ડૉક્ટરની ડાયરી / મારી આંખ સામે અતીતની ધરી આરસીને ઊભા તમે એક ભીની ભીની સવાર છે એક ઝાંખો ઝાંખો પ્રસંગ છે

DivyaBhaskar.com

Mar 22, 2019, 07:39 PM IST
article by dr sharad thakar

બપોરના એક વાગ્યાનો સમય. તે મારા કન્સન્ટિંગ રૂમમાં પ્રવેશી. સાથે એના પપ્પા હતા. બંને એપોઇન્ટમેન્ટ લઈને આવ્યાં હતાં. હું બંનેને જોઈ રહ્યો. પપ્પાની ઉંમર પચાસેક વર્ષની હશે. દીકરીની ઉંમર બાવીસ-ત્રેવીસની અાસપાસ. જૂની પેઢી અને નવી પેઢી એકસાથે મારી સામે હાજર હતી. હું તો એના પપ્પાથી પણ એક દાયકો આગળ.
‘મલમલ?’ મેં પૂછ્યું.
‘હા, મારું નામ મલમલ મહેતા. આ મારા પપ્પા છે અમિષ મહેતા.’ મલમલ મહેતા પોતાનો પરિચય આપ્યા બાદ હસવા ખાતર થોડું હતી પડી. હું જોઈ શકતો હતો કે એનું હાસ્ય કૃત્રિમ હતું. રડવા કરતાં પણ વધારે કરુણાજનક.
છોકરી ડિપ્રેશનમાં હોય તેવું લાગતું હતું, પણ એ હતી સુંદર. મારા મનમાં અનાયાસ સરખામણી થવા લાગી. હું જ્યારે યુવાન હતો ત્યારે સૌંદર્યની વ્યાખ્યા અલગ હતી. એ જમાનામાં હરીભરી કાયાવાળી છોકરીઓ સુંદર ગણાતી હતી. હિન્દી સિનેમાની હિરોઇનો પણ બધી હર્યાંભર્યાં બદનવાળી હતી. પદ્મિની, વૈજયંતી, હેમામાલિની, શ્રીદેવી, જયાપ્રદા અા બધી બક્સમ બ્યૂટી ગણાતી હતી. એની સરખામણીમાં આજની નવી પેઢી સ્કિની ફિગરને બ્યુટીફૂલ માને છે. મારી સામે બેઠેલી મલમલ મહેતા એવી જ સ્લિમ અને બ્યુટીફૂલ લાગી રહી હતી. કઈ પેઢીને સાચી ગણવી?
‘બોલ બેટા, શું કામ હતું?’ મેં વિચારોને ખંખેરીને વાતની શરૂઆત કરી.
‘સર, હું કોઈ ગાયનેક પ્રોબ્લેમ માટે તમારી પાસે નથી આવી. મારે તમારી સલાહની જરૂર નથી.’ એના અવાજમાં મુદ્દાસર વાત કરવાની સજ્જતા વરતાતી હતી. અમારા જમાનામાં આ ઉંમરની છોકરીઓ ગોળ-ગોળ વાત કરવામાં માહેર હતી. કઈ પેઢીને વધારે સારી ગણવી?
મલમલે બોલવાનું શરૂ કર્યું, ‘સર, મારાં લગ્નને એક વર્ષ થયું. એ પહેલાં હું જ્યારે કોલેજમાં ભણતી હતી ત્યારે એક છોકરાના પ્રેમમાં હતી. મારા બોયફ્રેન્ડનું નામ પલાશ. વી વેર સ્ટેડી ઓલમોસ્ટ થ્રી યર્સ.’
આવું જાહેર કરતી વખતે મલમલ પૂરેપૂરી સ્વસ્થ હતી. તેના પપ્પાની હાજરીમાં તે આવું જણાવી રહી હતી. હું વિચારી રહ્યો. અમારા જમાનામાં વડીલોની હાજરીમાં પોતાના પ્રેમપ્રકરણ વિશે કબૂલાત કરવા જેટલી હિંમત છોકરીઓમાં તો હતી જ નહીં, છોકરાઓમાં પણ ન હતી. કઈ પેઢીને વધારે નિખાલસ ગણવી?
‘તો પછી તેં પલાશ સાથે લગ્ન કેમ ન કર્યું?’
‘મારાં મમ્મી-પપ્પાને પલાશ પસંદ ન હતો. અમારી જ્ઞાતિ અલગ હતી. ઉપરાંત તે ભણવામાં મારા જેટલો તેજસ્વી ન હતો. મેં ખૂબ ધમપછાડા કર્યા, પણ મારું કંઈ ચાલ્યું નહીં. મેં અને પલાશે આપસમાં ચર્ચા કરી અને અમે પ્રેમથી છૂટાં પડ્યાં. અમારું બ્રેકઅપ થઈ ગયું. તે પછી એ પણ કોઈની સાથે પરણી ગયો અને મારું પણ લગ્ન થઈ ગયું. અમે એકબીજાને ક્યારેય ડિસ્ટર્બ કરતાં નથી.’ મલમલના શબ્દો જ કહીં આપતા હતા કે તે પલાશને સંપૂર્ણપણે ભૂલી ગઈ હતી. આ એક સારી બાબત હતી. અમારા જમાનામાં તો છૂટા પડ્યાં પછી પણ પ્રેમિકાના સંસારમાં પલીતો ચાંપવાનું કામ ચાલુ જ રહેતું હતું. માટે જ કદાચ સાહિરે આવી સલાહ આપવી પડી હશે: ‘વો અફસાના જિસે અંજામ તક લાના ન હો મુમકિન, ઉસે ખૂબસૂરત મોડ દેકર છોડના અચ્છા...’ પણ એ બધું પોથીમાંનાં રીંગણાં જેવું હતું. આજની પેઢી કદાચ વધારે દંભવિહીન છે.
‘અહીં એક વાતની સ્પષ્ટતા કરી લઉં, સર.’ મલમલે બાજુમાં બેઠેલા પપ્પા સામે એક વાર પણ જોયું નહીં અને કહી નાખ્યું, ‘હું અને પલાશ ફિઝિકલી પણ રિલેશનશિપમાં હતાં. હું પણ ખુશ હતી, એ પણ ખુશ હતો. નો રિગ્રેટ્સ, નો ગ્રીવન્સિસ, નથિંગ લાઇક મી ટુ. મારા સંબંધના પાયામાં પ્રેમ હતો અને પછી સેક્સ હતું. હવે એમાંનું કંઈ જ નથી. હું બધું જ ભૂલીને, પલાશ સાથેનો મારો અતીત સાતમા પાતળમાં દફનાવીને મારા વર્તમાનમાં જીવી રહી છું.’
‘તારા પતિનું નામ? એ શું કરે છે? દેખાવમાં કેવો છે? તમે ક્યાં રહો છો?’ મેં પૂછ્યું.
મારા સવાલો વધારે હતા, પરંતુ મુદ્દાસરના હતા. એના જવાબો પણ એવા જ રહ્યા.
‘પતિનું નામ માનુષ. એ એ જ કંપનીમાં જોબ કરે છે, જે કંપનીમાં હું કરું છું. દેખાવમાં હેન્ડ્સમ છે. અમે હાલમાં બેંગ્લુરુમાં સેટલ થયાં છીએ.’ મલમલના જવાબો સાંભળીને હું વધારે ગૂંચવાયો. અત્યાર સુધી એની વાતમાંથી એવું કશું જ જાણવા મળ્યું ન હતું જેના માટે તેણે મારી પાસે આવવું પડે. હા, તેનો એક ભૂતકાળ હતો, પરંતુ એ ભૂતકાળને તે દફનાવી ચૂકી હતી. હવે એની પાસે એક વર્તમાન છે, જેનાથી તે ખુશ હોવી જોઈએ. અચાનક મારા મનમાં ઝબકારો થયો. કદાચ મલમલ અને માનુષ પ્રેગ્નન્સી માટેનું પ્લાનિંગ કરવા માગતાં હશે. એના માર્ગદર્શન માટે તે મારી પાસે આવી હશે. મેં સીધું જ પૂછી લીધું, ‘તમે બેબી પ્લાનિંગ કરવા માગો છો?’
પહેલી વાર એની આંખોમાં અનિશ્ચિતતા ઉપસી આવી. એનો રૂપાળો ચહેરો અવઢવના જાળામાં ઘેરાઈ ગયો, ‘સર, ફ્રેન્કલી સ્પીકિંગ, હું એ જ નક્કી કરી શકતી નથી. જો એક વાર મારું બેબી આવી જશે તો પછી હું ક્યારેય માનુષને છોડી નહીં શકું...’
મને એની વાત સાંભળીને આંચકો લાગ્યો. અરે! ગજબની છે આ છોકરી! એક પ્રેમીને તો એ છોડી ચૂકી છે, હવે પતિને છોડવાની વાત વિચારી રહી છે! શા માટે? શા માટે? શા માટે?
આ આશ્ચર્ય, આંચકા અને આઘાતભર્યા સવાલોમાંથી એક ખૂબસૂરત પણ સંવેદનશીલ યુવતીના મનમાં ચાલી રહેલી મહા ગડમથલ બહાર સરી આવી.
ઢાકાની મલમલ જેવી મુલાયમ અને નાજુક મલમલ મહેતા અટક્યાં વિના લગભગ વીસેક મિનિટ જે બોલતી રહી તેનો સાર ટૂંકમાં કંઈક આવો હતો: પલાશ સાથેના પ્રેમને બ્રેકઅપ નામના કોફિનમાં બંધ કરીને વિસ્મૃતિની કબરમાં ઉતારી દીધા પછી મલમલ મહેતાએ જિંદગીની સેકન્ડ ઇનિંગ્સની શરૂઆત કરી. તેના જેટલું જ ભણેલો, એની સાથે જ જોબ કરતો માનુષ એને મળી ગયો. માનુષને મલમલ ખૂબ જ ગમી ગઈ, પરંતુ બંને પ્રામાણિક હતાં. મલમલે ભાવિ પતિ સમક્ષ બધી જ કબૂલાત કરી લીધી. પલાશ સાથેના શારીરિક સંબંધ વિશે પણ જણાવી દીધું. માનુષે ખભા ઉલાળીને કહી દીધું, ‘આઇ ડોન્ટ માઇન્ડ! ઇટ્સ યોર પાસ્ટ.’ પછી માનુષે પણ ચોખવટ કરી દીધી, એને પણ ઘણી બધી ગર્લફ્રેન્ડ્સ હતી. એમાંથી સિક્તા નામની છોકરી એની બેસ્ટ ફ્રેન્ડ હતી. અલબત્ત, એ બંનેની વચ્ચે માત્ર ફ્રેન્ડશિપ જ હતી. બંનેને લક્ષ્મણરેખા ઓળંગી ન હતી. બંને એકબીજાના ભૂતકાળને સ્વીકારી લીધો. વડીલોની સંપત્તિથી વિધિવત્ પરણી ગયાં.
આ તબક્કે મને ફરીથી નવાઈ લાગી. અમારા જમાનામાં આવી કબૂલાત કરવાની કોઈ હિંમત કરી શકતું ન હતું. આજની પેઢી જ નિખાલસ ગણાય.
મારા અવાજમાં સહેજ અકળામણ ભળી ગઈ, ‘મલમલ, હવે તું મને એ જણાવીશ કે તારો પ્રોબ્લેમ શું છે? અત્યાર સુધીની તારી વાત પરથી એવું લાગે છે કે તારો જીવનપ્રવાસ એક પણ ખાડાટેકરા વગરના સીધા સપાટ માર્ગ પર સડસડાટ દોડતાં વાહન જેવો સરળ રહ્યો છે. હવે મને એ કહે કે એમાં બમ્પ ક્યાં નડે છે?’
‘સર, જિંદગીના હાઇવે પર આવતા બધા જ બમ્પ દેખાય તેવા નથી હોતા. ક્યારેક કોઈક એકાદ બમ્પ અદૃશ્ય રહીને પણ તમારા પ્રવાસને ફંટાવી શકે છે. મારો પ્રશ્ન એ છે કે લગ્ન કરી લીધા પછી માનુષનું વર્તન સાવ જ બદલાઈ ગયું છે. એ મારી જરા પણ કેર કરતો નથી. ઓફિસમાં તો અમે બહુ વાત ન કરી શકીએ એ સમજી શકાય, પરંતુ ઘરે આવ્યાં પછી પણ તે મારી સાથે વાત કરવાનું ટાળે છે. એને મારો સ્વભાવ ગમતો નથી. મેં રાંધેલી રસોઈ ભાવતી નથી. મારું વર્તન એને રુચતું નથી. જો હું વાત કરવાનો પ્રયાસ કરું તો તે છણકો કરી અને એનું લેપટોપ લઈને બેડરૂમમાં ચાલ્યો જાય છે. મને પૂરો શક છે કે તે સિક્તાની જોડે...’
‘તેં ક્યારેય એની સાથે આ વિશે ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો છે ખરો?’

‘હા.’ જવાબમાં એણે કબૂલ કર્યું કે એ સિક્તાની સાથે નવરાશના સમયમાં સતત ચેટ કરતો રહે છે. ક્યારેક એ બંને મળે છે પણ ખરાં. એમના કહેવા પ્રમાણે એ બંને વચ્ચે નિર્દોષ ફ્રેન્ડશિપથી વિશેષ કશું જ નથી, પણ મને શંકા છે કે એ બંને ખાનગીમાં સેક્સ માણતાં જ હોવાં જોઈએ.
‘માની લે કે તારી શંકા સાચી છે તો? તો તારે શું કરવું છે?’
‘એ જ હું નક્કી કરી શકતી નથી. મારા માનુષને બીજી કોઈ સ્ત્રી સ્પર્શ સરખો પણ કરે એવું હું કલ્પી નથી શકતી, તો સાંખી તો કેવી રીતે શકું?’

હું એને ખૂબ ચાહું છું. હું જાણું છું કે તમે મને શું કહેશો. એ જ કે મેં પણ લગ્ન પહેલાં મારા બોયફ્રેન્ડની સાથે... પણ એ બધું મેં માનુષને જણાવી દીધું છે અને લગ્ન પછી હું માત્ર એની જ બની રહી છું, તો એણે પણ મને પૂરેપૂરા વફાદાર રહેવું જોઈએ.’
હું વિચારી રહ્યો. આ અાજની પેઢી છે. અમારી પેઢી ભલે ડરપોક હતી, જુઠ્ઠું બોલતી હતી, દંભ કરતી હતી અને આ બધાના આધારે લગ્નજીવનનો રથ હંકાર્યો જતી હતી. આજની પેઢીના યુવાનો અને યુવતીઓ લગ્ન પહેલાં બધું જ માણી લે છે, પછી જીવનસાથી સમક્ષ બધું કબૂલ કરી લે છે, પરંતુ પરણ્યા પછી અચાનક અમારી પેઢીનાં સ્ત્રી-પુરુષોની જેમ જ પઝેસિવ બની જાય છે. બે પેઢીઓ વચ્ચે કોઈ તફાવત દેખાય છે ખરો? કોઈ ચિંતકે સાચું જ કહ્યું છે વિશ્વભરમાં માણસો એકસરખા જ હોય છે; એમને દેશના, જાતિના, ધર્મનાં કે કાળનાં બંધનો નડતાં નથી. મેં તેને વીસ મિનિટ સુધી જે સલાહ આપી તે સાવ ટૂંકમાં કહું છું, ‘મલમલ, તારી પાસે માત્ર બે જ વિકલ્પો છે કાં તો માનુષને ડિવોર્સ આપી દે. તું હજી યુવાન છે અને ખૂબસૂરત છે. યોગ્ય પાત્ર મળી રહેશે અથવા માનુષને માફ કરી દે. એને જે કરવું હોય તે કરવા દે અને તારો સંસાર નિભાવી લે. કાગડા બધે જ કાળા! એક સુંદર બાળકને જન્મ આપી દે. માનુષ અવશ્ય તારી પાસે પાછો ફરશે.’

(શીર્ષક પંક્તિ : હરકિસન જોષી)

drsharadthaker10@gmail.com

X
article by dr sharad thakar
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી