અયાઝ મેમણની કલમે / સિલેક્ટર્સ માટે આ સંવેદનશીલ સમય છે

This is a sensitive time for the selectors

Divyabhaskar.com

Jul 21, 2019, 07:59 AM IST

આવતા મહિને ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. આ વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાની પ્રથમ સીરિઝ રહેશે, જેમાં તેમને વન-ડે, ટી-20 અને ટેસ્ટ રમવાની છે. આ પ્રવાસ માટેની ટીમ શુક્રવારે સિલેક્ટ થવાની હતી, પરંતુ તે રવિવાર સુધી ટાળવામાં આવી. એટલે આજે ટીમની પસંદગી થશે. 2 વાત પર સૌથી વધુ નજર છે. પ્રથમ- વિરાટ કોહલીનું લિમિટેડ ઓવરમાં કેપ્ટન તરીકેનું ભવિષ્ય. બીજી- ધોનીનું ટીમમાં ભવિષ્ય.

એવી ચર્ચા છે કે સિલેક્ટર્સ ઉતાવળે કોઈપણ નિર્ણયા કરવા કરતા સમજી વિચારીને નિર્ણય કરવા માગે છે તેથી સિલેક્શનની મિટિંગ 2 દિવસ ટાળવામાં આવી. કોહલીને હટાવવો બિનજવાબદાર પગલું રહેશે. તેના નેતૃત્વમાં ટીમનું પ્રદર્શન સારું જ રહ્યું છે, ટીમે 74 ટકા મેચ જીતી છે. વર્લ્ડ કપના લીગ સ્ટેજમાં પણ ટીમ ટોપ પર હતી અને માત્ર 1 મેચ હારી હતી. સેમિફાઈનલમાં ધોનીને સાતમા ક્રમે મોકલવાના નિર્ણયે કોહલીની ટીકા કરવાની તક આપી. પરંતુ મને નથી લાગતું ધોનીના નીચલા ક્રમે આવવાથી ભારત હાર્યું. સ્પ્લિટ કેપ્ટન્સી એટલે કે ટેસ્ટ અને વન-ડેમાં જુદા કેપ્ટનનો ફોર્મ્યુલા સરળ નથી. ફાઈનલમાં પહોંચનાર કિવી ટીમનો ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન વિલિયમ્સન જ છે. ઈંગ્લેન્ડમાં સ્પ્લિટ કેપ્ટન્સી છે, ટેસ્ટમાં રૂટ અને વન-ડેમાં મોર્ગન કેપ્ટન છે, પરંતુ મોર્ગન ટેસ્ટ નથી રમતો તેથી ટકરાવની શક્યતા નથી. ભારતમાં સ્પ્લિટ કેપ્ટન્સી ટીમમાં ખોટો સંદેશ આપી શકે છે.

ધોનીની વાત કરીએ તો સિલેક્ટર તેને વિચારવાની તક આપવા માગે છે. તેના જેવા અનુભવી અને દેશને તમામ ઉપલબ્ધિઓ અપાવી ચૂકેલા ખેલાડીનો આ અધિકાર છે. બની શકે સૌને ચોંકાવવા માટે જાણીતા ધોનીની પાસે હજુ પણ કોઈ ચમત્કાર કરવાનો બાકી હોય. આવી સ્થિતિમાં સિલેક્ટર્સની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બને છે. તેમણે પોતાના કામને સંવેદનશીલ રીતે સંભાળવાનું રહેશે.

X
This is a sensitive time for the selectors
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી