આશ્ચર્ય! બુલ્લે શાહ પરિશુદ્ધ સેક્યુલર સંત હતા. એમણે પંક્તિઓ લખી તે સાંભળો: 
હિંદુ નહીં, મુસલમાન પણ નહીં,
અભિમાન છોડીને આપણે ભેગાં બેસીએ.
શિયા પણ નહીં, સુન્ની પણ નહીં,
આપણે સૌ શાંતિને મારગે ચાલીએ.
આપણે ભૂખ્યાં પણ નથી અને ધરાયેલાં પણ નથી.
નથી આપણે રડનારાં કે નથી આપણે હસનારાં,
નથી આપણે ખુવાર થઈ ગયેલાં કે નથી ઠરીઠામ થયેલાં.
નથી આપણે પાપી કે 
નથી આપણે સદ્્ગુણી કે શુદ્ધ,
પાપ શું અને પુણ્ય શું, એની ખબર મને નથી.
બુલ્લે શાહ કહે છે: જે પોતાને પ્રભુ સાથે જોડે છે
તે નથી હિંદુ રહેતો કે નથી મુસલમાન રહેતો! 
}}} 
પાઘડીનો વળ છેડે
બુલ્લે શાહે ધર્મગુરુઓને
ભસતાં કૂતરાં સાથે
અને કા... કા... કરનારા કાગડાઓ સાથે
સરખાવ્યા હતા
એમણે કહ્યું: 
‘અલ્લાહનો આશક!
તેઓ તો વિતંડાવાદ ચલાવનારા છે, 
તેઓ તમને ‘કાફિર’ કહેશે: 
એમને તમારે કહેવું: હા, ભાઈ હા!’
}}} 
Blog:http://gunvantshah.wordpress.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો