રણમાં ખીલ્યું ગુલાબ / એક ફૂલ દેના મહોબત નહીં હૈ જિંદગીભર ફૂલો કી તરહ રખના મહોબત હૈ

latest article by dr sharad thakar

  • ‘મારું નામ શ્યામા. નામ સાંભળીને હસતા નહીં. મારું નામ ફોઈએ નથી પાડ્યું. મારા પપ્પાએ પાડ્યું છે. રાશિ જોઈને નથી પાડ્યું. મારી ચામડી જોઈને પાડ્યું છે.’

ડો. શરદ ઠાકર

Jan 05, 2020, 07:25 AM IST

17 વર્ષની શ્યામા. એના ગામડેથી બાજુના શહેરમાં જવા માટે બસમાં ચડી. બસ હાઉસફુલ હતી. એણે ઊભા રહેવું પડ્યું. જો શ્યામા એના નામ પ્રમાણે જ શ્યામવર્ણી હતી એટલે કોઇએ એને સીટ ખાલી કરી ન આપી. જો એ ગોરી હોત તો અડધી બસ ઊભી થઇ ગઇ હોત, પણ બધા પુરુષો સરખા નથી હોતા. પુરુષોના ટોળામાં ક્યારેક એકાદ મર્દ પણ મળી આવે છે. શ્વેતાંગ નામના યુવાનની નજરમાં આ વાત કાંટો બનીને ભોંકાઇ ગઇ. એ પોતાની સીટ પરથી ઊભો થઇ ગયો. એણે ઇશારો કરીને શ્યામાને ખાલી સીટ પર બેસવા માટે બોલાવી લીધી.

શ્યામા ગામડાની હતી. હજી બારમા ધોરણમાં જ ભણતી હતી. એને પશ્ચિમનો શિષ્ટાચાર આવડતો ન હતો. થેંક્સ કહેવાના બદલે એ ચૂપચાપ સીટ પર બેસી ગઇ. થોડી મિનિટ્સ એમ જ પસાર થઇ ગઇ. પછી એણે જોયું કે બાજુમાં ઊભેલા સંસ્કારી યુવાનના હાથમાં એક બેકપેક જેવો થેલો હતો.
શ્યામાએ કંઇ બોલ્યા વગર એ થેલો લઇ લીધો અને પોતાના ખોળામાં મૂકી દીધો. આ તળપદી ભારતીયતા હતી. એક પણ વાક્યના વિનિમય વગર એક યુવાને બતાવેલું સ્ત્રી દાક્ષિણ્ય હતું અને એક ગ્રામીણ યુવતીએ દર્શાવેલો ધન્યવાદ હતો.

45 મિનિટ પછી શહેર આવી ગયું. બસ ઊભી રહી. આ આખરી ગંતવ્ય સ્થાન હોવાથી આખી બસ ઠલવાઇ ગઇ. શ્યામા અને શ્વેતાંગ પણ ઊતરી ગયાં. શ્વેતાંગે હાથ લંબાવ્યો, શ્યામાએ એનું બેકપેક પરત કરી દીધું. શ્વેતાંગે પૂછી લીધું, ‘જન્મથી જ મૂંગાં છો કે પછીથી વાચા ગુમાવી?’
શ્યામાની કાળી સુંદર આંખોમાં ગુસ્સાની લકીર અંકાઇ ગઇ. ‘કોણે કહ્યું કે હું મૂંગી છું?’
‘અરે વાહ! તમે તો બોલી પણ શકો છો! મને તો એમ હતું કે તમે...’
‘અમારા ગામડામાં એવું શીખવવામાં આવે છે કે કોઇ અજાણ્યા પુરુષ સાથે વાત નહીં કરવી.’
‘પણ તમે તો અત્યારે મારી સાથે વાત કરી રહ્યાં છો.’

શ્યામા મૂંઝાઇ ગઇ. એણે હાર સ્વીકારી લીધી, ‘જાવને! તમે મને પહોંચવા નહીં દો. હું જાઉં છું. સ્કૂલનો સમય થઇ ગયો.’ આટલું કહીને એ ચાલવા માંડી. શ્વેતાંગ એને જતી જોઇ રહ્યો. શ્વેતાંગ કોલેજમાં ભણતો હતો. સાયન્સનો સ્ટુડન્ટ હતો. ઊંચો, ગોરો અને સોહામણો હતો. એની કોલેજમાં ઘણી બધી છોકરીઓ એની મૈત્રી માટે તરસતી હતી, પણ શ્વેતાંગ એની કરિયર માટે ફોકસ્ડ હતો. જિંદગીમાં એણે કશુંક કરી બતાવવું હતું. આવી બધી ટાઇમપાસ પ્રવૃત્તિઓમાં એને રસ ન હતો.

અત્યાર સુધીમાં સુંદરમાં સુંદર છોકરીની સામે પણ એણે બીજી વાર જોયું ન હતું. આજે કોણ જાણે કે સાવ સાધારણ દેખાવની કાળી કહી શકાય તેવી એક અબુધ છોકરી ઉપરથી એની નજર હટતી ન હતી. જાણે વીજળીના બે વિજાતીય છેડાઓ એકબીજાને અડકી ગયા હતા અને અઢી અક્ષરનો એક શબ્દ સ્પાર્ક બનીને ફૂટી નીકળ્યો હતો.

બીજા દિવસે ફરીથી બંને જણા બસમાં મળી ગયાં. શ્વેતાંગે પોતાની બાજુમાં જ શ્યામાને બોલાવી લીધી. પછી એના કાનમાં ગણગણ્યો, ‘હવે તો મારી સાથે વાત કરશો ને? હવે હું તમારા માટે અજાણ્યો નથી રહ્યો.’

સામાન્ય સંજોગોમાં શ્યામા જવાબ ન આપી શકી હોત, પણ છેલ્લા 24 કલાકથી એ પણ શ્વેતાંગ પ્રત્યે અકથ્ય ખેંચાણ અનુભવી રહી હતી. એનામાં પણ હવે વાક્ચાતુર્ય આવી ગયું હતું. એણે જવાબ આપ્યો, ‘હજી પણ તમે અજાણ્યા જ ગણાવ. જ્યાં સુધી એકબીજાનાં નામ ન જાણતાં હોઇએ ત્યાં સુધી આપણે...’
‘શ્વેતાંગ.’ એક સ્વપ્નિલ યુવાન આટલું બોલીને પ્રત્યુત્તર સાંભળવા એક કાન બની રહ્યો.

‘મારું નામ શ્યામા. નામ સાંભળીને હસતા નહીં. મારું નામ ફોઇએ નથી પાડ્યું. મારા પપ્પાએ પાડ્યું છે. રાશિ જોઇને નથી પાડ્યું. મારી ચામડી જોઇને પાડ્યું છે.’ શ્યામાના અવાજમાં આછું એવું દર્દ ભળી ગયું. પછી સહેજ હસીને એણે ઉમેર્યું, ‘તમારું નામ પણ તમારી ચામડીનો રંગ જોઇને જ કોઇએ રાખ્યું હશે!’
મુલાકાતો થતી રહી. બંને વચ્ચે વાતો પણ ચાલતી રહી. રોજ આવતાં અને જતાં બસના પ્રવાસમાં. ક્યારેક એ સિવાય પણ બંને મળતાં રહ્યાં. થોડા દિવસોમાં જ બંનેને સમજાઇ ગયું કે એ બંને વચ્ચે પ્રેમનો ઉદ્્ભવ થઇ ચૂક્યો હતો. શ્વેતાંગની કોલેજમાં અને શ્યામાની હાઇસ્કૂલમાં વાત ફેલાઇ ગઇ. શ્યામાની બહેનપણીઓએ એને વારવાની કોશિશ કરી, ‘જોજે હોં...! પ્રેમના નામે ભોળવાઇ ન જતી. એ છોકરો હીરો જેવો હેન્ડસમ છે. એ તારા જેવી કાળી કલુટી સાથે ક્યારેય લગ્ન નહીં કરે. તારો રસકસ ચૂસીને તને છોડી દેશે.’

શ્યામા સાવ ભોળી હતી. એણે શ્વેતાંગને બધી વાત જણાવી દીધી. પછી પૂછી લીધું! ‘તમે ખરેખર મારી સાથે આવું કરશો?’

શ્વેતાંગે ભાવપૂર્ણ સ્વરે જવાબ આપ્યો, ‘તું પણ આવું માને છે? મેં આજ સુધીમાં એક પણ વાર તારો હાથ મારા હાથમાં લીધો નથી. બસમાં એક જ સીટ પર બેઠાં હોવા છતાં તારા ખભા સાથે મારો ખભો અથડાઇ જાય તેવો અભિનય કર્યો નથી. હું તારી સાથે લગ્ન કરવા માગું છું. જે દિવસે મને તારી સાથે શારીરિક સહવાસની ઇચ્છા થશે ત્યારે હું પહેલું કામ તારી સાથે લગ્ન કરવાનું કરીશ. એ પછી જ બીજું બધું થશે.’ આ જવાબ સાંભળીને ભોળી શ્યામાના હૈયાને ધરપત થઇ. એ વખતે શ્વેતાંગને ખબર ન હતી કે શ્યામાની સાથે લગ્ન કરતાં પહેલાં પણ ઘણું બધું કરવું પડશે. એણે પોતાનાં મમ્મી-પપ્પા સાથે વાત કરી. શ્યામાનો ફોટો બતાવ્યો. એનું ઘર, જ્ઞાતિ, ગામ, આર્થિક સ્થિતિ એ બધા વિશે માહિતી આપી. મમ્મી-પપ્પાએ ચોખ્ખી ના પાડી દીધી. પપ્પાને શ્યામાની જ્ઞાતિ માટે વાંધો હતો અને મમ્મીને શ્યામાના વાન માટે.

શ્વેતાંગે પોતાનો મક્કમ નિર્ણય જણાવી દીધો, ‘લગ્ન તો હું એની સાથે જ કરીશ. માટે આપણા ફેમિલીમાં કોઇ મેલોડ્રામા ઊભો નથી કરવો. હું તમારો દીકરો બનીને પણ રહીશ અને શ્યામાનો પતિ પણ. અમે અલગ શહેરમાં અલગ ઘરમાં રહીશું. હું શ્યામાને તમારી સામે ક્યારેય નહીં લાવું. મારી વિનંતી છે કે તમે મારી વાત સ્વીકારી લેશો.’

શ્વેતાંગનાં મમ્મી-પપ્પા સમજી ગયાં. એક દિવસ શ્વેતાંગે શ્યામાને પૂછ્યું, ‘તને કેટલાં વરસ થયાં? અઢારમું ક્યારે પૂરું થશે!’

શ્યામાએ વળતો સવાલ પૂછ્યો, ‘કેમ આવું પૂછો છો?’ શ્વેતાંગે આંખમાંથી કામબાણ છોડ્યાં, ‘મને તારા સહવાસની ઇચ્છા જન્મી છે. લગ્ન કરવા માટે તારી ઉંમર પૂછું છું.’

બારમા ધોરણની પરીક્ષા પછી ત્રીજા મહિને શ્યામાનું અઢારમું વર્ષ પૂરું થયું. એના ઘરમાંથી સંમતિ મળી ચૂકી હતી. શ્વેતાંગે એની સાથે રજિસ્ટર્ડ મેરેજ કરી લીધા. એનું ગ્રેજ્યુએશન પણ પતી ગયું હતું. આછી પાતળી નોકરી મેળવીને એણે ભાડાની ઓરડીમાં સંસાર શરૂ કરી દીધો. શરીર શરીરનું કામ કરે છે. લગ્નની પ્રથમ એનિવર્સરી આવે તે પહેલાં જ શ્યામા એક પુત્રને જન્મ આપી ચૂકી હતી. જો આ પ્રમાણે જ ચાલતું રહ્યું હોત તો શ્વેતાંગ અને શ્યામાની પ્રેમકહાણી એક સામાન્ય સ્તરની કથા બનીને રહી ગઇ હોત. અગાઉ શ્વેતાંગના વ્યક્તિત્વ માટે જે વિશેષણો વપરાયાં એમાં એક મહત્ત્વના વિશેષણ તરફ ભાગ્યે જ કોઇનું ધ્યાન ગયું હશે. એ ઊંચો, ગોરો, સોહામણો તો હતો જ, એ ઉપરાંત એ મહત્ત્વાકાંક્ષી પણ હતો. એની વર્તમાન સ્થિતિથી એને સંતોષ ન હતો. ભાડાની નાનકડી ઓરડીમાં રહીને, નોકરી કરતાં કરતાં એણે ભણવાનું ચાલુ રાખ્યું. એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો રહ્યો. બે વર્ષની મહેનત પછી એને અપેક્ષિત પરિણામ મળી ગયું. એ આઇ.પી.એસ. પરીક્ષામાં પાસ થઇ ગયો. એ ટ્રેનિંગ માટે ઉપડી ગયો. શ્યામા ચિંતામાં પડી ગઇ, ‘તમારા વગર અમે શું કરીશું?’

શું કરવું એનો વિચાર શ્વેતાંગે કરી રાખ્યો હતો, ‘આ જ ટાઉનમાં મારી એક દૂરની કઝિન પરણાવેલી છે. તું અને દીકરો એના ઘરે રહેજો, મેં એમની સાથે વાત કરી લીધી છે. મારું તને એક સૂચન છે. હું તો હવે ઉચ્ચ પોલીસ અધિકારી બની જઇશ. મારી પત્ની માત્ર બારમું પાસ હોય તો કેમ ચાલશે?’ તું પણ કોલેજમાં એડમિશન લઇ લે.’
શ્યામા આજે પણ એ દિવસો ભૂલી નથી. પરાયા ઘરમાં આશ્રિત બનીને રહેવાનું, એ લોકોને ગમે કે ન ગમે તો પણ એમનો અણગમો વેઠી લેવાનો. એમને ઘરકામમાં મદદ કરવાની, એમના ભરોસે દીકરાને મૂકીને જવાય નહીં એટલે કોલેજમાં એને સાથે લઇ જવાનો, આ બધું ખૂબ જ વિકટ હતું, પણ કોલેજના પ્રાધ્યાપકો બધા જ ભલા હતા. શ્યામાના સંઘર્ષની વાત જાણીને બધાએ સહકાર આપ્યો. કદાચ આવી ઘટના બીજે ક્યાંય જોવા નહીં મળી હોય કે કોલેજમાં ભણતી કોઇ સ્ત્રી સ્ટુડન્ટ ક્લાસરૂમમાં એના દીકરાને લઇને બેઠી હોય. ક્યારેક એ દીકરો તોફાને ચડે કે રડવા માંડે ત્યારે શ્યામા એને ઊંચકીને વર્ગખંડમાંથી બહાર નીકળી જાય અને બગીચામાં બેસીને એને રમાડતી રહે. સાહેબો આ પણ ચલાવી લેતા હતા.

આજે એ દિવસો પણ વીતી ગયા છે. શ્વેતાંગ હાલમાં ઉચ્ચ પોલીસ અધિકારી બનીને વિશાળ સરકારી આવાસમાં પ્રતિષ્ઠાપૂર્ણ જીવન જીવી રહ્યો છે. એની ગ્રેજ્યુએટ પત્ની શ્યામા ગાડીમાં મહાલી રહી છે. અનેક નારી સંસ્થાઓનું એ પ્રમુખપદ શોભાવી રહી છે. એનો વોર્ડરોબ કીમતી આધુનિક વસ્ત્રોથી છલકાઇ રહ્યો છે અને શરીર પર આભૂષણો ઝગમગી રહ્યાં છે.

શ્વેતાંગે પોતે આંકેલી મર્યાદાની રેખા આજે પણ જાળવી રાખી છે. એ મમ્મી-પપ્પાને મળવા માટે જ્યારે પણ જાય છે ત્યારે માત્ર એના દીકરાને લઇને જ જાય છે. પોતાની પ્રિય પત્નીનું અપમાન કરવાની તક એ મમ્મી-પપ્પાને પણ આપતો નથી. જેને જન્મ વખતે પિતાએ પણ કાળી ગણી હતી એ શ્યામાને એણે કામણગારી સમજીને પોતાની જિંદગીમાં આદરપૂર્વક સાચવી જાણી છે.

સુખના શિખર ઉપર બિરાજમાન શ્યામા જ્યારે પોતાનાં વીતેલાં વર્ષો તરફ દૃષ્ટિપાત કરે છે ત્યારે પોતાની જાતને એક પ્રશ્ન પૂછી બેસે છે. ‘તે દિવસે હું બસમાં ચડી ત્યારે જો બસ હાઉસફુલ ન હોત અને પોતે જગ્યાના અભાવે ઊભી રહી ન હોત તો શું થયું હોત? શું માત્ર આટલી એક નાનકડી વાતના કારણે કોઇની જિંદગી આટલી હદે બદલાઇ જતી હશે?’નસીબમાં ન માનવાવાળા લોકો પણ માનતા થઇ જાય તેવું જગતમાં ઘણી વાર બની જતું હોય છે.

X
latest article by dr sharad thakar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી