રણમાં ખીલ્યું ગુલાબ / મૈં ખ્યાલ હૂં કિસી ઔર કા મુઝે સોચતા કોઈ ઔર હૈ

latest article by de sharad thakar

  • ‘લાખિયો તો સહી કરી આપે, પણ હું પોતે જ નહીં કરી આપું. મેં એને સાચો પ્રેમ કર્યો છે, પ્રેમનું નાટક નથી કર્યું. તું અને પપ્પા મને મારી નાખશો તો પણ હું મારા પતિને છોડીશ નહીં.’

Divyabhaskar.com

Dec 08, 2019, 07:19 AM IST

અનુભાઇ અને અનુબહેન ખુશ ખુશ થઇ ગયાં. એમની યુવાન દીકરી ટીમ્સી હજુ તો એમ.એ. પાર્ટ-2માં ભણતી હતી ત્યાં જ અમદાવાદના એક એન્જિનિયર યુવાનનું માગું આવ્યું. તેજસ બ્રિલિયન્ટ યુવાન હતો. અગાઉથી ફોન કરીને નિર્ધારિત દિવસે એ ટીમ્સીને જોવા માટે આવી ગયો. સાથે બીજા સાત જણાનું લાવલશ્કર પણ હતું. મમ્મી-પપ્પા, કાકા-કાકી અને ત્રણ કઝિન્સ, બે શોફર ડ્રિવન લક્ઝુરિયસ ગાડીઓ અનુભાઇના સામાન્ય ફ્લેટ સામે આવીને ઊભી રહી ગઇ. કહેવા પૂરતી સોસાયટી હતી, પણ માચીસના ખોખા જેવા ફ્લેટ્સનું ઝુંડ ઊભું હતું. વચ્ચેના ખાલી ચોકઠામાં ગાડીઓ પાર્ક થઇ ગઇ. ગાડીઓનાં બારણાં ખૂલ્યાં. રાજકુંવર જેવો તેજસ અને શ્રીમંત પરિવારજનો બહાર નીકળ્યા. બાલ્કનીઓમાં ધસી આવેલા પાડોશીઓની આંખોમાં વિસ્મય અને ઇર્ષ્યાની મિશ્ર રેખા ખેંચાઇ ગઇ. આ ભૂખડીબારસના ઘરે આવા લોકો ક્યાંથી?

અનુભાઇની છાપ આડોશપાડોશમાં બહુ સારી ન હતી. એમનું શરીર એટલે આળસનો થેલો અને મગજ એટલે ક્રોધનું ઘર. સારી વાત એક જ હતી કે ઈશ્વરે દીકરી રૂપાળી આપી હતી.અનુભાઇ તો ઘરમાં પાટ ઉપર બેસી રહ્યા, પણ અમીબહેન મહેમાનોને આવકારવા માટે બહાર દોડી આવ્યાં. નાનકડા ડ્રોઇંગ રૂમમાં બધાં સાંકડમોકડ ગોઠવાયાં. તેજસનાં કાકીનું મોઢું ફુંગરાઇ ગયું. એ ધીમેથી બબડી ઊઠ્યાં, આવા ભૂખડીબારસની કન્યા તે લેવાતી હશે!

તેજસની મમ્મીએ દેરાણીનો હાથ દબાવીને માત્ર એ જ સાંભળી શકે એવો ગણગણાટ કર્યો, ‘ઉકરડામાં દીકરી અપાય નહીં; પણ ઉકરડામાં પડેલી કન્યા જો ચમકતા હીરા જેવી હોય તો લઇ લેવાય. લગ્ન પછી એ આવવાની છે તો આપણા જ ઘરમાંને?’

થોડી આડીઅવળી વાતો ચાલી. ખોરો ચેવડો અને સ્થાનિક બનાવટના સસ્તા પેંડાનો નાસ્તો પીરસાયો. પછી મોળા મોળા આગ્રહ સાથે ગળી ગળી ચા પીરસવામાં આવી. સૌરાષ્ટ્રની ચા સૌરાષ્ટ્રના લોકોને જ ભાવે. ઉકાળેલું શરબત જ હોય. અમદાવાદથી આવેલા મહેમાનોનું મોઢું ભાંગી ગયું, પણ કન્યા જોઇને બધાનાં મન તરબતર થઇ ગયાં. તેજસના પપ્પાએ ઊભા થતાં પોતાનો નિર્ણય જાહેર કરી દીધો, ‘અનુભાઇ, અમને કન્યા પસંદ છે. અમારા તરફથી હા જ સમજી લેજો.’
‘તો અમારી પણ હા જ છે.’ મેલખાઉં ઝભ્ભો અને ઊભા પટ્ટાવાળો લેંઘો પહેરેલા અનુભાઇએ પહેલી વાર આળસ દાખવ્યા વગર તક ઝડપી લીધી.
અમીબહેન તો હરખનાં માર્યાં અડધાં અડધાં થઇ ગયાં. ‘હવે જમીને જ જજો. એક કલાકમાં ફટાફટ રસોઇ...’

તેજસના પપ્પા ઊભા થઇ ગયા, ‘ના, તમને તસ્દી નથી આપવી. રિટર્ન જર્નીમાં હાઇ વે પરની કોઇ રેસ્ટોરાંમાં જમી લઇશું. હવે તમે લોકો અમદાવાદ આવજો. સગાઇ કરતા પહેલાં તમે પણ અમારો બંગલો જોઇ લો.’

મહેમાનો ગયા. ગાજવીજ સાથે આવ્યા હતા; પૂરની પેઠે ચાલ્યા ગયા. એમના ગયા પછી અમીબહેન તો હરખઘેલાં થઇ ગયાં. દીકરીને ભેટીને પાગલની જેમ બોલવા લાગ્યાં, ‘તારા તો નસીબ ઊઘડી ગયાં ટીમ્સી. આ 35 વર્ષ જૂના ફ્લેટમાંથી તું બંગલામાં રહેવા ચાલી જઇશ. બબ્બે ગાડીઓ, નોકરચાકરો, કપડાંલત્તા, ઘરેણાં. રૂપાળી તો છે જ. ત્યાં જઇને મહારાણી બની જઇશ.’

મમ્મીના હરખના ઊભરામાં ગૂંગળાઇ રહેલી ટીમ્સીએ અમીબહેનના કાનમાં ગણગણાટ કર્યો, ‘મમ્મી, હું આ છોકરા સાથે મેરેજ કરી શકું તેમ નથી. મેં છ મહિના પહેલાં તમારાથી છુપાવીને મેરેજ કરી લીધા છે.’

‘હાય! હાય! આ તેં શું કર્યું છોકરી? તને કંઇ ભાન છે કે તું શું બોલે છે? તારામાં તો અક્કલ બળી છે કે નહીં? આવો સારો મુરતિયો કોઇ હાથમાંથી જવા દેતું હશે? હવે મોઢામાંથી ફાટ તો ખરી કે કોની સાથે ફેરા ફરીને બેઠી છે? અને પરણી ગઇ છે તો પછી તારા વરના ઘરમાં રહેવું હતુંને? અમારા ઘરમાં શું કામ પડી રહી છે?’ અમીબહેન ભાંગી પડ્યાં. એમની આંખોમાં ઊગેલું બંગલાનું નવજાત સપનું રોળાઇ ગયું. હવે એમના મનમાં ઊંડે ઊંડે એક જ આશા બચી હતીઃ ટીમ્સીએ જે કર્યું તે ખરું, પણ એણે શોધેલાં વર અને ઘર આ અમદાવાદવાળા તેજસ જેવો જ કે એનાથી ચડિયાતો હોય તો વાંધો નહીં.

આ બીજું નવજાત સપનું પણ ચકનાચૂર થઇ ગયું, જ્યારે ટીમ્સીએ જવાબ આપ્યો, ‘એનું નામ લાખિયો છે. મારી કોલેજની સામે ચાની લારી છે. એકલી ચા જ નથી વેચતો, સાથે સિઝનલ નાસ્તો પણ રાખે છે. અમે ત્રણ વર્ષથી પ્રેમમાં હતાં. હું તો તમને જાણ કરવાની હતી, પણ લાખિયાએ મને રોકી. એણે કીધું કે પહેલાં આપણે લગ્ન રજિસ્ટર્ડ કરાવી નાખીએ. પછી તું તારા પપ્પાના ઘરમાં જ રહેવાનું ચાલુ રાખજે. તું એમ. એ. પૂરું કરી લે. એ પછી તને નોકરી મળી જશે. પછી આપણે લોન લઇ અને કોઇ સસ્તું ઘર ખરીદી લઇશું. ફોગટિયાપરામાં ત્રીસેક હજાર રૂપિયામાં એક રૂમ મળી જશે. તારા પગારમાંથી લોનના હપ્તા ભરાઇ જશે એટલે મેં તમને કીધું નહીં.’

અમીબહેને ઠૂઠવો મૂક્યો, ‘એટલે એમ કહેને કે તારી કમાણીમાંથી જ તારે ઘર ઊભું કરવાનું છે. હવે એટલું કહી દે કે તારા એ લાખાધિરાજ કયા મહેલમાં રહે છે?’
અત્યારે તો એ લારી ઉપર જ સૂઇ જાય છે. ચોમાસામાં લારીની નીચે.’ છેલ્લો જવાબ આપતી વખતે તો ટીમ્સી પણ રડમસ થઇ ગઇ હતી.

હવે અનુભાઇ મેદાનમાં આવ્યા. લબડતા નાડાવાળા લેંઘા સાથે ઊભા થયા અને તાડૂક્યા, ‘આવાં લગનબગન ચલાવી ન લેવાય. હું પણ અત્યારે જ એ લાખિયા લારીવાળાને ધમકાવવા જાઉં છું. એની પાસેથી છૂટાછેડા લખાવી લાવું છું. જો એ નહીં માને તો એનોય રસ્તો છે મારી પાસે. બે-ચાર માથાભારે ગુંડાઓને કહીને એ લાખિયાના હાથ-પગ તોડાવી નાખું છું. પછી સાલો એની જ લારી પાસે બેસીને ભીખ માગશે.’

ઘરનું વાતાવરણ દુઃખી દુઃખી થઇ ગયું. સાંજ સુધીમાં અનુભાઇએ એમના નજીકના બે-ચાર મિત્રોને બોલાવી લીધા. વિશ્વાસમાં લઇને વાત કરી. સલાહ માગી. એક જાણકારે કહ્યું, ‘અનુભાઇ, લાખિયો છૂટાછેડા તો લખી આપશે. એ કંઇ બહુ અઘરું કામ નથી, પણ એક તકલીફ થશે. ટીમ્સી અને તેજસનાં લગ્ન થઇ જાય એ પછી કાયદા અનુસાર તમારે એ મેરેજનું રજિસ્ટ્રેશન કરાવવા જવું પડશે. હવે બધું કમ્પ્યૂટરાઇઝ્ડ થઇ ગયું છે. ત્યાં ફોર્મ ભરતી વખતે ટીમ્સીનું મેરિટલ સ્ટેટસવાળું ખાનું આવશે. એ ભરતી વખતે લોચો પડશે, કારણ કે એમાં આપોઆપ કમ્પ્યૂટર કહી દેશે કે ટીમ્સી ડિવોર્સી છે. એ જાણ્યા પછી તેજસ શું કરશે એ તમે સમજી શકો છો. બેબીના બેય બગડશે.’

આ બધું સાંભળી રહેલાં અમીબહેને ફ્રેશ ઠૂઠવો મૂક્યો. દીકરીના ખભા પકડીને ઝંઝેડી નાખી, આમ ટગર ટગર જોયા શું કરે છે? મોઢામાંથી ફાટ તો ખરી! તારો એ લાખિયો છૂટાછેડાના કાગળ ઉપર સહી તો કરી જ આપશેને? અમીબહેનને પૂરી ખાતરી હતી કે જગતનો કોઇ પણ કાગડો એક વાર ચાંચમાં પકડાયેલું દહીંથરું છોડી દે નહીં, પણ આ કિસ્સામાં તો સાવ ઊંધું જ બન્યું!

મમ્મીનાં આંસુથી જરા પણ ભીની થયા વગર પથ્થરિયો ચહેરો કરીને ટીમ્સીએ જવાબ આપ્યો, ‘લાખિયો તો સહી કરી આપે, પણ હું પોતે જ નહીં કરી આપું. મેં એને સાચો પ્રેમ કર્યો છે, પ્રેમનું નાટક નથી કર્યું. તું અને પપ્પા મને મારી નાખશો તો પણ હું મારા પતિને છોડીશ નહીં.’ ઘરમાં સન્નાટો પ્રસરી ગયો. અનુભાઇ પાટ ઉપર બેઠા હતા એમાંથી લાંબાલસરક થઇ ગયા. એમના એક મિત્ર વર્ષો પહેલાં કોલેજમાં રોમિયો-જુલિયેટ બની ચૂક્યા હતા. એમને અત્યારે યાદ આવી ગયું. ‘આ જગતમાં આદિકાળથી આવું જ ચાલ્યું આવે છે. પ્રેમમાં પડેલા છોકરાઓને પાછા વાળી શકાય, પણ છોકરીઓ ક્યારેય પાછી વળતી નથી. અનુભાઇ હવે મહેનત કરવી રહેવા દો. દીકરી હાથમાંથી જતી રહી છે એમ સમજીને આ સંબંધને સ્વીકારી લો. લાખિયાને બોલાવીને વહેવારનું સમજી લો અને કન્યાદાનનું પુણ્ય કમાઇ લો.’
બે દિવસ પછી આડોશપાડોશમાં સમાચાર ફેલાઇ ગયા કે અનુભાઇની અપ્સરા કોઇ લારીવાળા મુફલિસ જોડે ભાગી ગઇ. આ સમાચારની ડમરી ઊડી એમાં પાડોશીઓ માટે ઘણા બધા રસો સમાવિષ્ટ હતા. વિસ્મય રસ, આઘાતનો રસ, કૂથલી રસ, રોમાંચ રસ અને અદભુત રસ, પણ થોડા દિવસ પછી જ્યારે આ ડમરી શમી ગઇ ત્યારે બધાની પાસે માત્ર એક જ રસ બચ્યો હતોઃ એ હતો પ્રશંસા રસ. સૌનાં મોંએ એક જ વાત હતી, ‘ટીમ્સી ટસની મસ ન થઇ તે ન જ થઇ. આનું નામ પ્રેમ! ભલે વર ગરીબ હોય, પણ ટીમ્સી કમાઇને ઘર ઊભું કરી લેશે. છોકરી ખરેખર વફાદાર નીકળી.’

હજુ એક રસ આવવાનો બાકી હતો. એ છ મહિના પછી આવ્યો. લાખિયો એક દિવસ એની ધણિયાણીને ચોટલેથી પકડીને મારતો મારતો અનુભાઇના ઉંબરા સુધી ઢસડી લાવ્યો. પાડોશીઓ ભેગા થઇ ગયા. અનુભાઇના લેંઘાનું લાંબું નાડું વધારે લાંબું થઇ ગયું. ‘શું થયું જમાઇરાજ, મારી સંસ્કારી દીકરી પર હાથ શા માટે ઉપાડો છો? તમારું તો પ્રેમલગ્ન છે.’ લાખિયો આખી સોસાયટીમાં સંભળાય તેવા અવાજમાં ગર્જ્યો, શેનું પ્રેમલગ્ન. પ્રેમ તો મેં કર્યો હતો. તમારી દીકરી તો છિનાળ નીકળી. એક વાર એનો મોબાઇલ મારા હાથમાં આવી ગયો ત્યારે ખબર પડી. છેલ્લા દોઢેક વર્ષથી એ બીજા કોકની સાથે લફરામાં હતી. હવે રાખો એને તમારા ઘરમાં.’

X
latest article by de sharad thakar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી