રણમાં ખીલ્યું ગુલાબ / વો તો બતા રહા થા બહુત દૂર કા સફર, જંજીર ખીંચ કર જો મુસાફિર ઉતર ગયા

rann ma khilyu gulab by dr. sharad thakar

  • અચાનક એમની નજર પ્લેટફોર્મની બાજુમાં આવેલી નાની ઓટલી પર પડેલી એરબેગ ઉપર પડી. એ ઓળખી ગયા. આ બેગ તો યુવિતાની હતી. યુવિતા ક્યાં ગઈ હશે?

Divyabhaskar.com

Oct 13, 2019, 08:24 AM IST

સપનભાઇ એક પ્રતિષ્ઠિત વેપારી હતા. નાનું કુટુંબ, સુખી કુટુંબ. પત્ની સાધનાબહેન ટીનએજર દીકરી યુવિતા અને બાર વર્ષનો દીકરો મંદાર. જિંદગી એક્સપ્રેસ હાઇ વે પર દોડતા વાહનની જેમ વીતી રહી હતી. એક પણ બમ્પ નહીં, એક પણ ખાડો નહીં, એક પણ આંચકો નહીં, એકધારી ગતિથી, એકધારી મોજથી અને એકધારા સંતોષથી. અચાનક એમના પ્રવાસ-માર્ગમાં મોટો ખાડો આવી ગયો.

સપનભાઇ સપરિવાર ફરવા માટે નીકળ્યા હતા. જરૂર પૂરતો સામાન સાથે લીધો હતો. પતિ-પત્નીના હાથમાં એક-એક સૂટકેસ હતી અને દીકરા-દીકરીના હાથમાં એક-એક નાની હેન્ડબેગ હતી. ઉદેપુર આખું ફરી લીધા પછી સપનભાઇએ જયપુર જવા માટે બસની ટિકિટ કઢાવી. રાજસ્થાન ટ્રાન્સપોર્ટના ‘બસ કા અડ્ડા’ પર પહોંચી ગયા. બપોરનો સમય હતો. સારી એવી ભીડભાડ હતી. થોડી વારમાં જયપુર જતી બસ પ્લેટફોર્મ પર મુકાઇ ગઇ. એકસાથે 40-50 પ્રવાસીઓનું ટોળું બસના દરવાજા તરફ ધસી ગયું. પ્રવેશદ્વાર પાસે ઊભેલો કન્ડક્ટર પણ બાજુ પર ખસી ગયો. પડે એના કટકા.

સપનભાઇએ સૌથી પહેલાં સ્થૂળકાય પત્નીને હાથનો ટેકો આપીને બસમાં ચડાવી દીધી. પછી પોતે ચડી ગયા. દીકરા-દીકરીની એમને ચિંતા ન હતી, કારણ કે બાળકો સ્ફૂર્તિલાં અને સ્માર્ટ હતાં. પોતાનો રસ્તો કરી લે તેવાં હતાં. બસમાં ગોઠવાઇ ગયા પછી સપનભાઇએ લગેજ ઉઠાવીને શેલ્ફ ઉપર ગોઠવી દીધો. પત્ની તો એમની બાજુમાં જ બેઠી હતી. એટલે એને કંઇ પૂછવાની જરૂર ન હતી. દીકરો એમનાથી બે સીટ પાછળ બેઠો હતો. તેમણે પાછળ જોઇને પૂછી લીધું, ‘બેટા, આર યુ ઓકે..?’
‘યસ પપ્પા. આઇ એમ ફાઇન.’
‘દીદી ક્યાં છે? એ બસમાં આવી ગઇ કે હજી નીચે જ છે?’

મંદારે સહજતાપૂર્વક જવાબ આપ્યો, ‘દીદી તો તમારી સાથે હશેને? પાછળ તો હું એકલો જ હતો.’ મંદારના જવાબમાં ખાસ ચિંતા કરવા જેવું ન હતું. સપરિવાર નીકળ્યા હોઇએ ત્યારે બસ કે ટ્રેનમાં ચડતી વખતે એકાદ સભ્ય પાછળ રહી જાય એવું બનતું હોય છે. સપનભાઇ ઊભા થયા અને બસમાં ચડી રહેલા પ્રવાસીઓની વચ્ચેથી રસ્તો કરતા નીચે ઊતર્યા. નજર કરીને જોયું તો યુવિતા ક્યાંય દેખાતી ન હતી. એમના હૈયામાં ફાળ પડી. અચાનક એમની નજર પ્લેટફોર્મની બાજુમાં આવેલી નાની ઓટલી પર પડેલી એરબેગ ઉપર પડી. એ ઓળખી ગયા. આ બેગ તો યુવિતાની હતી. યુવિતા ક્યાં ગઇ હશે? ફ્રેશ થવા માટે ટોઇલેટ તરફ? આવું શક્ય ન હતું. યુવિતા એક સમજદાર અને જવાબદાર છોકરી હતી. બસમાં દાખલ થવાના સમયે એ ક્યાંય જાય તેવી ન હતી. જો જવું જ પડે તેમ હોય તો બસ મુકાતા પહેલાં જઇ આવે અને પોતાની બેગ આમ નધણિયાતી મૂકીને તો એ ક્યારેય ન જાય.

અજાણ્યું શહેર, અજાણ્યા લોકો અને અચાનક ગુમ થઇ ગયેલી જુવાનજોધ રૂપાળી દીકરી. સપનભાઇ બહાવરા બની ગયા. આવી સ્થિતિમાં એમને જે પહેલી વાત સૂઝી તે અમલમાં મૂકી દીધી. બસનાં પગથિયાં પર ચડીને એમણે મોટેથી બૂમ પાડી, ‘સાધના! મંદાર! આપણો લગેજ લઇને બહાર આવી જાવ. એક જ મિનિટમાં. બી ક્વિક. યુવિતા ક્યાંય દેખાતી નથી.’ મા-દીકરો તત્ક્ષણ નીચે ઊતરી ગયાં. સૌના હોશકોશ ઊડી ગયાં હતાં.

સીતાનું હરણ થયા પછી જેવી રીતે ભગવાન રામ વનમાં ‘સીતે સીતે’ કરતાં ઘૂમી વળ્યા હતા તેવી જ રીતે સપનભાઇ અત્યારે રાજસ્થાનની મરુભૂમિમાં યુવિ... યુવિ... કરતા દોડી રહ્યા હતા. સાધનાબહેનનાં આક્રંદનો કોઇ પાર ન હતો. મંદાર પણ દીદીને યાદ કરીને ધીમાં ધીમાં ડૂસકાં ભરતો હતો. આ ત્રણેયની હાલત જોઇને નાનીસરખી ભીડ જમા થઇ ગઇ. એક કૂલીએ જિજ્ઞાસાવશ પૂછી લીધું, ‘ક્યા હુઆ? કૌન મર ગયા?’

મન પર માંડ માંડ સંયમ જાળવીને સપનભાઈએ જવાબ આપ્યો, ‘ભાઇ, ઐસા અશુભ મત બોલો. કોઇ મર નહીં ગયા હૈ. મેરી બેટી ખો ગઇ હૈ.’
‘છોટી બચ્ચી થી ક્યા?’
‘નહીં. જવાન લડકી થી.’ સપનભાઇનો જવાબ સાંભળીને ટોળું ગુસપુસ કરવા લાગ્યું. જાતજાતના સૂરો સંભળાવવા માંડ્યા.
‘કૈસી બાત કરતા હૈ? જવાન લડકી ભી કભી ખો સકતી હૈ?’ એકે પૂછ્યું.

બીજાએ તર્ક લડાવ્યો, ‘કોઇ કિડનેપ કરકે લે ગયા હોગા. યહ લોગ બાહર કે હૈ ના? ઇસલિયે જાનતે નહીં હોંગે. આજકલ ઐસી વારદાતેં હોતી રહતી હૈ.’

સપનભાઇનું હૈયું બેસી ગયું. એમની સામે એક કલ્પનાદૃશ્ય ખડું થઇ ગયું. પ્લેટફોર્મ પર ઊભેલી બસ. બસમાં ચડવા માટે ધસારો કરતા પ્રવાસીઓ. આગળ નીકળી ગયેલાં મમ્મી, પપ્પા અને નાનો ભાઇ. પાછળ રહી ગયેલી નાજુક દીકરી. અચાનક બે ગુંડાઓ મોકો જોઇને તરાપ મારે છે. ક્લોરોફોર્મ છાંટેલો રૂમાલ યુવિતાના નાક પર દબાવી દે છે અને ઝડપથી એને ખેંચીને લઇ જાય છે. વાહન તૈયાર છે. રૂપનો ખજાનો વાહનમાં પૂરીને ડ્રાઇવર પૂરઝડપે વાહન ભગાવી મૂકે છે.

સપનભાઇથી હવે રહેવાયું નહીં. એમણે પૂછપરછ કરીને પોલીસની ભાળ મેળવી લીધી. ત્યાં પહોંચીને એકીશ્વાસે ઘટનાનું બયાન કરી દીધું. ત્યાં બેઠેલા કોન્સ્ટેબલને કોઇ વાતની ઉતાવળ ન હતી. એણે બગાસું ખાઇને આળસ મરડી. પછી એના કાયમી અંદાજમાં પ્રતિક્રિયા દર્શાવી, ‘અચ્છા, તો આપકી જવાન લડકી ગુમ હો ગઇ. ‘ક્રાઇમ પેટ્રોલ’ દેખતે હો કભી? ‘સાવધાન ઇન્ડિયા’ ભી દેખા કરો. ઐસી ગલતી કભી નહીં કરની ચાહિયે. જવા લડકી કો આગે રખના ચાહિયે. પીછે અકેલી છોડ દોગે તો કોઇ ભી ઉઠા કે લે જાયેગા.’

સાધનાબહેને પોક મૂકી, ‘ઐ પુલિસભાઇ, ઐસા મત બોલો. મેરી બેટી કો કૌન લે જાયેગા? વહ કિતની માસૂમ થી! કિતની ભોલી! કિતની જવાન! કિતની ખૂબસૂરત!’
પોલીસ હસ્યો, ‘વહી તો! ઐસી લડકી કો કૌન નહીં લે જાયેગા? જો ભી ઉઠા ગયા હોગા, ઉસે તો ફાયદા હી ફાયદા હૈ! યા તો વહ ઉસે શાદી કર લેગા યા કિસી કો બેચ દેગા. કિતના ટાઇમ હુઆ કિડનેપિંગ કો? એક ઘંટા? ઇતને મેં તો વે લોગ કાફી દૂર નિકલ ગયે હોંગે. હો શકતા હૈ દો, તીન દિન કે બાદ તુમ્હારી બેટી બંગ્લાદેશ યા નેપાલ તક પહુંચ ગઇ હોગી.’

પોલીસ કલ્પનાના ઘોડા દોડાવી રહ્યો હતો, પણ હજુ સુધી એણે ફરિયાદ નોંધવાની તૈયારી બતાવી ન હતી. સપનભાઇ સમજી ગયા કે હવે એમણે આખું તંત્ર જડમૂળથી હચમચાવી નાખવું પડશે નહીંતર યુવિતાની ભાળ ક્યારેય નહીં મળે. એમણે સ્થાનિક પોલીસ અધિકારીઓનો સંપર્ક કર્યો. ગુજરાતના પોતાના રાજકીય સંપર્કોને જાણ કરી અને રાજસ્થાન પોલીસ ઉપર દબાણ વધાર્યું. ખાનગીમાં લાગતાવળગતા અધિકારીઓને બે હાથ જોડીને આજીજી કરી, ‘તમે બીજી કોઇ વાતની ચિંતા ન કરતા. મારી પાસે ધનની કમી નથી. હું તમારું મોઢું રૂપિયાથી ભરી દઇશ. મારી જીવનભરની કમાણી લૂંટાવી દઇશ, પણ મને મારી દીકરી પાછી મેળવી આપો.’

એક પણ અધિકારીએ પ્રગટપણે પૈસાની વાતમાં રસ ન દર્શાવ્યો, પણ શોધખોળ ચડતી બનાવી દીધી. યુવિતાના ફોટોગ્રાફ્સ સાથેના સમાચાર ન્યૂઝ ચેનલોમાં પ્રસારિત કરાવ્યા. અનેક શહેરોમાં યુવિતાની તસવીરોવાળાં પોસ્ટરો દીવાલ પર ચીપકાવી દીધાં. મોટી રકમનું ઇનામ પણ જાહેર કર્યું, પણ બધું જ વ્યર્થ. યુવિતાની માહિતી ક્યાંયથી ન મળી.

સૌથી મૂંઝવતો સવાલ એ હતો કે બપોરના સમયે બસસ્ટેશન જેવા જાહેર સ્થળે કોઇ યુવતીનું અપહરણ થાય તો એણે બૂમ કેમ ન મારી? કદાચ એને બેહોશ કરી દેવામાં આવી હોય તો આજુબાજુમાં ઊભેલા એક પણ માણસે એ દૃશ્ય કેમ ન જોયું? જો જોયું હોય તો તેણે વિરોધ શા માટે ન કર્યો? બસ સ્ટેશનમાં ગોઠવેલા સીસીટીવી કેમેરા શા માટે બગડી ગયેલી હાલતમાં હતા? એક કરતાં વધુ ગુંડાઓ યુવિતાને ઘસડીને અથવા ઊંચકીને બહાર વાહન સુધી લઇ જતા હોય તો એ ઘટના કોઇના ધ્યાનમાં શા માટે ન આવી? આ બધા સવાલો પર વિચાર કરતાં કરતાં એક બાહોશ પોલીસ અધિકારીના દિમાગમાં ઝબકારો થયો.

ઇન્સ્પેક્ટર ચંપાવતે આખા શહેરના તમામ જાહેર સ્થળો પર ગોઠવેલા સી. સી. ટીવી.ના ફૂટેજ તપાસી લીધા. એમાં એક દૃશ્ય જોઇને એમની આંખમાં ચમકારો આવી ગયો. એમણે તે સ્થળ પર જઇને એક રેડીમેઇડ ગાર્મેન્ટ્સના વેપારીને પૂછ્યું, ‘ઇસ લડકી કો પહચાનતે હો?’ પેલાએ ના પાડી. એની દુકાનમાં રોજના હજાર-દોઠ હજાર ગ્રાહકો આવતા હોય. કેટલાના ચહેરા એ યાદ રાખે? ઇ. ચંપાવતે એને તારીખ, વાર અને સમય જણાવ્યાં. દુકાનમાં પણ સી. સી. ટીવી કેમેરા લગાવેલો હતો. વેપારીએ એ બધું જ જોઇ લીધું. એને યાદ આવી ગયું, ‘હા સાહબ! યહ લડકી યહાં આઇ થી. સાથ મેં એક જવાન લડકા ભી થા. સી.સી. ટીવી મેં દોને કે ચહરે સાફ દિખાઇ પડતે હૈ. દોનોં બહુત જલદી મેં થે. ફટાફટ આધે દરઝન ડ્રેસીસ ખરીદ કે નિકલ ગયે થે.’

ભેદ ખૂલી ગયો હતો. ઇન્સ્પેક્ટરે યુવિતાનાં મમ્મી-પપ્પાને પેલા યુવાનનો ફોટો બતાવ્યો તે સાથે જ બંનેના મોંમાંથી આઘાતભર્યા શબ્દો સરી પડ્યા, ‘અરે! આ તો ભૂપો! સોસાયટીના નાકે આખો દિવસ ઊભો રહેતો હતો, એ ગામનો ઉતાર. ભાડાનાં કપડાં પહેરીને આખો દિવસ છેલબટાઉ બનીને આવતી-જતી છોકરીઓને...! અમારી યુવિતા આ બદમાશની પ્રેમજાળમાં ફસાઇ ગઇ?!’
(સ્થળ અને નામના આમૂલ ફેરફાર સાથેની સત્યઘટના) (શીર્ષક પંક્તિ : મિદહતુલ અખ્તર)

X
rann ma khilyu gulab by dr. sharad thakar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી