રણમાં ખીલ્યું ગુલાબ / જિંદગી ને મુઝે અપને ઘર બુલાયા ઔર મહેમાનનવાઝી કરના ભૂલ ગઈ

latest article by de sharad thakar

  • ધનિયાને જ્યારે ખબર પડી કે એના માલિકની દીકરી એના પ્રેમમાં છે ત્યારે એના તો રૂવે રૂવે દીવા પ્રગટી ઊઠ્યા. એને મન પ્રેમ-બ્રેમ જેવું કંઇ હતું નહીં

Divyabhaskar.com

Dec 22, 2019, 07:26 AM IST

ખોબા જેવડું ગામ. ગામ વચ્ચે બે માળની હવેલી જેવું મકાન. દસ માણસનું ભર્યુંભાદર્યું કુટુંબ. પુરુષનું નામ કરસનભાઇ. ઘરવાળીનું નામ લખમીબેન. સાત દીકરીઓ અને એક દીકરાનો વસ્તાર. કરસનભાઇ એ ગામના સૌથી મોટા, સૌથી શ્રીમંત અને સૌથી ભલા જમીનદાર. સાતસો વીઘા જમીનના માલિક. સાતને બદલે ચૌદ દીકરીઓ હોય તોપણ પરવડે. સૌથી મોટી દીકરીનું નામ પાડ્યું હીરા. આખા ગામમાં હીરા સૌથી વધારે રૂપાળી. ગામના બધા તહેવારો હીરાના પગલે શોભી ઊઠે. કરસનભાઇના કાળજાનો કટકો. સાત ખોટના દીકરા કરતાં પણ હીરા વધારે વહાલી.
કરસનભાઇની બુદ્ધિ અને લખમીબેનનું રૂપ લઇને જન્મેલી હીરા સ્વતંત્ર મિજાજની છોકરી હતી. લાડકોડમાં ઉછરેલી હીરા પોતાના મનનું ધાર્યું જ કરતી હતી. એ જમાનામાં ગામડાની છોકરીઓ ખાસ ભણતી નહીં. હીરા કહે, ‘મારે ભણવું છે.’
એની માએ પૂછ્યું, ‘તારે ક્યાં નોકરી કરવા જવું છે? ઘરમાં સમાય નહીં એટલું રૂપ લઇને અવતરી છે. રોજ સવાર પડે છે અને ગામ-પરગામનાં માગાં આવે છે. ભણવાના બદલે પૈણવાનું વિચાર. ’
હીરાએ માની વાતનો જોરદાર વિરોધ કર્યો, ‘તું ય કેવી વાત કરે છે, મા? નોકરી કરવી હોય તો જ માણસો ભણતા હશે?’
ભોળી માએ પૂછ્યું, ‘તો ભણીને બીજું શું કરવાનું?’
‘ભણવાથી સમજણ વધે. જ્ઞાન મળે. સાહિત્યનાં પુસ્તકો વાંચવાની આવડત મળે, આ ગામડાની ધૂળમાંથી ઉપર ઊઠીને કલ્પનાના આસમાનમાં ઊડવા મળે, હૈયામાં ઊઠતી લાગણીઓને અભિવ્યક્ત થવાની.’ આટલું બોલતાંમાં તો હીરા ખરેખર પિતાના ઘરમાંથી ઊંચકાઇને કલ્પનાના પ્રદેશમાં પહોંચી ગઇ.
બિચારી અભણ માતાને આમાંથી ભાગ્યે જ કંઇ સમજાયું, મોટા ભાગનું ઉપરથી વહી ગયું. લખમીબેને પતિને વાત કરી. આ છોડીને સમજાવો. એ તો ભણવાનું કહે છે.
કરસનભાઇએ કહી દીધું, ‘મારી હીરા જેમ કહે તેમ જ આપણે કરવાનું.’
હીરા એસ.એસ.સી.ની પરીક્ષામાં સારા માર્ક્સ લઇ આવી. 11મું, 12મું ભણવા માટે બાજુના શહેરમાં એડમિશન લીધું. કરસનભાઇએ દીકરીને હોસ્ટેલમાં મૂકવાની ના પાડી દીધી. રોજ મૂકવા ને લેવા માટે ગાડી જાય. એક દિવસ હીરાએ ઘરે આવીને ફરિયાદ કરી, ‘ક્લાસમાં બધા મને ચીડવે છે. મારું નામ સાવ ગામડિયું છે.’
કરસનભાઇએ પૂછ્યું, ‘હવે એમાં તો આપણે શું કરી શકીએ?’
હીરાએ રસ્તો બતાવ્યો, ‘મારા ક્લાસ ટીચરે કહ્યું કે એફિડેવિટ કરીને નામ બદલાવી શકાય.’ કરસનભાઇ માટે તો લાડકી દીકરીના મોંમાંથી સરેલો શબ્દ એટલે ઈશ્વરનો આદેશ. હીરાએ પોતાના નામમાંથી કાનો કાઢી નાખ્યો. નામ થઇ ગયુઃ હીર. આ નામ આધુનિક હતું અને એના સૌંદર્યને શોભે તેવું હતું. હીરા તો બધાને ગમી જાય તેવી હતી જ. હવે એનું નામ પણ બધાને ગમવા માંડ્યું.
હીરાએ જેવું ધાર્યું હતું તેવું જ થયું. શહેરમાં ગયા પછી એનું વાંચન વધ્યું. કોલેજમાં ગયા પછી એની સમજણ વધી. રોમેન્ટિક વાર્તાઓ અને નવલકથાઓના વાંચનથી એના કલ્પનાને પાંખો ફૂટી. એનું મન હવે વાસ્તવકિતાના વિશ્વમાં રહેવાને બદલે કલ્પનાની સૃષ્ટિમાં રાચવા લાગ્યું. શરીરની અંદર છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી હોર્મોન્સનો સ્રાવ શરૂ થઇ ગયો હતો અને બાહ્ય અંગોમાં પણ ફેરફાર થવા માંડ્યો હતો. હૈયું કોઇ વિજાતીય વ્યક્તિનો સંગાથ ઝંખવા માંડ્યું હતું. 18 વર્ષની ઉંમર તો ખૂબ જ નાજુક હોય છે. ખાસ કરીને મુગ્ધા માટે. જેવી રીતે ઢાળ ઉપરથી દદડતું પાણી માર્ગમાં આવતા પહેલા અવરોધ પાસે અટકી જાય છે તેવી જ રીતે યૌવનમાં વહેતી અને મહેકતી મુગ્ધા એના જીવનમાં આવતા પ્રથમ પુરુષ પાસે અટકી જાય છે. હીરની બાબતમાં પણ આવું જ બન્યું.
18 વર્ષની રૂપયૌવના હીર કરસનભાઇના ખેતરમાં મજૂરી કરતા ધનિયાને પોતાનું દિલ આપી બેઠી. ધનિયો દૂરના જંગલી વિસ્તારમાંથી ચાર મહિના માટે ખેતમજૂરી કરવા આવ્યો હતો. કાળો સીસમ જેવો દેહ. પરસેવાના કારણે તેલ લગાવેલું જંગલી કાષ્ઠ હોય તેવો લાગે. ધૂળથી ભરેલા વાળ. પાતળી મૂછો. વીંધાવેલા કાન. ટૂંકી પોતડી અને હોઠ ઉપર ગુંજતાં રહેતાં તળપદાં ગીતો. હીર અને ધનિયા વચ્ચે તીવ્ર વિરોધાભાસ. બંનેની બૌધિક કક્ષા પણ સાવ અલગ. ધનિયાને જ્યારે ખબર પડી કે એના માલિકની દીકરી એના પ્રેમમાં છે ત્યારે એના તો રૂવે રૂવે દીવા પ્રગટી ઊઠ્યા. એને મન પ્રેમ-બ્રેમ જેવું કંઇ હતું જ નહીં. એને મન તો સ્ત્રી એટલે માત્ર શરીર. એક દિવસ આથમતી સાંજે ક્યારામાં પાણી વાળતાં વાળતાં એણે હીરને ખેતરમાં આવતી જોઇ. હીર એને મળવા માટે જ આવી હતી. ધનિયાએ એને કૂવામાંથી પાણી ખેંચવાના મશીનની ઓરડીમાં જવાનો ઇશારો કર્યો અને તે પછીના અડધા કલાકમાં સીસમ જેવો નર અને ચાંદી જેવી નારી વચ્ચે હનીમૂન ઊજવાઇ ગયું. ધનિયાને મન આ માત્ર એક શિકાર હતો, પણ હીરને મન આ સાચો પ્રેમ હતો.
કહેવાય છે કે પ્રેમ, પાયલ અને ખાંસી છુપાવ્યાં છુપાવી શકાતાં નથી. હીર અને ધનિયાના છાનગપતિયાંની વાત ગામલોકોમાં ચર્ચાવા માંડી. છેવટે કરસનભાઇના કાન સુધી પહોંચી ગઇ. કરસનભાઇને દીકરી ઉપર એટલો બધો વિશ્વાસ હતો કે આ વાત એમને સાવ જ ખોટી લાગી. તેમ છતાં એમણે પૂછવા ખાતર દીકરીને પૂછયું, ‘બેટા, મારા કાને વાત આવી છે તે સાચી?’
હીર સમજી ગઇ કે પિતા શું પૂછવા માગે છે? તેણે કહી દીધું, ‘હા. એ સાચી વાત છે. હું ધનજીને પ્રેમ કરું છું.’
કરસનભાઇને ક્રોધ ચડ્યો. ધનજી? એને ધનિયો કહે ધનિયો. એનો સમાજ, એનું શિક્ષણ, એનું ઘર; આ બધું તું જાણે છે? ધનજી નામ રાખવાથી ધનવાન નથી થઇ જવાતું. ધનિયો જંગલમાં રહે છે અને ચાર મહિનાની ખેતમજૂરી ઉપર બાકીના આઠ મહિના ખેંચી કાઢે છે. ખાવાનું ધાન ન મળે ત્યારે ઝાડનાં પાંદડાં બાફીને ખાય છે. આવા માણસ સાથે તો તારાથી વાત પણ ન થાય. હવે પછી તારે ક્યારેય ખેતરમાં નથી જવાનું.’
હીર બેધડક હિંમતપૂર્વક બોલી ગઇ, ‘મારે તો ધનજીના ઘરમાં જવું છે. એની ઘરવાળી બનીને રહેવું છે.’
લખમીબેન રડવા માંડ્યાં. છ બહેનો પણ હીરને વળગી પડી. સૌથી નાનો ભાઇ ડઘાઇને આ બધું જોઇ રહ્યો. એ રાત, એ હવેલી ઉજાગરામાં કણસતી રહી. બીજા દિવસે સવારે હીર કોઇને કહ્યા વગર ઘરમાંથી ચાલી ગઇ. ધનજીની સાથે ભાગી ગઇ. ગામમાં હાહાકાર વ્યાપી ગયો. કરસનભાઇને લાગ્યું કે એમની સાત પેઢીની આબરૂ ધૂળમાં મળી ગઇ. હીર એમને એટલી બધી વહાલી હતી કે આ ઘટનાના પગલે એમને પ્રચંડ આઘાત લાગ્યો અને હૃદયરોગનો જોરદાર હુમલો આવી ગયો. એમને શહેરમાં લઇ જવાય તે પહેલાં જ એમણે આ દુનિયા છોડી દીધી.
ઘરની આર્થિક સ્થિતિ સધ્ધર હતી એટલે બીજી છ દીકરીઓને ઉછેરવામાં અને પરણાવવામાં કોઇ વિશેષ તકલીફ તો ન પડી, પણ માણસની ખોટ પડી એ ખૂબ મોટી હતી. લખમીબેને પોતાનું પૂરું ધ્યાન દીકરાને મોટો કરવામાં કેન્દ્રિત કરી દીધું. પરિવારના બધા જ સભ્યો હીરને સાવ જ ભૂલી ગયા.
ધનજી અને હીર પૂરાં દસ વર્ષ સુધી સુખપૂર્વક સાથે રહ્યાં. એ દરમિયાન એમને બે સંતાનો થયાં. એક દીકરો અને એક દીકરી. હવે ધનિયાનું મન પત્નીથી ભરાઇ ગયું હતું. એણે પોતાની સાથે ખેતમજૂરી કરતી એની જ જ્ઞાતિની એક યુવતી સાથે ચક્કર ચાલુ કરી દીધું. હીરના કાને વાત આવી. હીરે વાંધો ઉઠાવ્યો. બીજા દિવસે ધનિયો એની પ્રેમિકાને ઘરે લઇ આવ્યો. એણે હીરને કહી દીધું, ‘આ મારી બીજી પત્ની તરીકે ઘરમાં જ રહેશે. તને પોસાય તો રહે નહીંતર ચાલી જા.’
પ્રેમ નામના કાલ્પનિક આસમાનમાં ઊડતી હીર એક દાયકાના ભ્રામક સંસારમાંથી અચાનક આઘાત પામીને ભોંય પર પછડાઇ. બંને બાળકોને લઇને નિર્ધન ધનજીનું ઘર છોડીને નીકળી ગઇ.
હીર પોતાના પિતાના ઘરે પાછી ફરી, પણ એની માએ અને ભાઇએ એને ઘરમાં પ્રવેશવા ન દીધી. ભાઇએ સંભળાવી દીધું, ‘તારા કારણે મેં પિતાનો છાંયડો ગુમાવ્યો છે. હવે આ ઘરમાં તારા માટે કોઇ સ્થાન રહ્યું નથી.’ નાછૂટકે હીર બંને બાળકોને લઇને શહેરના એક નારીગૃહમાં રહેવા માંડી. નારીગૃહમાં ગૃહમાતા તરીકે જે સન્નારી હતાં તે અત્યંત સમજદાર અને માયાળુ હતાં. બે-ચાર મહિના તો એમણે કંઇ ન કહ્યું, પણ પછી એમણે હીરને સમજાવી, ‘બેટા, તારી આખી જિંદગી નારીગૃહમાં પસાર નહીં થઇ શકે. તું નોકરી પણ નથી કરતી. તારાં સંતાનોનું ભવિષ્ય...’
‘હું પણ એ જ વિચારતી હતી. હું બીજાં લગ્ન કરવા માગું છું. તમે કોઇ ઘર શોધી આપો.’
અત્યારે હીર 52 વર્ષના એક વિધુર પુરુષની પત્ની બનીને પોતાનાં સંતાનો માટે એક સધ્ધર આશરો શોધી કાઢવાનું આશ્વાસન લઇને જીવી રહી છે. પેલા અઢી અક્ષરના લપસણા શબ્દ ઉપરનું ચળકતું અબરખી આવરણ ક્યારનું ઊતરી ગયું છે.

X
latest article by de sharad thakar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી