તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપણી નીતિમાં આક્રમક અધ્યાયનો પ્રારંભ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

એક ઉક્તિ છે, જેને સાંભળીને ભારતમાં આપણે સૌ મોટા થયા છીએ, ‘જો કોઇ તમને એક ગાલે લાફો મારે તો બીજો ગાલ ધરી દો.’ મોટા ભાગે આ ઉક્તિનું શ્રેય મહાત્મા ગાંધીને અપાય છે, જેમણે બ્રિટિશ શાસકો વિરુદ્ધ સંઘર્ષમાં અહિંસાનો એક નીતિ તરીકે ઉપયોગ કર્યો હતો. જોકે, ગાંધીજીએ તેનો ઉપયોગ કર્યો હતો પણ ઉક્તિ તેમની નહોતી. મૂળે આ ઉક્તિ બાઇબલની છે, જેમાં જણાવાયું છે કે, ‘પરંતુ, હું તમને કહું છું, જે દુષ્ટ છે તેનો પ્રતિકાર ન કરો. જો કોઇ તમારા જમણા ગાલ પર લાફો મારે તો બીજો ગાલ પણ ધરી દો.’ -ઇસુ ખ્રિસ્ત, અંગ્રેજી માનક સંસ્કરણ (મેથ્યૂ 5:39). આ ઉક્તિ શત્રુ માટે પણ શાંતિ, પ્રેમ અને કરુણાના મહત્ત્વને દર્શાવે છે. આવી જ અન્ય એક ઉક્તિ કદાચ ખરેખર ગાંધીજીની છે, ‘આંખના બદલામાં આંખ દુનિયાને અંધ બનાવી દે છે.’
 ગાંધીજી અહિંસાના બહુ મોટા હિમાયતી હતા. સ્વતંત્રતા આંદોલનનો મોટા ભાગનો હિસ્સો તેમના ચિંતન પર આધારિત હતો. તેમની રણનીતિઓ કારગત પણ રહી, કેમ કે આપણે અહિંસાને સ્વતંત્રતા પ્રાપ્ત કરવાના દૃઢ સંકલ્પ અને અસહકાર સાથે જોડી. અહિંસક કે શાંતિપૂર્ણ રહેવું મહત્ત્વપૂર્ણ ભારતીય મૂલ્ય છે. આપણે ચર્ચા કરનારા, સહેલાઇથી વિચલિત થનારા પણ મોટા ભાગે અહિંસક લોકો છીએ. આપણે એવી સરકારો નથી ઇચ્છતા કે જે યુદ્ધખોર હોય. હિંસા બેકાબૂ થવાનો ભય આધારહીન નથી. બે વિશ્વયુદ્ધ ઇતિહાસમાં તેના બે મોટાં ઉદાહરણ છે. આપણા દેશમાં પણ આપણે જાણીએ છીએ કે ભૂતકાળમાં જ્યારે કોઇ હિંસાની શરૂઆત કરી દે તો કોમી તંગદિલી કેટલી ઝડપથી દાવાનળમાં ફેરવાય છે. ગાંધીજીનો ઉપદેશ હોય, આપણો ઇતિહાસ કે માત્ર વ્યાવહારિકતા- જીવો અને જીવવા દો ભારતીય રસ્તો છે.
 જોકે, આપણા પાડોશીઓ કે પડોશીઓમાંથી કોઇ એક વર્ગ ભારતમાં આતંકવાદને ટેકો ચાલું જ રાખે ત્યારે શું કરવું? પાકિસ્તાન પર અસલ નિયંત્રણ ધરાવતા તેના સૈન્યએ કોઇ ને કોઇ બહાને ભારત પર આતંકી હુમલાની રણનીતિ દાયકાઓથી અપનાવી રાખી છે. કાશ્મીર એક સંવેદનશીલ અને ચર્ચાલાયક મુદ્દો છે. આપણે ભારતીયોએ સ્વીકારવું જ પડશે કે આપણે સૌ આ સમસ્યા પર સર્વાંગી રીતે ધ્યાન આપવામાં નિષ્ફળ રહ્યા છીએ. દાયકાઓ સુધી નિષ્ણાતો દ્વારા વિચાર-વિમર્શ, મંત્રણાઓ, સંમેલનો અને લેખો પછી પણ અત્યાર સુધીમાં કાશ્મીર નીતિ અંગે આપણે સ્પષ્ટ નથી. મુદ્દો જટિલ છે અને સમસ્યા ઉકેલવાની દૃષ્ટિએ મુશ્કેલ છે. આપણી આ નબળાઇનો ફાયદો ઉઠાવીને પાક સૈન્યએ કાશ્મીરમાં આતંકવાદી જૂથોને પ્રોત્સાહન આપ્યું છે.
આપણે આ સમસ્યાનો ઉકેલ લાવવા સારું કામ કરી શકીએ છીએ, પરંતુ શું આપણા પાડોશી દેશને સશસ્ત્ર દળો અને નાગરિકો પર આતંકી હુમલાનું સમર્થન કરવાનો હક છે?  આપણે આવું વારંવાર કેવી રીતે સહન કરી શકીએ? એટલે જ ‘હંમેશાં શાંતિ જાળવી રાખવી જોઈએ’ એવું વલણ અપનાવવું અઘરું થઈ પડ્યું છે. એક હદ પછી આવું વલણ મૂર્ખામીભર્યું બની જાય છે. શાંતિ સારી વાત છે અને તેનું સ્વાગત પણ છે પણ શાંતિના નામે સ્વબચાવ પણ ન કરવાથી આપણને નુકસાન પહોંચી શકે છે. આપણે જોયું છે કે, આ નીતિ અપનાવવા છતાં દુશ્મન આપણને વધુ સન્માન નથી આપતો અને તેમને કોઈ અપરાધભાવ પણ મહેસૂસ નથી થતો. ઊલટાનું તેમનું દુ:સાહસ વધી જાય છે. 
 કોઈ બીજા વિકલ્પ કરતા એ જ સાચું છે કે, અગાઉ ‘બીજો ગાલ ધરતું’ ભારત આજે પહેલાં જેવું નથી રહ્યું. આજનો સમય અલગ છે અને ભારતની શક્તિ, પ્રભાવ અને અન્ય વિકલ્પો જુદા છે. ભૂતકાળમાં ભારત પાસે અહિંસક વિરોધ સિવાય વધુ વિકલ્પ ન હતા. ગુલામીના દિવસોમાં બ્રિટિશ શાસકો પાસે પોતાનો બચાવ કરવા સૈન્ય શક્તિ અને હથિયારો હતાં. ભારતના તમામ સ્રોતો અને સંપત્તિ પર પણ તેમનું નિયંત્રણ હતું. ભારતીયો પાસે કશું ન હતું. એ સ્થિતિમાં તમે જવાબ કેવી રીતે આપી શકો? એટલે સૌથી ઉત્તમ ઉપાય એ જ હતો કે, હેતુ માટે દૃઢ સંકલ્પ અને જીદથી કામ કરતા રહો અને અહિંસક રહો, જેથી આક્રમણખોરો વધુ દુષ્ટ અને આપણો હેતુ વધુ ન્યાયી લાગે. આ રીતે આપણે પરિણામોની રાહ જોતા રહ્યા. આપણે એ કરી બતાવ્યું, જેમાં લાંબો સમય લાગ્યો પરંતુ આપણે સ્વતંત્રતા હાંસલ કરી લીધી.
 આજની સ્થિતિ જુદી છે. આજે બ્રિટિશ સામ્રાજ્ય નથી. આપણી પાસે ભૂમિ દળ, નૌસેના અને વાયુસેના છે અને દુનિયાનું છઠ્ઠા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર છે. હવે આપણે બીજો ગાલ ધરવાની જરૂર નથી. હવે કોઈ આપણને લાફો મારે તો આપણે તેનો કોલર પકડી શકીએ છીએ અને તેમને એવો સબક શીખવી શકીએ છીએ કે, તેઓ ફરી એવું કરવાની હિંમત ન કરે. ભારતીય વાયુસેનાએ પાકમાં ઘૂસીને આતંકી છાવણીઓ નષ્ટ કરીને આ જ કામ કર્યું છે. એ અભિયાનને સારી રીતે અંજામ આપીને સહીસલામત પાછા આવી જવા બદલ તેમને શુભેચ્છાઓ. એ હુમલા પછી સરકારે જે રીતે સાચવીને શબ્દોનો ઉપયોગ કર્યો એ માટે તેઓ વિશેષ શુભેચ્છાઓને પાત્ર છે. તેમણે કહ્યું કે, ‘આતંકવાદીઓને ખતમ કરવાનું આ નોન-મિલિટરી અભિયાન હતું.’
 એ ખૂબ સારું થયું કે, સરકારે સ્પષ્ટ કરી દીધું કે, આ કાર્યવાહી પાકિસ્તાનના નાગરિકો કે પાકિસ્તાની સેના વિરુદ્ધ ન હતી. એટલે જ પાકિસ્તાન માટે સ્થિતિને વધુ બગાડવાનું અઘરું થઈ ગયું. આપણે આ કાર્યવાહીમાં જોશ સાથે હોશ પણ જાળવી રાખ્યો. આ અભિયાનમાં સામેલ તમામને આપણી સલામ. પુલવામા હુમલા પછી હવાઈ હુમલા કરીને ભારતે એક નવો અધ્યાય શરૂ કર્યો છે, જેમાં તે બીજો ગાલ આગળ નહીં ધરતું.
  Âchetan.bhagat@gmail.com
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો