ડૉક્ટરની ડાયરી / પૈસા પાછળ કાં દોડે, તું કરે જીવનનો નાશ, સ્વર્ગ જેવી આ દુનિયામાં, દાનવોનો છે ત્રાસ

doctor ni dairy by dr sharad thakar

  • ‘સરકારી જાળ?’ ડો. બઠિયાએ તુચ્છકારથી પૂછ્યું. ‘સરકારી અધિકારીઓને તો હું મારા ખિસ્સામાં લઇને ફરું છું. કરોડો કમાઉં છું, તો લાખો રૂપિયા વેરું પણ છું.’

Divyabhaskar.com

Jan 01, 2020, 07:55 AM IST
નામ એમનું ડો. બઠિયા, પણ એમના વિસ્તારના લોકો ખાનગીમાં એમને ડો. ગઠિયા તરીકે ઓળખતા હતા. સાચું ખોટું રામ જાણે! પણ જે વાત લોકોમાં ચર્ચાતી હતી તે એવી હતી કે ડો. ગઠિયા કાયદાને ઘોળીને પી જનારા હતા. મહાત્મા ગાંધીએ બ્રિટિશ હકૂમત વિરુદ્ધ સવિનય કાનૂનભંગની લડત ચલાવી હતી; ગાંધીજીનો કાનૂનભંગ જગજાહેર હતો. ડો. બઠિયા પણ કાનૂનભંગ કરતા, પણ એમનો કાનૂનભંગ ગુપ્ત હતો.
વર્ષો થઇ ગયા આ વાતને. ત્યારે સ્ત્રી ભ્રૂણહત્યાનો કાયદો નવોસવો જ અમલમાં આવ્યો હતો. ડોક્ટરો ધીમે ધીમે ગર્ભનું જાતિ પરીક્ષણ કરવા તરફ વળી રહ્યા હતા. સરકાર ચિંતિતિ હતી. સમાજમાં સ્ત્રી-પુરુષનું બેલેન્સ ખોરવાતું જતું હતું. દેશમાં સ્ત્રી ભ્રૂણહત્યાના દર અંગે જે રાજ્યોનું સ્થાન અગ્રીમ પંક્તિમાં આવતું હતું તે યાદીમાં કમનસીબે ગુજરાત પણ સમાવિષ્ટ હતું. શાસનની ધુરા સંભાળતા વાઘ જેવા મુખ્યમંત્રી આ બાબતમાં અત્યંત કડક વલણ લઇ ચૂક્યા હતા. ડોક્ટરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો, પણ કહેવત છે કે ‘ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા’. દરેક ક્ષેત્રમાં જેટલા કાયદાઓ બને છે તેટલી જ સંખ્યામાં કાયદાઓ તોડવાની તરકીબો પણ શોધાઇ જાય છે.
હવે તો એ વાત જાહેર થઇ ચૂકી છે એટલે છતી કરવામાં કોઇ વાંધો નથી. તે સમયે ડોક્ટરોએ એક અસરકારક તરકીબ શોધી કાઢી હતી. ડો. બઠિયાનું ઉદાહરણ જાણીએ.
એક યુગલ જેમના ઘરમાં ત્રણ દીકરીઓ જન્મી ચૂકી હતી, એમને પુત્રપ્રાપ્તિની આશા હતી. પત્ની ગર્ભવતી બની. ચાર ચાર મહિના પૂરા થયા એટલે એ યુગલ ડો. બઠિયાના ક્લિનિકમાં ગયું. વેઇટિંગ રૂમમાં દીવાલ પર પાટિયું લટકતું હતું: ‘અહીં ગર્ભનું જાતિ પરીક્ષણ કરવામાં આવતું નથી. સરકારી કાયદા અનુસાર એ ગુનો બને છે. વેઇટિંગ રૂમમાં લગભગ 35 દંપતીઓ બેઠાં હતાં. બીજાં 25 બહાર ઊભાં હતાં. ડો. બઠિયા એક પછી એક કપલને એમના રૂમમાં બોલાવતા હતા. પછી પેટ ઉપર સોનોગ્રાફીનો પ્રોબ મૂકીને ભ્રૂણની જાતિ જાણી લેતા હતા. પછી રિપોર્ટમાં એ બાળકની નોર્મલ વિગતો ટાઇપ કરીને પતિના હાથમાં આપી દેતા હતા. પતિ પૂછે, ‘સાહેબ, શું લાગે છે?’
ડો. બઠિયા બે હાથ જોડીને જવાબ આપતા, ‘જય શ્રીકૃષ્ણ!’
આ સાંકેતિક શબ્દ હતો. આસપાસનાં પચાસ ગામોમાં આ કોર્ડવર્ડ જાણીતો બની ચૂક્યો હતો. પેલું યુગલ તગડી ફી ચૂકવીને હસતા મુખે વિદાય થઇ જતું હતું. એ પછી બીજું દંપતી પ્રવેશતું હતું. ડો. બઠિયા દરેક દંપતીને યથાયોગ્ય કોર્ડવર્ડ સંભળાવી દેતા હતા. કોઇને કહેતા, ‘જય માતાજી!’ કોઇને કહેતા, ‘ઓમ્ નમ: શિવાય!’ કોઇના નસીબમાં ‘જય અંબે!’ સાંભળવાનું પણ આવતું હતું.
આવા માણસને કાયદો પણ શું કરી શકે? ભગવાનનું નામ લેવા માટે તો કોઇ સરકારી પ્રતિબંધ હોઇ ન જ શકેને? કાગળ પર ક્યાંય લખ્યું ન હોય કે બાબો છે કે બેબી. ડો. બઠિયા ખૂબ કમાયા, મબલખ કમાયા, કલ્પના ન કરી શકાય એટલું કમાયા. એ આખા પંથકમાં દીકરીઓ જન્મતી જ લગભગ બંધ થઇ ગઇ. જેટલી દીકરીઓ અવતરવાની હોય એ બધીનો અધૂરા મહિને નિકાલ કરી દેવામાં આવતો હતો. સરકારી તંત્રમાં ગુસપુસ થવા માંડી. અધિકારીઓએ તપાસ આરંભી દીધી.
પગેરું સાચી જગ્યાનું મળ્યું. કોઇ જાણભેદુએ જણાવી દીધું, ‘ડો. બઠિયા દવાખાનું નહીં, પણ કતલખાનું ચલાવે છે.’ ઉચ્ચ અધિકારીઓ સુધી વાત પહોંચી. તપાસ પ્રક્રિયા વેગીલી બની ગઇ. જે જાણભેદુએ સરકારી અધિકારીને માહિતી આપી હતી એણે જ ડો. બઠિયાના કાનમાં ફૂંક મારી દીધી, ‘જોજો હો સાહેબ! હમણાં થોડા સમય માટે આ બધું બંધ કરી દો. નહીંતર સરકારી જાળમાં ફસાઇ જશો.’
‘સરકારી જાળ?’ ડો. બઠિયાએ તુચ્છકારથી પૂછ્યું. ‘સરકારી અધિકારીઓને તો હું મારા ખિસ્સામાં લઇને ફરું છું. કરોડો કમાઉં છું, તો લાખો વેરું છું. મારી દુકાન બંધ કરાવી શકવાની કોઇની હિંમત નથી.’
આ શબ્દો ડો. બઠિયાના છે. એ સાચા હતા એ વિશેનો આપણી પાસે કોઇ પુરાવો નથી, પણ મારી પાસે એક પુરાવો આવ્યો છે કે સરકારમાં ક્યારેક કોઇક અધિકારી પાગલ કહી શકાય એ હદે પ્રામાણિક નીકળી જતો હોય છે. ડો. બઠિયાનો ધંધો જ્યારે માનવતાની તમામ સરહદો તોડીને વકરી ગયો ત્યારે એ વિસ્તારના આરોગ્ય અધિકારી તરીકે મિ. પટેલને મૂકવામાં આવ્યા. મિ. પટેલે પંદર દિવસ સુધી ડો. બઠિયાના ક્લિનિક પર વોચ ગોઠવી. દર્દીઓની અવરજવર, પૈસાની લેવડદેવડ, બહાર નીકળતી વખતે પતિ-પત્નીના ચહેરા પર જોવા મળતા હાવભાવ અને મેડિકલ સ્ટોરમાંથી ખરીદવામાં આવતી દવાઓ, આ બધું ગુપ્ત રીતે તપાસતા રહ્યા.
મિ. પટેલના ધ્યાનમાં બીજી એક વાત પણ આવી ગઇ. ડો. બઠિયા પાસે આવતા કુલ દર્દીઓમાંથી લગભગ 55 ટકા જેટલી સ્ત્રીઓ ચાર-પાંચ દિવસમાં જ ગર્ભપાત કરાવી નાખતી હતી. બધું સ્પષ્ટ થઇ ગયું. લાગ જોઇને એક દિવસ આરોગ્ય ખાતાએ છટકું ગોઠવ્યું. એક ડમી કેસ ઊભો કર્યો. પતિ-પત્ની સાચાં. ગર્ભાવાસ્થા પણ સાચી, પરંતુ ભ્રૂણના જાતિ પરીક્ષણની ઇચ્છા ખોટી. એ યુગલે ડો. બઠિયા પાસે જઇ અને વિનંતી કરી, ‘સાહેબ! અમારે ચાર દીકરીઓ છે. હવે દીકરો જ જોઇએ છે. આપ માગશો એટલા રૂપિયા આપીશું પણ રિપોર્ટ સાચો પડવો જોઇએ.’
ડો. બઠિયા એમની આવડત ઉપર મુશ્તાક હતા. દસ મિનિટમાં જ જે જાણવાનું હતું તે જાણી લીધું. પછી બે હાથ જોડીને ભક્તિભાવપૂર્વક બોલ્યા, ‘અંબે માત કી જય!’ કાઉન્ટર પર બેઠેલી છોકરીએ જેવી તગડી રકમ હાથમાં પકડી એ સાથે જ વેઇટિંગ રૂમમાં બેઠેલા સરકારી કર્મચારીઓએ ડો. બઠિયાના રૂમમાં રેડ પાડી. કમ્પ્યૂટર કબજામાં લઇ લીધું. સોનોગ્રાફીના મશીનને સીલ મારી દીધું. હિસાબનો ચોપડો અને કાઉન્ટરના ડ્રોઅરમાં પડેલી નિશાનીવાળી કરન્સી નોટ્સ કબજામાં લઇ લીધી.
ડો. બઠિયા શરૂઆતમાં થોડાક ડઘાઇ ગયા, પણ બીજી જ પળે એમનો આત્મવિશ્વાસ પુન: સ્થાપિત થઇ ગયો. એમણે પૂરેપૂરી સ્વસ્થતાથી ચહેરા પર સ્મિત ધારણ કરીને અધિકારીઓને કહ્યું, ‘પધારો સાહેબો પધારો! આમ ઊભા છો કેમ? બાજુના વીઆઇપી રૂમમાં આપણે બેસીએ. શું લેશો? ઠંડું? ગરમ?’ પછી રિસેપ્શનિસ્ટને સૂચના આપી, ‘ચારેય સાહેબો માટે ચાર કવર તૈયાર કર. તગડા હોં! ખિસ્સામાં સમાઇ ન શકે એવાં.’
મિ. પટેલ કરડી આંખ કરીને બોલ્યા, ‘તમારી ગેમ પૂરી થઇ છે ડોક્ટર. તમે હવે છટકી નહીં શકો. ધારું તો હું તમને રિશ્વત આપવાના ગુના સબબ વધુ એક કેસમાં ફસાવી શકું છું. આ દેશમાં બધા જ કર્મચારીઓ ભ્રષ્ટ છે એવું ન માનશો. તમે ભ્રૂણહત્યાનું પાપ કરો છો. હું તમારો કેસ એવો મજબૂત બનાવીશ કે ભારતનો કોઇ વકીલ તમને બચાવી નહીં શકે.’
ખરેખર એવું જ બન્યું. મિ. પટેલનું કામ એવું તો પાકે પાયે હતું કે ડો. બઠિયાની ધરપકડ કરવામાં આવી. કેસ પણ ઝડપથી ચલાવવામાં આવ્યો. ડો. બઠિયાએ સારામાં સારા વકીલો રાખ્યા. પાણીની જેમ પૈસા વેર્યા. સાક્ષીઓને ફોડવા માટે પણ ભારે ધમપછાડા કરી જોયા. સામાન્ય રીતે ડોક્ટરો આવા કેસમાં ખોટી રીતે પણ ફસાઇ જતા હોય છે. ક્યારેક ટેક્નિકલ કારણસર કાયદાની ચુંગાલમાં ભેરવાઇ પડતા હોય છે. એક કરતાં વધારે અને અત્યંત જટિલ વિગતોવાળાં ફોર્મ્સ ભરવામાં ક્યાંક જરા સરખી ચૂક રહી જાય તોપણ નિર્દોષ ડોક્ટરો હેરાન થતા હોય છે, પણ ડો. બઠિયા ખરેખર ગુનેગાર હતા. એ છટકી ન શક્યા. એમને જેલની સજા થઇ. સૌથી મોટી કારુણી એ બની કે જેલવાસ દરમિયાન ડો. બઠિયા ડિપ્રેશનનો ભોગ બની ગયા અને એક દિવસ હૃદયરોગના તીવ્ર હુમલાથી તેઓ મૃત્યુ પામ્યા. જેટલું કમાયા હતા એમાંથી મોટા ભાગનું તબાહ થઇ ગયું. બાયડી, છોકરાં રઝળી પડ્યાં. લોકો કહેતા હતા કે એમનાં પાપ એમને આંબી ગયાં.
આખી ઘટના હૈયામાં શોક ઉપજાવે તેવી છે. મારે ડો. બઠિયાનો જરા પણ બચાવ કરવો નથી. મારી પાસે જે માહિતી આવી છે તેમાંથી કેટલી સાચી અને કેટલી ખોટી તે હું જાણતો નથી, પણ મારા મનમાં એક નાનકડો સવાલ અને ખૂબ મોટો આક્રોશ સળવળે છે. ડો. બઠિયાના ક્લિનિકમાં ભ્રૂણપરીક્ષણ કરાવવા માટે રોજેરોજ સેંકડો દંપતીઓનો મેળો જામતો હતો એમની વિરુદ્ધ કોઇએ એક પણ કાયદાની કલમ ન લગાવી? આ કતલખાનું ચલાવવાના પાપમાં એ બધા ડો. બઠિયા કરતાં પણ વધુ પ્રમાણમાં ભાગીદાર હતા. ડો. બઠિયા કોઇના ઘરે આમંત્રણ આપવા ગયા હતા? ગર્ભનું જાતિ પરીક્ષણ જાણ્યા પછી જેટલાં યુગલોએ ગર્ભપાત કરાવ્યો એ બધાંને જનમટીપની સજા ન આપવી જોઇએ? કાયદો માત્ર ડોક્ટરોને જ લાગુ પડે છે? જ્યાં સુધી આવું પાપ આચરનાર સમાજને સજા ફટકારવામાં નહીં આવે ત્યાં સુધી સ્ત્રી ભ્રૂણહત્યાઓ ચાલતી રહેશે. ડિમાન્ડ અને સપ્લાયનો નિયમ અહીં પણ લાગુ પડે છે. (આ વાર્તા સત્યઘટના પર આધારિત છે કે નહીં તે ચોક્કસ કારણસર હું જાહેર કરતો નથી.
X
doctor ni dairy by dr sharad thakar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી