રણમાં ખીલ્યું ગુલાબ / કરે કિસકા એતબાર યહાં સબ અદાકાર હૈ, ઔર ગિલા ભી કિસસે કરે સબ અપને યાર હૈ!

What is the best way to get a new look, and to make it a success!

‘એક એક ખેલાડીની પાછળ તારા જેવી લાખો યુવતીઓ દીવાની થઈ જતી હોય છે. ક્યારેક ક્રિકેટરો આ વાતનો ગેરલાભ પણ ઉઠાવતા હોય છે. પાછી વળી જા...’

ડો. શરદ ઠાકર

Jun 09, 2019, 07:44 AM IST

પ્રમિષા અને કવિષા બંને ગાઢ બહેનપણીઓ. 22મા વર્ષમાં મહાલતી માનુનીઓ. બંનેના સ્વભાવ એકબીજાથી સાવ વિપરીત. પ્રમિષા ચુલબુલી, બટકબોલી અને જીવનરસથી છલકાતી યુવતી; કવિષા શાંત, ઓછાબોલી અને મનની વાત મનમાં જ રાખનારી મેચ્યોર યુવતી.

બધાને એ વાતનું આશ્ચર્ય થતું હતું કે બંને વચ્ચે આટલો મોટો પ્રકૃતિભેદ હોવા છતાં બંને આટલી ગાઢ સહેલીઓ શી રીતે બની શકી હશે? પણ બે અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ ઉત્પન્ન થતું હોય છે એવું વિજ્ઞાન કહે છે. કદાચ એટલે જ તેમને એકબીજા સાથે ફાવી ગયું હશે.

એક દિવસ એમના શહેરમાં ક્રિકેટ મેચ રમાવાની હતી. રણજી ટ્રોફી માટે વેસ્ટ ઝોનની બે ટીમો સામસામે ટકરાવાની હતી. અખબારમાં આ અંગેના સમાચાર વાંચીને પ્રમિષા ઊછળી પડી. એણે કવિષાને ફોન કર્યો. ‘મારે આ મેચ જોવા જવું જ છે. ગમે તે રીતે પાસની વ્યવસ્થા કરવી પડશે.’

‘ક્રિકેટ મેચના ફ્રી પાસની વ્યવસ્થા હું કેવી રીતે કરી શકું?’ કવિષાએ એની આદત પ્રમાણે ટૂંકમાં પતાવ્યું.

પ્રમિષાનો ઉત્સાહ નાયગ્રા ધોધ જળપ્રવાહની જેમ ઘુઘવાટ કરતો હતો, ‘ફ્રી પાસ નહીં મળે તો ટિકિટ ખરીદી લઇશું, પણ આ મેચ જોવા તો મારે જવું જ છે.’

કવિષાને નવાઇ લાગી, ‘કેમ આવી જિદ્દ લઇને બેઠી છે? તને વળી ક્રિકેટમાં આટલો બધો રસ ક્યારથી જાગ્યો?’

‘ક્રિકેટમાં નહીં, મને ક્રિકેટરમાં રસ જાગ્યો છે. તને ખબર છે વડોદરાની ટીમ તરફથી નિશાંત દવે રમવાનો છે. માય ગોડ! વોટ એ ડેશિંગ પર્સનાલિટી. મેં એને ક્યારેય લાઇવ રમતા જોયો નથી. માત્ર ટીવી પર જ જોયો છે, પણ એને જોઇને હું મારું સાનભાન ગુમાવી બેસું છું. સાચી વાત કહું, આઇ હેવ ફોલન ફોર હીમ.’

પ્રમિષાની વાત સાંભળીને કવિષા હસી પડી, ‘સાવ પાગલ છે તું તો. આ ક્રિકેટરો સાવ દિલફેંક હોય છે. એક એક ખેલાડીની પાછળ તારા જેવી લાખો યુવતીઓ દીવાની થઇ જતી હોય છે. ક્યારેક ક્રિકેટરો આ વાતનો ગેરલાભ પણ ઉઠાવતા હોય છે. મારી સલાહ માન અને પાછી વળી જા. આ મામલામાં કશું વળવાનું નથી.’

પણ પ્રમિષા એમ શેની પાછી વળી જાય? નિશાંત દવે એને ખૂબ જ ગમતો હતો. એના એક-એક શોટ પર એ ઉછળી ઉછળીને દાદ આપતી હતી. એ ચોકો કે છગ્ગો મારે તો પ્રમિષા ટીવીની સામે ઊભી રહીને ચિયર લીડરની જેમ નાચવા માંડતી હતી. એ ઝીરોમાં આઉટ થઇ જાય તો એ એક-બે ટંક જમી શકતી ન હતી અને જો એ સદી ફટકારે તો પ્રમિષા સોસાયટીના કોમન પ્લોટમાં જઇને ફટાકડા ફોડવા લાગતી હતી.

પણ અત્યાર સુધી આ બધું ટીવીમાં દેખાતા નિશાંત સુધી જ સીમિત રહ્યું હતું. પ્રમિષાને ક્યારેક નિશાંતને લાઇવ રમતો જોવાનો અવસર મળ્યો ન હતો. આજે પહેલી વાર એ તક એના શહેરના આંગણે ટકોરા મારતી આવી ઊભી હતી. પ્રમિષા મક્કમ નિર્ણય બનાવી ચૂકી હતી.

ફ્રી પાસની સગવડ ન થઈ. બંને ટિકિટ ખરીદવા પહોંચી ગઇ. પ્રમિષાએ વિન્ડો ક્લાર્કને કહ્યું, ‘મને બે ટિકિટો એવી જગ્યાની આપો જેની સાવ બાજુમાંથી ખેલાડીઓ પસાર થતા હોય.’

ક્લાર્ક હસ્યો. બે ટિકિટો ફાડી આપી. પછી માર્મિક રીતે પૂછ્યું, ‘કોના ઓટોગ્રાફ લેવા છે?’

પ્રમિષા પોતાના દિલની વાત છુપાવી ન શકી. ઉત્સાહથી બોલી પડી, ‘નિશાંતના.’ પછી એણે ઉમેર્યું, ‘નિશાંતનો ઓટોગ્રાફ પણ લેવો છે અને જો તક મળે તો એની સાથે ફોટોગ્રાફ પણ પડાવવો છે. આ સિમ્પલી લવ હીમ!’

પ્રમિષા અને કવિષાના ગયાં પછી બુકિંગ ક્લાર્ક માથું ધુણાવીને બબડ્યો, ‘શો ક્રેઝ છે યુવતીઓમાં ક્રિકેટર્સનો! ફિલ્મી હીરોની લોકપ્રિયતા તો કંઇ ન કહેવાય. સાચા હીરો તો આ ખેલાડીઓ છે.’

મેચનો દિવસ નજીક આવતો ગયો તેમ તેમ પ્રમિષાનું ઝનૂન પણ વધતું ગયું. એ કવિષાની સમક્ષ દિલના તમામ ઊભરાઓ ઠાલવતી રહી. હું નિશાંતને ખૂબ પ્રેમ કરું છું. આજે હું એને મળીને જ રહીશ. મારે એની સાથે ફ્રેન્ડશિપ કરવી છે. મારે એને હગ પણ કરવું છે. તું મોબાઇલ ફોનનો કેમેરા ઓન રાખજે. મારા અને નિશાંતના 25-50 ક્લિક્સ ખેંચી લેજે. હું મારા પર્સમાં એક લવલેટર પણ લઇ જવાની છું. બધાની નજર ચુકાવીને હું એ લેટર નિશાંતને આપી દેવાની છું. મને દુનિયામાં કોઇની શરમ નથી, કોઇનો ડર નથી. આજે હું ખુલ્લે આમ નિશાંતની આગળ મારા પ્રેમનો એકરાર કરી દેવાની છું. આઇ વિલ પ્રપ્રોઝ ટુ હીમ ફોર મેરેજ.

મેચનો દિવસ આવી પહોંચ્યો. ત્યાં સુધીમાં તો પ્રમિષાએ એના અને નિશાંતનાં લગ્ન પણ ઊજવી લીધાં હતાં. પોતે કેવાં રંગનું પાનેતર પહેરશે ત્યાંથી લઇને રિસેપ્શનમાં કેવી અને કેટલી વાનગીઓ જમાડશે ત્યાં સુધીનું વર્ણન કવિષાને સંભળાવી દીધું હતું. કવિષા શું બોલે? માત્ર વાત સાંભળીને એ મંદ મંદ હસી લેતી હતી. પ્રમિષા કિનારા ઉપર ઉછળતાં અને શોર મચાવતાં સમંદરી મોજાં જેવી હતી. એનો સ્વભાવ હતો ઘુઘવતા રહેવાનો. કવિષા મધદરિયાનાં જળ જેવી ધીરગંભીર અને શાંત હતી. એનો સ્વભાવ હતો શાંત રહેવાનો.
મેચ શરૂ થવાના એક કલાક પહેલાં બંને બહેનપણીઓ સ્ટેડિયમમાં પહોંચી ગઇ. મોકાની જગ્યાએ ગોઠવાઇ ગઇ. બંને અમ્પાયરો મેદાનમાં આવ્યા. કેપ્ટનો વચ્ચે ટોસ થયો. બરોડાની ટીમના ફાળે ફિલ્ડિંગ આવી. દુર્ભાગ્યે નિશાંતની ફિલ્ડિંગ પોઝિશન ક્લોઝ ઇન સ્થાન પર હતી. પૂરી પચાસ ઓવર્સ સુધી પ્રમિષા નિસાસા નાખતી રહી. ભગવાનને વિનવતી રહી કે દડો રોકવા માટે નિશાંત એની દિશામાં આવે, પણ ઈશ્વરે એની પ્રાર્થના સાંભળી નહીં. નિશાંતે કૌવત બતાવ્યું. ત્રણ અઘરા કેચ પકડ્યા અને એક ખેલાડીને રનઆઉટ કરાવ્યો. આખું સ્ટેડિયમ નિશાંત... નિશાંત...ના અવાજો ગાજી રહ્યું. એમાં એક પાગલપન ભરેલી ચીસ પ્રમિષાની પણ હતી.

લંચબ્રેક પછી બીજો દાવ શરૂ થયો. ઓપનિંગ પેરમાં જ એક ખેલાડી નિશાંત હતો. થાઇ પેડ, ગ્લવ્ઝ અને હેલ્મેટ ધારણ કરીને હાથમાં બેટ પકડીને બંને ખેલાડીઓ પગથિયાં ઊતરીને મેદાનમાં જઇ રહ્યા હતા ત્યારે નિશાંત સાવ નજીકથી પસાર થયો. પ્રમિષાએ હિંમત કરીને કહી દીધું, ‘બેસ્ટ લક, નિશાંત!’

આવા શોરબકોર વચ્ચે પણ નિશાંતે એ સાંભળ્યું. જમણી બાજુ નજર ફેંકીને એણે કહ્યું, ‘થેંક્યૂ!’ અને એ ક્રિઝ તરફ ચાલવા માંડ્યો. જતાવેંત એણે ફટકાબાજી શરૂ કરી દીધી. પ્રેક્ષકો ઝૂમી ઊઠ્યા, પણ પ્રમિષા તો હજી પેલી ‘થેંક્યૂ’વાળી ક્ષણમાંથી બહાર જ આવી શકી નહોતી. એ સુધબુધ ગુમાવીને નિશાંતની રમત જોતી હતી અને છતાં જોતી ન હતી. સામા છેડે નિયમિત સમયાંતરે વિકેટો પડતી રહી, પણ નિશાંતે એક છેડો પકડી રાખ્યો. એકસો એકત્રીસ નોટઆઉટ રન્સ કરીને એણે પોતાની ટીમને જિતાડી આપી. પરસેવાથી લથબથ નિશાંત એક હાથમાં હેલ્મેટ અને બીજા હાથમાં બેટ ઊંચું કરીને જ્યારે પેવેલિયન તરફ પાછો ફરી રહ્યો હતો ત્યારે ફરી એક વાર તે પ્રમિષાની સાવ પાસેથી પસાર થયો. આ વખતે પ્રમિષા પૂરેપૂરી સજ્જ થઇ ગઇ હતી. રેલિંગને કારણે પેસેજમાં વચ્ચે તો ઊભા રહી જવાય તેમ ન હતું, પણ જેટલું થઇ શકે એટલું કરવા માટે તો એ કટિબદ્ધ બની ગઇ હતી. જેવો નિશાંત તેની સાવ નજીક પહોંચ્યો એટલે પ્રમિષાએ એના શર્ટની બાંય પકડી લીધી. નિશાંતે પૂછ્યું, ‘વોટ આર યુ ડુઇંગ મિસ?’

પ્રમિષા જીવ ઉપર આવીને બોલી ગઇ, ‘પ્લીઝ, મને મિસ ન કહો. હું તમારી મિસિસ બનવા માગું છું. આઇ લવ યુ. આઇ વોન્ટ ટુ મેરી વિથ યુ. હું તમને આપવા માટે એક લવલેટર લખીને લાવી છું. એમાં મેં મારું હૃદય નિચોવીને ઠાલવી દીધું છે. મારું નામ, સરનામું અને કોન્ટેક્ટ નંબર બધું જ છે એમાં. હું તમારા પોઝિટિવ રિસ્પોન્સની રાહ જોઇશ. હું તમને કેટલી હદે ચાહું છું એ મારી ફ્રેન્ડ કવિષા જાણે છે. મેં એને બધું જ કહ્યું છે.’

નિશાંત મંદ સ્મિત વેરતો ત્યાં અટકી ગયો. પ્રમિષા જરા પણ હર્ટ ન થાય તેવા અંદાજમાં એણે કહ્યું, ‘થેંક્યૂ મિસ. મારા માટેની ફીલિંગ્સ માટે તમારો આભાર, પણ હું દિલગીર છું કે તમારી પ્રપોઝલ સ્વીકારી શકતો નથી. હું ઓલરેડી કોઇની સાથે સ્ટેડી છું. અમે બંને છેલ્લા છ મહિનાથી લવ અફેરમાં છીએ. બહુ થોડા સમયમાં અમારા મેરેજ વિશે જગતને જાણ થઇ જશે. આઇ એમ રિયલી સોરી ફોર યુ.’

પ્રમિષાનો ચહેરો પડી ગયો. એ પૂછી બેઠી, ‘ઓહ નો! ત્યારે તો હું મોડી પડી એમ જ ને? કોણ છે એ નસીબદાર યુવતી? શું હું એનું નામ જાણી શકું?’

‘હા, આમ તો એ છોકરીએ નામ જાહેર કરવાની ના પાડી છે, પણ તમને કહેવામાં વાંધો નથી. મારી ભાવિ પત્નીનું નામ છે કવિષા. એ જ કવિષા જે તમારી બાજુની ખુરશીમાં બેઠી છે અને શરમાઇને નીચું જોઇ ગઇ છે. એણે તમને પણ અમારા વિશે જણાવ્યું નહીં હોય. એનો સ્વભાવ જ એવો છે. શાંત અને પોતાના મનની વાત મનમાં જ રાખવાની એને આદત છે.’

પ્રમિષા ધૂંધવાઇને મનમાં બબડી ઊઠી, ‘એને તો શાંત ન કહેવાય, પણ મીંઢી કહેવાય મીંઢી!’

નિશાંત એ બદલાવેલું નામ છે. એની ઓળખ છુપાવવા માટે ઘણું બધું બદલવું પડ્યું છે. હકીકતમાં એણે વિશ્વસ્તરે નામ રોશન કર્યું છે.

X
What is the best way to get a new look, and to make it a success!

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી