ડૉક્ટરની ડાયરી / સાથ રહતે રહતે... મુદ્દત હો ગઈ...! ઈસલિયે દર્દ કો દિલ સે... મહોબ્બત હો ગઈ...

doctor ni dairy by dr sharad thakar

  • ડોક્ટરે સમજાવ્યું, ‘તમે બાળકને જન્મ આપતા પહેલાં પૂરતો વિચાર કરી લેજો. જો તમારું સંતાન થેલેસેમિયા મેજર નામની બીમારી લઇને અવતર્યું તો એ રિબાશે ને તમે પણ હેરાન થશો

ડો. શરદ ઠાકર

Nov 27, 2019, 08:07 AM IST
લગભગ 1974નું વર્ષ. 23 વર્ષના કૈરવ અને 21 વર્ષની કેતકી લગ્ન પહેલાં એકબીજા વિશે માહિતી મેળવવા માટે રૂબરૂ મળ્યાં. વડીલોની ઇચ્છાથી ગોઠવાયેલી આ મુલાકાત હતી. બંનેએ બધું જ પૂછી લીધું અને બધું જ જાણી લીધું. ભોજનની પસંદગી, વસ્ત્રોની પસંદગી, ફિલ્મો જોવાનો શોખ, ગમતા-અણગમતા કલાકારો, ગાયકો તેમજ અન્ય શોખો વિશે રજેરજ માહિતી મેળવી લીધી. બંનેને સંતોષ થઇ ગયો, કારણ કે બંનેના ગમાઓ એકસમાન હતા અને અણગમાઓ પણ સરખા જ હતા. એવું લાગતું હતું જાણે ઉપરવાળાએ પરફેક્ટ મેચિંગ ચકાસીને બંનેને ભેગાં કર્યાં હોય!
છૂટા પડતા પહેલાં કેતકીએ મહત્ત્વનો સવાલ પૂછ્યો, ‘તમે લોકો જન્માક્ષરમાં માનો છો?’
કૈરવે કહ્યું, ‘હા, અમે માનીએ છીએ. તમે?’
કેતકી ઊછળી પડી, ‘અમે પણ માનીએ છીએ. જો આપણા બંનેના જન્માક્ષરો સારી રીતે મેચ થતાં હશે તો જ આપણું લગ્ન શક્ય બનશે.’
‘અમારા ફેમિલીમાં પણ એવું જ છે. વિચારો મળતા આવે કે ન આવે, પણ જન્માક્ષરો મેચ થવા જરૂરી છે.’
બંનેના જન્માક્ષરો જાણતલ જોશીડાને આપવામાં આવ્યા. પરિણામ ખૂબ સુંદર મળ્યું. પંડિતે કહી દીધું, ‘અહાહા! આ જન્માક્ષરો કયા જાતકોના છે? આ હાલમાં વિદ્યમાન કોઇ વિવાહોત્સુક સ્ત્રી-પુરુષના ન હોઇ શકે. આવા જન્માક્ષરો તો શ્રીકૃષ્ણના અને સત્યભામાના હતા. આ બંનેનાં લગ્ન આજે થતાં હોય તો આવતી કાલ પર ન લઇ જશો. કુર્યાત સદા મંગલમ્।।’
કેતકી અને કૈરવ પરણી ગયાં. સૌરાષ્ટ્રનું એક નાનકડું શહેર હતું. કૈરવ એક મધ્યમ કક્ષાનો વેપારી હતો. પિતાની દુકાનમાં ધંધો શીખતો હતો. સામાન્ય ઘર હતું. એક સ્કૂટર હતું. ન તો ચગદી નાખે એવી વજનદાર ગરીબી હતી, ન એશોઆરામમાં જીવી શકાય એવી સમૃદ્ધિ હતી. દેશના કરોડો મિડલ ક્લાસ પરિવારો જે રીતે જીવે છે એ રીતે કેતકી અને કૈરવે પણ પોતાના દાંપત્યની યાત્રા શરૂ કરી. લગ્નના છએક મહિના થયા હશે ત્યારે કૈરવ બીમાર પડ્યો. સામાન્ય તાવથી શરૂઆત થઇ. ફેમિલી ડોક્ટરે ગોળીઓ આપી. તાવ મટવાના બદલે દિવસે દિવસે વધતો ગયો. છેવટે ફિઝિશિયનના હાથમાં કેસ પહોંચ્યો. ફિઝિશિયન ડોક્ટરે પેથોલોજી લેબોરેટરીમાં ફોન લગાડ્યો. ‘કૈરવ નામના પેશન્ટના અલગ અલગ પ્રકારનાં છ-સાત પરીક્ષણો કરવાનાં છે. ટેક્નિશિયનને મોકલો અને લોહી કલેક્ટ કરી જાવ.’
પેથોલોજિસ્ટે સારું સૂચન કર્યું, ‘સર, મારો માણસ આવે છે. અમારી પાસે અદ્યતન મશીન છે. એમાં એક જ બ્લડ સેમ્પલમાંથી 18 જાતના ટેસ્ટ્સ થઇ જશે. બીજી વાર નીડલ મારવાની જરૂર નહીં પડે.’
કૈરવનાં બધાં જ પરીક્ષણો થઇ ગયાં અને રિપોર્ટ્સ પણ આવી ગયા. તાવનું કારણ તો જડી ગયું, પણ ફિઝિશિયનની આંખ એક ટેસ્ટનો રિપોર્ટ જોઇને ચમકી ગઇ. કૈરવને થેલેસેમિયા માઇનોર નામની સ્થિતિ હતી. થેલેસેમિયા માઇનોર એક સ્વયંમાં કોઇ બીમારી નથી, પણ ચેતી જવા માટેનું કારણ તો છે જ. જો પતિ-પત્ની બંને થેલેસેમિયા માઇનોર હોય તો એમનું ભાવિ સંતાન થેલેસેમિયા મેજરનો શિકાર બની શકે. થેલેસેમિયા મેજર એ અવશ્ય એક ઘાતક બીમારી ગણી શકાય.
ફિઝિશિયને કેતકીનો બ્લડ રિપોર્ટ કરાવી લીધો. દુર્ભાગ્યે એનો રિપોર્ટ પણ થેલેસેમિયા માઇનોરનો આવ્યો. કૈરવનો તાવ તો પાંચેક દિવસમાં ઊતરી ગયો. સાતમા દિવસે એને દવાખાનામાંથી રજા આપી દેવામાં આવી. એ વખતે ડોક્ટરે પતિ-પત્નીને સામે બેસાડીને સમજાવ્યું, ‘તમે બાળકને જન્મ આપતા પહેલાં પૂરતો વિચાર કરી લેજો. જો તમારું સંતાન થેલેસેમિયા મેજર નામની બીમારી લઇને અવતર્યું તો એ બાળક પણ રિબાશે અને તમે પણ હેરાન થઇ જશો. આપણા ગુજરાતમાં આ રોગ માટે બીજી કોઇ સારવાર શક્ય નથી. નિયમિત સમયાંતરે તમારા બાળકને લોહી આપતા રહેવું પડશે. એનું રમવાનું, ભણવાનું, એનું ભવિષ્યમાં લગ્ન કરવાનું આ બધું જ મર્યાદિત બની જશે.’
કૈરવે પૂછ્યું, ‘અમારું બાળક સો ટકા થેલેસેમિયા મેજર નામનો રોગ લઇને જ આવશે એવી તમને ખાતરી છે?’
ડોક્ટરે માથું હલાવ્યું, ‘ના, એવું ચોક્કસપણે ન કહી શકાય, પણ આપણે આ બાબતમાં જરા નેગેટિવ વિચાર કરીને ચાલવું સલાહભર્યું છે. આવા કિસ્સામાં પોઝિટિવ થિંકિંગ ન ચાલે. જો કંઇક ઊંધું-ચત્તું થયું તો જિંદગી વેરવિખેર બની જાય. હું તો તમને સલાહ આપીશ કે કોઇ તંદુરસ્ત બાળકને દત્તક લઇ લેજો. તમારા પોતાનાં સંતાનનો મોહ ન રાખશો.’
આશરે 45 વર્ષ પહેલાંની આ ઘટના. તે સમયે થેલેસેમિયા મેજર બીમારી વિશે તબીબોમાં પણ એટલી બધી જાગૃતિ કે સભાનતા ન હતી. તો પછી સામાન્ય માણસોનું તો પૂછવું જ શું? અને આપણા દેશના લગભગ બધાં જ પરિણીત સ્ત્રી-પુરુષની સૌથી અદમ્ય ઝંખના પોતાના સંતાનનાં માતા-પિતા બનવાની હોય છે. કૈરવ અને કેતકીએ પણ ડોક્ટરની ચેતવણીને ધ્યાનમાં લીધા વગર પ્રેગ્નન્સીની દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું. બીજી બધી રીતે બંને સક્ષમ હતાં. કેતકી ગર્ભવતી બની ગઇ અને પૂરા મહિને તેણે નોર્મલ પ્રસૂતિ દ્વારા એક દીકરીને જન્મ આપ્યો. જન્મતાંની સાથે જ બાળકીનો બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો. રિપોર્ટ જાણીને બધાના મનમાં હાશ થઇ. બાળકીમાં થેલેસેમિયા મેજર જણાતું ન હતું. પતિ-પત્નીએ દીકરીનું નામ રાખ્યું અક્ષુણ્ણા. નામ સાર્થક હતું. દીકરી બહારથી તો સુંદર હતી જ, પરંતુ અંદરથી પણ તે ખામીમુક્ત હતી.
પતિ-પત્ની નિશ્ચિંત બની ગયાં. ત્રણ વર્ષ પછી કેતકીએ ફરીથી ગર્ભ ધારણ કર્યો. આ વખતે પુત્રપ્રાપ્તિની અપેક્ષા હતી, પણ પૂરા મહિને ફરી વાર દીકરી જ જન્મી. થોડી હતાશા તો જરૂર થઇ, પરંતુ એ હતાશા તરત જ હ‌ળવાશમાં પલટાઇ ગઇ. આ દીકરીનો બ્લડ ટેસ્ટ પણ નોર્મલ આવ્યો હતો. કૈરવે દીકરીનું નામ પૂર્ણા રાખ્યું. આ નામ પણ અર્થસભર હતું. પૂર્ણા કશી જ અપૂર્ણતા વગર જન્મી હતી. પતિ-પત્ની હવે સાવ જ ભયમુક્ત બની ગયાં, પણ આશામુક્ત બનવાને હજી વાર હતી. પુત્રપ્રાપ્તિની આશા હવે બળવત્તર બની ગઇ હતી.
બીજા ત્રણ વર્ષ પછી કેતકી ત્રીજી વાર ગર્ભવતી બની. આ વખતે આશા ફળી. દીકરો અવતર્યો.
સર્વત્ર આનંદ પ્રસરી ગયો.
ડોક્ટરે દીકરાના બ્લડ ટેસ્ટ કરાવી લેવાની સલાહ આપી. કૈરવભાઈની જરા પણ ઇચ્છા ન હતી. ડોક્ટરના દબાણને કારણે બ્લડ સેમ્પલ મોકલી આપ્યું. આ વખતે પરિણામ આંચકાજનક આવ્યું. નવજાત શિશુ થેલેસેમિયા મેજર નામની ગંભીર બીમારી લઈને આવ્યું હતું. આ સાથે જ એ પરિવારનાં સુખ, ચેન અને શાંતિનાં ચક્રો 180 અંશના ખૂણે પલટાઈ ગયા. આજે એ વાતને 35 વર્ષ થવા આવ્યાં. દીકરો પ્રશમ સાડા ત્રણ દાયકાથી પીડાનું કાયમી સરનામું બની ગયો છે. દર મહિને એક કે બે વાર અને ક્યારેક તો ત્રણ-ત્રણ વાર એને બ્લડ ચડાવવું પડે છે. બ્લડ બેન્કના આંટાફેરા, ડોક્ટરને કરવી પડતી આજીજીઓ, જે દિવસે બ્લડ આપવાનું હોય એ આખો દિવસ દુકાન બંધ રાખીને દીકરાની પાસે બેસી રહેવું, હાથમાં ભોંકાયેલી સોયની વેદનાને કારણે પ્રશમને રડતો જોયા કરવો, આ બધામાં પુત્રજન્મનો આનંદ તો ક્યાંય ભુલાઈ ગયો.
પ્રશમ ભણવામાં પણ પૂરતું ધ્યાન આપી ન શક્યો. શરીર સાવ સોટી જેવું જ રહ્યું. જો મૂડ સારો હોય તો શાળાએ ભણવા જાય નહીંતર ખાડો પાડી દે. માંડ-માંડ દસમું ધોરણ પાસ કર્યું.
કોઈએ સલાહ આપી, ‘પ્રશમને દિલ્હી લઈ જાવ. ત્યાં સર ગંગારામ હોસ્પિટલમાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ થાય છે એવું સાંભળ્યું છે. દક્ષિણ ભારતના વેલોરમાં પણ આવી સારવાર ઉપલબ્ધ છે. પૂરી તપાસ કરીને પછી જ જજો.’
કૈરવભાઈએ વેલોર જઈને દીકરાનું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું. સારો એવો ખર્ચ થયો. અત્યાર સુધીની બધી બચત વપરાઈ ગઈ. દુર્ભાગ્યે એ સારવારમાં સફળતા ન મળી.
આજે 35 વર્ષની ઉંમરે પણ પ્રશમ કુંવારો છે અને બીમાર પણ છે. નિયમિત સમયાંતરે એને બ્લડ ટ્રાન્સફ્યુઝન આપવું પડે છે. કંઈ નોકરી-ધંધો કરતો નથી. ક્યારેક સાજો હોય અને મૂડ સારો હોય તો પપ્પાની દુકાનમાં જઈને બેસે છે અને કામકાજમાં થોડી ઘણી મદદ કરે છે. નહીંતર આખો દિવસ ઘરે પથારીમાં પડી રહે છે.
બંને મોટી બહેનો પરણીને પોતપોતાનાં સુખી સંસારમાં ખોવાઈ ગઈ છે. જિંદગી હારી ચૂકેલો અને મનથી ભાંગી ચૂકેલો પ્રશમ ક્યારેક અંગત મિત્રોની આગળ રડી પડે છે. ‘ડોક્ટરે મારાં મમ્મી-પપ્પાને શરૂઆતમાં જ કહી દીધું હતું કે તમારે સંતાન ન થાય તો સારું, તેમ છતાં મમ્મી-પપ્પા માન્યાં નહીં. ઈશ્વરે એમને બબ્બે તંદુરસ્ત દીકરીઓ પણ આપી દીધી તોયે એમને સંતોષ થયો નહીં. દીકરાની લાલસમાં એમણે ત્રીજી વારનું જોખમ ખેડ્યું. પરિણામે શું મળ્યું? સહન કરવાનું તો મારા ભાગે જ આવ્યું ને? આ નર્ક જેવી યાતના ભોગવીને હું થાકી ગયો છું. ઈશ્વર મને ઉપાડી લે તો છુટકારો થાય.’
ઈશ્વર તો પરમ કૃપાળુ છે. એ કોઈને જીવન આપવાની પ્રાર્થના સ્વીકારે છે, પણ કોઈનું જીવન લઈ લેવાની પ્રાર્થના નથી સ્વીકારતો. પ્રશમ મરતાં મરતાં જીવી રહ્યો છે અને જીવતાં જીવતાં મરી રહ્યો છે. એની દયનીય હાલત જોઈને મનમાં એક વિચાર ઝબકી જાય છે: લગ્ન કરતા પહેલાં જન્માક્ષર મેચ કરવાને બદલે લગ્નોત્સવ યુવાન અને યુવતીના બ્લડ ટેસ્ટ કરાવી લીધા હોય તો કેટલું સારું!
X
doctor ni dairy by dr sharad thakar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી