ડૉક્ટરની ડાયરી / સૂરજ ન થઈ શક્યાનો વસવસો થતો જ નથી, દીવો થયાની જુદી દિવ્યતા મળી છે મને

doctor ni dairy by dr. sharad thakar

  • વિજયનાદો અને જયઘોષો સફળતાના મોહતાજ હોય છે, સ્થાનના નહીં. દરેકના ચહેરા પર સફળતાસૂચક સ્મિત હતું અને આંખમાં ભીની ભીની ચમક હતી

Divyabhaskar.com

Jan 22, 2020, 08:07 AM IST
દસમી ઓગસ્ટની સવાર. પ્રાઇવેટ નર્સિંગહોમનું ઓપરેશન થિયેટર એક મેજર અને સિરિયસ ઓપરેશન માટે સજ્જ થઇને ઊભું હતું. એનેસ્થેટિસ્ટ ગંભીર મુખમુદ્રા સાથે આવી રહેલાં જોખમોનો સામનો કરવા માટે માનસિક રીતે તૈયાર થઇ રહ્યા હતા. કેન્સર સર્જન પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે કેપ, માસ્ક અને ગાઉન ધારણ કરી રહ્યા હતા. ડોક્ટરે સ્ટાફને સૂચના આપી, ‘રૂપલબહેનને અંદર લઇ આવો. એમના સગાને કહેજો કે ઓપરેશન અત્યંત ગંભીર છે, પણ અમે દર્દીને બચાવવાની પૂરેપૂરી કોશિશ કરીશું’.
છેલ્લા ત્રણ-ચાર શબ્દોમાંથી એ પછીનું તરતનું દૃશ્ય આપણી કલ્પનામાં ઊભું થઇ જાય. હમણાં રૂપલબહેન ચોધાર આંસુએ રડતાં ઓપરેશન થિયેટરમાં દાખલ થશે, એમના પરિવારજનો જાણે છેલ્લી વાર એમને જોતાં હોય એવા ભાવ સાથે રૂપલબહેનને વળાવવા આવશે, એમના પતિ આવેગમાં ભાન ભૂલીને ઓપરેશન થિયેટરમાં દાખલ થવાનો પ્રયત્ન કરશે, સિસ્ટર અને આયાબહેન તેમને અટકાવીને પાછા વાળશે, ડો. બાવીશીએ ડોકું બહાર કાઢીને સગાંઓને હિંમત આપવી પડશે વગેરે... વગેરે!
પણ અહીં આમાંનું કશું જ બન્યું નહીં. રૂપલબહેન હસતાં હસતાં થિયેટરમાં પ્રવેશી ગયાં. એનેસ્થેટિસ્ટ
ડો. શાહે પૂછી લીધું, ‘રૂપલબહેન, કેવો મૂડ છે તમારો? બહુ ટેન્શનમાં તો નથી ને?’
રૂપલબહેને પ્રસન્નતાપૂર્વક જવાબ આપ્યો, ‘ના રે! ટેન્શન શેનું? કેન્સર સર્જન ઓપરેશન કરવાના હોય ત્યારે મને શું થવાનું હતું?’ આટલું કહીને રૂપલબહેને ડોક્ટર તરફ જોયું. એમનું હાસ્ય અને એમનો આત્મવિશ્વાસ કેન્સર સર્જનને પણ સ્પર્શી ગયાં. આટલા ગંભીર ઓપરેશન પહેલાં કોઇ પણ ઓપરેશન થિયેટરમાં આટલું હળવાશભર્યું અને ટેન્શન ફ્રી વાતાવરણ હોઇ શકે ખરું? હા. હોઇ શકે. જો એ ડોક્ટરનું નામ ડો. મુકેશ બાવીશી હોય તો આવું હોઇ શકે.
માનવદેહ ક્યારેક ખૂબ મોટાં આશ્ચર્યો આપતો હોય છે. એમાં પણ મનુષ્યનું પેટ એ તો આશ્ચર્યોનું સંગ્રહસ્થાન કહેવાય છે. અમારી સર્જરીની બુકમાં લખ્યું હોય છે કે પેટની ગુફા જાદુગરના બોક્સ જેવી હોય છે. તમે ધાર્યું હોય કંઇક અને અંદરથી નીકળી પડે કંઇક બીજું જ. એપેન્ડિક્સનો સોજો માની અને પેટ ખોલો ત્યારે નીકળી પડે ઓવેરિયન સિસ્ટ. હાલના તમામ આધુનિક પરીક્ષણો પણ ક્યારેક સાચું નિદાન શોધી આપવામાં નિષ્ફળ સાબિત થાય છે. જોકે, રૂપલબહેનના કિસ્સામાં આવી શક્યતા દેખાતી ન હતી. એમનું પાકું નિદાન થઇ ચૂક્યું હતું. એમને ઓવેરિયન કેન્સર થયું હતું. એટલે કે અંડાશયનું કેન્સર. ઓપરેશન પહેલાં જ પેટમાં જાડી સોય દાખલ કરીને લગભગ છ લિટર જેટલું એસાઇટિક પ્રવાહી ખેંચીને બહાર કાઢી લેવું પડ્યું હતું. ત્યારે રૂપલબહેનનું ઢમઢોલ, તંગ પેટ સહેજ નરમ પડ્યું હતું.
ડો. બાવીશીને એવું લાગતું હતું કે જેવો પેટ ઉપર ચેકો મુકાશે અને પેટ ખોલવામાં આવશે એ સાથે જ કેન્સરગ્રસ્ત અંડાશય બહાર ડોકાશે અને તેઓ બે ક્લેમ્પ મારી અને એ ગાંઠને બહાર કાઢી લેશે, પણ જ્યારે પેટની દીવાલ ખોલવામાં આવી ત્યારે તેઓ સ્તબ્ધ થઇ ગયા. એમના મોંમાંથી શબ્દો નીકળી ગયા, ‘ઓહ માય ગોડ! ઇટ ઇઝ એ પ્લાસ્ટર્ડ ડિસીઝ!’
ઓપરેશન શરૂ થયાની બે-ત્રણ મિનિટમાં જ કોઇ સર્જનના મોઢામાંથી આવું વાક્ય સરી પડે ખરું? હા. સરી પડે. જો એની આંખો સામે આવી ડરાવી મૂકે તેવી સ્થિતિ હોય તો. કોઇ પણ સર્જન ગભરાઇ જાય. સોમાંથી નવ્વાણુ સર્જન્સ રૂપલબહેનની કેન્સરની ગાંઠ જોઇને એક જ કામ કરે. પેટની ખોલેલી દીવાલ પાછી બંધ કરી દે અને ગાઉન, ગ્લવ્ઝ ઉતારીને બહાર આવીને દર્દીનાં સગાંઓને જણાવી દે, ‘આઇ એમ સોરી. તમારા દર્દીનું કેન્સર ઓપરેબલ સ્થિતિમાં નથી. કેન્સરની ગાંઠ સાથે ચારે બાજુના અવયવો ચુસ્ત રીતે ચોંટી ગયા છે. જાણે સિમેન્ટથી પ્લાસ્ટર કરી દીધું હોય એટલી મજબૂતીથી બધું જામી ગયું છે. એમને છૂટા પાડવાની કોશિશ કરવી એટલે એક કરતાં વધારે અંગોને ઇજા પહોંચાડવી. હવે કિમોથેરાપી અથવા અન્ય સારવાર દ્વારા જેટલી રાહત થાય એટલી સાચી. બાકી હરિ ઇચ્છા. ઔષધમ્ જાનવી તોયમ, વૈદ્યો નારાયણો હરિ.
આવી સ્થિતિમાં કોઇ ડરી ન જાય એવું હોઇ શકે? હા. હોઇ શકે. જો એનું નામ મુકેશ બાવીશી હોય તો. એમની પાસે અમદાવાદની પ્રખ્યાત એમ. પી. શાહ કેન્સર હોસ્પિટલમાં મેળવેલી પ્રમાણભૂત તાલીમ હતી, એ તાલીમમાંથી જન્મેલો આત્મવિશ્વાસ હતો અને દાયકાઓના અનુભવ પછી એ આત્મવિશ્વાસને મળેલી ધાર પણ હતી. તેમની સાથે અનુભવી ટીમનો સહકાર હતો અને મોડર્ન ઇન્સ્ટ્રુમેન્ટ્સનો સથવારો પણ હતો. એમણે એક વાર એનેસ્થેટિસ્ટ તરફ જોઇ લીધું. એક પણ શબ્દની આપ-લે વિના વાત કરી લીધી. ડો. શાહ સમજી ગયા કે આ યોદ્ધો હવે કેસરિયા કરવા જઇ રહ્યો હતો.
ડો. મુકેશભાઇએ એક મિનિટ માટે ઓપરેશનમાં બ્રેક પાડ્યો. બંને હાથ જોડીને આંખો બંધ કરીને ઊભા રહી ગયા. ચીલાચાલુ અર્થમાં તેઓ ધાર્મિક નથી. બૌદ્ધિક છે, પરંતુ નાસ્તિક પણ નથી. એટલું જરૂર માને છે કે આટલા મોટા વિશ્વનું સંચાલન કરનાર કોઇ સુપ્રીમ પાવર અવશ્ય હોવો જોઇએ. એ સર્વોચ્ચ સત્તાને એમણે યાદ કરી લીધી. પૂરી સાઠ સેકન્ડ્સ માટે. એક મિનિટમાં વધુ તો શું કહી શકાય? માત્ર આટલું બબડી ગયા, ‘જો તું હોય તો મારી સાથે રહેજે. હું શુદ્ધ બુદ્ધિથી, પૂર્ણ નિષ્ઠાથી મારી તમામ આવડત અને અનુભ‌વોનો સમન્વય કરીને આ દર્દીના પ્રાણ બચાવવા માટે આગળ વધી રહ્યો છું. તું સાંભળે છેને? તો સાથે રહેજે.’
માત્ર એક જ મિનિટમાં થિયેટરનું વાતાવરણ બદલાઇ ગયું. આખી ટીમને એવું લાગ્યું કે કોઇક અજાણી દિશામાંથી આવેલી ચેતનાના પ્રવાહે તેમના તન અને મનને નવી ઊર્જાથી ભરી દીધા છે. ડો. બાવીશીના બંને હાથ વીજળીની ગતિએ ફરવા લાગ્યા. એમની આંગળીઓ અંડાશયની સાથે ચોંટેલાં આંતરડાં, ગર્ભાશય, મૂત્રાશય, ફેલોપિયન નળીઓ અને ઓમેન્ટમ નામનાં અંગોને છૂટાં પાડવા માંડી. ચમત્કારિક રીતે બધું પાર પડવા લાગ્યું. આમાંથી જો એક પણ અંગને ઇજા થઇ હોત તો એને રિપેર કરવામાં કલાકો નીકળી ગયા હોત. જો વધારે પડતું બ્લીડિંગ થયું હોત તો પણ દર્દીનો જીવ મુશ્કેલીમાં મુકાઇ ગયો હોત, પણ આવું કશું જ ન બન્યું. ડો. મુકેશભાઇનો દાયકાઓનો અનુભવ અત્યારે એનો રંગ બતાવી રહ્યો હતો અને એમાં શ્રદ્ધાનો ગેબી રંગ ઉમેરાઇ ગયો હતો. ઓપરેશન થિયેટરમાં નિ:શબ્દ શાંતિ છવાઇ ગઇ હતી. સારો એવો સમય પસાર થઇ ગયા બાદ ડો. મુકેશભાઇ આખરે કેન્સરની ગાંઠને અલગ કરી શક્યા. એ પછી એમણે એ ગાંઠ દૂર કરવાનું કામ આરંભ્યું. એમાં પણ સફળતા મળી.
જે ક્ષણે ડો. મુકેશભાઇએ કેન્સરની અખંડિત ગાંઠને કાઢીને બહાર નર્સના હાથમાં રહેલા પાત્રમાં મૂકી તે સાથે જ થિયેટરમાં પથરાયેલું વજનદાર મૌન તૂટીને ચૂર ચૂર થઇ ગયું. મુકેશભાઇએ લોહીથી ખરડાયેલા મોજાંવાળા બંને હાથ હવામાં ફેલાવીને ઉદ્્ઘોષ કર્યો, હીપ... હીપ...’ અને સામેથી પૂરી ટીમનો પ્રતિઘોષ સંભળાયો: ‘હુર્રે...!’ હીપ હીપ હુર્રે જેવા આનંદોદ્્ગારો સામાન્ય રીતે રમતના મેદાનમાં ઊઠતા હોય છે. કોઇ ઓપરેશન થિયેટરમાં આવું બને ખરું? હા બને. જો કોઇ દર્દીનું કેન્સર નિશ્ચિતપણે ઇન-ઓપરેબલ હોય અને કોઇ નિષ્ણાત સર્જન એનું ઓપરેશન કરી બતાવે તો અવશ્ય આવું બની શકે. વિજયનાદો અને જયઘોષો સફળતાના મોહતાજ હોય છે, સ્થાનના નહીં. દરેકના ચહેરા પર સફળતાસૂચક સ્મિત હતું અને આંખમાં ભીની ભીની ચમક હતી. બધાને એ વાતનો અહેસાસ થયો હતો કે ઓપરેશન થિયેટરમાં તે સમયે જેટલા લોકો હાજર હતા, માત્ર એટલા લોકો જ હાજર ન હતા. બીજું કોઇક પણ ત્યાં હાજર હતું. નિરાકાર અને નિર્ગુણ. જેણે એ બધાને એમ્પાવર કર્યા હતા અને આ સુંદર સફળતાની દિશામાં દોરી ગયા હતા.
રૂપલબહેન ઓપરેશન પછી ઝડપથી ઊભા થઇ ગયા. કોઇ માની ન શકે કે રૂપલબહેન 24 કલાક પછી રજા લઇને ઘરે જઇ શક્યાં. આ પણ એક ચમત્કાર કહી શકાય. રૂપલબહેનનું ઓપરેશન વાસ્તવમાં કેટલું અઘરું (અશક્ય) હતું એ માત્ર શબ્દોમાં વર્ણવી ન શકાય. માત્ર ડોક્ટરો જ આ વાત સમજી શકે. ઇન્ડિયન આર્મી માટે જે મહત્ત્વ સર્જિકલ સ્ટ્રાઇકનું છે લગભગ એટલું જ મહત્ત્વ ડોક્ટરોને મન આવાં સફળ ઓપરેશનનું હોય છે.
(શીર્ષક પંક્તિ: પ્રણવ પંડ્યા)
X
doctor ni dairy by dr. sharad thakar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી