રણમાં ખીલ્યું ગુલાબ / અગર તુમ્હેં પા લેતે તો કિસ્સા ઇસી જન્મ મેં ખત્મ હો જાતા,તુમ્હેં ખોયા હૈં તો યકીનન યે કહાની લંબી ચલેગી

latest article by dr sharad thakar

  • બીજી બધી રીતે તમારી છોકરી પસંદ પડી છે, પણ બંનેના વિચારો મેળ ખાતા નથી. અભિજાત મોડર્ન વિચારો ધરાવે છે. અપૂર્વા એને જુનવાણી વિચારો ધરાવતી લાગે છે...

ડો. શરદ ઠાકર

Jan 19, 2020, 07:29 AM IST

અપૂર્વાનું મુગ્ધકર સૌંદર્ય જોઇને કોઇપણ લગ્નવાંચ્છુક યુવાન હોશ ખોઇ બેસે. એકેય પ્રશ્ન પૂછ્યા વિના હા પાડી દે, પણ અભિજાત એવો ઘેલો ન હતો.
એણે ભાવિ જીવનસાથી કેવી હોવી જોઇએ એ નક્કી કરવા માટે કેટલાક માપદંડો વિચારી રાખ્યા હતા. કોઇ કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર જે રીતે નવા કેન્ડિડેટને નોકરીએ રાખતા પહેલાં જાતજાતના પ્રશ્નો પૂછે તેવી જ રીતે અભિજાતે અપૂર્વાને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું.

‘તમને સાડી પહેરવાનું વધારે ગમે કે આધુનિક ડ્રેસીસ?’ અભિજાતે આટલું પૂછીને અપૂર્વાના ઘરેલુ પોષાક તરફ નજર ફેંકી. એની નજર રેપર ઉપર જ અટકી ગઇ. અંદરની પ્રોડક્ટ કેવી બ્રાન્ડેડ હતી એ તરફ એનું ધ્યાન જ ન હતું.

અપૂર્વાએ જે મનમાં હતું તે જણાવી દીધું. ‘મને સાડી પહેરવી વધારે પસંદ છે. હું સલવાર-કમીઝ કે જીન્સ-ટીશર્ટ પહેરી લઉં છું, પણ એમાં મને ખાસ કમ્ફર્ટેબલ નથી લાગતું.’

‘તમને કેવું ફૂડ ગમે?’

‘ગુજરાતી થાળી.’ જે ઝડપથી અપૂર્વાએ જવાબ આપ્યો એના પરથી અભિજાતને સમજાઇ ગયું કે આણે મેક્સિકન કે થાઇ ફૂડ વિશે સાંભળ્યું પણ નહીં હોય. બહુ-બહુ તો પંજાબી સબ્જી અને ઇડલી-સંભાર ચાખ્યાં હશે.

‘તમને સમૂહ કુટુંબમાં રહેવાનું ફાવશે કે વિભક્ત કુટુંબમાં?’

‘સમૂહ કુટુંબમાં, તમારાં મમ્મી-પપ્પાએ તમને પ્રેમથી ઉછેરીને મોટાં કર્યાં હોય, એમની પાસેથી તમને ખૂંચવી લેવાનું મને ન ગમે. હું માત્ર તમારી સાથે લગ્ન નહીં કરું, પણ તમારા પૂરા પરિવાર સાથે લગ્ન કરીશ.’ અપૂર્વાનો જવાબ કોઇપણ ભારતીય પુરુષને સંતુષ્ટ કરે તેવો હતો, પણ અભિજાતને આવા પરંપરાગત જુનવાણી વિચારો ગમતા ન હતા. જવાબો સાંભળીને તેનું મોં દિવેલિયું થવા માંડ્યું હતું.

અભિજાત આમ તો પચાસેક પ્રશ્નોની યાદી લઇને આવ્યો હતો, પણ પ્રથમ ત્રણ પ્રશ્નોમાં જ એ ઠંડો પડી ગયો. થોડી આડીઅવળી વાતો કરીને એણે ઇન્ટરવ્યૂ આટોપી લીધો. બહાર ડ્રોઇંગરૂમમાં જઇને અભિજાતે કહી દીધું, ‘પપ્પા, હવે આપણે ઘરે જઇએ.’

આ સાંભળીને અપૂર્વાના પપ્પા બોલી ઊઠ્યા. ‘બેસોને! કેમ જવાની વાત કરો છો? અપૂર્વા સાથેની વાતચીતમાં તમને કેવું લાગ્યું?’

‘જે હશે તે પછી જણાવીશું.’ અભિજાતના અવાજમાં જ પરખાઇ આવતું હતું કે પછીથી એ શું જણાવવાનો છે.

મહેમાનોની વિદાય પછી અપૂર્વાના ઘરમાં આછી ઉદાસી ફેલાઇ ગઇ. આવું થવાનાં કારણો એક કરતાં વધુ હતાં. પહેલું કારણ તો અપૂર્વાની સુયોગ્યતા હતી. એ અકાટ્ય આકર્ષણ ધરાવતી ખૂબસૂરત યુવતી હતી. સંસ્કારી હતી. એનો સ્વભાવ મિલનસાર હતો. એને પત્ની બનાવીને કોઇપણ પુરુષ પોતાના ભાગ્યનું ચક્ર પરિવર્તિત કરી શકે તેમ હતો. બીજું કારણ અભિજાત ખૂબ સારું કમાતો હતો. એની પત્ની બનવાનું સદભાગ્ય જેને મળે તે સ્ત્રીના શબ્દકોશમાંથી સંઘર્ષ, દુ:ખ, અભાવ અને ચિંતા જેવા શબ્દો દૂર થઇ જવાના હતા અને છેલ્લું કારણ એ હતું કે અપૂર્વાની જ્ઞાતિમાં યોગ્ય મુરતિયાઓની ભારે તંગી હતી. જો અભિજાત ના પાડી દે તો અપૂર્વા માટે સુપાત્ર મુરતિયો મેળવવામાં ભારે મુશ્કેલી ઊભી થાય તેમ હતું.

ચાર-પાંચ દિવસ પછી કોઇ જવાબ ન આવ્યો એટલે અપૂર્વાના પપ્પાએ એક વચેટિયા દ્વારા કહેવડાવ્યું,‘અભિજાતને કહો કે, એની ઇચ્છા હોય તો બીજીવાર મળવાનું ગોઠવીએ.’

અભિજાત તરફથી જે જવાબ મળ્યો તે વચેટિયાએ અપૂર્વાના પપ્પાને જણાવી દીધો. ‘છોકરાને બીજી બધી રીતે તો તમારી છોકરી પસંદ પડી છે, પણ બંનેના વિચારો મેળ ખાતા નથી. અભિજાત મોડર્ન વિચારો ધરાવે છે. તમારી દીકરી એને જુનવાણી વિચારો ધરાવતી દેશી બલુન જેવી લાગી છે. અભિજાતનું માનવું છે કે માત્ર બાહ્ય સૌંદર્ય જોઇને લગ્ન કરાય નહીં. દૈહિક આકર્ષણનો પ્રારંભિક ઊભરો એકાદ મહિનામાં શમી જાય, એ પછી વિચારોનું યુદ્ધ વેગ પકડવા માંડે. તમારી દીકરી માટે એના જેવો જ કોઇ બોચિયો શોધી લેજો.’

આઘાત તો જબરો લાગ્યો, પણ દીકરીના બાપ પાસે બીજો કોઇ રસ્તો ન હતો. તેમણે એમના અભાવગ્રસ્ત પરિવારના દેદીપ્યમાન અજવાળા જેવી દીકરી માટે આછોપાતળો મુરતિયો શોધવાનું શરૂ કરી દીધું. અભિજાત માટે તો કોઇ સમસ્યા હતી જ નહીં. એની યોગ્યતા જોઇને એની સાથે પરણવા માટે સુંદર રંગીન તીતલીઓનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં. એમાંથી એક તીતલી એને ગમી ગઇ. એનું નામ બિરવા. બિરવા ભલે અપૂર્વા જેટલી સુંદર ન હતી, પણ તે અલ્ટ્રામોડર્ન વિચારો ધરાવતી હતી. એના સૌંદર્યમાં જે થોડી ઘણી ઊણપ હતી તેની ભરપાઇ એની ડ્રેસ-સેન્સ કરી આપતી હતી. એક નૂર આદમી, હજાર નૂર કપડાં; લાખ નૂર ટાપટીપ, કરોડ નૂર નખરાં. બિરવા જ્યારે એના માખણિયા દેહ પર ડાર્ક બ્લૂ કલરના સલવાર-કમીજ પહેરીને અભિજાતને મળવા માટે જતી હતી, ત્યારે રસ્તા પરથી પસાર થતાં તમામ યુવાનો સાનભાન ભૂલી જતા હતા. એ લોલુપ યુવાનોની પાંપણોની જાજમ પર પગ મૂકીને એ પસાર થઇ જતી હતી અને અભિજાતના આલિંગનમાં ખોવાઇ જતી હતી.

લગ્ન પછી અભિજાતને ખબર પડી કે બિરવા ક્યારેક શરાબપાન પણ કરતી હતી. કોલેજકાળના એના પિક્સમાં એના કામુક હોઠો વચ્ચે સિગારેટ પણ જોઇ શકાતી હતી. અભિજાત આટલી હદે મોર્ડન ન હતો, પણ એ વિરોધ કરવાની સ્થિતિમાં પણ ન હતો. મમ્મી-પપ્પાથી અલગ એમની એક દુનિયા હતી અને એ દુનિયામાં બંને ખુશ હતાં. લગ્નના ત્રીજા વર્ષે બિરવાએ એક દીકરાને જન્મ આપ્યો. સત્ત્વ મોટો થતો ગયો. દીકરાની સાથે-સાથે બિઝનેસ પણ વધતો ગયો. હવે એની ગણના શહેરના ટોચના શ્રીમંતોમાં થવા લાગી હતી.
સત્ત્વ પચીસ વર્ષનો થયો ત્યારે એના માટે કન્યાઓનાં માંગાં આવવાનાં શરૂ થયાં. રૂપ-રૂપના અંબાર જેવી એકથી એક ચઢિયાતી કન્યાઓ સત્ત્વની જીવનસંગિની બનવા માટે થનગની રહી હતી, પણ સત્ત્વની નજર એની સાથે ભણતી હતી એ યુવતી પર ઠરી ગઇ હતી. એનું નામ મિરાત. મિરાતને યુવતી કહેવું એ દેવલોકનું અપમાન કર્યું ગણાય. એના જેવી સૌંદર્યવાન છોકરી આખા શહેરમાં બીજી ન હતી. બંને જણા સાથે ભણતાં હતાં ત્યારથી જ એકમેક પર મોહી પડ્યાં હતાં.
એક દિવસ સત્ત્વ મિરાતને લઇને ઘરે આવ્યો. મમ્મી-પપ્પા સાથે ઓળખાણ કરાવી, ‘ડેડ! મોમ! ધિસ ઇઝ મિરાત. માય ગર્લફ્રેન્ડ. અમે એકબીજાને લાઇક કરીએ છીએ.’

સત્ત્વ બોલ્યે જતો હતો, પણ એના પપ્પાનું ધ્યાન એ સાંભળવામાં ન હતું. એ મિરાતને જોઇ રહ્યા હતા. મિરાત સુંદર તો હતી, પણ એના કરતાં વધારે હોટ એન્ડ સેક્સી લાગી રહી હતી. નાના હાથરૂમાલ જેવા બે ટચૂકડાં વસ્ત્રો એણે પહેર્યાં હતાં, જે એના ગુલાબી દેહને ઢાંકવા કરતાં ઉઘાડ કરવાનું કામ વધારે કરતાં હતાં. એની બે ગોરી પુષ્ટ જંઘાઓ, સંગેમરમરમાંથી ઘડી કાઢેલા હોય એવા પગ, ખુલ્લું પેટ, ખુલ્લા ખભા અને સ્નિગ્ધ, ગૌર બાહુઓ.

અભિજાત કંઇ બોલે તે પહેલાં જ મિરાતે જમણો હાથ લંબાવી દીધો. ‘હાય અંકલ! પ્લીઝ ટુ મીટ યુ.’

બધા સોફામાં ગોઠવાયાં. મિરાત બરાબર ભાવિ સસરાની સામેની તરફ બેઠી હતી. એનાં ટૂંકાં વસ્ત્રોમાંથી ઢોળાતું એનું ધગધગતું રૂપ જોઇને અભિજાતે આંખો ઝુકાવી દીધી. મુલાકાત પતાવીને મિરાત તો ચાલી ગઇ, પણ પાછળ બાપ-દીકરા વચ્ચે ઉગ્ર ઝઘડો મૂકતી ગઇ.

પિતાએ પુત્રને કહી દીધું, ‘બેટા! આ છોકરી નહીં ચાલે. હું ઓર્થોડોક્સ નથી, પણ ગમે તેવો તોય ભારતીય છું! આ છોકરીએ કપડાં તો પહેર્યાં જ ન હતાં. એનાં મમ્મી-પપ્પાને કહેજે કે એમણે દીકરીમાં કોઇ સંસ્કાર કેમ નથી રેડ્યા?’

સત્ત્વ પણ કંઇ ગાજ્યો જાય તેવો ન હતો. ‘પપ્પા, તમે ના પાડશો તો પણ હું આની સાથે જ મેરેજ કરવાનો છું.’

પિતાએ ધમકી ઉચ્ચારી ‘તો આપણો બાપ-દીકરાનો સંબંધ પૂરો થઇ જશે. મને એના ઘરનો ફોનનંબર આપ. હું જાતે જ એના પપ્પા સાથે વાત કરી લઉં.’
સત્ત્વએ નંબર આપ્યો એ સાથે જ અભિજાતે નંબર ડાયલ કર્યો. સામા છેડે એક સ્ત્રીનો અવાજ સંભળાયો. અભિજાતે મશીનગનની ઝડપે ગોળીબાર શરૂ કરી દીધો. સ્ત્રી શાંતિથી સાંભળતી રહી. છેલ્લે એ માત્ર આટલું જ બોલી.

‘મને ખબર છે કે તમે અભિજાત મહેતા છો. એ જ અભિજાત જે યુવાનીમાં આધુનિકતાનું મહોરું પહેરીને ફરતા હતા. એ વખતે તમે એક સાંગોપાંગ સુંદર યુવતીને ઠૂકરાવી હતી, માત્ર એ જ કારણથી કે તે મોડર્ન ન હતી અને આજે એ જ અભિજાત મારી દીકરીને ઠૂકરાવી રહ્યા છે, કારણ કે મોડર્ન છે. હા, મિ. અભિજાત! હું અપૂર્વા બોલું છું. મારી દીકરીના જન્મ વખતે મેં નક્કી કર્યું હતું કે મારે એને મારા જેવી બોચીયણ નથી બનાવવી. આ જગતમાં દેશી બલુન માટે કોઇ સ્થાન નથી, માટે મેં એને મોડર્ન બનાવી, પણ મને શી ખબર કે આ જ કારણથી તમે એને રિજેક્ટ કરશો. મારે તમને એટલું જ પૂછવું છે કે તમારી કેટલી પેઢીઓના છોકરાઓ મારી કેટલી પેઢીઓની છોકરીઓને આઘાત આપતા રહેશે?’

અભિજાતની સ્થિતિ કાપો તો લોહી ન નીકળે તેવી થઇ ગઇ. એણે કહ્યું કે, ‘મને માફ કરજે અપૂર્વા. તને ઠૂકરાવીને મેં બિરવાને પસંદ કરી. એની સ્વચ્છંદતાથી ઘણું દાઝ્યો છું. એટલે હવે હું પરંપરા તરફ પાછો વળ્યો છું, પણ આ વખતે મારે તને દુ:ખી નથી કરવી. આવતા રવિવારે તું અને તારો પતિ દીકરીને લઇને મારા ઘરે પધારો.’

X
latest article by dr sharad thakar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી