ડૉક્ટરની ડાયરી / કોઈ જીવે છે ટુકડે ટુકડે, કોઈ મરે છે રોજ, જેવી જેની સમજણ એવી એની મોજ

doctor ni dairy by sharad thakar

  • મેડિકલ ખર્ચાની પાઘડીનો વળ છેવટે ખેતર પાસે આવીને જ અટકતો હતો. અને આટલું કર્યા પછી પણ આયુષ્યની રેખા દસેક વર્ષ લંબાઇ જશે એવી ગેરેન્ટી કોઇ આપતું ન હતું

Divyabhaskar.com

Nov 20, 2019, 08:14 AM IST
આજથી પચીસેક વર્ષ પહેલાંની ઘટના. સૌરાષ્ટ્રના એક સાવ નાના ગામડામાં વલકુભાઇ નામના એક ખેડૂત ખેતરમાં ખેડ કરતા હતા. વૈશાખ મહિનાનો બપોર ધોમધખતો હતો. અચાનક વલકુભાઇને છાતીમાં દુખાવો ઊપડ્યો. એ કામ પડતું મેલીને કૂવા પાસે ઝાડના છાયડામાં લાંબા થઇ ગયા. એમનો સાથી દોડી આવ્યો. ‘વલકુભા શું થયું?’ વલકુભાથી બોલાયું નહીં. હાથની આંગળી છાતી પર મૂકીને તેમણે ઇશારાથી સમજાવ્યું. જે કંઇ બાકી હતું તે એમના વેદનાથી પીડાતા ચહેરાએ પૂરું કરી આપ્યું. સાથીએ બૂમો પાડીને આજુબાજુના ખેતરોમાં કામ કરતા માણસોને બોલાવી લીધા.
બધાએ વલકુભાને બળદગાડામાં નાખીને, સૂવડાવીને ગામના ડોક્ટરો પાસે પહોંચાડ્યા. જોકે, આટલી વારમાં છાતીનો દુખાવો સાવ જ ઓસરી ગયો હતો. વલકુભાઇ બેઠા થઇ ગયા હતા અને વાતચીત પણ કરી શકતા હતા. ગામઠી ડોક્ટરે એમની છાતી ઉપર ભૂંગળું મૂકીને કહી દીધું, ‘હાકલા કરો વલકુભા! તમને નખમાંય રોગ નથી.’
વલકુભાઇએ આશ્ચર્ય દાખવ્યું, ‘દાગતર, તમે કહો છો એટલે ખોટું નહીં હોય પણ મારો છાતીનો દુખાવો તો ભારે હતો, હોં. ઘડીભર તો મને એમ થયું કે મારી ઉપર જવાની ચિઠ્ઠી ફાટી ગઇ.’
આવું તો પછી અઠવાડિયામાં બે-ત્રણ વાર થવા લાગ્યું. વલકુભાઇની ચિઠ્ઠી ફાટે અને ફરી પાછી સંધાઇ જાય. આખરે એમણે બાજુના શહેરમાં એમબીબીએસ ડોક્ટરને બતાવવાનું નક્કી કર્યું. એ ડોક્ટર પણ શું કરે? જ્યારે વલકુભાઇ એમની સામે બેઠા હોય ત્યારે દુખાવો શમી ગયો હોય. દર્દનાશક ગો‌ળીઓ આપી અને એમને પાછા મોકલી દે.
ધીમે ધીમે દર્દ વધવા લાગ્યું. ઊઘરસ આવવા માંડી. ભૂખ ઓછી થવા લાગી. વજન ઘટવા માંડ્યું. હવે એમબીબીએસ ડોક્ટરને થયું કે મામલા ગરબડ હૈ. એમણે વલકુભાઇની ચિઠ્ઠી કાયમી ધોરણે ફાટી ન જાય એ માટે મોટા શહેરના મોટા ડોક્ટર ઉપર ચિઠ્ઠી લખી આપી.
મોટા ડોક્ટરે વલકુભાઇની સંપૂર્ણ વિગત જાણી લીધી. એમના મનમાં બે નિદાન ઊપસ્યા. કાં ટીબી હોવો જોઇએ, કાં કેન્સર. કન્સલ્ટન્ટ ડોક્ટરોની એક ખાસિયત હોય છે. તેઓ દર્દીને જોઇને નિદાન નથી કરતા પણ એનાં પરીક્ષણોનું પરિણામ જોઇને નિદાન કરે છે. વલકુભાઇના બધા જ રિપોર્ટ્સ આવી ગયા. એમાં છાતીનો એક્સ-રે પણ સામેલ હતો. એ કહેતો હતો કે વલકુભાઇને કેન્સરની બીમારી લાગુ પડી હતી. રોગ ખૂબ જ આગળ વધી ગયો હતો. ડોક્ટરે એ સમયમાં જેટલી સારવાર થતી હતી તે જણાવી દીધી. વલકુભાઇ ગામડે પાછા આવી ગયા. ગણતરીમાં ગુંથાઇ ગયા. જો ઓપરેશન કરાવવું હોય તો અમદાવાદ જવું પડે. ત્યાંના મસમોટા બિલ ભરવા પડે અને બીજા ખર્ચા કરવા પડે. એમની પાસે રોકડ બચત હતી નહીં. એટલે અડધું ખેતર વેચી નાખવું પડે. ઓપરેશનનો વિકલ્પ મોંઘા ઇન્જકેશનો લેવાનો હતો. એ પણ કંઇ સસ્તા ન હતા. ખર્ચાની પાઘડીનો વળ છેવટે ખેતર પાસે આવીને જ અટકતો હતો. અને આટલું કર્યા પછી પણ આયુષ્યની રેખા દસેક વર્ષ લંબાઇ જશે એવી ગેરેન્ટી કોઇ આપતું ન હતું. વલકુભાઇની નજર સામે રાંધણિયામાં કામ કરતી અભણ પત્ની હતી અને આંગણામાં રમતો દસેક વર્ષનો દીકરો હતો.
એમણે દીકરો ન સાંભળી શકે એટલા માટે રસોડામાં જઇને ઘરવાળીને જણાવી દીધું, ‘મારે હવે કોઇ પણ જાતની સારવાર કરાવવી નથી. તું દબાણ ન કરતી. કેન્સર એટલે કેન્સલ. કહેવાય છે કે કેન્સરવાળો દર્દી પોતે મરતો જાય અને ઘરને મારતો જાય. મારે ખેતર વેચીને આપણા દેવલાને રઝળતો નથી કરી મેલવો.’
‘તો શું કરશો? અહીં બેઠા બેઠા મોતની રાહ જોશો?’ ધણિયાણીએ પૂછ્યું.
વલકુભાઇ ફિલસૂફ બની ગયા, ‘હા. જેનો જન્મ છે તેનું મૃત્યુ નક્કી જ છે. કોઇ વહેલા જાય છે, કોઇ મોડા. હું જરાક વહેલો ઊપડી જઇશ. જો મારી આવરદા લાંબી લખાયેલી હોત તો મને કેન્સર થાત જ શું કામ?’
વલકુભાઇની જ્ઞાતિનો ઉલ્લેખ હું નથી કરતો પણ એટલું જણાવીશ કે સૌરાષ્ટ્રમાં જે ત્રણ-ચાર લડાયક કોમો છે, એમાંની એક મજબૂત કોમના માણસ હતા. મરદની જેમ જીવ્યા હતા અને એક સાચા મરદને છાજે તેવી રીતે મરવા માગતા હતા. એક પૈસાની પણ દવા કરાવ્યા વગર એ હિંમતપૂર્વક મૃત્યની પ્રતીક્ષા કરતા રહ્યા. જ્યાં સુધી શરીરમાં શક્તિ રહી ત્યાં સુધી કામ પણ કરતા રહ્યા. વજન ઘટતું રહ્યું. શરીર અટકી ગયું. એમણે ખાટલો પકડી લીધો. કેન્સરના છેલ્લા સ્ટેજનું નિદાન થયા પછી તેઓ આઠ મહિના સુધી જીવ્યા અને અંતે મૃત્યુ પામ્યા. સ્મશાનમાં એક તરફ એમનો દેહ અગ્નિજ્વાળાઓમાં ભળી રહ્યો હતો અને બીજી તરફ આખું ગામ એમની હિંમતને દાદ આપી રહ્યું હતું: ‘ખરો મરદ માણસ! કેન્સર જેવા કેન્સરથી પણ ડર્યો નહીં. મોતની રાહ એવી રીતે જોતો રહ્યો જાણે ઘરે પધારનાર કોઇ મોંઘેરા મહેમાનની રાહ જોતો હોય!’
એકાદ મહિનામાં ઘરની સ્થિતિ થાળે પડી ગઇ. દીકરો દેવસિંહ ત્યારે દસ વર્ષનો હતો. એ ધીમે ધીમે મોટો થવા લાગ્યો. જ્યારે 22નો થયો ત્યારે એના લગ્ન કરવામાં આવ્યા. ઘરમાં રૂમઝૂમતી નાર આવી. સૂનું ખોરડું ઝાંઝરના ઝંકારથી ભરાઇ ગયું. એક વર્ષમાં દીકરાનો જન્મ થયો. હવે ઝાંઝરના ઝંકાર સાથે ઘૂઘરાનો રણકાર પણ સંભળાવા લાગ્યો. બીજા બાર વર્ષ વીતી ગયાં. દેવુભા 35ના થયા. ઘરમાં બધી વાતે સુખ હતું. વૃદ્ધ મા હતી. ત્રીસેક ‌‌‌વર્ષની પત્ની હતી. વછેરા જેવો દીકરો હતો અને પાડાને ઊંચકી લે એવા જોરાવર દેવુભા પોતે હતા. દેવુભાની ખેતી આખા ગામમાં વખણાતી હતી. વલકુભાઇ જેટલા વીઘા મૂકતા ગયા હતા, એના કરતાં ચાર ગણી વધારે જમીન દેવુભાએ ખરીદી લીધી હતી. ઘરમાં સૂંડલો ભરીને ઘરેણાં હતાં. બેંકમાં વીસેક લાખ રૂપિયા જમા બોલતા હતા, પણ બધે જ બધું સારું ચાલે તો પછી ઈશ્વરને કોણ પૂછે?
એક દિવસ બપોરના સમયે દેવુભાને છાતીમાં દુખાવો ઊપડ્યો. હવે બળદગાડાના જમાના પૂરા થયા હતા. દેવુભાના ફળિયામાં ગાડી ઊભી હતી. દેવુભાઇના ભાઇબંધે સ્ટિયરિંગ સંભાળ્યું અને દેવુભાને પાછલી સીટમાં સૂવડાવી દીધા. નાના નાના ડોક્ટરોને બાય પાસ કરીને સીધા દેવુભાને મોટા શહેરના મોટા ડોક્ટર પાસે પહોંચાડી દીધા. ડોક્ટરે એમને તપાસ્યા. એક્સ-રે, સોનોગ્રાફી અને સી.ટી. સ્કેનના રિપોર્ટ્સ કરાવ્યા. રિપોર્ટ્સ જોઇને ડોક્ટરે નિદાન કર્યુ, ‘તમને છાતીમાં કેન્સરની ગાંઠ થઇ છે. હજી આખી છાતીમાં ફેલાઇ નથી ગઇ. જો સમયસર ઓપરેશન કરવામાં આવે તો બચી જવાશે. વાંધો નહીં આવે. બોલો, ક્યારે દાખલ થવું છે?’
‘કેન્સર’ શબ્દ સાંભળતાવેંત દેવુભાને પ્રચંડ આઘાત લાગ્યો. એમની સામે મોત નાચવા માંડ્યું. દસ વર્ષની ઉંમરે પિતાના મુખેથી સાંભળેલું વાક્ય યાદ આવી ગયું: કેન્સર એટલે કેન્સલ. દેવુભાને કેન્સરના પ્રથમ સ્ટેજ અને અંતિમ સ્ટેજ વચ્ચેના તફાવતની લેશમાત્ર ખબર ન હતી. કેન્સરના શરૂઆતના તબક્કામાં યોગ્ય ટ્રીટમેન્ટ કરાવવામાં આવે તો દર્દી સાંગોપાંગ બચી જાય છે, એ જ્ઞાન પણ એમને ન હતું. ડોક્ટર પણ દેવુભા જેવા જ હતા. પોતાના કામમાં હોશિયાર હતા પણ એમને એ ‌વાતની ખબર ન હતી કે દર્દીને આ બધું સમજાવવું જોઇએ.
ડરી ગયેલા દેવુભાએ કહ્યું, ‘સાહેબ, અત્યારે તો હું ઘરે જાઉં છું. મારી મા સાથે ચર્ચા કરીને એક-બેે દિવસમાં દાખલ થવા માટે પાછો આવી જઇશ.’ ડોક્ટરે એમને જવા દીધા.
દેવુભાને લઇને ગાડી ગામ તરફ પાછી આવી રહી હતી. મિત્ર ગાડી ચલાવતો હતો. ડરી ગયેલા દેવુભા પાછલી સીટ ઉપર સૂતા સૂતો થોડી થોડી વારે આવું બોલતા જતા હતા, ‘અરેરે! આ શું કહેવાય? મારા બાપુને પણ કેન્સર અને મને પણ કેન્સર! હવે હું નહીં બચું. કેન્સર એટલે કેન્સલ.’
ગાડી ચલાવતો મિત્ર તેને ધરપત આપે. દેવુભા થોડી વાર માટે શાંત થઇને પડ્યા રહે. ફરી પાછા ચાલુ કરે, ‘મારા બાપુને પણ કેન્સર અને મનેય કેન્સર. હવે હું ક્યાંથી બચું?
કેન્સર એટલે કેન્સલ.’
આધુનિક તબીબીશાસ્ત્ર હવે સ્વીકારે છે કે શરીર એક મશીન છે અને મન એ મશીનનું ચાલક છે. માઇન્ડ ઓવર બોડી. આ નવો અભિગમ છે. દેવુભાનું મન એ હદ સુધી મૃત્યુના ઓથારમાં જકડાઇ ગયું હતું કે ઘર સુધી પહોંચતા પહેલાં જ એમને મેસિવ હાર્ટ એટેક આવ્યો અને આંગણામાં ગાડી ઊભી રહી એ સાથે જ દેવુભાએ દેહ છોડી દીધો. જ્યારે સ્મશાનમાં તેમને અગ્નિદાહ અપાઇ રહ્યો હતો ત્યારે ગામલોકો બાપ-દીકરાની સરખામણી કરી રહ્યા હતા: ‘બાપ-દીકરા બેઉંના મૃત્યુ કેન્સરના કારણે જ થયા, પણ બાપ કેન્સરથી મર્યો અને દીકરો કેન્સરના ડરથી મર્યો. બાકી દેવુભા પાસે તો ઓપરેશન કરાવવાના રૂપિયા પણ હતા પણ દામ હોવા એ એક વાત છે અને હામ હોવી એ બીજી વાત છે.’ (શીર્ષક પંક્તિ: આબાદ અમદાવાદી)
X
doctor ni dairy by sharad thakar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી