તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શું કહું આ પાગલ હવાને પણ ઈશ્ક થઈ ગયો શ્વાસને મળીને અણધાર્યો પ્રણય થઈ ગયો

એક વર્ષ પહેલાલેખક: ડૉ. શરદ ઠાકર
  • કૉપી લિંક
  • વિલાપ જોઈને એક સ્ત્રી બોલી ઊઠી, ‘બાપડી જુવાનીમાં વિધવા થઈ. હવે આખી જિંદગી રડવાનું જ રહ્યું.’ સાંભળીને ડાહ્યાલાલના કાન ચમક્યા

આજથી સિત્તેર વર્ષ પહેલાંની ઘટના. ડાહ્યાલાલની ઉંમર ત્યારે પાંત્રીસ વર્ષની હતી. ડાયરાની ભાષામાં કહીએ તો ફાટ-ફાટ જુવાની ડાહ્યાલાલના ડિલ ફરતે આંટો લઇ ગઇ હતી. તે જમાનામાં ડાહ્યાલાલ નામ બહુ આધુનિક ગણાતું હતું. એમાં પણ ડાહ્યાલાલ તો વધારે આધુનિક હતા. ખાટલે મોટી ખોટ એક જ કે એ ખાસ કમાતા ન હતા. એટલે પાંત્રીસ વર્ષની ઉંમર સુધી વાંઢા રહી ગયા હતા. વાંઢો માણસ આખો દિવસ શું કરે? કાં તો પાનના ગલ્લા પાસે અથવા કોઇ બંધ દુકાનના પાટિયા પર બેસીને આવતી-જતી સ્ત્રીઓનાં મોઢાં જોયા કરે અને મણ-મણના ફળફળતા નિ:સાસા નાખ્યા કરે. સાવ એવુંય નહોતું કે ડાહ્યાલાલ એક ફદિયુંય કમાતા ન હતા. ક્યાંક કડિયા કામની મજૂરી મળી જાય તો એક રોજ ભરી આવતા. દીવાલને પ્લાસ્ટર કરવામાં અને સ્લેબ ભરવામાં એમની માસ્ટરી હતી, પણ ડાહ્યાલાલ એમનું પોતાનું ઘર ઊભું કરી શક્યા ન હતા. જોકે, એમણે આશા છોડી ન હતી અને એક દિવસ આશાએ જ એમની નિરાશા દૂર કરી આપી. નમતી બપોરનો સમય હતો. વોશિંગ પાઉડરની જાહેરાતમાં શોભે તેવા ધોળા પેન્ટ-શર્ટ પહેરીને ડાહ્યાલાલ પાનના ગલ્લા પાસે ઊભા હતા. હાથમાં ધોળી બીડી હતી. ગલોફામાં પાન જમાવેલું હતું અને કુંવારા હોઠોમાંથી ફેંકાતો ગરમ-ગરમ ધુમાડો હતો. આંખ પર પંદર રૂપિયાનાં સસ્તાં રંગીન ચશ્માં હતાં. એમાંથી ડાહ્યાલાલને આખી દુનિયા રંગીન દેખાઇ રહી હતી. અચાનક એમની નજરે આ રંગીન દુનિયાનું એક બ્લેક એન્ડ વ્હાઇટ દૃશ્ય પડ્યું. જાહેર માર્ગ પરથી એક સ્ત્રી હૈયુ કંપાવી દે તેવો વિલાપ કરતી પસાર થઇ રહી હતી. દસ-બાર સ્ત્રીઓ એને કાબૂમાં રાખવાનો પ્રયન્ન કરી રહી હતી. સૂજી ગયેલી આંખો, બહાવરું મોં અસ્ત-વ્યસ્ત કપડાં અને ઉઘાડા પગ. વિલાપ જોઇને ફૂટપાથ પર ઊભેલી એક સ્ત્રી બોલી ઊઠી, ‘બાપડી જુવાનીમાં વિધવા થઇ. હવે આખી જિંદગી રડવાનું જ રહ્યું.’ સાંભળીને ડાહ્યાલાલના કાન ચમક્યા. અશ્રુયાત્રા પસાર થઇ ગયા પછી એણે પેલી સ્ત્રીને પૂછ્યું, ‘કોણ હતું આ? શું થયું?’ જવાબ મળ્યો, ‘નાનજીકાકાની આશા. બાજુના ગામડે પરણાવેલી. બે વરસની દીકરી થઇ ત્યાં એનો ધણી ફાટી પડ્યો. હવે કોણ એનો હાથ ઝાલશે?’ ડાહ્યાલાલ મોટેથી તો કંઇ બોલ્યા નહીં, પણ મનમાં આટલું બોલી ગયા. ‘કોણ તે હું! મારે ઘરવાળીની જરૂર છે. રાંડેલી માંડેલી, છાંડેલી બધી ચાલશે. ઇશ્વરે જ આ તક મોકલી આપી છે. જો આ વખતે ચૂકી ગયો તો કાયમને માટે રહી ગયો સમજવું.’ ડાહ્યાલાલે ચક્રો ગતિમાન કરી દીધાં. બે-ત્રણ મહિના પસાર થઇ જવા દીધા. પછી નાનજીકાકાના કાનમાં વાત પહોંચાડી દીધી. પહેલાં તો નાનજીકાકા માન્યા નહીં. ડાહ્યાલાલને એ ઓળખતા હતા. દીકરીને એની સાથે પરણાવવી હોત તો પહેલેથી જ ન પરણાવી દીધી હોત! પણ ડાહ્યાલાલે પ્રયત્નો ચાલુ રાખ્યા. ‘કરતા જાળ કરોળિયો’ એ કવિતા ડાહ્યાલાલને પણ ભણવામાં આવી હતી. ‘મનુષ્ય યત્ન, ઇશ્વરકૃપા’ આખરે નાનજીકાકા માની ગયા. એમણે દીકરીની મરજી પૂછી લીધી. આશાએ પણ ડાહ્યાલાલને જોયા હતા. એ પણ સંમત થઇ ગઇ. ઘરઘઇણાનું મુહૂર્ત જોવાઇ ગયું. ચાર-પાંચ સ્ત્રીઓ આવીને આશાની કાનભંભેરણી કરી ગઇ. ‘ઇ ડાયલાને ક્યાં પસંદ કર્યો? એની નજર સારી નથી. આખા ગામની બાયુ સામે ટગર-ટગર...’ આશા બધાને એક જ જવાબ આપતી ‘બીજું શું કરું? હું કાચી કુંવારી કન્યા તો છું નહીં. વધુમાં એક દીકરી છે. એમણે મારી પારુલની જવાબદારી લેવાની હા પાડી છે.’ બધું સરસ રીતે ગોઠવાઇ ગયું. ડાહ્યાલાલનું મકાન હવે ઘર બની ગયું. પ્લાસ્ટર વગરની ભીંતો અને ભૂખડીબારસ જેવી ઓરડી આશાના આગમન સાથે પૂનમની ચાંદનીમાં નહાઇ રહી. હવે ડાહ્યાલાલ મોટાભાગનો સમય ઘરમાં જ રહેવા લાગ્યા. પાનના ગલ્લા પાસેની ઊભી તપસ્યા પૂરી થઇ. ડાહ્યાલાલ રસિક પતિ સાબિત થયા. આશાના જીવનમાં કોઇ કસર બાકી ન રહેવા દીધી, પણ એનાથી વધારે સારી વાત એ થઇ કે બે વર્ષની પારુલ માટે એ ઉત્તમ પાલક પિતા સાબિત થયા. આશા ઘરનું કામ કરતી હોય ત્યારે નાનકડી પારુલને રમાડવાની જવાબદારી ડાહ્યાલાલને માથે રહેતી હતી. રોજ જમતી વખતે ડાહ્યાલાલ દીકરીને એમની જ થાળીમાં જમાડતા હતા. પારુલ પાંચ વર્ષની થઇ ત્યાં સુધીમાં તો કોઇ કરોડપતિના પાળેલા ગલૂડિયા જેવી રૂપાળી અને ભરાવદાર બની ગઇ. ગામ આખામાં ડાહ્યાલાલનાં વખાણ થવા માંડ્યાં. ‘ડાહ્યાલાલ જેવો માણસ ન મળે! પારકી દીકરીને પેટની દીકરી હોય એવા વહાલથી ઉછેરે છે.’ લગ્નનાં પાંચ વર્ષ પૂરાં થવા આવ્યાં. એક રાત્રે આશાએ ધીમા અવાજમાં, શરમથી પાંપણ ઝુકાવીને પૂછ્યું. ‘હવે ક્યાં સુધી સાવધાની રાખવી છે? તમારું પોતાનું બાળક નથી જોઇતું?’ ડાહ્યાલાલે જવાબ આપ્યો, ‘ના, રે! મારી આવક તો તું જાણે છે ને? ઉંદરડી મૂતરે એટલી કમાણીમાં ત્રણ પેટ માંડ ભરાય છે. ત્યાં ચોથાને લાવીને શું ખવડાવીશું? અને આ પારુલ મારી જ દીકરી છે ને! ક્યાં બીજાની છે? મારી તો ભવિષ્યની બધી જ આશા એનામાં સમાઇ જાય છે.’ આંખોમાં મધરાતી તોફાન છલકાવીને આશા નયનબાણ છોડતી, ‘ના, હવે તમારી આશા એટલે તો હું જ; પારુલ તો તમારી ને મારી અપેક્ષા.’ પારુલ સોળ વર્ષની થઇ. હવે હાઇસ્કૂલનું શિક્ષણ પૂરું કરીને કોલેજમાં આવી હતી. ડાહ્યાલાલે એને લાડ લડાવવામાં કોઇ કસર બાકી રાખી ન હતી. થોકબંધ કપડાં, અડધો ડઝન ચંપલ અને સૌંદર્યપ્રસાધનોની અસંખ્ય ચીજવસ્તુઓ પારુલને કંઇ પણ જોઇતું હોય તો એ પપ્પાને જ કહેતી હતી. મમ્મી જોડે એને ખાસ ફાવતું ન હતું, કારણ કે મમ્મી તો ક્યારેક વઢતી પણ ખરી, પણ પપ્પા ક્યારેય વઢતા નહીં. બાપ-દીકરી ફિલ્મ જોવા પણ સાથે જાય. રેસ્ટોરાંમાં નાસ્તો કરવો હોય તોપણ સાથે અને કંઇ ખરીદવું હોય તોપણ ભેગાં ને ભેગાં જ. છેલ્લાં પાંચેક વર્ષથી ડાહ્યાલાલ સારું કમાવા માંડ્યા હતા. એ હવે લેબર કોન્ટ્રાક્ટર બની ગયા એટલે પારુલના મોજશોખ પૂરા કરી શકતા હતા. ક્યારેક તો આશાને પણ બાપ-દીકરીનું એટેચમેન્ટ જોઇને છૂપી ઇર્ષ્યા થવા લાગતી હતી. પડોશણો પણ આવીને કહી જતી હતી, ‘આશા, તારી છોડીને કાબૂમાં રાખ. તારો ધણી એને ફટવી મારે છે. હમણાં બે વરસમાં તે પરણાવવાલાયક થઇ જશે પછી કોઇનું માનશે નહીં.’ થઇ ગઇ. અઢારમા વર્ષે પારુલ પરણાવવાલાયક થઇ ગઇ અને બીજા બે વર્ષ પછી તો એ કોઇપણ ભોગે પરણાવવાલાયક થઇ. એનું સૌંદર્ય એવું તો ખીલી ઊઠ્યું કે અડધું ગામ ડાહ્યાલાલની ડેલીની બહાર આંટા મારતું થઇ ગયું. આડોશ-પાડોશના લોકો, જ્ઞાતિજનો અને પરિચિતો કાગડોળે રાહ જોઇને બેઠા હતા કે પદમણી જેવી પારુલનો હાથ પામવા માટે કયો રાજકુમાર ભાગ્યશાળી નીવડશે? એનો જોબનભર્યો દેહ, મારકણાં નેણ, નમણું નાક, ગુલાબી ઝાંયવાળા ગાલ અને અલ્લડ ચાલ; આ બધું જોનારના હૃદય પર કરવત ચલાવતું હતું. એ પછી જે બન્યું એ ભલભલાના હૈયાને ધ્રુજાવી મૂકે તેવું બન્યું. એક દિવસ પારુલે મેરેજ રજિસ્ટ્રારની ઓફિસમાં જઇને લગ્ન કરી લીધું. કોની સાથે? એના પાલક પિતા ડાહ્યાલાલ સાથે. સમાજમાં હડકંપ મચી ગયો. ડોકમાં ફૂલહાર પહેરીને પતિ-પત્ની જ્યારે ઘરે આવ્યાં ત્યારે આશાએ ફરી પાછો એ જ વિલાપ આદર્યો. જેવો તેણે પતિના મૃત્યુ પછી કર્યો હતો. વીસ વર્ષની પારુલ અને ત્રેપન વર્ષના ડાહ્યાલાલ. અલબત્ત, એ બંને વચ્ચે લોહીનો સંબંધ ન હતો. એટલે ‘ઇન્સેન્ટ’નો કાયદો તેમને નડ્યો નહીં. આ કાયદા અનુસાર પિતા-પુત્રી, માતા-પુત્ર અથવા સગા ભાઇ-બહેન લગ્ન કરી શકતાં નથી, પણ ડાહ્યાલાલ તો પારુલના સગા પિતા ક્યાં હતા? આ લગ્ન પાછળ કયાં પરિબળો જવાબદાર હોઇ શકે? જાતીય આકર્ષણ? કાળજી? સહાનુભૂતિ? ડાહ્યાલાલની ઉદારતા? પારુલની મુગ્ધતા? અવશ્ય કોઇ શારીરિક અને મનોશાસ્ત્રીય લાગણી કામ કરી ગઇ હશે. આવો બનાવ ન બન્યો હોત તો એ ભારતીય સમાજના હિતમાં હતું. પશ્ચિમમાં આવું બને છે. જે સ્ત્રીઓ વિધવા બન્યા પછી પોતાની દીકરીને લઇને પુન:લગ્ન કરે છે તેમના માટે વિચારવા જેવો મુદ્દો છે. ડાહ્યાલાલ અને પારુલ ત્રણ સંતાનોનાં માતા-પિતા બન્યાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો