ડૉક્ટરની ડાયરી / પાણીથી પલળેલી કાયા પળભરમાં કોરી થઈ જાશે અંદર અંદર ભીંજાવાનું એકાદું ઠેકાણું રાખો

doctor ni dairy by dr sharad thakar

  • પાનાચંદે ભાંગીતૂટી ગુજરાતીમાં હઠાગ્રહ કર્યો કે તમારો ખર્ચ મારી પાસેથી સ્વીકારો, પણ પવનભાઇએ કહી દીધું, ‘જો તમારી પાસે ધન છે તો અમારી પાસે દિલ છે.’

ડો. શરદ ઠાકર

Dec 25, 2019, 08:17 AM IST
1998નું વર્ષ. અમદાવાદના પવન ત્રિવેદી બેન્કની નોકરીમાંથી છૂટીને હમણાં જ ઘરે આવ્યા હતા. ઘરમાં પગ મૂકતાંની સાથે જ એમણે મનમાં ઘુમરાતી ચિંતા પત્ની દિશામાં પ્રશ્નરૂપે ઠાલવી દીધી, ‘નીતાનાં કંઇ સમાચાર? મુંબઇથી નરેશકુમારનો ફોન-બોન આવ્યો?’
પત્ની નકારમાં જવાબ આપે તે પહેલાં જ લેન્ડલાઇન ફોનની ઘંટડી હકારમાં રણકી ઊઠી. મુંબઇથી ફોન હતો. નરેશકુમારનો અવાજ, ‘પવનમામા, તમારી ભાણીનું ઓપરેશન પરમ દિવસે સવારે કરવાનું છે, પણ એક પ્રોબ્લેમ ઊભો થયો છે. ન્યુરોસર્જન કહે છે કે ઓપરેશન કરતા પહેલાં ચારથી છ બોટલ્સ લોહી જમા કરાવવું પડશે. એ પછી જ પેશન્ટ ટેબલ ઉપર લેવામાં આવશે.’
‘તો એમાં શું તકલીફ છે? તમારી પાસે કાલનો આખો દિવસ પડ્યો છેને? બ્લડ જમા કરાવી દો. ખર્ચની ચિંતા ન કરશો.’ પવનભાઇએ વગર વિચાર્યે કહી દીધું. એ ભૂલી ગયા કે લોહી રૂપિયા ખર્ચવાથી નથી મળતું. ‘ખૂન કા બદલા ખૂન’. જેટલી બોટલ્સ જમા કરાવો એટલી જ બોટલ્સ બ્લડબેન્કવાળા આપે.
નરેશકુમારે ફોડ પાડ્યો. વધુમાં ઉમેર્યું, ‘મામા, આવતી કાલે રવિવાર છે. એટલે દાતાને શોધવો અઘરો પડે. મુંબઇમાં આપણું કોઇ ઓ‌ળખીતું નથી. હું આટલું બધું લોહી ક્યાંથી લાવું? તમે જ કંઇક રસ્તો બતાવો.’
નીતાની ઉંમર પચીસેક વર્ષની. પવન ત્રિવેદીની એ ભાણી. છેલ્લા કેટલાક દિવસથી એને માથાનો તીવ્ર દુખાવો રહેતો હતો. અમદાવાદના ન્યુરોસર્જને નિદાન કર્યું અને સલાહ આપી, ‘બ્રેઇન ટ્યુમર છે. ઓપરેશન કરાવવું જ પડશે, પણ ઓપરેશનમાં ખૂબ મોટું રિસ્ક છે. હું તમને મુંબઇ જવાની સલાહ આપું છું. ત્યાં ગયા પછી પણ કેસ ભાગ્યે જ...’
ભાગ્યના આધાર ઉપર તો આખું ભારત જીવે છે. નીતાના પતિ નરેશભાઇએ સ્વજનો સાથે ચર્ચા વિચારણા કરીને નિર્ણય લઇ લીધો. મુંબઇની ખૂબ જાણીતી મોટી હોસ્પિટલમાં દાખલ થઇ ગયા. ભારતના સૌથી ખ્યાતનામ ન્યુરોસર્જન ઓપરેશન કરવાના હતા, પણ અડધો ડઝન લોહીની બોટલ્સ અને એક રવિવાર નવી જિંદગી આડે અડચણ બનીને ઊભાં હતાં.
પવનભાઇએ ભાણેજજમાઇને કહી દીધું, ‘તમે ચિંતા ન કરો. હું રાતની ટ્રેનમાં મારા મિત્રોને લઇને નીકળું છું. સવાર સુધીમાં ત્યાં. બ્લડની વ્યવસ્થા થઇ જશે.’ આખા દિવસની નોકરીથી થાકેલા હોવા છતાં પવનભાઇ ફોનનાં ચકરડાં ઘુમાવવામાં ડૂબી ગયા. એક, બે કે ત્રણ નહીં પૂરા સાત સાત મિત્રો પહેરેલે કપડે દોડી આવ્યા. સાથે બબ્બે જોડી કપડાંની થેલીઓ હતી. દરેકના ખિસ્સામાં દસ-દસ હજાર રૂપિયાની થપ્પીઓ હતી. બધા હટ્ટાકટ્ટા અને ચૌદ-ચૌદ ગ્રામ પરસેન્ટ હિમોગ્લોબિન ધરાવતા લાલબુંદ યુવાનો હતા. સોઇ મારો તો લોહીના બુંદને બદલે ધોરિયો પડે એવા રાતાચોળ હતા. બધાના હોઠ પર એક જ વાક્ય હતું, ‘તમારી ભાણી એ અમારી ભાણી. ચાલો, મુંબઇ.’
ભારતમાં ટીકા કરવા જેવી એક લાખ બાબતો હશે, પણ થોડીક બાબતો વખાણવાલાયક પણ છે. આ સાત યુવાનો પાંચ મિનિટની સમયમર્યાદામાં પોતાના એક હજાર કામ પડતાં મૂકીને મિત્રની ભાણીના પ્રાણ બચાવવા માટે નીકળી પડ્યા હતા. ટ્રેનમાં બેસવાનું કે સૂવાનું રિઝર્વેશન ન હતું. ગમે તેમ કરીને ઠેબાં ખાતાં અને ઉજાગરો વેઠતા સાત મિત્રો વત્તા પવનભાઇ રવિવારે સવારે મુંબઇ પહોંચી ગયા. મધ્યમ કક્ષાની હોટલમાં રોકાયા. નહાઇ, ધોઇને ચા-નાસ્તાની પરવારીને હોસ્પિટલમાં ગયા. નરેશભાઇ એમને જોઇને આભા બની ગયા. ‘અરે મામા! તમે?!’
‘હા, અમે.’ પવનભાઇએ સામે પૂછ્યું, ‘ભૂલી ગયા? કાલે સાંજે મેં કહ્યું તો હતું કે હું મારા રક્તદાતા મિત્રોને લઇને આવું છું.’
નરેશભાઇને પોતાની ભૂલ સમજાણી. બન્યું હતું એવું કે શનિવારે સાંજે પવનમામા સાથે વાત થયા પછી નરેશભાઇએ પોતાની રીતે બ્લડની વ્યવસ્થા કરવા માટે પ્રયત્નો ચાલુ કરી દીધા હતા. અમદાવાદના એક મોટા માથાની સિફારિશથી મુંબઇમાં જ ચાર બોટલ્સ લોહી મળી ગયું હતું, પણ આ બધી પળોજણમાં એ પવનભાઇને ફોન કરવાનું ભૂલી ગયા હતા કે મામા હવે તમે આવશો નહીં. પરિણામ એ આવ્યું કે મામા આવી ગયા અને સાથે સત્તે પે સત્તા જેવા સાત-સાત મિત્રોને પણ લેતા આવ્યા. હવે પ્રશ્ન એ હતો કે રક્તદાનની ઉમદા ભાવના લઇને આવેલા આ મિત્રોનું શું કરવું?
નમતી બપોરે હોસ્પિટલના પ્રાંગણમાં આવેલા બગીચામાં આઠેય મિત્રો ગપ્પા મારતા બેઠા હતા. શું કરવું છે? રાતની ટ્રેનમાં પાછા અમદાવાદભેગા થઇ જવું છે? કે આજની રાત રોકાઇ જવું છે? સવારે ભાણીનું ઓપરેશન છે એ પતી જાય પછી ચાલ્યા જઇએ. રાત્રે એકાદ પિક્ચર જોઇ નાખીએ. બે-ચાર જગ્યાએ ફરી આવીએ. ત્યાં એક મિત્રે યાદ કરાવ્યું, ‘આજે કઇ તારીખ છે એ યાદ કરો.’ આ સાંભળીને પવન ત્રિવેદીના મગજમાં ઝબકારો થયો. અરે! આજના જ દિવસે આજથી ત્રણ વર્ષ પહેલાં સગાં મોટાં બહેન અને બનેવીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આજે તો રક્તદાન કરીને એમનું યોગ્ય તર્પણ કરવું જ જોઇએ. ભલે એ લોહી કોઇ અજાણ્યા દર્દીને કામમાં આવે.
આવી બધી ચર્ચા ચાલતી હતી ત્યારે બાજુના બાંકડા પર બેઠેલા એક રાજસ્થાની યુવાનની હતાશ આંખોમાં ઉમ્મીદની એક પાતળી રેખા અંજાઇ ગઇ. એ પાસે આવીને બે હાથ જોડીને કહેવા લાગ્યો, ‘મારો નામ પાનાચંદ ગુપ્તા. મૈં ઉદેપુરથી છું. થોરો થોરો ગુજરાતી જાણું છું. તુમ્હારી બાત સૂની. મ્હારે પે એક એહસાન કીજો? મ્હારી દીકરી તીન બરસ કી છે. ઉસકા ભી ઓપરેશન મંગલવાર કો રાખ્યો છે. ડોક્ટરને કહા હૈ કી ચાર બાટલી ખૂન તૈયાર હોણો ચાહિયે...’
રાજસ્થાની યુવાન એની ભાંગીતૂટી ગુજરાતી મારવાડીમાં બોલતો ગયો. એની વાતચીત પરથી એટલું સમજાયું કે પૈસેટકે એ શ્રીમંત હતો, પણ મુંબઇમાં એનું એક પણ પરિચિત માણસ ન હતું. એની ત્રણ વર્ષની દીકરી રાનીને બ્રેઇન ટ્યુમર હતું. એનું ઓપરેશન તો વધારે જોખમી હતું. જ્યાં સુધી લોહીની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ડોક્ટરો ઓપરેશન કરવાના ન હતા. પાનાચંદ બે હાથ જોડીને પવનભાઇને વીનવી રહ્યો હતો.
મજબૂરી બોલતી હતી અને માનવતા સાંભળતી હતી. આઠેય ગુજરાતીઓ ઊભા થઇ ગયા. રડતા પિતાને થામી લીધો. રાની માટે ચાર યુનિટ બ્લડની જરૂર હતી. એને બદલે આઠ યુનિટ્સ જમા થઇ ગયાં. ડોક્ટરો પણ નવાઇ પામી ગયા. સોમવારે નીતાનું ઓપરેશન થઇ ગયું અને મંગળવારે સવારે રાનીનું. બંને સફળ રહ્યાં. કોઇ પણ સગાઇ કે સંબંધ વગર પવનભાઇ અને એમના મિત્રો સ્વખર્ચે ત્રણ-ત્રણ દિવસ મુંબઇમાં રોકાઇ રહ્યા. આઠ કલાકની સર્જરી પછી જ્યારે રાનીને ઓપરેશન થિયેટરમાંથી બહાર લાવવામાં આવી ત્યારે સર્જને પાનાચંદના ખભા પર હાથ મૂકીને કહ્યું, ‘આપ કી બેટી કા ઓપરેશન સફલ હુઆ ઇસકી એક માત્ર વજહ બ્લડ...’
પાનાચંદ ગુપ્તાએ પહેલું કામ ન્યુરોસર્જનના હાથ પકડવાનું કર્યું અને પછી બીજું કામ આઠ ગુજરાતીઓએ સોળ પગ પકડવાનું કર્યું. પવનભાઇએ પાનાચંદને ગળે વળગાડી દીધો, ‘ભાઇ, ફરી મળાય કે ન મળાય આવજો! અમે રાતની ટ્રેનમાં રવાના થઇ જઇશું.’
પાનાચંદે ભાંગીતૂટી ગુજરાતીમાં હઠાગ્રહ કર્યો કે તમારું આવવા-જવાનું ટ્રેનભાડું, ભોજનખર્ચ અને હોટલમાં રહ્યા તેના રૂપિયા મારી પાસેથી સ્વીકારો, પણ પવનભાઇએ એક રૂપિયો પણ ન લીધો. કહી દીધું, ‘જો તમારી પાસે ધન છે તો અમારી પાસે દિલ છે. માનવતાનું મૂલ્ય હોય કિંમત ન હોય!
પાનાચંદ તાજું જ ઓપરેશન થયેલી દીકરીને આઇસીયુના ભરોસે મૂકીને બજારમાં દોડી ગયો અને મુંબઇની પ્રખ્યાત બ્રાન્ડના હલવાના આઠ પેકેટ્સ બંધાવી લાવ્યો. દરેક યુવાનના હાથમાં એક-એક પેકેટ થમાવી દીધું. ‘તમે રક્તદાતા નથી, પણ જીવનદાતા છો. આ હલવાની મીઠાશ કરતાં તમારા લોહીની ખારાશ વધારે ઉપયોગી છે.’ અલબત્ત, આ વાક્ય એ મારવાડી ગુજરાતીમાં એ બોલ્યો હતો. આ ઘટનાને અઢારેક વર્ષ થઇ ગયાં. 2016માં અચાનક નરેશભાઇના સરનામે એક કંકોતરી આવી. ઉદેપુરથી શેઠ પાનાચંદ ગુપ્તાએ પોતાની યુવાન પુત્રી સૌભાગ્યકાંક્ષિણી રાનીનાં લગ્નનું આમંત્રણ મોકલ્યું હતું. નીચે તાજા કલમમાં લાલ શાહીથી લખ્યું હતું, ‘આપ અકેલે મત આના. આપકે મામાજી ઔર ઉનકે સભી દોસ્તોં કો ભી સાથ લેતે આના. મેરે પાસ ઉનકા એડ્રેસ નહીં હૈ, વરના...’
નરેશભાઇએ પવન ત્રિવેદીને ફોન કર્યો. પવનભાઇને માંડ માંડ યાદ આવ્યું કે આજથી 20 વર્ષ પહેલાં એમણે જે નેક કામ કર્યું હતું અને એક કુમળા છોડ માટે રક્તનું સિંચન કર્યું હતું તે હવે વિકસીને 18 વર્ષનો રમણીય છોડ બની ગયો હતો. બાકીના મિત્રો તો આ અફાટ જગતમાં દૂર દૂર ખોવાઇ ગયા હતા. કોઇ વિદેશમાં તો કોઇ ભારતના જ અન્ય શહેરમાં. પવન ત્રિવેદી પણ લગ્નમાં જવા માટે અસમર્થ હતા. નરેશભાઇ જવાના હતા એમની સાથે ‘ચાંલ્લો’ મોકલાવી દીધો. નરેશભાઇ ઉદેપુર જઇ લગ્નમાં મહાલી આવ્યા. પાનાચંદ એમને જોઇને ઘેલા ઘેલા થઇ ગયા. કરોડપતિ મહેમાનોને બાજુ પર મૂકીને નરેશભાઇના સ્વાગત માટે દોડી આવ્યા. બારાત અને બારાતીઓ કરતાં પણ વધારે માન-સન્માન નરેશભાઇને આપ્યું. આલીશાન હોટલમાં રહેવાનું, ઉદેપુર શહેરમાં ઘૂમવા માટે શોફરડ્રિવન કાર અને દરેક વિધિમાં પહેલી હરોળમાં સ્થાન. જમાઇબાબુ પણ વિમાસણમાં પડી ગયા. ફેરા ફરતી વખતે ધીમા અવાજમાં દુલ્હનના કાનમાં પૂછી લીધું, ‘વો સજ્જન કૌન હૈ?’
જવાબમાં રાની લાંબો લાંબો પરિચય આપવા માંડી જેનો ટૂંકો અને ચોટદાર સાર આવો નીકળતો હતોઃ ‘વો હૈ ખુશબૂ ગુજરાત કી.’ (શીર્ષક પંક્તિ: નીતિન વડગામા)
X
doctor ni dairy by dr sharad thakar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી