તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગાહ અપની મૌત સે કોઈ બશર નહીં સામાન બરસોં કા હૈ કલ કી ખબર નહીં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

બારમા ધોરણની બોર્ડની પરીક્ષામાં રૈવત પંચાણુ ટકા માર્ક્સ સાથે પાસ થયો. આખા શહેરમાં એના નામનો ડંકો વાગી ગયો. છાપામાં ફોટા આવ્યા, ટીવી. ચેનલવાળા ઘરે આવીને ઇન્ટરવ્યૂ લઈ ગયા. શેરીથી લઈને શાળા અને જ્ઞાતિ સુધીના તમામ લોકોએ સન્માન સમારંભો ગોઠવ્યા. મા-બાપની છાતી ગજ ગજ ફૂલી ગઈ. બહાર નીકળે ત્યારે લોકો એની તરફ અહોભાવથી જોવા લાગતા.
જેટલા પત્રકારોએ ઇન્ટરવ્યૂ લીધો એ તમામનો પ્રથમ પ્રશ્ન એકસરખો હતો. ‘પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવવા માટે રોજના કેટલા કલાક વાંચવું પડે? બીજા વિદ્યાર્થીઓને તમે શો સંદેશ આપવા માગો છો?’
બીજા બધા સવાલ તો ઠીક છે, પણ આ સવાલનો જવાબ આપતાં રૈવત ખીલી ઊઠતો હતો, ‘મારે એટલું જ કહેવાનું છે કે સફળતા ક્યારેય રાતોરાત મળી જતી નથી. કોઈ કહેશે કે રોજના વીસ-વીસ કલાક વાંચવું પડે. કોઈ કહેશે કે શાળામાં મન લગાવીને ભણવું જોઈએ, કોઈ નસીબને તો કોઈ વળી મા-બાપના આશીર્વાદને... મારા મતે તો આ બધું હંબક છે. મા-બાપના આશીર્વાદ તો બધાના માથે હોય જ ને! મારા એકલાના ટકા જ કેમ સારા આવ્યા? અને મહેનત કોણે નહીં કરી હોય? મારા કેટલાય મિત્રોએ તો રોજના ચોવીસમાંથી પચીસ કલાક વાંચ્યું છે. હું એકલો જ કેમ સફળ થયો?’
‘અમારે એ જ જાણવું છે, તમારી સફળતાનું શ્રેય તમે કોને આપો છો?’
જવાબ આપતા પહેલાં રૈવતની આંખોમાં ચમક આવી જતી, અવાજમાં આત્મવિશ્વાસ ભળી જતો. ખોંખારો ખાઈને ગળું સાફ કરીને તે બધાની ધારણાથી વિપરીત આવો જવાબ આપતો હતો. ‘આયોજન, માત્ર આયોજન અને પાક્કું આયોજન. હિમાલય ચઢવો હોય તો એક છલાંગમાં ન ચડી શકાય, શરૂઆત તળેટીથી કરવી પડે. મેં પણ બોર્ડની પરીક્ષાની તૈયારી પહેલા ધોરણથી જ કરી દીધી હતી. એટલી નાની ઉંમરે પણ મારામાં એ વાતની સમજણ હતી કે કોઈપણ તપ બાર વર્ષનું હોય છે. બસ આટલી જ વાત!

બારમા ધોરણમાં તો મેં રોજના માત્ર પાંચ-છ કલાક જ મહેનત કરી હતી, પણ એ છ કલાકની પાછળ પાછલાં અગિયાર વર્ષનો આકરો પરસેવો મહેકતો હતો.’
રૈવતના જવાબથી રિપોર્ટરો ખુશ થઈ ગયા. સમાજમાં નવો ઉજાસ પ્રસરી ગયો. ઘરે ઘરે મા-બાપ એમનાં સંતનોને ઢીબવા માંડ્યાં. જોયું! ડોબાઓ, આવી રીતે મહેનત કરાય. આ તો પરીક્ષાની આગલી રાતે સિલેબસ ભેગા કરે, પછી આખી રાત જાગે અને પછી જ્યારે પરિણામ બહાર પડે ત્યારે કપાળ કૂટે.
‘આયોજન’ શબ્દ એ રૈવતની અંગત જિંદગીનો મુદ્રાલેખ હતો. એનો વ્યાપ એણે માત્ર ભણવા સુધી સીમિત રાખ્યો ન હતો. પપ્પા-મમ્મીની સાથે ક્યાંક ટૂંકા પ્રવાસ પર જવાનું હોય તો પણ રૈવત પાક્કું આયોજન કરી લેતો હતો. એની નાનકડી બેગમાં કપડાં ભલે બે જોડી હોય, પણ બીજી નાની-મોટી અસંખ્ય ચીજવસ્તુઓ મૂકવાનું એ ભૂલતો નહીં. એકવાર પાવાગઢ જતા હતા, ત્યારે માર્ગ પરના આંબા પરથી કાચી કેરી તોડી અને પપ્પાએ એને કહ્યું, ‘રૈવત બેટા, આને કાપીશું કઈ રીતે?’
જવાબમાં તરત જ રૈવતે કી-ચેઇન સાથે જોડાયેલું ચપ્પુ કાઢી આપ્યું. પપ્પા ખુશ થઈ ગયા. પૂછી બેઠા. ‘બેટા, તને ખબર હતી કે રસ્તામાં આપણને કેરી...’
રૈવતની આંખમાં એ જ પરિચિત ચમક આવી ગઈ હતી. ‘આયોજન પપ્પા આયોજન!’
બીજા કોઈ પ્રવાસમાં પર્વતારોણ કરતી વખતે પપ્પા લપસી પડ્યા હતા અને એમનું શર્ટ બગલમાંથી ફાટી ગયું હતું. રૈવતે તરત જ સોય-દોરો ધરી દીધા! પપ્પા કંઈ પૂછે એ પહેલાં એણે જવાબ આપી દીધો, ‘આયોજન પપ્પા આયોજન!’
એકવાર પ્રવાસે જતા પહેલાં પપ્પાએ એની બેગમાં નજર કરી લીધી. જાણે આખું ઘર મિનિ સ્વરૂપે રૈવતે સાથે લીધું હતું! એમાં મીણબત્તીનો ટુકડો પડેલો જોઈને તો પપ્પાને ભારે આશ્ચર્ય થયું, ‘રૈવત, આ મીણબત્તીનું શું કામ છે?’
‘ધારો કે વીજળી ગુલ થઈ ગઈ તો?’
આ વખતે પપ્પા જ સામેથી બોલી ઊઠ્યા, ‘આયોજન, બેટા આનું નામ આયોજન!’
આ તો માત્ર પ્રવાસની જ વાત થઈ. બાકી જિંદગીનું એક પણ ક્ષેત્ર એવું ન હતું, જેમાં રૈવતે ભવિષ્યનું પાક્કું આયોજન ન વિચારી રાખ્યું હોય. એણે ક્યાંક વાંચ્યું હતું કે દરેક પ્રજાની એક ખાસિયત હોય છે! બધાનાં આયોજનોની સમયમર્યાદા અલગ અલગ હોય છે.

પાકિસ્તાનનું આયોજન આખર તારીખ સુધીનું હોય છે, હિન્દુસ્તાનનું આયોજન પંચવર્ષીય હોય છે, ચીનનું આયોજન દસ વર્ષ સુધીનું હોય છે અને અંગ્રેજોનું આયોજન આવનારી અડધી સદીનું હોય છે. આ બધું વાંચ્યા પછી રૈવતે પણ પોતાના આયોજનની સમયમર્યાદા દસથી વીસ વર્ષ સુધીની નક્કી કરી રાખી હતી.
એ જ્યારે પાંચમા ધોરણમાં ભણતો હતો ત્યારે તેના જ ક્લાસમાં ભણતી એક નમણી છોકરી એના દિલમાં વસી ગઈ હતી! રુહાની રાવલ એનું નામ. અગિયાર-બાર વર્ષની છોકરીને પ્રપોઝ તો ન જ કરાય, એટલી ખબર રૈવતને હતી જ. એટલે એણે રુહાનીને તો કશું કહ્યું નહીં, પણ દિલના છાને ખૂણે લોહીના અક્ષરથી એણે આટલું લખી દીધું: ‘રુહાની મને ગમે છે, ભવિષ્યમાં એ અવશ્ય મારી પત્ની બનશે! હું ક્રમશ: આ દિશામાં ઉચિત પગલાં ભરતો જઈશ. ’
નવમા ધોરણમાં રુહાનીના માર્ક્સ ખૂબ ઓછા આવ્યા. રૈવતે એને એકાંતમાં મળીને ખખડાવી નાખી, ‘આવું રેઢિયાળપણું નહીં ચલાવી લેવાય! દસમા ધોરણમાં તારે ખૂબ જ મહેનત કરવાની છે. ડિસ્ટિંક્શન તો લાવવું જ પડશે.’
રુહાની ગૂંચવાઈ ગઈ, ‘પણ ડિસ્ટિંક્શન શા માટે?’ 
‘ડિસ્ટિંક્શન એટલા માટે કે મારી ભાવિ પત્ની થર્ડ ક્લાસમાં પાસ થાય તો હું નહીં ચલાવી લઉં.’
રુહાનીનું જડબું લટકી પડ્યું! રૈવતના વાક્યનો ગંભીતાર્થ એ સમજી શકે, તે પહેલાં તો રૈવત ત્યાંથી રવાના થઈ ગયો હતો. આયોજન પંચના અધ્યક્ષ શ્રીમાન રૈવતાચાર્યનું, આ ભેદી વિધાન સમજવામાં રુહાનીએ બે દિવસ લગાડી દીધા, પણ એકવાર એ સમજાઈ ગયું. પછી તો એના બત્રીસે કોઠે દીવા પ્રગટી ઊઠ્યા. રૈવત જેવો તેજસ્વી અને આયોજનબદ્ધ કિશોર, ભવિષ્યમાં તેનો જીવનસાથી બનશે. એ વિચારથી એના દસ ટકા વધી ગયા! એ પણ મહેનત કરવા મચી પડી.
બારમા ધોરણની જ્વલંત સફળતા પછી જ્યારે રૈવતને પૂછવામાં આવ્યું, ‘હવે શું કરવું છે? કઈ વિદ્યાશાખામાં પ્રવેશ લેવો છે?’ ત્યારે રૈવતે એની દસવર્ષીય યોજનાની રૂપરેખા ખુલ્લી કરી. ‘મારે સાયન્સ કોલેજમાં પ્રવેશ લેવો છે, બી.એસ.સી. વિથ ફિઝિક્સ કરવું છે, પછી એમ.એસ.સી. પછી એમ.ફિલ અને પછી ડોક્ટરેટ. દસ વર્ષ પછી હું દેશની સૌથી વધારે પ્રતિષ્ઠિત વિજ્ઞાનસંસ્થામાં ‘સાઇન્ટિસ્ટ’ તરીકે કામ કરતો હોઈશ!’
રૈવત પોતે આંકેલ નકશા ઉપર સડસડાટ આગળ વધવા લાગ્યો.

વચ્ચે બી.એસ.સી. નામનો પડાવ આવ્યો, ત્યારે તેણે રુહાની સાથે સગાઈ કરી લીધી. રુહાની ત્યાં સુધીમાં યૌવનનું અવતરણ ઓઢીને, અપ્સરાનું રૂપ ધારણ કરી ચૂકી હતી! બંને પક્ષના વડીલોએ, સહેજ પણ આનાકાની વગર આ સંબંધને વધાવી લીધો. એ પછી બીજો પડાવ આવ્યો. એમ.એસ.સી.ની પરીક્ષા પાસ કર્યા પછી રૈવતે લગ્ન કરી લીધું.
લગ્ન પછી રૈવતના આયોજન પ્રમાણે જ જિંદગીની ગાડી આગળ ધપતી રહી. રુહાનીએ ઘર સંભાળી લીધું અને રૈવત એના અભ્યાસમાં ડૂબી ગયો. બે મહિના પછી રુહાનીએ ફરિયાદ કરી. ‘આપણે લગ્ન પછી ક્યાંય ફરવા ગયા નથી.’
રૈવતે શાંતિથી એને સમજાવી. ‘મને ખબર છે કે આપણે ક્યાંય ફરવા ગયાં નથી, પણ મને એમ ખબર છે કે આપણે ફરવા જવાના છીએ! મારું બધું જ કામ આયોજન પ્રમાણે જ ચાલતું હોય છે. આપણું મેરેજ વૈશાખ મહિનામાં થયું હતું, ત્યારે કોઈપણ હિલસ્ટેશન ઉપર ફરવા જવાનું ત્રણ ગણું મોંઘું પડી જાય. ડિસેમ્બર આવી જવા દે, તે વખતે તું જ્યાં કહીશ ત્યાં હું તને લઈ જઈશ. દસ હજાર રૂપિયાવાળી રૂમ પાંચસો પાંચસોમાં મળી જશે! ફરવા માટે તો આખી જિંદગી પડી છે. ભવિષ્યમાં આપણા બાળક માટે બચતનું આયોજન પણ કરવું પડશે ને?’
રુહાનીની આંખો પહોળી થઈ ગઈ. ‘બાપ રે! તમે તો બાળકનું અને એના માટેની બચતનું પણ વિચારી રાખ્યું છે?!’ 
‘હા, આયોજન વિનાનું જીવન નકામું. હું નાનો હતો, ત્યારથી જ મેં એક આદત વિકસાવી છે. એક અંગત ડાયરીમાં, આગામી દસ વર્ષનાં મારાં સપનાંઓ હું નોંધી રાખું છું. પછી એને સાકાર કરવાના પ્રયત્નોમાં લાગી જઉં છું. આ બીજી ડાયરીમાં રોજ સવારે ઊઠીને આખા દિવસમાં શું કરવાનું છે એની વિગતો નોંધી લઉં છું. રાત સુધીમાં એ બધાં કામો પૂરાં કરીને જ હું જંપું છું.’
રુહાનીને રસ પડ્યો, એણે ડાયરીનાં પાનાં ફેરવવા માંડ્યાં. ડિસેમ્બર મહિનામાં નોંધ હતી, રુહાનીને લઈને મસુરીના પ્રવાસે જવાનું છે. એ પછીના ફેબ્રુઆરી મહિનામાં નોંધ હતી, ગાયનેકોલોજિસ્ટની એપોઇન્ટમેન્ટ લેવી! ઓગસ્ટ મહિનામાં બાળકના નામકરણ માટે સારાં નામો શોધવાં! બે વર્ષ પછી નોંધ હતી નર્સરીમાં એડમિશન લેવા માટે ઓળખાણ શોધવી.
રુહાનીએ ડાયરી બંધ કરી દીધી, એને લાગ્યું કે આગળનાં વર્ષોમાં દીકરા કે દીકરીનાં લગ્નની તિથિ પણ વાંચવા મળી શકે! એને આવો પતિ મળવા બદલ ગર્વ થયો. એની બહેનપણીઓના પતિઓ તો સાવ આડેધડ જિંદગી જીવી રહ્યા હતા. ‘પડશે એવા દેવાશે’ એ એમનો સિદ્ધાંત હતો. રૈવતના ચુસ્ત આયોજનના કારણે જિંદગી કેટલી સરળ બની ગઈ હતી!
ડિસેમ્બર આવી ગયો. બંને જણાએ દિલ્હી જતી ફ્લાઇટ પકડી લીધી. દિલ્હીથી કારમાં મસુરી જઈ પહોંચ્યાં. હોટલનું બુકિંગ ત્રણ મહિના અગાઉથી કરાવી લીધું હતું. લઘુતમ ખરચામાં વધુમાં વધુ સગવડો માણવા મળી રહી હતી. પાંચ દિવસ તો આંખના પલકારામાં ઊડી ગયા! છઠ્ઠા દિવસે બંને જણા કારમાં બેસીને પહાડોમાં ઘૂમવા માટે નીકળી પડ્યાં.

મસુરીના પહાડી રસ્તાઓ, ભારે ઢોળાવવાળા અને અણધાર્યા વળાંકોવાળા હતા. ડ્રાઇવર કાર ચલાવી રહ્યો હતો. રૈવત અને રુહાની પાછલી સીટ પર બેસીને વાતો કરી રહ્યાં હતાં. અચાનક ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો! ગાડી એક ચટ્ટાન સાથે અથડાઈ અને આડી પડી ગઈ. ડ્રાઇવર અને રુહાની ગાડીની બહાર ફેંકાઈ ગયાં, પણ રૈવત અંદર જ હતો.

મામૂલી ચોંટને અવગણીને ડ્રાઇવર ગાડી તરફ દોડી ગયો. કશું જ બોલી શક્યો નહીં, રુહાની પણ દોડી આવી, અંદરનું દૃશ્ય જોઈને ચીસ પાડી ઊઠી! લોહી નીંગળતી હાલતમાં રૈવતનો દેહ પડ્યો હતો. એની ખોપરી કહી આપતી હતી કે એનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
જીવનભર ભવિષ્યનાં આયોજનો કરતો રહેતો એક તેજસ્વી યુવાન મૃત્યુના કશા જ આયોજન વગર દુનિયા છોડીને ચાલ્યો ગયો હતો!
drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો