રણમાં ખીલ્યું ગુલાબ / બહુત કરીબ આકર બિછડ ગયે હમદોનોં બિલ્કુલ દિસમ્બર ઔર જનવરી કી તરહ

latest article by dr sharad thakar

  • વેસ્ટર્ન ડાન્સીસમાં બોડી કોન્ટેક્ટ ખૂબ નજીકનો થઈ જાય છે. સાલસા જેવી ડાન્સ પદ્ધતિમાં તો સ્ત્રી અને પુરુષ એકબીજાને એવાં ચીપકી જાય છે જાણે અર્ધનારીશ્વર હોય!

ડો. શરદ ઠાકર

Dec 29, 2019, 07:34 AM IST

વીસ વર્ષની મિષ્ટી મહેતા પપ્પાએ અપાવેલી હોન્ડા સિટી કારમાંથી ઊતરીને નોટી એન્ડ હોટ્ટી ડાન્સ ક્લાસ તરફ ચાલવા માંડી. બ્લૂ ડેનિમ અને રેડ ટી-શર્ટમાં નોટી પણ લાગતી હતી અને હોટ્ટી પણ. જમણા હાથમાં ઝોલા બેગ ઉછાળતી એ બિલ્ડિંગનાં પગથિયાં પાસે પહોંચી. ડાબી બાજુ આવેલા પાનના ગલ્લાવાળાને પૂછ્યું, ‘ડાન્સ ક્લાસમાં જવું હોય તો?’ પાનવાળાએ નાગરવેલના કુમળા પાન પર કાથો અને ચૂનો રગડતાં લાળ ટપકાવતાં હોઠે જવાબ આપ્યો, ‘ત્રીજા માળે પહોંચી જાવ. ડાબી બાજુ લિફ્ટ છે. જમણા હાથે પગથિયાં.’

મિષ્ટીએ લિફ્ટ ઉપર પસંદગી ઉતારી. લિફ્ટનો દરવાજો ઉઘાડીને જેવી એ ડાન્સ ક્લાસમાં પ્રવેશી એ સાથે જ વાતાવરણ પલટાઇ ગયું. દસ-બાર છોકરીઓ અને પંદરેક છોકરાઓ ડાન્સનાં સ્ટેપ્સ કરી રહ્યાં હતાં એ ઊભાં રહી ગયાં. ડાન્સ માસ્ટર અનુરાગ પણ એની દિશામાં જોવા માંડ્યો. રિસેપ્શન પર ઊભેલી ટીના પણ એક-દોઢ મિનિટ સુધી બોલવાનું જ ભૂલી ગઇ. પછી અચાનક એને એની ફરજ યાદ આવી અને વાચા પણ. ‘વોટ કેન આઇ ડુ ફોર યુ, મિસ...?’
‘મિષ્ટી. માય નેમ ઇઝ મિષ્ટી મહેતા.’ મિષ્ટીએ જેમ્સ બોન્ડની સ્ટાઇલમાં પરિચય આપ્યો. જેમ્સ બોન્ડના અવાજમાં સામેવાળાને ધ્રુજાવી મૂકે તેવી ઠંડી ક્રૂરતા હતી; મિષ્ટીના અવાજમાં મારી નાખે તેવી માદકતા હતી. બંનેમાં પરિણામ તો એકસરખું જ હતું.

‘નાઇસ નેમ. નાઇસ લુક્સ ટૂ.’ ટીના સ્ત્રીસહજ ઇર્ષ્યાભાવથી મિષ્ટીને જોઇ રહી. ‘ડાન્સ ક્લાસ જોઇન કરવા માટે આવ્યાં છો?’
‘હા, તમારે ત્યાં શું શું શીખવો છો?

‘ઘણું બધું. હિપહોપ, સાલસા, રોપ ડાન્સ, બોલ ડાન્સ, પોલ ડાન્સ અને બીજું પણ ઘણું બધું.’ ટીનાએ એક છાપેલું પેમ્ફ્લેટ મિષ્ટીના હાથમાં પકડાવી દીધું. એમાં બધી વિગત લખેલી હતી. ટીનાએ પૂછ્યું, ‘તમારે રિયાલિટી શોમાં ભાગ લેવો છે?’

‘ના. મારે કોલેજની કોમ્પિટિશનમાં ભાગ લેવો છે. બે મહિનામાં જેટલું શિખાય એટલું શીખી લેવું છે. તમારે ત્યાં કોરિયોગ્રાફર્સ તો સારા છેને?’

ટીનાએ કહ્યું, ‘હા. અમારે ત્યાં મિતેશ છે, જે એની કોલેજમાં થ્રૂ આઉટ ચેમ્પિયન રહ્યો છે. અમારે ત્યાં વિનીત છે, જે ટીવીના રિયાલિટી શોમાં ક્વાટર ફાઇનલ સુધી જઇ આવ્યો છે. અમારો રસેન્દુ સિક્કિમથી આવે છે અને આ સામે ઊભો છે તે અનુરાગ યાદવ બિહારનો છે. હી ઇઝ ધ બેસ્ટ ઓફ ઓલ. તમારે જો કોલેજ ચેમ્પિયન બનવું હોય તો તમને હું અનુરાગના હાથ નીચે જ એન્રોલ કરું.’

મિષ્ટીએ લાપરવાહીથી ખભા ઉછાળ્યા, ‘નો પ્રોબ્લેમ! મારે તો જીતવાથી મતલબ છે. રાગ હોય કે અનુરાગ મને શું ફર્ક પડે છે?’
ટીનાએ એક ફોર્મ ધર્યું અને કહ્યું, ‘તમારી પૂરી વિગત આ ફોર્મમાં ભરી દો. તમારે ગ્રૂપમાં કોચિંગ લેવું છે કે પર્સનલ કોચિંગ લેવું છે એ પણ લખજો. બંને માટેની ફી અલગ છે.’

‘નો પ્રોબ્લેમ! માય પાપા ઇઝ એ બિલિયોનેર.’ મિષ્ટીએ ફરીથી ખભા ઉછાળ્યા. પછી એને ઝડપથી ફોર્મ ભર્યું. પર્સમાંથી તગડી રકમ કાઢીને કાઉન્ટર પર મૂકી દીધી. ટીનાએ રિસિપ્ટ આપી અને પછી સૂચના. ‘તમારી ટ્રેનિંગ આજથી શરૂ થાય છે. આ બેચનો સમય પૂરો થવામાં જ છે. તમે પાંચ મિનિટ બેસો. પછી તમારું સેશન શરૂ થશે.’

એ પાંચ મિનિટનો સમય પ્રતીક્ષાનો ગાળો હતો. બાજુમાં પડેલા સોફા પર બેસીને મિષ્ટી ડાન્સ શીખતા યૌવનધનને જોઇ રહી અને ડાન્સ શીખવતા અનુરાગને જોઇ રહી. અનુરાગ ખરેખર ઉત્તમ કક્ષાનો ડાન્સ માસ્ટર હતો. કોઇ પણ માણસ એનાં સ્ટેપ્સ જોઇને આફરીન પોકારી ઊઠે, પણ એને જોઇને મિષ્ટીના મનમાં જે પહેલી પ્રતિક્રિયા જન્મી તે આ હતી, ‘વાઉ! વોટ એ હેન્ડસમ ગાય!’ અનુરાગ ખરેખર ધારણા કરતાં વધારે અને વર્ણન કરતાં ઉપર કહી શકાય એટલો સોહામણો દેખાતો હતો. ગ્રે રંગના જમ્પસૂટમાં એ રિતિક રોશન કે ટાઇગર શ્રોફ જેવો સિમેટ્રિકલ અને સ્નાયુબદ્ધ લાગતો હતો. છેલ્લાં સ્ટેપ્સ પૂરાં કરાવીને એણે ચાલુ સેશન ઉપર પૂર્ણવિરામ મૂક્યું. સ્ટુડન્ટ્સને વિદાય કર્યા. પછી એ કોફીરૂમ તરફ જઇ રહ્યો હતો ત્યાં ટીનાએ બૂમ પાડી, ‘અનુરાગ, જરા ઇધર આના. એક નઇ સ્ટુડન્ટ આઇ હૈ. ઇસકો પર્સનલ કોચિંગ ચાહિયે.’

અનુરાગ ઘૂમ્યો, પછી ટર્કિશ નેપ્કિનથી બાવડાં પરનો પસીનો લૂછતો રિસેપ્શન પાસે આવ્યો. મિષ્ટીની આંખોમાં આંખો પરોવીને ઊભો રહ્યો. ટીનાએ ટહુકો કર્યો, ‘યહ હૈ અનુરાગ યાદવ ઔર યહ મિષ્ટી મહેતા. અનુરાગ, આજ સે મિષ્ટી કો મૈં તુમ્હારે હાથોં મેં સૌંપતી હૂં.’

ટીના તો આ શબ્દો સહજપણે બોલી ગઇ હતી; એને ખબર ન હતી કે છેલ્લા વાક્યનો બીજો અર્થ પણ નીકળે છે. મિષ્ટી અને અનુરાગે આ બીજો અર્થ જ પકડ્યો. અનુરાગે જમણો હાથ લંબાવ્યો, ‘હાય...!’

મિષ્ટીએ શરમાતાં શરમાતાં પોતાનો હાથ અનુરાગના હાથમાં મૂકી દીધો. જાણે માખણ ભરેલી મટુકી પથ્થરની ચટ્ટાન ઉપર ઢળી ગઇ. બંનેની નજરો સામસામે ટકરાઇ ગઇ. બંનેનાં શરીરોમાં વીજળી ફરી વળી. આ દૃષ્ટિસમાધિ ક્યાંય સુધી ચાલતી રહી હોત જો ટીનાએ એમાં વિક્ષેપ ન પાડ્યો હોત, ‘અનુરાગ, અપની સ્ટુડન્ટ કો ડાન્સ સ્ટેપ્સ શીખાના આજ સે હી શુરૂ કર દો. દો મહિને કે બાદ મિષ્ટી કી કોલેજ મેં ડાન્સ કોમ્પિટિશન હોનેવાલી હૈ. વો જીતની હી ચાહિયે.’ અનુરાગ મિષ્ટીની કમર ફરતે હાથ વીંટાળીને ડાન્સિંગ ફ્લોર તરફ દોરી ગયો. એની પીઠ બોલતી હતી કે જો ખુદ હાર ચૂકા હો વો મિષ્ટી કો કૈસે જીતા પાયેગા?

પંદર દિવસમાં તો બંને ખૂબ જ નજીક આવી ગયાં. વેસ્ટર્ન ડાન્સીસમાં કેટલાંક સ્ટેપ્સ એવાં હોય છે જેમાં બોડી કોન્ટેક્ટ ખૂબ નજીકનો થઇ જાય છે. સાલસા જેવી ડાન્સ પદ્ધતિમાં તો સ્ત્રી અને પુરુષ એકબીજાને એવાં ચીપકી જાય છે જાણે અર્ધનારીશ્વર હોય! બે વિજાતીય દેહો આવા ગાઢ સંપર્કમાં રહે ત્યારે એ માત્ર શારીરિક ઘટના નથી રહેતી. ખભા, હાથ, કમર, હિપ્સ, થાઇઝ આ બધાં ઉપર સતત થતો રહેતો પુરુષનો સ્પર્શ એની અસર બતાવીને જ રહે છે. આ કિસ્સામાં આવી અસર ઉભય પક્ષે હતી. એક તરફ કામદેવે સ્વહસ્તે કંડારેલા શિલ્પ જેવો અનુરાગ હતો અને બીજી તરફ મિષ્ટી નામની મીઠાઇ હતી.

એક દિવસ પરસેવાથી મહેકતી મિષ્ટીને આલિંગનમાં ભીડીને અનુરાગે ધીમેથી એના કાનમાં ગણગણી લીધું, ‘તુમ મુઝે બહુત પસંદ હો મિષ્ટી.’ મિષ્ટીના હૈયામાં સમંદરનાં મોજાં જેવો આવેગ ઉછળ્યો. એણે પણ આવું જ કહેવું હતું, પણ એણે માંડ માંડ પોતાની લાગણી ઉપર અંકુશ રાખ્યો. એ કોઇ ચાલુ ટાઇપની છોકરી ન હતી. શહેરના ગર્ભશ્રીમંત પિતાની સંસ્કારી દીકરી હતી. એના સૌંદર્ય ઉપર શહેરભરના યુવાનો પ્રાણ લૂંટાવી દેવા તલપાપડ હતા. એ કોઇ હેન્ડસમ યુવાન સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી. કોઇની સાથે બીએફ-જીએફ જેવી ટાઇમપાસ રમત રમવામાં એને રસ ન હતો. એને અનુરાગ પસંદ હતો, પણ લગ્ન કરવા માટે, નહીં કે ફ્લર્ટિંગ કરવા માટે અને સાવ અજાણ્યા પરપ્રાંતીય યુવાન સાથે આટલી ઝડપથી લગ્નનો નિર્ણય તો કઇ રીતે લઇ શકાય?

એણે જવાબ આપ્યો, ‘મને વિચારવા માટે થોડો સમય જોઇશે.’

અનુરાગ વાસનાલોલુપ ન હતો. એણે જરા પણ ઉતાવળ ન બતાવી, નિર્ણય લેવા માટે સહેજ પણ દબાણ ન કર્યું. માત્ર એટલું કહ્યું, ‘દો મહિને કે બાદ દિવાલી કી છુટ્ટિયોં મેં મૈં પટના જા રહા હૂં. ઘરવાલે શાદી કે લિયે દબાવ બઢા રહે હૈં. દિવાલી સે પહલે તુમ મુઝે બતા દેના.’

મિષ્ટીને હાશ વળી. હવે એની પાસે વિચારવા માટે પૂરતો સમય હતો. ખાસ તો એ અનુરાગ વિશે ઘણું બધું જાણવા માગતી હતી, પણ પૂછવું કોને? અનુરાગને તો પુછાય નહીં? એ તો સાચાને બદલે સારા જવાબો જ આપે. એક દિવસ મિષ્ટીએ ટીનાને વાતવાતમાં પૂછી લીધું, ‘આ અનુરાગ કેવો માણસ છે?’

‘ખબર નથી. દેખાય છે તો સારો, પણ ગુજરાતની બહારનો હોય એટલે ડ્રિંક્સ અને નોનવેજ તો લેતો જ હોય. કેમ એના વિશે પૂછો છો? કંઇક વાત આગ‌ળ વધી રહી છે કે શું?’
મિષ્ટી ભડકી ઊઠી, ‘અરે! હોતું હશે? અમારા ઘરમાં તો કાંદા-લસણ પણ ખવાતાં નથી. મને તો નોનવેજનું નામ સાંભળતાં જ ઊબકા આવે.’
મિષ્ટી ચાલી ગઇ, પણ એનો 33 ટકા જેટલો રસ ઊડી ગયો. બે દિવસ પછી એણે બીજા ડાન્સ માસ્ટર વિનીતને પૂછ્યું, ‘અનુરાગ કેવો માણસ છે?’
વિનિતે દબાયેલા અવાજમાં માહિતી આપી, ‘તમારી સાથે પણ એણે ચક્કર ચલાવ્યું લાગે છે. જોજો હોં! તમે લપેટાતા નહીં. એ મેરિડ છે. એક દીકરાનો બાપ છે. એનું કામ જ તમારા જેવી રૂપાળી છોકરીઓને ફસાવવાનું છે.’

આ સાંભળીને મિષ્ટીનો વધુ 33 ટકા રસ હવાઇ ગયો, પણ હજી અનુરાગ પ્રત્યેનું પ્રેમાકર્ષણ સાવ નિર્મૂળ થયું ન હતું. એણે નક્કી કર્યું કે દિવાળી પછી અને પોતાની કોલેજની સ્પર્ધા પતી ગયા પછી એ જાતે અનુરાગ વિશે પૂરી તપાસ કરી લેશે. એની માસીની દીકરી પટણામાં પરણાવેલી હતી. એના દ્વારા બધું જ જાણી લેશે. એણે અનુરાગને આવું કહી પણ દીધું, ‘તુમ દિવાલી કે બાદ વાપસ આઓગે તબ મૈં બતાઉંગી.’

એ દિવસ ક્યારેય આવ્યો જ નહીં. દિવાળી પરિવાર સાથે માણીને પરત આવતો અનુરાગ ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામ્યો. પટણામાં રહેતી મિષ્ટીની કઝીને માહિતી આપી, ‘તેં જેના વિશે પુછાવ્યું એ છોકરો કુંવારો હતો. સંસ્કારી હતો. નિર્વ્યસની હતો, પણ કમભાગી હતો. એના મૃતદેહ પરના શર્ટના ખિસ્સામાંથી તારો ફોટો મળી આવ્યો છે.’

X
latest article by dr sharad thakar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી