ડૉક્ટરની ડાયરી / બેવજહ હૈ, તભી તો દોસ્તી હૈ, વજહ હોતી, તો વ્યાપાર હોતા!

doctor ni dayri by doctor sharad thakar

Divyabhaskar.com

Jul 10, 2019, 08:42 AM IST

બાઇલની રિંગ વાગી. સ્ક્રીન પર ઝબૂકતો નંબર મારા માટે અજાણ્યો હતો. મેં કોલ રિસીવ કર્યો. અવાજ પણ અજાણ્યો હતો. બોલી રહ્યો હતો, 'આપ જ ડો. શરદ ઠાકર? ડોક્ટરની ડાયરીના લેખક? મારે આપને મળવા આવવું છે.'

પાછલાં 25-26 વર્ષમાં હજારો વાચકોને મળી મળીને હું હવે માનસિક થાક અનુભવી રહ્યો છું. એટલે હવે કોઇને મળવાનો સમય આપતો નથી. શક્ય હોય ત્યાં સુધી ફોન પર જ વાચકની લાગણી સ્વીકારી લઉં છું. આ અજાણ્યા 'કોલર'ને પણ મેં એમ જ ટાળવાનો પ્રયત્ન કર્યો, 'ભાઇ, મળવાની વાત જવા દો. જે કહેવું હોય તે ફોનમાં જ પતાવો.'
'સર, મારે ખાલી એમનેમ મળવું નથી. મારે તમારી મેડિકલ એડવાઇસ જોઇએ છે. અમારાં લગ્નને ચાર વર્ષ થયાં, પણ અમારે કોઇ સંતાન નથી.'

'તમારા ગામનું નામ શું?' મેં પૂછ્યું. એણે જે નામ જણાવ્યું તે સૌરાષ્ટ્રનું એક ખૂબ જાણીતું ટાઉન છે. એ અમદાવાદથી ચાર કલાકના અંતર પર આવેલું છે. હું જાણતો હતો કે એ ટાઉનમાં પાંચ-સાત જેટલા ગાયનેકોલોજિસ્ટ્સ પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ ફોન કરનાર બાપડો એટલે દૂરથી સારવાર માટે મારી પાસે લાંબો થાય એ મને ગમતી વાત ન હતી. હું જે નિદાન, તપાસ કે સારવાર કરી શકું છું એ બધું ત્યાંના ડોક્ટરો પણ કરી જ શકે છે.

પણ એ પુરુષના અવાજમાં કંઇક એવું તત્ત્વ હતું કે જેને હું ટાળી ન શક્યો. 'સર, મેં અહીંના ડોક્ટોરોને બતાવી જોયું છે. એ લોકો પાસે આવડત હશે એની ના નથી, પણ એમાંના કોઇની પાસે દર્દીની સાથે વાત કરવાનો સમય નથી. કોઇ મને સમજાવતું નથી કે અમારે શા કારણે બાળક થતું નથી? હું પૈસા ખર્ચીને થાકી ગયો છું. એક વાર તમારી પાસે આવવું છે. તમે જે નિદાન કરો તે સાચું.'

અને આમ એક દિવસ બપોરે સાડા બાર વાગ્યે નરેશભાઇ અને એમનાં પત્ની ગિરાબહેન મારા ક્લિનિકમાં આવી પહોંચ્યાં. સીધાસાદા અને સરળ મનના માણસો લાગતા હતા. આર્થિક સ્થિતિ ખૂબ સધ્ધર પણ ન ગણાય અને નબળી પણ નહીં. મેં કેસપેપર કાઢ્યું. કેટલાક પ્રશ્નો પૂછી લીધા. ફાઇલોમાં બંધ કાગળો વાંચી લીધાં. ચેકઅપ કરી લીધું. લગભગ કરવા જેવાં બધાં જ પરીક્ષણો થઇ ચૂક્યાં હતાં. મારા મતાનુસાર એક જ તપાસ બાકી રહેતી હતી.

મેં સલાહ આપી, 'તમારાં વાઇફને ડાયાગ્નોસિસ માટે લેપ્રોસ્કોપી કરાવવાની જરૂર છે. સાથે હિસ્ટ્રોસ્કોપી પણ થઇ જશે. તે પછી જ ખબર પડશે કે ગરબડ ક્યાં છે? તમે અત્યાર સુધી જેટલા ટેસ્ટ્સ કરાવ્યા છે તે તમામના રિપોર્ટ્સ નોર્મલ આવ્યા છે. નરેશભાઇએ વિચારવા માટે એક ક્ષણ પણ બગાડ્યા વગર કહી દીધું, તમે અમને તારીખ આપો. અમે આવી જઇશું.'
મને એનો જવાબ અને એની તત્પરતા જોઇને આશ્ચર્ય થયું, કારણ કે મોટા ભાગના દર્દીઓ હા પાડતા પહેલાં લેપ્રોસ્કોપી વિશે અસંખ્ય સવાલો પૂછતા હોય છે. મારે સારો એવો સમય ખર્ચીને લેપ્રોસ્કોપી એ શું છે, એના માટે દવાખાનામાં કેટલો સમય રહેવું પડે, એના દ્વારા શું શું જાણી શકાય અને કેટલો ખર્ચ થાય? આ બધું જ સમજાવવું પડે છે. નરેશભાઇએ આમાંનો એક પણ સવાલ પૂછ્યો નહીં.

મને પણ એની સરળતા જોઇને થયું કે આ લોકો આટલે દૂરથી અમદાવાદ સુધીનો ધક્કો ન ખાય તો બહેતર રહેશે. દર્દીને હેરાન કરીને બે પૈસા કમાવા મળે એ વાતમાં મને ક્યારેય રસ પડ્યો નથી. એટલે મેં એને કહ્યું, 'લેપ્રોસ્કોપી માટે તમારે મારી પાસે આવવાની જરૂર નથી. તમારા ટાઉનમાં ત્રણ ડોક્ટરો આ કામ કરે જ છે. તમે એમાંના કોઇ પણ એકની પાસે જઇ શકો છો.'

'અમે એ ત્રણેય પાસે જઇ આવ્યાં છીએ. અમારે તમારા દવાખાનામાં જ આ તપાસ કરાવવી છે. તમે જેટલી ફી કહેશો એટલી હું આપવા તૈયાર છું. તમે તારીખ જણાવો.' નરેશભાઇના અવાજમાં અડગતા હતી, એમનાં વાક્યોમાં મારા પ્રત્યેનો વિશ્વાસ રહેલો હતો અને એમના બોલવાની શૈલીમાં નિર્ણય લઇ લીધો હતો એ વાતનો ટંકાર હતો.

મારી પાસે બીજો કોઇ રસ્તો બચ્યો ન હતો. મેં તારીખ કાઢી આપી. નિર્ધારિત દિવસે તે બંને આવી ગયાં. પોતાની માલિકીની ગાડીમાં અમદાવાદ પહોંચતાં ચાર કલાક થતા હતા, પણ નરેશભાઇ પાસે કાર ન હતી. મોડી રાતની બસમાં બેઠાં તે છેક વહેલી સવારે પહોંચ્યાં. બપોરે એક વાગ્યે કામ પૂરું થયું. એ આખો દિવસ તેઓ દવાખાનામાં જ રોકાઇ ગયાં. બીજા દિવસે સવારે બસમાં બેસીને એમના ઘરે પહોંચી ગયાં. એ આખો દિવસ હું નરેશભાઇની ગતિવિધિ નિહાળ્યા કરતો હતો. નાની-નાની વાત માટે એમણે દોડાદોડી કરવી પડતી હતી. પત્ની માટે દવાઓ લઇ આવવી, ઓપરેશનના બે કલાક પછી પત્નીને આપવા માટે આઇસ્ક્રીમ લઇ આવવો, સાંજે ફ્રૂટ્સ લઇ આવવાં. મને દયા આવી ગઇ. ઠંડું પાણી, ચા અને રાતના ભોજન માટે ખીચડી-દૂધની વ્યવસ્થા મેં મારા જ ઘરેથી કરી આપી. બીજા દિવસે એમના ગયા પછી હું મનોમન વિચાર કરતો બેઠો હતો. શું મળ્યું નરેશભાઇ અને ગિરાબહેનને? જે કામ મેં કરી આપ્યું તે જ કામ એમના જ ટાઉનના સ્થાનિક ડોક્ટર પણ કરી શકતા હતા. અમદાવાદમાં આવીને એમણે જે હાલાકી ભોગવવી પડી તેમાંથી બચી શકાયું હોત. આવવા-જવાનું બસભાડું પણ બચી ગયું હોત. ડોક્ટર પ્રત્યેની શ્રદ્ધા દર્દી પાસે શું શું નથી કરાવતી રહેતી?!

મારા મનમાં ઘુમરાતો પ્રશ્ન કે, 'મારી પાસે આવીને આ લોકોને શું મળ્યું?' એનો જવાબ ઇશ્વરે બીજા જ મહિને આપી દીધો. નરેશભાઇ અને ગિરાને રિઝલ્ટ મળી ગયું હતું. ગિરા ગર્ભવતી હતી. દસ દિવસ પછી કન્ફર્મ થઇ ગયું. તરત જ નરેશભાઇનો ફોન આવ્યો, 'સર, અમારે ચેકઅપ માટે આવવું છે. સમય આપો.'

'અરે ભાઇ! હવે તમારે મારી પાસે આવવાની જરૂર નથી. તમે પ્રેગ્નન્સી માટે સ્થાનિક ડોક્ટર પાસે જઇ શકો છો. કારણ વિના અહીં સુધી લાંબા થવાની કે બસભાડું ખર્ચવાની જરૂર નથી.' મેં ભારપૂર્વક એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ ન માન્યા. મારે સમય આપવો જ પડ્યો. એ લોકો આવી ગયાં. મેં ચેકઅપ પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું. સાથે ભારપૂર્વક સલાહ પણ આપી, 'હવે પાંચ મહિના સુધી અહીં ન આવશો. ત્યાંના ડોક્ટરને જ બતાવતા રહેજો. જરૂર પડે તો એ ડોક્ટરને કહેજો કે મારી સાથે ફોન પર વાત કરે.' મારી વાત એમને ગમી તો નહીં, પણ એમણે સ્વીકારી લીધી. એમનું ચાલ્યું હોત તો દર મહિને એ બંને મારી પાસે જ આવી ગયાં હોત. ત્યાંના ડોક્ટરે યોગ્ય રીતે જ એમને સારવાર આપી. પાંચ મહિના પૂર્ણ થયા બાદ 4-ડી સોનોગ્રાફી કરાવવા માટે તેઓ ફરી એક વાર અમદાવાદ આવ્યાં. બધું નોર્મલ હતું. ખુશ થઇને પાછાં ગયાં. દર મહિને નરેશભાઇનો ફોન આવતો રહેતો હતો. દર વખતે એ ભારપૂર્વક અને ભાવપૂર્વક એક જ વાત કરતા રહેતા હતા, 'સર, અમારા બાળકનો જન્મ તમારા હાથે જ કરાવવો છે. તમે અમને સૂચના આપો કે ડિલિવરીની તારીખ પહેલાં અમે કેટલા દિવસ અગાઉ તમારા દવાખાનામાં દાખલ થઇ જઇએ.'

મેં ઘસીને ના પાડી દીધી. 'ખબરદાર જો એવું કર્યું છે તો! ડિલિવરીની તારીખ તો મેં કાઢી આપી છે, પણ આભ અને ગાભનો ભરોસો ન થઇ શકે. કદાચ તમારે બે-ત્રણ અઠવાડિયાં અહીં જ રહેવું પડે. ત્યાં સુધી તમને ખાવા-પીવાની અને બીજી અનેક નાની-મોટી ચીજવસ્તુઓની જરૂર પડે. હું જે કામ અહીં કરું છું એવું જ કામ તમારા શહેરના ડોક્ટરો પણ કરી શકે છે. નાહકનું ગાંડપણ છોડી દો.'

મારા અવાજમાં રહેલી સખ્તાઇ એ પારખી ગયા અને અમદાવાદ આવવાનો વિચાર પડતો મૂક્યો. પૂરા મહિના થઇ ગયા. તારીખની ઉપર ચાર-પાંચ દિવસ ચડી ગયા. નરેશભાઇના ફોન ઉપર ફોન આવતા હતા, 'સર, અમારા બાળકને કંઇ થઇ ગયું તો? અહીંના ડોક્ટર ઉપર મને વિશ્વાસ નથી. કોઇ કંઇ કહેતું નથી. અમને કોઇ સમજાવતું નથી. અમને લાગે છે કે અહીંના ડોક્ટર પૈસા માટે સિઝેરિયન જ કરી નાખશે. અમને તમારી ઉપર વિશ્વાસ છે. અમે ત્યાં આવવા માટે અત્યારે જ નીકળી જઇએ છીએ.'
આ વખતે એમને રોકવા માટે મારે વીસેક મિનિટનું લેક્ચર આપવું પડ્યું, 'ભાઇ, તમે સમજો. તમે અહીં આવશો તો પણ જે થવાનું હશે તે જ થશે. કદાચ મારે પણ સિઝેરિયન કરવાનો નિર્ણય લેવો પડે. અહીં અમદાવાદમાં તમારો ખર્ચ વધી જશે. એના કરતાં તમે
ત્યાં જ...

નરેશભાઇ માની ગયા. એ પછીના દિવસે ગિરાબહેનનું સિઝેરિયન થઇ ગયું. પુત્રજન્મ થયો હતો. માતા અને બાળકની તબિયત સારી હતી. મને એક વાતનો પરમ સંતોષ હતો કે જે દંપતીને મારી આવડત, નિષ્ઠા અને પ્રામાણિકતામાં પૂરેપૂરો ભરોસો હતો એમને મેં સાચી અને સારી સલાહ આપીને કેટલી બધી દોડધામમાંથી બચાવી લીધાં હતાં! ભલે મને કમાણી ન થઇ, પણ એમના ખર્ચમાં તો રાહત થઇને? આ મને મળેલો સંતોષ હતો.

પણ નરેશભાઇના મનનું શું? નરેશભાઇને એ વાતનો ખૂબ મોટો અસંતોષ હતો કે એમના બાળકનો જન્મ મારા હાથે ન થયો. એમને કોણ સમજાવે કે હાથના સંબંધ કરતાં હૈયાનો સંબંધ વધારે ચડિયાતો છે, વધુ મહત્ત્વનો છે અને વધારે શાશ્વત છે. (સત્યઘટના)

X
doctor ni dayri by doctor sharad thakar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી