એન્કાઉન્ટર / આજકાલ કોઈને કોઈના ઉપર ભરોસો કેમ નથી?

Why does nobody trust anyone these days?

અશોક દવે

Dec 15, 2019, 07:17 AM IST

* બાળકો પાસેથી ‘પબજી’ અને ‘ફ્રી-ફાયર’ જેવી ગેમ્સની લત છોડાવવા શું કરવું જોઇએ? - પ્રદીપસિંહ ગોહિલ, વલસાડ
- રોજ પાંચ કલાક ભણવાની શરતો મૂક્યા પછી જ મોબાઇલ રમવા આપો.
* અમે નવરા પડીએ એટલે ‘એન્કાઉન્ટર’ની વાતો... તમે નવાર પડો ત્યારે શું કરો? - સુરેશ મોહનલાલ શેઠ, અમદાવાદ
- સુરેશ મોહનલાલ શેઠની વાતો.
* તમારા બન્ને પનોતા પુત્રો ધાંધલ અને ધમાલ શું કરે છે?- કાશ્વી જંબુસરિયા, અંકલેશ્વર
- એ લોકોય એમના ત્રીજા ભાઈના આવવાની રાહ જોઈને કંટાળ્યા છે.
* બિનસચિવાલયની પરીક્ષા રદ થઇ, તે વિશે આપનું શું કહેવું છે? - દિગ્પાલસિંહ રાજપૂત, ગાંધીનગર
- એક વધુ સપનાને ફટકો.
* ‘એન્કાઉન્ટર’ બોમ્બ ક્યાં ફોડાય? - મહાસુખ દરજી, અમદાવાદ
- તમારા ઘરમાં.
* મારે મારા ફેમિલીના જન્માક્ષર જોવડાવવા છે. - પ્રફુલ્લ કોઠારી, જૂનાગઢ
- રહેવા જ દો. એ લોકોને સાચી વાતની ખબર પડી જશે તો...
* ક્યારેક ઘરમાં રસોઇ બનાવવાનું આવે ત્યારે તમે શું કરો? - પવી ઉપેન્દ્ર ધ્યાની, વડોદરા
- ક્યારેક??? અરે! મારે તો બહારના ઓર્ડરો ઉપરે ય પૂરતું ધ્યાન આપવું પડે છે!
* આજે ઇન્દિરાજી હયાત હોત તો? - નામ્યા શેઠ, સુરત
- ઓહ! એ તો ઘણાં સમર્થ લેડી હતાં, પણ
આ જુઓ ને...! ફાલ ઉતારવામાં કેવી વેઠ ઉતારી છે?
* ભ્રષ્ટ સરકારી અધિકારીઓ અને એવા નેતાઓ વચ્ચે શું ફર્ક?- નીલા કે. ત્રિવેદી, નડિયાદ
- બેમાંથી વધારે તૂટવું પડે છે નેતાઓને. પાંચ વર્ષમાં ફેણાય એટલું ફેણી લેવું પડે છે. જ્યારે સરકારી નોકરો પાસે રિટાયર થવા સુધીની પૂરી જિંદગી પડી છે.
* તમે કોઇનું એન્કાઉન્ટર કર્યું છે? - પ્રતીક ભદ્રા, આદિપુર
- પૈસા મળતા હોય તો મારું ય કરાવવા તૈયાર છું.
* શર્ટ પર ચા ઢળે તો એને ટી-શર્ટ કહેવાય? - દિનેશ કછોટ, સોમનાથ
- ખોળામાં બાબો રમાડવા લો તો પી-શર્ટ પણ કહેવાય.
* મંદિરો-દેરાસરોમાં વહી જતું દેશનું લાખો ટન સોનું દેશના કામમાં ક્યારે આવશે? - અઝીઝા કૌકાવાલા, જામનગર
- મારી પત્નીની નાકની ચૂની એક મંદિરમાં પડી ગઇ હતી. હજુ પાછી આવી નથી. (આઇ મીન, ચૂની તો પાછી આવી ગઇ...!)
* તમને ‘નાસા’માં નોકરી મળે તો કયા ગ્રહ પર જવાનું પસંદ કરશો? - પ્રિયાંકી ધ્રુવેશ પાઠક, ભાવનગર
- મારા માસા ય ‘નાસા’માં છે. હજી બહાર ઊભા છે.
* નવા વર્ષે શું સંકલ્પ લીધો? - જયેશ અંતાણી, ભાવનગર
- દર વર્ષ જેવો જ... કે ક્યારેય કોઇ સંકલ્પ ન લેવો.
* કોઇને માટે એ, ‘પાંચમાં પુછાય છે’, એવું કહેવાય છે. વધારે કે ઓછામાં કેમ નહીં?
- ભારતી શાહ, બેંગ્લોર
- આપણામાં કહેવત છે, ‘પંચ ત્યાં પરમેશ્વર.’
* શરદી થઇ હોય ત્યારે ગરમી લાગે, તો શું કરવું?- વૈભવ સનાસ્ને, અમદાવાદ
- પંખો ચાલુ કરો.
* તમે કોનાથી વધુ ગભરાઓ છો? પત્નીથી કે પાડોશીની પત્નીથી?- સુધીર શેઠ, વડોદરા
- એવું કાંઇ મૂડીરોકાણ કરવું પડે, એવો સધ્ધર પાડોશ મળ્યો નથી.
* અમદાવાદ-મેટ્રો ઇ.સ. 2025માં ય પૂરી થશે ખરી?- વિક્રમ રબારી, અમદાવાદ
- ઇલેક્શન્સ 2024માં આવે છે, એ પહેલાં તો મારી ય ગેરંટી.
* શું સૂર્ય કે ચંદ્રને પણ ગ્રહણ નડતું હશે? ગ્રહો આડે આવતા હશે? - હિમાંશુ વ્યાસ, અમદાવાદ
- બીજાની તો ખબર નથી, પણ આપણને ચંદ્ર પૂરેપૂરો નડી ગયો.
* સવાલની સામે સવાલ કરાય કે ન કરાય? - મિહિર રામાવત, સુરત
- કયો સવાલો?
* મારે એક ગર્લફ્રેન્ડ અને એક જસ્ટ ફ્રેન્ડ છે, એની ટીકા કેમ થાય છે? - ભાવિન સાગઆઠિયા, જામનગર
- બીજી આઠ-દસ કરી લો ને... ટીકા તો બધાની એક જ થવાની ને!
* તમારા મતે માનસિક આઝાદી એટલે શું? - ઝીલ ત્રિવેદી, પાટણ
- જે ઘેર આવતા પૂરી થઇ જાય એ.
* આ ‘હું’ એટલે વળી કોણ? - જીતેન્દ્ર કેલા, મોરબી
- મળે એટલે નિરાંતે કહેજો ને, તમે ત્યારે!
* તમારી દૃષ્ટિએ કલમ 370 રદ થવાથી ફાયદો થયો કે નુકસાન?- માધવ ધ્રુવ, જામનગર
- ઇન્ડિયામાં રહો છો ને?
* આ ‘મોબ-લિન્ચિંગ’ શું છે?
- અજય નારાયણભાઇ દેસાઇ, થુમથલ-મહેસાણા
- ટીવીવાળાઓનો ખોરાક.
* ‘બુધવારની બપોરે’ એટલે શું?- સમર્થ સિહોરા, સુરત
- એની ‘મંગળવારની મધરાતે’ ખબર પડે!
* ‘ડિસા’નું મૂળ નામ ‘દર્શનપુર’ હતું તે ફરી કરવાની ઇચ્છા છે.- જીતેન્દ્રકુમાર મગનાજી ટાંક, માલગઢ-ડિસા
- ‘માલગઢ’નું નામ શું હતું?
* તમે સવાલની સાથે સરનામું ને મોબાઇલ નંબર કેમ મંગાવો છો, ઘેર આવશો? - કૌશલ નીતિનભાઇ પંડ્યા, અમદાવાદ
- કાલ ઊઠીને શ્રેષ્ઠ સવાલને વીસ-પચીસ હજારનું ઇનામ આપવું હોય તો કામ આવે.
* ‘માનવી માનવ થાય તો ઘણું’, આ પંક્તિ મુજબ ‘માનવ’ થવા શું કરવું પડે? - દિલીપ એચ. મકવાણા, ચમારિયા-સંજેલી, દાહોદ
- જવા દિયો ને... આપણા બેમાંથી કોઇને કામનું નથી.
* ‘ધોબીનો કૂતરો નહિ ઘરનો, નહિ ઘાટનો’ એ કહેવત શાથી પડી હશે?- લવંગીરાય જે. કાનાબાર, ગાંધીનગર
- ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓનાં પરિણામો જોઈ લો... જવાબ મળી જશે.

X
Why does nobody trust anyone these days?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી