રણમાં ખીલ્યું ગુલાબ / યે જો સર નીચે કિએ બૈઠે હૈ જાન કિતનોં કી લિએ બૈઠે હૈ  

latest article by dr sharad thakar

  • વલ્લરીની મજબૂરી બની ગઈ હતી કે દરેક વખતે વિધાનનો પ્રેમ-પ્રસ્તાવ ઠુકરાવી દેવો, એને અપમાનિત કરવો અને એને ખખડાવી નાખવો. વિધાને એનું જીવવું હરામ કરી નાખ્યું હતું

ડો. શરદ ઠાકર

Nov 24, 2019, 07:27 AM IST

વીસ વર્ષની વલ્લરી ઠસ્સાભરી ચાલે કોલેજના પ્રાંગણમાં દાખલ થઇ ત્યારે કોલેજ શરૂ થવાનો ઘંટ વાગ્યાને દસ મિનિટ થઇ ચૂકી હતી. પ્રો. બક્ષીનું લેક્ચર હતું. બક્ષીસાહેબ ભારે કડક અને શિસ્તપ્રિય હતા. વલ્લરીના હૈયામાં ફડકો હતો: ‘સર, ક્લાસરૂમમાં પ્રવેશવા દેશે કે નહીં?’ ફાળભરી ચાલે વલ્લરી કોલેજનાં પગથિયાં તરફ જઇ રહી હતી ત્યાં અચાનક એક મોટી સાઇઝના કુંડા પાછળથી એક યુવાન પ્રગટ થયો. એના પેન્ટ પર ધૂળ, હાથમાં ફૂલ અને કાળજામાં પ્રેમનું શૂળ હતું. વલ્લરી એને ઓળખી ગઇ. એ વિધાન હતો. એની સાથે એક જ ક્લાસમાં ભણતો સ્ટુડન્ટ.
વલ્લરીની આંખોમાંથી અંગારા ખર્યા અને હોઠો પરથી નફરત, ‘વિધાન, તું પાછો આવી ગયો મને હેરાન કરવા?’
વિધાન એક પગ વાળીને ઘૂંટણીયે પડી ગયો. ગુલાબનું ફૂલ ધરીને બોલ્યો, ‘હા, હું ફરી એક વાર આવી ગયો છું, પણ આ વખતે હું તને બોલી બોલીને બોર નથી કરવાનો. આ વખતે ગુલાબનું ફૂલ લઇને આવ્યો છું. લેટ ધ ફ્લાવર્સ સ્પિક!’
દૃશ્ય એકદમ રોમેન્ટિક હતું. જો વિશ્વસુંદરી જેવી યુવતી હોય અને કામદેવ જેવો પુરુષ ગોઠણભેર થઇને એની આગળ ગુલાબનું ફૂલ ધરીને પ્રેમનો નિ:શબ્દ ઇઝહાર કરતો હોય તો એ દૃશ્ય જોવા માટે આભની અટારીએ ત્રેત્રીસ કોટિ દેવી-દેવતાઓ ઊમટી પડે, પણ અહીં ખાટલે મોટી ખોટ એ હતી કે વિધાન કામદેવની ભૂમિકામાં ન હતો. યુવાન સંસ્કારી હતો, પણ સોહામણો ન હતો. એ ખરાબ ન હતો અને સ્વભાવથી ખરબચડો પણ ન હતો. જો સંવેદનશીલ હોવું એ અપરાધ ગણાતો હોય તો એ અઠંગ અપરાધી હતો, જો પ્રેમ કરવો એ પાપ ગણાતું હોય તો એ ઘોર પાપી હતો અને આવા સાધારણ દેખાવ સાથે વલ્લરી જેવી શ્રેષ્ઠ રૂપસુંદરી આગળ પ્રેમનો પ્રસ્તાવ મૂકવો તે જો હિંમતનું કામ ગણાતું હોય તો વિધાન સાચા અર્થમાં હિંમતલાલ હતો.
વલ્લરીની દશા કફોડી હતી. આખી કોલેજમાં એના નામના સિક્કા પડતા હતા. એના સૌંદર્યનો જાદુ કાતિલ બનીને સેંકડો યુવાનોને ઘાયલ કરી રહ્યો હતો. એની નજરનું ખંજર, આધેડ પ્રોફેસરોને પણ લોહીઝાણ કરી મૂકતું હતું. એના પગલે પગલે પ્રેમાંધ પુરુષોની લાશો પથરાતી જતી હતી, પણ વલ્લરીએ આજ સુધી કોઇને કોઠું આપ્યું ન હતું. આવી તેજભરી રૂપાંગના બીજા કોઇને નહીં અને વિધાનને રિસ્પોન્સ આપતી હશે! કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના.
પણ વિધાનના મન ઉપર ખરેખર દીવાનગી સવાર થઇ ગઇ હતી. એ વલ્લરીના ગાઢ પ્રેમમાં પડી ચૂક્યો હતો. ભલે એનો પ્રેમ એકતરફી હતો, પણ એની તીવ્રતા મહત્તમ હતી. એને ભણવામાં જરા પણ રસ રહ્યો ન હતો. એનું જીવન હવે એક મુદ્દાનો કાર્યક્રમ બની ગયું હતું: વલ્લરી જ્યાં મળે, જ્યારે મળે અને જેટલીવાર મળે એ દરેક પ્રસંગે જુદી જુદી રીતે એની સમક્ષ પ્રેમપ્રસ્તાવ રજૂ કરવો.
વલ્લરીની પણ એ મજબૂરી બની ગઇ હતી કે દરેક વખતે વિધાનનો પ્રસ્તાવ ઠુકરાવી દેવો, એને અપમાનિત કરવો અને એને ખખડાવી નાખવો. વિધાને એનું જીવવું હરામ કરી નાખ્યું હતું.
વલ્લરીએ એકાદ વાર એક મહિલા લેક્ચરર સમક્ષ આ વાતની રજૂઆત કરી હતી. લેક્ચરરે સલાહ આપી હતી, ‘તારે પ્રિન્સિપાલને મળીને વાત કરવી જોઇએ. પ્રિન્સિપાલ ખૂબ જ કડક છે. તેઓ એ મજનૂને કોલેજમાંથી રસ્ટિકેટ કરી દેશે.’
‘ના, મેડમ! એવું હોય તો મારે પ્રિન્સિપાલ પાસે નથી જવું, વિધાન બીજી બધી રીતે સારો છોકરો છે. મારી જાણમાં આવ્યું છે કે એના પિતા વર્ષો પહેલાં મૃત્યુ પામ્યા હતા. વિધવા માતા પારકાં કામ કરીને એને ભણાવી રહી છે. વિધાન ગ્રેજ્યુએટ થઇ જાય અને નોકરીએ લાગી જાય તો એની માતાના દુ:ખના દિવસો પૂરા થઇ જાય. મારા કારણે વિધાનની કારકિર્દી રોળાઇ જાય એ મને નહીં ગમે.’
બીજા દિવસે વિધાન વલ્લરીના માર્ગમાં જમીન પર આડો સૂઇ ગયો ત્યારે વલ્લરીએ એને પણ આ જ વાત કહી સંભળાવી. ‘મને તારી મમ્મીની દયા આવે છે. એટલે જ હું પ્રિન્સિપાલ આગળ ફરિયાદ નથી કરતી. જો કરું તો તારું ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ રઝળી પડશે.’
વિધાને જમીન ઉપર પડ્યાં પડ્યાં જ જવાબ આપ્યો, ‘મને ડિગ્રી સર્ટિફિકેટ કરતાં તારી સાથેના મેરેજ સર્ટિફિકેટમાં વધારે રસ છે. પ્રિન્સિપાલ કરી કરીને શું કરી લેશે?’ હું તો એમને પણ પૂછીશ કે કોઇને પ્રેમ કરવો એ શું અપરાધ છે? કોલેજના બંધારણમાં ક્યાંય એવું લખ્યું છે ખરું કે કોઇ યુવાન એને ગમતી યુવતીને પ્રેમની પ્રપોઝલ ન આપી શકે? મેં તારી સાથે કોઇ શારીરિક છેડછાડ કરી છે?’
વલ્લરીનો ચહેરો ગુસ્સાથી તમતમી ઊઠ્યો. ‘અત્યારે તું મારા રસ્તામાં આડો પડી ગયો છે એને શું કહેવાય? તું મારા માર્ગને અવરોધી રહ્યો છે.’
‘એવું લાગતું હોય તો તું મારી છાતી પર પગ મૂકીને આગળ જઇ શકે છે. ચાલવા માટે આવો જીવતો, ધબકતો રસ્તો તને બીજે ક્યાંય નહીં મળે.’ વિધાનનો બેફિકરો જવાબ સાંભળીને વલ્લરી ‘માય ફૂટ’ બોલીને આ જીવતું જાગતું સ્પીડબ્રેકર ઓળંગીને વહી ગઇ.
પછી તો વિધાનનો ત્રાસ દિવસે ને દિવસે વધતો ગયો. વલ્લરીને સમજાતું નહોતું કે એ વિધાનની હરકતોને કેવી રીતે ટેકલ કરે? જો વિધાન નખશિખ મવાલી હોત તો એની સાન ઠેકાણે લાવવાનું કામ બહુ સહેલું હતું, પણ એની સૌથી મોટી પોઝિટિવ બાબત એ હતી કે એ બીજી બધી જ વાતે સીધો, સાદો અને સારો છોકરો હતો.
એક દિવસ સાવ અણધાર્યું બની ગયું. વલ્લરી સિટી બસમાંથી ઊતરીને કોલેજની દિશામાં જઇ રહી હતી. ટ્રાફિકના પિક અવર્સ હતા. વાહનોની ભીડ જામી હતી. પૂરપાટ વેગે હજારો વાહનો દોડી રહ્યાં હતાં. અચાનક એક સાઇકલસવાર વલ્લરીની સામે ઊભો રહી ગયો. વલ્લરીનો ગુસ્સો બોઇલરની જેમ ફાટ્યો, ‘વિધાન, તું ખોટા સમયે આવ્યો છે. મારે મોડું થાય છે. આજે તું કંઇ જ બોલતો નહીં. મારાથી ન થવાનું થઇ જશે.’
‘શું થઇ જશે? તારાથી હા પડાઇ જશે?’ વિધાને અલ્લડ અદામાં પૂછ્યું.
વલ્લરીએ ત્રાડ પાડી, ‘શટ અપ!’
વિધાન હસ્યો, પછી આજીજી કરતો હોય એવા ભાવ સાથે બોલ્યો, ‘એક વાર તું મારી સાથે લગ્ન કરવાની હા પાડી દે, પછી હું આખી જિંદગી શટ અપ જ રહીશ.’
વલ્લરી અત્યારે વિધાનના અવાજને કે એ અવાજમાં રહેલા ભાવને સમજવાની સ્થિતિમાં ન હતી. એ ગુસ્સામાં બોલી ગઇ, ‘હું આખી જિંદગી કુંવારી બેસી રહીશ, પણ તારી સાથે તો લગ્ન નહીં જ કરું? તારે જે કરવું હોય તે કર.’
‘હું બીજું તો શું કરી શકું? હું ગુંડો કે મવાલી નથી કે તારું અપહરણ કરી જાઉં. એટલું કહું છું કે હું તને ખૂબ પ્રેમ કરું છું. તારા વગર હું જીવી નહીં શકું.’
‘તો મરી જા.’ વલ્લરીએ ગુસ્સામાં કહી દીધું.
વિધાનનો ચહેરો ફિક્કો પડી ગયો. એની આંખોમાંથી જિંદગી જીવવાનો થનગનાટ ઊડી ગયો. એણે ભાવાવેશમાં આવીને પૂછી લીધું, ‘હું ખરેખર મરી જાઉં? તને એ ગમશે? તું એક વાર હા કહે...’
વલ્લરી હવે સાવ જ ભાન ભૂલી ગઇ હતી. વીતેલા છએક મહિનાની ત્રાસદાયક ઘટનાઓનો કંટાળો એના દિમાગ પર સવાર થઇ ગયો હતો. એ બોલી ગઇ, ‘હા, હું ખરેખર તને કહું છું. તું મરી જા.’
એ સાથે જ વિધાને સાઇકલ સ્ટાર્ટ કરી. પેડલ મારીને દિશા કાટખૂણે બદલી નાખી. રોડના ડિવાઇડરને ઓળંગીને એ બીજા હિસ્સામાં જઇ પડ્યો. વિરુદ્ધ દિશામાંથી આવતા ધમધમતા ટ્રાફિક વચ્ચે એણે પોતાના દેહને ફંગોળી દીધો. કમનસીબે ત્યારે જ એક સિટી બસ પસાર થતી હતી. એનાં ભારે ભરખમ પૈડાં નીચે એનું શરીર દબાઇ ગયું. એક ચીસ પણ પાડી ન શક્યો. રસ્તાના બીજા અડધિયામાં વલ્લરી અર્ધપાગલ જેવી હાલતમાં ઊભી હતી અને એક વિધવા માતાના લાડકવાયાની લાશ જોઇ રહી હતી.
આજે તો વીસ વર્ષ થઇ ગયાં છે આ ઘટનાને. વલ્લરી હવે 40 વર્ષની થઇ ચૂકી છે. એના રૂપના આધાર પર એને ખૂબ સોહામણો અને શ્રીમંત પુરુષ પતિરૂપે મળી ગયો. મોટા બંગલામા બે સંતાનો અને પ્રેમાળ પતિની સાથે વલ્લરી સુખના હિંડોળે ઝૂલી રહી છે, પણ એના દિમાગમાંથી વિધાનના આપઘાતનું દૃશ્ય ખસતું નથી. એ આજે પણ સમજી શકતી નથી કે આવું કેમ થયું? વિધાન એને ખૂબ ચાહતો હતો એ શું વિધાનનો દોષ હતો? પોતે વિધાનના પ્રેમને ન સ્વીકાર્યો એ શું એનો પોતાનો વાંક હતો? અને છતાં પણ એક જીવતો જાગતો યુવાન આ દુનિયામાંથી ચાલ્યો ગયો હતો. શું આ ઘટનાને નિવારી શકાઇ ન હોત? આજે પણ એક રૂપમઢી પ્રગલ્ભા એના નિર્દોષ પ્રેમીની હત્યાનો કાળો ડાઘ પોતાના કપાળ પર લઇને જીવી રહી છે.

X
latest article by dr sharad thakar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી