ડૉક્ટરની ડાયરી / લોગ યહાં કે કાલે બિચ્છુ, પલપલ ડસને વાલે બિચ્છુ

doctor ni dairy by dr sharad thakar

  • મેનેજરે ડો. જોશીને વિનંતી કરી, ‘ડોક્ટરસાહેબ, તમે અત્યારે જ રૂબરૂ આવી જાવ. તમે જે એમાઉન્ટ ઉપાડવા માગો છો તે ખરેખર મોટી છે’

ડો. શરદ ઠાકર

Dec 18, 2019, 07:53 AM IST
શહેરના સુપ્રસિદ્ધ ઓપ્થેલ્મોલોજિસ્ટ ડો. જોશી નેશનલાઇઝ્ડ બેંકમાં દાખલ થયા. એમની નજર ઘડિયાળના કાંટા પર હતી. સવારના 11 વાગી ચૂક્યા હતા. એમના ક્લિનિકમાંથી નર્સના બે ફોન કોલ્સ આવી ગયા હતા, ‘સર, તમે ક્યારે આવશો? ઘણા બધા પેશન્ટ્સ જમા થઇ ગયા છે. ઉતાવળ કરી રહ્યા છે.’
ડોક્ટર જોશીએ કહ્યું, ‘સિસ્ટર, મને આ‌વતા જરા મોડું થશે. હું બેંકમાં આવ્યો છું. નવું કરન્ટ એકાઉન્ટ ખોલાવવાનું છે. વિધિ કરવામાં થોડો સમય લાગશે. દર્દીઓને સમજાવીને બેસાડી રાખજો.’
ડો. જોશીની ધારણા એવી હતી કે બેંકમાં ઔપચારિકતા પૂરી કરવામાં ઓછામાં ઓછો એક કલાક તો નીકળી જ જશે, પણ એમની ધારણાથી કંઇક જુદું જ બન્યું. એમને આવેલા જોઇને કાઉન્ટર પર બેઠેલા બધા જ કર્મચારીઓ ઊભા થઇ ગયા. બધા આદરપૂર્વક આવકાર આપવા લાગ્યા. પટ્ટાવાળો પણ ડોક્ટરને ઓળખી ગયો. દોડીને મેનેજરને કહી આ‌વ્યો. મેનેજર શૂઝ કાઢીને બેઠા હતા. એ પણ શૂઝ પહેરવાની પરવા કર્યા વિના દોડી આવ્યા. ઉમ‌‌‌ળકાભેર બોલી રહ્યા, ‘ગુડ મોર્નિંગ જોશીસાહેબ! પધારો! પધારો! વેલકમ ટુ અવર બ્રાન્ચ. બોલો, હું આપની શું સેવા કરી શકું?’ ડો. જોશી આવા અનપેક્ષિત સ્વાગતથી ખુશ થઇ ગયા, ‘સર, હું તમારી બેંકમાં ડે-ટુ-ડેના વ્યવહાર માટે ખાતું ખોલાવવા માગું છું.’ મેનેજરે અડધા વાક્યે આખી વાત સમજી લીધી. એ માનપૂર્વક ડો. જોશીને પોતાની ઓફિસ તરફ દોરી ગયા. ઠંડકભર્યા વાતાવરણમાં ઊંચી ગાદીવાળી ખુરશીમાં બેસાડ્યા. ઘંટડી મારે તે પહેલાં જ પટ્ટાવાળો પાણીનો ગ્લાસ આપીને ગયો. ડો. જોશી મનોમન વિચારી રહ્યા: ‘શું હું આટલો બધો જાણીતો બની ગયો છું. આ શહેરમાં પ્રેક્ટિસ શરૂ કર્યાને ત્રણ જ ‌વર્ષ થયાં છે. જોકે, પ્રેક્ટિસ તો શરૂઆતથી જ જામી ગઇ છે. દર્દીઓમાં મારું નામ થઇ ગયું છે, પણ મારી ઓળખ છેક અહીં સુધી પહોંચી ગઇ છે? પ્યૂનથી લઇને મેનેજર સુધીના બધા જ મને ચહેરાથી ઓળખી ગયા?
મેનેજર અંતર્યામી નીકળ્યો. ડોક્ટરના મનમાં ચાલતા વિચારો સાંભળી ગયો હોય તેમ બોલી ઊઠ્યો, ‘સાહેબ, તમને કોણ નથી ઓળખતું? તમારું તો આખા શહેરમાં બહુ મોટું નામ છે. તમને જાહેર સમારંભોમાં કેટલી વાર જોયા છે? મને ખબર છે કે તમે કેટલા બિઝી રહો છો? તમારી એક એક સેકન્ડ કીમતી છે. તમારું કામ અહીં બેઠાં બેઠાં જ બે મિનિટમાં કરી આપું.’
ડોક્ટરે એમનો આશય રજૂ કર્યો, ‘મેનેજરસાહેબ, વાત એમ છે કે ભગવાનની કૃપાથી મારી પ્રેક્ટિસ ખૂબ સારી ચાલે છે. રોજ બપોર સુધીમાં જ સારી એવી રકમ જમા થઇ જાય છે. મારો વિચાર એવો છે કે અડધા દિવસની કમાણી મારો માણસ આવી અને મારા એકાઉન્ટમાં જમા કરાવી જાય અને બપોર પછીની કમાણી હું ઘરવપરાશ માટે રાખું. મને વ્યાજની પરવા નથી. અન્ય જગ્યાએ મેં સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. એટલે આ એકાઉન્ટ ચાલુ વ્યવહાર માટે...’
‘સમજી ગયો! સમજી ગયો!’ કહીને મેનેજરે પટ્ટાવાળાને ઇશારો કર્યો, ‘પટ્ટાવાળો થોડા કાગળ લઇ આવ્યો. મેનેજરે કેટલાંક સ્થાનો પર નિશાની કરી આપી અને ડોક્ટરને કહ્યું, ‘અહીં તમારી સહી કરી આપો. પછી તમે છૂટા. બાકીની બધી વિધિ અમે પૂરી કરી લઇશું.’ ખરેખર બે જ મિનિટમાં કામ પતી ગયું. બીજી ત્રણ મિનિટ આઇસક્રીમ ખાવામાં પસાર થઇ ગઇ. ડોક્ટરસાહેબ બેંકમાંથી બહાર આવ્યા. ગાડી પાસે આવ્યા ત્યારે અચાનક કશુંક યાદ આવ્યું. ગાડીમાં કાંતિ બેઠો હતો. ડો. જોશીનો ડ્રાઇવર કમ અત્યંત વિશ્વાસુ આસિસ્ટન્ટ. ડો. જોશીએ કાંતિને ઇશારો કર્યો. એને પોતાની સાથે લઇને પાછા મેનેજરની ઓફિસમાં પહોંચી ગયા. ‘સર, આ કાંતિ છે. મારો વિશ્વાસુ અને વફાદાર માણસ. આમ તો મારો આસિસ્ટન્ટ છે. ખાસ ભણેલો નથી, પણ પૂરેપૂરું ગણેલો છે. ત્રણ વર્ષ મારી સાથે રહીને અડધો ડોક્ટર બની ગયો છે. બેંકમાં પૈસા જમા કરાવવા માટે રોજ કાંતિ જ આવશે. તમે એનો ચહેરો યાદ રાખી લો.’ મેનેજરે બહારથી બે-ત્રણ કર્મચારીઓને બોલાવીને કાંતિનો પરિચય કરાવી દીધો. પછી ડો. જોશીને જણાવી દીધું, ‘સાહેબ, હવે તમારે ધક્કો ખાવાની જરૂર નહીં પડે. વી આર ઓલ્વેઝ રેડી ટુ સર્વ યુ! એ માટે અમારે આઉટ ઓફ ધ વે જવું પડશે તોપણ જઇશું. તમે તો આ શહેરનું નાક છો.’ થેંક્યૂ, થેંક્યૂની આપ-લે પતાવીને ડો. જોશી રવાના થયા. ક્લિનિકમાં પહોંચ્યા ત્યારે એમને આવેલા જોઇને નર્સને આશ્ચર્ય થયું. એ બોલી પડી, ‘સર, આટલી ઝડપથી કામ પતી ગયું!’ એને બાપડીને શી ખબર કે આખા શહેરમાં એના સાહેબના નામના કેવા ડંકા વાગે છે!
નાના સિટીઝ અને ટાઉન્સમાં આવું બનતું હોય છે. ડોક્ટરોની વિશેષ ઇજ્જત હોય છે. જ્યાં જાય ત્યાં સહેલાઇથી અને ઝડપથી કામ પતી જાય છે. ડો. જોશીનું અર્થતંત્ર સરસ રીતે ગોઠવાઇ ગયું. વહેલી સવારથી બપોરના ત્રણ વાગ્યા સુધી એમના ગલ્લામાં જેટલી રકમ જમા થાય તે પૂરેપૂરી કાંતિ દ્વારા બેંકમાં મોકલી આપે. બાકીનું કામ બેંક મેનેજર પતાવી આપે.
એક વાર અચાનક ડો. જોશીને કોઇનું બિલ ચૂકવવા માટે વીસેક હજાર રૂપિયાની જરૂર પડી. એમણે મેનેજરને ફોન કર્યો. મેનેજરે કહ્યું, ‘હું પટ્ટાવાળાને મોકલું છું. એ તમને મની વિથડ્રોઅલની સ્લિપ્સ આપી જશે. એમાંથી એક સ્લિપમાં વીસ હજાર રૂપિયાની રકમ ભરીને અને તમારી સહી કરીને કાંતિ સાથે મોકલી આપો. બાકીની સ્લિપ્સ તમારી પાસે જ રાખજો. જ્યારે જરૂર પડે ત્યારે કાંતિ સાથે મોકલતા રહેજો. તમે ક્યાં ધક્કો ખાશો સાહેબ? તમારી પાસે તો રોટલી-શાક ખાવા જેટલોય સમય નથી. અમે ક્યાં નથી જાણતા?’
ડો. જોશીને આ વાતની નિરાંત થઇ ગઇ. ક્લિનિકમાં બેઠાં બેઠાં પૈસા જમા પણ થઇ જાય અને જરૂર પડે ત્યારે મળી પણ જાય. બે-ચાર મહિના પસાર થઇ ગયા. ડો. જોશીના બેંક એકાઉન્ટમાં સાતેક લાખ રૂપિયા જમા થઇ ગયા. એક દિવસ કાંતિએ આવી અને મની વિથડ્રોઅલ સ્લિપ રજૂ કરી. ડોક્ટરસાહેબે આઠ હજાર રૂપિયા લખ્યા હતા. કેશિયરે ફટાફટ કાંતિને આપી દીધા. સહી ઉપર સરસરી નજર નાખી લીધી. અઠવાડિયા પછી કાંતિ ફરીથી પૈસા લેવા માટે આવ્યો. આમ તો એ રોજ આવતો હતો. પૈસા મૂકવા માટે, પણ આ વખતે એ પૈસા ઉપાડવા માટે આવ્યો હતો. કેશિયરે જોયું. ડોક્ટરે સ્લિપમાં 32 હજાર રૂપિયાનો આંકડો લખ્યો હતો. ફટાફટ કામ પતી ગયું. પછી તો આ પણ એક સિલસિલો ગોઠવાઇ ગયો. કાંતિ અઠવાડિયામાં છ દિવસ નિયમિત રીતે આવે અને નાણાં જમા કરાવી જાય. મહિનામાં એક-બે વાર એ ડોક્ટરસાહેબની સહી સાથે પૈસા વિથડ્રો કરી જાય. આવું લગભગ બે વર્ષ સુધી ચાલતું રહ્યું.
એક દિવસ ડોક્ટરસાહેબને મોટી રકમની જરૂર પડી. એમના બંગલાનું એક્સટેન્શન કરવાનું હતું એ માટે ચારેક લાખ રૂપિયાની જરૂર ઊભી થઇ હતી. એમણે મેનેજરને ફોન કર્યો, ‘સાહેબ, મારે ચાર લાખ રૂપિયા મારા ખાતામાંથી ઉપાડવાના છે. આ માટે હું કાંતિને મોકલું તો ચાલશે કે મારે રૂબરૂ આવવું પડશે? રકમ મોટી છે એટલે પૂછું છું.’
મેનેજરે કોઇ અકળ કારણવશ કહી દીધું, ‘ડોક્ટરસાહેબ, ફોન થોડી વાર માટે હોલ્ડ કરશો?’ એ પછી એમણે લેન્ડલાઇન પરથી ફોન કરી અને એમના હાથ નીચેના ઓફિસર સાથે મસલત કરી લીધી. પછી ગંભીર અવાજે ડો. જોશીને વિનંતી કરી, ‘ડોક્ટરસાહેબ, તમે અત્યારે જ રૂબરૂ આવી જાવ. તમે જે એમાઉન્ટ ઉપાડવા માગો છો તે ખરેખર મોટી છે. તમે ધારો છો તેના કરતાં પણ વધુ મોટી.’ મેનેજરના શબ્દોમાં રહેલો ગંભીર સૂચિતાર્થ ડોક્ટર સમજી ન શક્યા અને એ તરત જ ગાડીમાં બેસીને નીકળી પડ્યા. કાંતિ ગાડીમાં જ બેસી રહ્યો. ડોક્ટરસાહેબ મેનેજરની ઓફિસમાં જઇ પહોંચ્યા. મેનેજરના ચહેરા ઉપર ઘેરી ગંભીરતા જોઇને ડોક્ટરને આશ્ચર્ય થયું. ‘સર, કંઇ પ્રોબ્લેમ છે?’
મેનેજરે જવાબ આપ્યો, ‘હા, તમારા એકાઉન્ટમાં ફક્ત બાર હજાર રૂપિયા બોલે છે. તમે અત્યાર સુધીમાં કટકે કટકે મોટા ભાગની એમાઉન્ટ ઉપાડી ચૂક્યા છો.’
ડોક્ટરના માથા પર જાણે વીજળી ત્રાટકી! એમના મોંમાંથી શબ્દો નહીં, પણ આઘાત સરી પડ્યો, ‘હેં?!? મેં? હું? ક્યારે? મેં તો એક રાતી પાઇ પણ ખાતામાંથી ઉપાડી નથી.’
‘આવું કેમ કહો છો સાહેબ? તમે જાતે ક્યારેય બેંકમાં ભલે નથી આવ્યા, પણ તમારો વિશ્વાસુ માણસ કાંતિ અત્યાર સુધીમાં પચાસેક વાર પૈસા ઉપાડી ગયો. તમારી સહી સાથે.’ આટલું કહીને મેનેજરે ચોપડો ખોલીને બતાવ્યો. ડો. જોશીની સહીવાળી તમામ સ્લિપ્સ એમની સામે ધરી દીધી. ડો. જોશી ચોંકી ઊઠ્યા. ‘આ ક્યાં મારી સહી છે? તમારી બેંકમાં આવું ધુપ્પલ ચાલે છે? આ સહીને મારી સેમ્પલ સિગ્નેચર સાથે સરખાવી જુઓ. તમને પોતાને પણ ખબર પડી જશે કે કોઇએ ફોર્જરી કરી છે.’
મેનેજરે સેમ્પલ સિગ્નેચર સાથે પેલી બધી સહીઓ સરખાવી લીધી. પહેલી નજરમાં જ જણાઇ આવ્યું કે બંને સહીઓ દસ ટકાથી વધારે મેચ થતી ન હતી. અત્યાર સુધી કોઇએ ધ્યાનપૂર્વક ચકાસણી જ કરી ન હતી. ડોક્ટરસાહેબને ખુશ કરવા માટે બધું ગુડફેઇથમાં ચલાવે રાખ્યું હતું. મેનેજરને પરસેવો વળી ગયો. એમણે હાથ જોડીને વિનંતી કરી, ‘ડોક્ટરસાહેબ, ભૂલ અમારી જ થઇ છે. અમે વેરિફિકેશન કર્યા વગર જ કાંતિને નાણાં આપી દીધાં, પણ જો તમે કાંતિ ઉપર ફોર્જરીનો કેસ કરશો તો એનું તો જે થવાનું હશે તે થશે, પણ અમારી બેંકના બે-ત્રણ કર્મચારીઓના રોટલા રઝળી પડશે. મહેરબાની કરીને કંઇક વચલો રસ્તો કાઢો. તમે કહેતા હો તો અમે બધા ભેગા મળીને સરખે ભાગે નાણાં ઉઘરાવીને તમારી રકમ ભરપાઇ કરી આપીએ.’
ડો. જોશી ભલા માણસ હતા. આવું કંઇ કરવાને બદલે એમણે કાંતિને ઓફિસમાં બોલાવી લીધો. મેનેજરે લાલ આંખ કરી એટલે કાંતિએ ગુનો કબૂલી લીધો. ડોક્ટરસાહેબના રૂપિયામાંથી ગામડામાં એણે પાકું મકાન બંધાવી લીધું હતું. એટલે એ પૈસા તો પાછા આપી શકવાની સ્થિતિમાં નહોતો. નાછૂટકે ડો. જોશીએ એને નોકરીમાં ચાલુ રાખ્યો અને હપ્તે હપ્તે એના પગારમાંથી પૈસા વાળતા રહ્યા. જ્યારે એંસી ટકા રકમ હાથમાં આવી ગઇ ત્યારે એમણે બે નિર્ણયો લઇ લીધા: એક, કાંતિને નોકરીમાંથી છૂટો કરી દીધો અને બે, પોતાની જામેલી પ્રેક્ટિસ સમેટી લઇને ડોક્ટર દુબઇભેગા થઇ ગયા. (સત્યઘટના. નામ બદલાવ્યાં છે.)
X
doctor ni dairy by dr sharad thakar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી