એન્કાઉન્ટર / એક હોટેલમાં ફરી જવાનું મન કેમ થતું નહીં હોય?

Why not go back to a hotel

અશોક દવે

Jan 05, 2020, 07:20 AM IST

* લોકો લગ્ન શા માટે કરે છે? - વંદન પોકાર, દહેગામ
- આ સવાલ પપ્પાને પૂછવો જોઇએ.
* નર્મદાનાં પાણી ઉમેરાયાં પછી સાબર-કોલાના પાણીના બંધારણમાં કોઇ ફેર પડ્યો કે નહીં? - રસેશ પટ્ટણી, વડોદરા
- અહીં પાણી પીએ છે જ કોણ? આમાં તો સોડા જ જોઇએ.
* કૂતરાને લોકો ‘હઇડ-હઇડ’ કેમ કરે છે? - રશ્મિન સોની, સુરત
- બોલો. સામે કૂતરું કોઇ ’દિ એવું કરે છે? જેવા જેના સંસ્કાર.
* મારે હાસ્યલેખક બનવું હોય તો શું કરવાનું? - મનીષ કાગડા, રાજકોટ
- એક વાર લગ્ન.
* તમારું ‘એન્કાઉન્ટર’ છેલ્લે પાને ને છેક નીચે કેમ હોય છે?- ગૌરાંગ પંચાલ, અમદાવાદ
- મારે આગળ આવવાની ને ઉપર જવાની હજી વાર છે.
* સોફા ઉપર લાંબા થઇને રિમોટ ચલાવવાની મજા કાંઇ ઓર જ હોય છે! - જીતેન્દ્ર કેલા, મોરબી
- તમારાં વાઇફની આ સ્ટાઇલ સારી ન કહેવાય! કોઇ જુએ તો તમારું કેવું ખરાબ લાગે?
* ઉદ્ધવ ઠાકરેને ‘સેક્યુલર’ શબ્દનો અર્થ નથી આવડતો? એ પત્રકાર ઉપર ખિજાઇ કેમ ગયા? - ધ્રુમિલ ધ્યાની, અમદાવાદ
- ‘ઉદ્ધત ઠાકરે.’
* હાશ... હેલ્મેટના ફંદામાંથી છૂટ્યા!
- જ્યોતિ સી. પટેલ, અમદાવાદ અને વસંત દોશી, અમદાવાદ
- સોરી! નવો કાયદો આવી રહ્યો છે. ‘હેલ્મેટ કેમ પહેરી રાખી છે?’ રૂ. 500/- દંડ.
* લગ્નની સિઝન તમારે કેવી ગઇ? - કર્તવ્ય જાની, રાજકોટ
- માથે પડી! આ વખતના એકેય નિમંત્રણમાં લખ્યું નહોતું, ‘ચાંદલો-ભેટ અસ્વીકાર્ય.’
* એક તો મસમોટ્ટો ચાંદલો કરો ને કવર આપવા રિસેપ્શન નીચે લાંબી લાઇનમાં ઊભા રહો. આ ક્યાંનો ન્યાય?- ઝુમુર પંડ્યા/ગાંગુલી, વડોદરા
- તમે ખોટી લાઇનમાં ઊભા હશો. સ્ટેજની જમણી બાજુવાળી લાઇન ‘કવર પાછું લેવા માટેની’ હોય છે. ડાબી બાજુવાળી લાઇનમાં કદી ઊભા ન રહેવાય. બેન!
* તમે ચાહકોને ઓટોગ્રાફીમાં શું મેસેજ લખી આપો છો?- કીર્તિ નવલરામ દવે, જામગનર
- અરે ભ’ઇ... એ આદતમાં એક જણને કોરા ચેક ઉપર ઓટોગ્રાફ આપી દીધો હતો!
* વિકાસ ક્યારે થશે? - ધર્મેશ બારોટ, પાલિતાણા
- ભ’ઇ... અત્યારે ય એનું વજન 76 કિલો છે જ! હવે મારે વધારે વિકાસ કરાવવો નથી.
* સરકારી કર્મચારીઓને પગારને બદલે ડુંગળી આપવી ન જોઇએ? - નિલેશ જી. વાળા, સરખડી-કોડિનાર
- મહિને એક કિલો કાચી ડુંગળી ચાવી જનારને પ્રમોશન આપી શકાય, પગાર નહીં!
* પ્રિયંકાએ રાહુલને રાખડી બાંધી હોય, એવો કદી ફોટો જોયો છે?- હેમંત ત્રિવેદી, વડોદરા
- હું એટલો ગાંડો થઇ ગયો છું, તે એવા કોમિક ફોટા જોઉં?
* ભારતમાં વધતી બેરોજગારીનું કારણ શું? - જયદીપ પટેલ, પાટણ અને નૂતનકુમાર ભટ્ટ, સુરત
- ઘરમાં આઠ-દસ બાળકો પેદા કર્યાં હોય, એમાંથી ભણાવો કેટલાને અને નોકરી કેટલાને અપાવો?
* બળાત્કારોનું કારણ હલકી ફિલ્મો નથી હોતી? - પ્રકાશ કે. ઝાલા, કલેસર-છીપડી
- તમને લાગે છે, આવા કરુણ વિષય પર વાત કરીને મનને શાંતિ મળે છે?
* ‘એન્કાઉન્ટર’માં કોઇ ઘવાય છે?- ચિરાગગીરી ગોસાઇ, પ્રાચી - ગીર સોમનાથ
- લગભગ 25 સવાલો સરેરાશ છપાય. જેમના સવાલ કાયમ છપાતા હોય, એ ઉપરથી નીચે સુધી આંગળી ફેરવી જોઇ, પોતાનું નામ છપાયું છે કે નહીં, એટલું જોઇ લે. ન હોય તો બાકીનો કોઇ સવાલ વાંચવાનો નહીં. બાજુના બોક્સમાં આટલું લખવા છતાં વાચકો પોતાનું સરનામું, શહેર કે મોબાઇલ નંબરે ય લખતા નથી. સવાલ ન છપાણો હોય, એ ઘવાય છે.
* ગુજરાતી ગાયક કેવી રીતે બનાય?- રવિ બારોટ, વાંકાનેર
- કક્કો-બારાખડી શીખી જાઓ પછી.
* લગ્ન પછી આપણે સુખી છીએ કે દુ:ખી, એની ખબર કેવી રીતે પડે?- જગદીશ બારૈયા, મહુવા-ભાવનગર
- એને લઇને બહાર નીકળ્યા હો ને કોઇ અજાણ્યું એની તરફ જોયે રાખતું હોય ને આપણને ખીજ ચઢે, તો સુખી કહેવાઓ. કોઇ અસર ન થાય તો ભોગ તમારા!
* બળાત્કારની ઘટનાઓને ત્વરિત અટકાવવાનો કોઇ ઉપાય?- જયેશ અંતાણી, ભાવનગર
- મળે એટલે જણાવીશું.
* ફિક્સ પગારના કર્મચારીઓનો કેસ સુપ્રીમમાં સરકાર દસ વર્ષથી ચલાવે છે. ન્યાયનું શું?- ચેટ્સ પટેલ, ચિખોદરા
- ચિખોદરા-ટુ-ચાઇના... બધે હાલત સરખી છે, ભાઇ!
* શું મુહમ્મદ રફી સાહેબને ‘ભારતરત્ન’ ન મળવો જોઇએ?- રાકેશ ભાવસાર, ભરૂચ
- એમનું પતે, પછી આપણું ય ધ્યાન રાખજો!
* શું આપણા દેશની નારી સુરક્ષિત છે કે નહીં, એની ખબર કેવી રીતે પડે?- ધવલ કે. જીલડિયા, ગાંદોઇ-વણથલી, જૂનાગઢ
- ઓફિસથી ઘરે પહોંચ્યા પછી દરવાજો ખોલવા એ આવે, તો સમજવું એ સુરક્ષિત છે.
* પૃથ્વી ફરે છે, તો આપણે કેમ નથી ફરતા?- કેતનપરી ગૌસ્વામી, મોરવાડ-કોડિનાર
- ડર છોડો... હવે હેલ્મેટ પહેરવાની જરૂર નથી.
* તમને કૂતરું કરડે તો તમે કોને કરડો?- ચેતન ત્રિવેદી, અમદાવાદ
- પહેલાં તમે જેને જેને કરડી આવ્યા છો, એ બધા સાત દિવસ જીવ્યા છે કે નહીં, એનું મને લિસ્ટ મોકલાવો.
* અહીં લાઇટના અજવાળે સોયનો દોરો પરોવાતો નથી, ત્યાં પાનબાઇ વીજળીના ચમકારે મોતી કઇ રીતે પરોવતાં હશે?- દીપક લવજીભાઇ મકવાણા, ડિસા
- આમાં કાથાભાઇ અને ચુનાભાઇ ઉલ્લુ જ બન્યા છે... તેથી વિશેષ કાંઇ નહીં!
* ‘નોકિઆ’ના સિમ્બોલમાં બતાવાયા છે, એ બંને હાથ કોના છે?- નિકુંજ જાની, વડોદરા
- આપણી આટલી ખાનગી વાત... તમે આમ જાહેર કરી દીધી?

X
Why not go back to a hotel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી