રણમાં ખીલ્યું ગુલાબ / મુઝસે પહલી સી મુહબ્બત મેરી મેહબૂબ ન માંગ ઔર ભી ગમ હૈ જમાને મેં મુહબ્બત કે સિવા

latest article by dr sharad thakar

  • માએ ખૂબ કકળાટ કર્યો. પપ્પાએ પણ ભારે ધમપછાડા કર્યા, પણ હવે કશું જ વળે તેમ ન હતું. બે-ચાર દિવસના વલોપાત પછી એમણે હકીકતને સ્વીકારી

ડો. શરદ ઠાકર

Dec 15, 2019, 07:28 AM IST

ત્રણ દિવસ માટે મામાના ઘરે અમદાવાદ ગયેલી અંશુલા જ્યારે મેંદરડા પાછી આવી ત્યારે જમણા હાથની ચામડી ઉપર ટેટુ ત્રોફાવીને આવી હતી. એની અત્યંત ગોરી ત્વચા ઉપર ઘેરા લીલા રંગનું ટેટુ તીવ્ર વિરોધાભાસ રચીને ઉઠાવ પામતું હતું. જન્મથી અંધ હોય એની નજર પણ ત્યાં જ પડે!

એના પપ્પા સુનીતભાઇ ડ્રોઇંગરૂમમાં જ બેઠા હતા. લાડકી દીકરીના વિરહમાં ત્રણ દિવસથી ઝૂરતા હતા. એને આવેલી જોઇને ઊભા થઇ ગયા. ‘આવી ગઇ બેટા? મારી રાજકુંવરી! મારી પરી! મારા જીવનના ક્યારામાં મઘમઘતી કળી! થાકી ગઇ હોઇશ. લાવ, તારો સામાન, હું ઊંચકી લઉં.’ સામાનમાં તો બીજું શું હોય? અંશુલાના એક હાથમાં હેન્ડબેગ હતી અને બીજા હાથમાં પર્સ. અંશુલાએ હેન્ડબેગ આપવા માટે જમણો હાથ લાંબો કર્યો. પપ્પાની નજર ટેટુ પર પડી. એ ભડક્યા. એમના ભડકવાનું કારણ ટેટુનું અસ્તિત્વ ન હતું, પરંતુ ત્યાં ચિત્રાવેલો એક અક્ષર હતો. એ હતો અંગ્રેજી આલ્ફાબેટ ‘આર’.

‘આ શું?’ સુનીતભાઇએ અવાજમાં અણગમો ઉમેરીને પૂછ્યું.

અંશુલાને ખબર હતી જ કે ઘરના સભ્યો એને આ સવાલ પૂછશે જ; એણે જવાબ વિચારી રાખ્યો હતો છતાં પણ પપ્પાનો અણગમો જોઇને એ જરાક સહેમી ગઇ. બોલતી લખતે એનો અવાજ ધ્રૂજી ગયો, ‘પપ્પા, આ ભગવાન રામનો ‘આર’ છે. મારી ઇચ્છા ‘જય શ્રીરામ’ લખાવાની હતી, પણ ટેટુ બનાવનારે જ કહ્યું કે એટલું લાંબું લખાવશો તો મોંઘું પડી જશે. એ લોકો અક્ષર દીઠ પૈસા લેતા હોય છે. એટલે પછી મેં ખાલી ‘આર’ જ...’

સુનીતભાઇ ત્યારે તો ચૂપ થઇ ગયા, પણ રાત્રે બેડરૂમમાં એમણે પત્નીને કહ્યું, ‘મને લાગે છે કે અંશુ મને ઉલ્લુ બનાવી રહી છે. મારા વાળ તડકામાં તપીને ધોળા નથી થયા. મને દાળમાં કશુંક કાળું લાગે છે. તું દીકરી પર નજર રાખતી રહેજે. એ કોને મળવા જાય છે? મોબાઇલ પર કોની સાથે વાત કરે છે? દિવસમાં કેટલા કલાક ચેટિંગ કરે છે? આ બધું ઝીણી નજરે જોતી રહેજે.’

રીટાબહેને જાસૂસી કામ આરંભી દીધું. વધારે રાહ જોવી ન પડી. મા-દીકરી વચ્ચે વર્ષોથી એક પરંપરા સ્થાપિત થઇ ગઇ હતી. દર રવિવારે રીટાબહેન દીકરીના માથામાં તેલ નાખી આપતાં હતાં. આ રવિવારે પણ અંશુલા જમીન પર બેસી ગઇ અને રીટાબહેન સોફા પર ગોઠવાઇ ગયાં. કાચના કચોળામાંથી તેલવાળી આંગળીઓ કરીને દીકરીના વાળમાં ઘસવા માંડ્યાં. અંશુલાના વાળ કાળા, રેશમી અને વિપુલ જથ્થામાં હતા. ઉપરના ભાગે તેલ લગાવ્યા પછી મમ્મીએ ખુલ્લા વાળનો જથ્થો ડાબા હાથમાં પકડીને ઊંચો કર્યો અને અંદરની તરફ તેલ ઘસવાનું શરૂ કર્યું, પણ ત્યાં જ દીકરીની પોલ ખૂલી ગઇ. અંશુલાની ગોરી ગોરી ગરદન ઉપર અંગ્રેજીમાં મોટું ટેટુ ચિતરાવેલું હતું તે રીટાબહેનની નજરે ચડી ગયું. રીટાબહેન કંઇ અભણ ન હતાં, ગ્રેજ્યુએટ થયેલાં હતાં. ટેટુમાં લખાયેલું નામ વાંચીને એમના ગળામાંથી ચીસ નીકળ ગઇ, ‘હાય, હાય! આ રોહન કોણ છે? તું અમારાથી ક્યાં સુધી છુપાવીશ? કોણ છે આ રોહન? તારે એની સાથે...?’
અંશુલા સમજી ગઇ કે હવે એની ચોરી પકડાઇ ગઇ છે. અસત્ય બોલવાનો અર્થ રહેતો નથી. એણે કબૂલી લીધું, ‘રોહન મારો બોયફ્રેન્ડ છે. હું છ મહિનાથી એને ઓળખું છું.’

‘ખાલી ઓળખે જ છે કે પછી... ?’ મમ્મી તાડૂકી ઊઠી, ‘જે હોય તે સાચું ભસી નાખ. છ મહિનાની ઓળખાણમાં તું છૂંદણાં સુધી પહોંચી ગઇ? કુંવારી છોકરી કોઇ પુરુષના નામનું છૂંદણું શરીર પર ચિતરાવે એવું તો પહેલી વાર જોયું.’

અંશુલા અત્યાર સુધી ભયની કલ્પનાથી ધ્રૂજતી હતી તે હવે મક્કમ બની ગઇ. એણે હિંમત એકઠી કરી અને જે હતું તે જાહેર કરી દીધું. ‘મમ્મી, હું હવે કુંવારી નથી. મેં અને રોહને છાનાછપના રજિસ્ટર્ડ મેરેજ કરી લીધા છે. તું મને વચન આપ કે પપ્પાને મનાવી લઇશ. મને પપ્પાની બહુ બીક લાગે છે. રોહન સારો છોકરો છે. ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ થયેલો છે. એના ઘરની સ્થિતિ આપણા જેવી સધ્ધર નથી, પણ લગ્ન પછી હું પણ નોકરી શોધી લઇશ. અમને ઘર ચલાવવામાં તકલીફ નહીં પડે. એ મને ખૂબ ચાહે છે. મને વિશ્વાસ છે કે એની સાથે હું અત્યંત સુખી થઇશ.’

માએ ખૂબ કકળાટ કર્યો. સાંજે ઘરે આવ્યા પછી પપ્પાએ પણ ભારે ધમપછાડા કર્યા, પણ હવે કશું જ વળે તેમ ન હતું. બે-ચાર દિવસના વલોપાત પછી એમણે હકીકતને સ્વીકારી લીધી. સાદા સમારંભમાં અંશુલા અને રોહનને વિધિવત્ પરણાવી દીધાં. રોહન અને અંશુલા કામની તલાશમાં અમદાવાદ આવી ગયાં. ભાડાના મકાનમાં સંસારયાત્રા શરૂ થઇ. રોહને આછી પાતળી નોકરી શોધી કાઢી. અંશુલાએ ઘરે જ રહીને હેન્ડીક્રાફ્ટનું કામ શરૂ કર્યું.

રોહનને માંડ 12 હજાર રૂપિયા મળતા હતા. એટલામાં ઘર ચલાવવું અશક્ય હતું, પણ અંશુલાની આવડતથી દર મહિને 35-40 હજાર રૂપિયાની આવક થવા લાગી.

લગ્નને એક વર્ષ પૂરું થાય એ પહેલાં જ અંશુલાએ એક દીકરીને જન્મ આપ્યો. અંશુલાને થયું કે હવે એનો પરિવાર સંપૂર્ણ બની ગયો. દીકરીના આગમન સાથે જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખાસ તો સ્થિરતા આવશે, પણ એની આશા ઠગારી નીવડી.

એક રાત્રે રોહન લથડિયાં ખાતો ઘરમાં પ્રવેશ્યો ત્યારે એના મોઢામાંથી દુર્ગંધનો ફુવારો છૂટતો હતો. એ જોઇને અંશુલા ચોંકી ગઇ. એણે પૂછ્યું, ‘તમે દારૂ પીને આવ્યા છોને? ક્યારથી શરૂ કર્યું?’

‘શરૂ? હું તો 15 વર્ષનો હતો ત્યારથી દારૂ પીઉં છું. તારી સાથે મેરેજ કરવા હતા એટલે તારાથી છુપાવ્યું હતું. હવે જોઉં છું કે મને કોણ રોકે છે?’ આટલું બોલીને એ ફર્શ પર ઢળી પડ્યો. અંશુલાને એટલો બધો આઘાત લાગ્યો કે એ જડવત્ બનીને આખી રાત બેસી રહી. દીકરી રડતી હતી. એને દૂધ પીવડાવવા જેટલી સુધ પણ નહોતી રહી.

પછી તો આ રોજનું થયું. અંશુલાને ઝડપથી સમજાઇ ગયું કે એની સાથે ખૂબ મોટી બનાવટ થઇ ગઇ હતી. રોહન તદ્દન બદમિજાજ, તામસી અને શરાબી પુરુષ હતો. એનો આખો પગાર શરાબમાં ખર્ચાઇ જતો હતો. દારૂ ઢીંચીને એ પત્ની ઉપર હાથ ઉગામવા લાગ્યો. એને એક જ વાતમાં રસ હતો ‘પાંચસો રૂપિયા આપ. વ્હિસ્કીની બોટલ લેવી છે. મારો પગાર વપરાઇ ગયો.’

જો અંશુલા ના પાડે તો રોહન એને ઢીબી નાખતો. અંશુલાનું રૂપ કરમાવા લાગ્યું. ગોરી ત્વચા નિસ્તેજ થવા લાગી. રોહનનો ત્રાસ વધવા માંડ્યો. એનું પૈસા માગવાનું વધી ગયું. હવે તો અંશુલાની કમાણીમાંથી પણ અડધો ભાગ શરાબની બોટલમાં ડૂબવા લાગ્યો. એક રાત્રે અંશુલાએ બળવો પોકાર્યો, ‘તમારે જે કરવું હોય તે કરો, પણ હું પૈસા નહીં આપું. તમારે મને મારી નાખવી હોય તો મારી નાખો.’

પળવાર માટે રોહન ઘીસ ખાઇ ગયો. એના દિમાગમાં શેતાની વિચાર ઝબકી ગયો, ‘હું તને મારી નાખું, એમ? તો પછી મને રૂપિયા કોણ આપશે? એના કરતાં લાવ તારી દીકરીને જ મારી નાખું.’ આટલું કહીને એ રાક્ષસ પથારી તરફ ધસી ગયો. પથારીમાં બે વર્ષની દીકરી થાકીપાકીને ગાઢ નીંદરમાં સૂતી હતી. નરાધમ બાપે દીકરીને બે પગે ઝાલીને ઊંધી લટકાવી દીધી અને બાલ્કનીમાં પહોંચી ગયો. બાલ્કનીમાંથી રેલિંગની બહાર હવામાં દીકરીના નાજુક દેહને ઝુલાવતાં ઝુલાવતાં એ બરાડ્યો, ‘બે હજાર રૂપિયા આપે છે કે પછી તારી દીકરીને નીચે પડવા દઉં?’

અંશુલા નોટોથી ભરેલું પાકીટ લઇને દોડી ગઇ. રોહનના હાથમાં મૂકી દીધું અને કરગરવા લાગી, મારો પૂરો પગાર લઇ લો પણ મારી દીકરી પાછી આપો.’
એક અટ્ટહાસ્ય સાથે રોહને સોદો સંપન્ન કર્યો. પગાર લઇ લીધો. દીકરી સોંપી દીધી. એ રાત્રે અંશુલાએ નિર્ણય લઇ લીધો. સવાર પડતાંની સાથે જ એ દીકરીને લઇને પહેરેલાં કપડે ઘરેથી નીકળ ગઇ. પિયરમાં જઇને પપ્પાના પગમાં પડી ગઇ. ચોધાર આંસુએ રડવા માંડી, ‘પપ્પા, મને માફ કરો. હું માણસને ઓળખી ન શકી. મારું જીવન તો બરબાદ થઇ ગયું, પણ આ દીકરીનું જીવન બચાવવા માટે મને સ્વીકારી લો.’

અદાલતે પૂરી હકીકત જાણ્યા પછી અંશુલાની માગણી મંજૂર કરી દીધી. ડિવોર્સ માટે ચુકાદો આપી દીધો. અંશુલા પિતાના ઘરમાં રહીને વિખરાઇ ગયેલી જિંદગીના ટુકડા ભેગા કરવાની મથામણ કરી રહી છે અને દીકરીને ઉછેરી રહી છે. શરીરમાં બે સ્થાનો એવાં છે, જે એને તીવ્ર માનસિક યાતના આપતાં રહે છે. એ યાતના દૂર કરવા માટે એક દિવસ અંશુલા ટેટુવાળાની પાસે પહોંચી ગઇ, ‘ભાઇ, આ બંને ટેટુ દૂર કરી આપશો?’

‘ના બહેન. એના માટે તો તમારે સ્કિનના ડોક્ટર પાસે જવું પડે. ઘણા બધા રૂપિયા ખર્ચવા પડે. તમે જો કહેતાં હો હું આ બંને ટેટુને ઢાંકી દે તેવું બીજું કશુંક કરી આપું.’

એ કલાકારે હાથ પર લખેલા ‘આર’ ઉપર એક નાનકડું ફૂલ ચીતરી દીધું. ગરદન પર લખાયેલા રોહનને દબાવી દેવા માટે લાંબી ફૂલવેલની ડિઝાઇન બનાવી દીધી.

પિયરમાં જીવતી અંશુલા ફરી પાછી હરીભરી બની ગઇ છે. એના ગોરા બદન પર બબ્બે જગ્યાએ ફૂલોનાં છૂંદણાં લઇને જીવી રહી છે, પણ ભીતરમાં તીવ્ર વેદના અનુભવી રહી છે; એ વેદના ફૂલોની નીચે દબાયેલા કાંટાની વેદના છે.

X
latest article by dr sharad thakar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી