ડૉક્ટરની ડાયરી / શર્તેં લગાઈ જાતી નહીં દોસ્તી કે સાથ, કીજે મુઝે કુબૂલ મેરી હર કમી કે સાથ

doctor ni dairy by dr sharad thakar

  • લવ-હેટ રિલેશનશિપના સમય દરમિયાન એક મોટી વ્યાવહારિક ઘટના બની ગઇ. ઉપેન અને ચેતનાએ રજિસ્ટર્ડ મેરેજ કરી લીધા, પણ મને જાણ ન કરી

Divyabhaskar.com

Dec 11, 2019, 07:59 AM IST
નામ ઉપેન. અટક ઉપાધ્યાય. ડિગ્રી પહેલાં એમબીબીએસ અને પછી એમએસ (જનરલ સર્જન). માણસ તોફાની. પૂરેપૂરો ભારાડી. એના શેતાની દિમાગમાં ક્ષણે ક્ષણે નવાં તોફાનો ફૂટે. અત્યારે એ સુરતમાં છે, પણ ક્યારેક એ જૂનાગઢમાં હતો. ઉંમરમાં મારાથી એક વર્ષ મોટો, પણ અમારો પ્રથમ પરિચય જામનગરના મેડિકલ કેમ્પસમાં થયો હતો.
દેખાવમાં આકર્ષક. ત્વચાનો રંગ સહેજ ડાર્ક, પણ એકંદરે વ્યક્તિત્વ સારું. એના માટે મેં શરૂઆતમાં જે વિશેષણો વાપર્યાં તે મારાં બનાવેલાં ન હતાં, પણ કેમ્પસના મોટા ભાગના સ્ટુડન્ટ્સ એના વિશે આવું ધારી બેઠા હતા અને આ માટેનાં વાજબી કારણો પણ હતાં.
હોસ્ટેલના જે રૂમમાં એ રહેતો હતો તેનાં બારણાં ઉપર એણે પોતે કિંગ કોબ્રાનું ચિત્ર દોર્યું હતું. બધા એવું માનતા હતા કે એ ચિત્ર ન હતું, પરંતુ એ ઉપેનની નેમપ્લેટ હતી. એ ખતરનાક હતો. એ પોતે ક્યારેય કબૂલતો નહીં, પણ એના મોઢામાંથી વણબોલાયેલો આ ડાયલોગ અમને બધાને સતત સંભળાયા કરતો હતોઃ ‘મેરા કાટા હુઆ પાની તક નહીં માંગતા.’
ધીમે ધીમે એનું નામ પડી ગયું, ‘ઝેરી’. એણે પોતે આ નામ સ્વીકારી પણ લીધું હતું. કેમ્પસના એક હજાર વિદ્યાર્થીઓ ભેગા થયા હોય અને કોઇ વિદ્યાર્થી બૂમ પાડે ‘ઝેરી..’ તો ઉપેન તરત જ જવાબ આપે, ‘આ રહ્યો. બોલ, શું હતું?’
બધા એનાથી ડરે અને સલામત અંતર રાખીને ચાલે, પણ મને ધીમે ધીમે ઉપેન ગમવા લાગ્યો. એનામાં કોઇ ચુંબકીય તત્ત્વ હતું, જે મને આકર્ષી ગયું. મારા સ્વભાવની એક ખાસિયત રહી છે. મને સાવ નિર્દોષ, સીધાસાદા અને સજ્જન માણસો જોડે ખાસ ફાવતું નથી. માણસ અલબત્ત, ગુંડો કે અસામાજિક ન જ હોવો જોઇએ, પણ એનામાં સહેજ તો માનવસહજ ખામી હોવી જ જોઇએ. ઇશ્વરની ભક્તિ કરી શકાય, પણ એની સાથે મૈત્રી તો ન જ કરી શકાય. દોસ્તી તો માત્ર માણસ સાથે જ થઇ શકે અને ઉપેન એક આવો જ માણસ હતો. થોડો કડવો, થોડો તીખો, થોડો નમકીન, થોડો લુચ્ચો, થોડો બદમાશ. મિત્ર તરીકે ક્યારેક ભારે પણ પડી જાય એવો અને દુનિયાભરના લાખ દુશ્મનોથી તમને બચાવી લે તેવો. અમારી ખરી મૈત્રી જામી ઇન્ટર્નશિપમાં. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં અમે છ મહિના સાથે કામ કર્યું. અમે કોઇએ ન કર્યાં હોય એવાં તોફાનો કર્યાં. માની ન શકાય તેવી મજાઓ માણી. દિવસ-રાત ગધેડાની જેમ કામ કર્યું અને ફરજ પૂરી થયા પછી મહારાજાઓની જેમ મોજમસ્તી કરી. મારી જિંદગીના એ સર્વશ્રેષ્ઠ દિવસો હતા. હોસ્પિટલની નર્સ બહેનો ખાનગીમાં અમને ડો. જય અને ડો. વીરુના નામથી ઓળખતી હતી. ભગવદ્્ગીતા પર હાથ મૂકીને હું કહું છું કે એ છ મહિનાની જિંદગી ફરીથી જીવવા માટે હું મારા આયુષ્યના ચાર દાયકા જતા કરવા તૈયાર છું.
ઇન્ટર્નશિપ પૂરી કરીને અમે બંને અમદાવાદની વી. એસ. હોસ્પિટલમાં જોડાયા. એ સર્જરીના વિભાગમાં અને હું ગાયનેક વિભાગમાં, પણ ફરજના કલાકોને બાદ કરતાં બાકીના બધા જ કલાક જય અને વીરુ સાથે જ જોવા મળતા હતા. મને આખો સર્જિકલ ડિપાર્ટમેન્ટ ઓળખે અને ઉપેનને મારો ગાયનેક ડિપાર્ટમેન્ટ ઓળખે.
અહીં અમારા સંબંધોમાં ખટાશ ભળવાની શરૂઆત થઇ. અમારી મૈત્રી એટલી પ્રગાઢ અને અતૂટ બની ગઇ હતી કે અમારી વચ્ચે દુશ્મનાવટ પેદા થાય તેવી તો કોઇ શક્યતા જ નહોતી, પણ ક્યારેક નાની-મોટી ચર્ચા, વિખવાદ કે બોલાચાલી થવા માંડ્યા. આનું કારણ કદાચ મનોવૈજ્ઞાનિક હોઇ શકે, કારણ કે આ એ સમય હતો જ્યારે અમારા બંનેના જીવનમાં એક-એક સ્ત્રીનો પ્રવેશ થઇ રહ્યો હતો. એ ડો. ચેતના સાથે ગોઠવાઇ રહ્યો હતો અને હું ડો. સ્મિતા સાથે. અત્યાર સુધી અમે બંને એકબીજા ઉપર એકાધિકાર ભોગવતા આવ્યા હતા. હવે એના જીવનમાં મારું સ્થાન બીજા ક્રમે સરકી રહ્યું હતું અને મારા જીવનમાં એનું સ્થાન.
અમે ચાર જણા પણ સાથે મળતાં હતાં. ફિલ્મ જોવા કે ડિનર લેવા માટે સાથે જતાં હતાં. મોજમસ્તી પણ કરી લેતાં હતાં, પણ વો બાત નહીં થી. આવું બનવું ખૂબ જ સ્વાભાવિક છે. જ્યારે દીકરો પરણે અને ઘરમાં વહુ આવે ત્યારે માતા-પિતાને પણ પોતાનો અધિકાર ઝૂંટવાઇ જતો હોય એવું લાગે છે. આમાંથી જ ગૃહકંકાસ શરૂ થઇ જતો હોય છે.
આવા લવ-હેટ રિલેશનશિપના સમય દરમિયાન એક મોટી વ્યાવહારિક ઘટના બની ગઇ. ઉપેન અને ચેતનાએ રજિસ્ટર્ડ મેરેજ કરી લીધા, પણ મને જાણ ન કરી. આવી રીતે છાનાછપનાં લગ્ન કરવા પાછળ એ બંનેની પાસે યોગ્ય કારણ હતું, પણ મને તો જાણ કરવી જોઇએને? આ ફરિયાદ મને આજ દિન સુધી થતી રહી છે. એ બંનેએ પછીથી અનેક કારણો બતાવ્યાં, જે મને ક્યારેય તર્કસંગત લાગ્યાં નથી. મેં પણ નક્કી કરી લીધું કે હું જ્યારે લગ્ન કરીશ ત્યારે એ બંનેને આમંત્રણ નહીં આપું. મારી થનાર પત્ની સ્મિતા મને અનેકવાર સમજાવતી રહેતી, ‘તમે તો ભારે ડંખીલા! ઉપેનભાઇ સાથે કંઇ આવું કરાતું હશે? એમના તો લવમેરેજ હતા. તમારે એમને કંકોતરી આપવી જ જોઇએ.’
હું જવાબ આપતો હતો, ‘તું મને ડંખીલો કહે છે? ઝેરી તો ઉપેન છે. પૂછી જો બધાને. લોકો એને કિંગ કોબ્રા તરીકે ઓળખે છે, પણ હવે મારો વારો છે. હું એને બતાવી આપીશ કે સમય આવ્યે હું પણ...’
સ્મિતા એનું આખરી શસ્ત્ર બહાર કાઢતી, ‘ઠીક છે. તમે ન બોલાવશો. હું ઉપેનભાઇને કંકોતરી આપી આવીશ.’ હું છંછેડાઇ ઊઠતો હતો, ‘ખબરદાર, તારે એને કંકોતરી આપવાની નથી, કારણ કે એ મારો...’
‘કેમ અટકી ગયા? વાક્ય પૂરું કરોને. કબૂલ કરોને કે એ તમારા મિત્ર છે. માટે મારે એમને કંકોતરી આપવાની નથી.’
હું ચૂપ થઇ જતો હતો. મારી કમનસીબી એ હતી કે છેલ્લા બેએક મહિનાથી મારી અને ઉપેનની વચ્ચે બોલચાલના સંબંધો પણ રહ્યા ન હતા. આખો દિવસ વી. એસ. હોસ્પિટલના કેમ્પસમાં સાથે રહેતા હોવા છતાં અમે વાતચીત કરતા ન હતા. ઝઘડાનું કારણ તો એવું મોટું શું હોઇ શકે, પણ બે ગાઢ મિત્રો વચ્ચે અબોલા સર્જાવા માટે ક્યારેય કોઇ મોટા કારણની જરૂર હોતી નથી. મને પેલો જાણીતો શેર યાદ આવી જાય છેઃ યાદ હૈ વો ગુફ્તગૂ કી તલ્ખી લેકિન ક્યા થી ગુફ્તગૂ વો યાદ નહીં. અમને બંનેને કડવાશ યાદ હતી, પણ કડવાશનું કારણ યાદ ન હતું. પણ મારો નિર્ણય અટલ હતો અને એક જ હતોઃ ‘હું ઉપેનને કંકોતરી નહીં આપું.’
એની હાલત પણ ક્ષોભજનક થઇ ગઇ હશે જ. ડોક્ટર્સ ક્વાટર્સમાં બધાને ખબર હતી કે અમે પરણી રહ્યાં છીએ. મિત્રો એને પણ સવાલો પૂછતા જ હશેને? અને એ જવાબ આપવાનું ટાળતો હશેને? એકંદરે અમારા બંને માટે આ પરિસ્થિતિ શોભાસ્પદ ન હતી. હું લગ્નની તૈયારીમાં પડી ગયો હતો. એકલે હાથે જ બધી ખરીદી કરવા જતો હતો. કપડાં ખરીદવાં, સૂટ સિવડાવવા, શૂઝ પસંદ કરવા. અમદાવાદમાં મારે બીજો એક પણ મિત્ર ન હતો. મારું સર્વસ્વ તો ઉપેન જ હતો, પણ એ તો હવે મિત્ર રહ્યો ન હતો.
જિંદગીનો પ્રવાસ ક્યારેય અટકતો નથી. નિકટતમ સ્વજન કે મિત્રની ગેરહાજરીમાં પણ આ પ્રવાસ ચાલતો રહે છે. મારાં લગ્નનો દિવસ નજીક આવી ગયો. ગણેશ સ્થાપન થઇ ગયું. શરીર પર પીઠી પણ ચડી ગઇ. જમણા હાથના કાંડે મીંઢળ બંધાઇ ગયું. બસ, હવે બીજા દિવસે સવારે જાનપ્રસ્થાન થવાની ઘડીઓ ગણાઇ રહી હતી. વાતાવરણ લગ્નગીતોથી ગુંજી રહ્યું હતું. સર્વત્ર આનંદ અને ઉત્સાહ છવાઇ ગયા હતા, પણ હું થોડી થોડી વારે ઉદાસ થઇ જતો હતો. કારણ સમજાતું ન હતું. આખી રાત હું પીઠી લગાડેલા શરીરે પડખાં ફેરવતો રહ્યો. સવારે ઊઠ્યો ત્યારે આંખો લાલ હતી. ઉદાસી વધી ગઇ હતી. અચાનક દિમાગમાં ઝબકારો થયો. ઉદાસીનું કારણ પકડાઇ ગયું. મેં મારી બાને કહ્યું, ‘હું બહાર જઇ શકું, માત્ર દસ જ મિનિટમાં પાછો આવી જઇશ.’
સાંભળનારા સાંભળી જ રહ્યા. બાએ પરંપરા આગળ ધરી દીધી, ‘ના બેટા, એકવાર મીંઢળ બંધાઇ જાય એ પછી વરરાજાથી ઘરની બહાર જવાય નહીં.’ મારા માટે મારી બાના શબ્દથી વધીને બીજો કોઇ કાયદો રહ્યો નથી, પણ એ દિવસે પહેલી વાર મેં બગાવત કરી, ‘મને માફ કરજે, બા. મારે જવું જ પડશે.’ મને ખબર હતી કે ઉપેન એ સમયે હોસ્પિટલમાં ડ્યૂટી ઉપર હશે. હું પહોંચી ગયો. મને જોઇને એ ચોંકી ગયો. મેં કહ્યું, ‘ઉપેન, આજે મારાં લગ્ન છે. તારે આવવાનું છે.’
‘જાણું છું, પણ તેં મને કંકોતરી નથી આપી.’ એણે સપાટ સ્વરમાં કહ્યું.
‘કંકોતરી ભલે નથી આપી, પણ હું રૂબરૂ આવ્યો છું. આ જો મારો હાથ. મીંઢળબંધા વરરાજા કરતાં કંકોતરીનું મૂલ્ય વધારે સમજે છે? તું નહીં આવે ત્યાં સુધી જાન ઊપડશે નહીં.’ આટલું કહીને હું નીકળી ગયો.
બધી જ કડવાશ ઓગળી ગઇ. ઉપેન આવી ગયો. એ પછી અમે ક્યારેય ઝઘડ્યા નથી. મારા અંગત શબ્દકોશમાં મારા આ સૌથી વહાલા મિત્ર માટે આ જ વિશેષણો છેઃ એ ભારાડી નથી, પણ ભલો છે. એ બદમાશ નથી, પણ દિલદાર છે. એ ઝેરી નથી, પણ અમૃતનો કુંભ છે. એ ઉપેન છે.
(શીર્ષક પંક્તિ : વસીમ બરેલવી)
X
doctor ni dairy by dr sharad thakar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી