બુધવારની બપોરે / ..તો બિચારા જાય ક્યાં?

Where does it go?

Dainik Bhaskar

Jun 12, 2019, 09:42 AM IST

રાધા અને કૃષ્ણની પ્રેમકહાણી સરળ અને કોઈ જોખમો વગર ચાલતી રહી, એનું મુખ્ય કારણ એ હતું કે, એ બંને ખાનગીમાં જ્યાં મળતાં, એ કદમ્બ વૃક્ષ નીચેથી એમને તગેડી મૂકવા કોઈ સ્થાનિક પોલીસો ટપકી પડતા નહોતા. ‘એ ય... ક્યાં કર રહે હોં?’ કહીને લુખ્ખાઓ એમની પાસેથી પાંચ-પંદર પડાવતા નહોતા. સંધ્યાના અજવાળે લાકડીને ટેકે ટેકે ગાર્ડનમાંથી ઘરભેગા થતા ડોહાઓ એ બંનેને જોઈને, મોઢાં ચઢાવીને, ‘જુઓ તો ખરા, સુઉં જમાનો આયો છે?’ કહીને પોતાના બર્બાદ વીતી ગયેલા જમાનાઓ ઉપર જીવો બાળતા નહોતા. વળી, સહેજ અમથું મોડું થઈ જાય તો રાધુની મોમ છોકરીને તતડાવી નહોતી મારતી, ‘અત્તાર સુધી ક્યાં ટાચક-ટાચક કરવા ગઈ’તી?’ રાધાની સખીઓને ખબર બધી હોય, પણ પૂછી પૂછીને રાધાનાં લોહીડાં નહોતી પીતી કે, ‘અલી, કાલ સાંજના ક્યાં મરી’તીઈઈઈ?’ કારણ કે એવડીઓ ય પોતપોતાને ભાગે આવેલા કદમ્બ વૃક્ષો નીચે પોતપોતાના કન્હૈયાઓની વાંસળીના સૂરોમાં લીન હતી!
કૃષ્ણ એમની વાંસળીનો ઉપયોગ ‘વોટ્સએપ’ તરીકે કરતા. વાંસળીમાં અડધી ફૂંક મારે, એટલે રાધાને ખબર પડી જાય કે કાન્હાનો મેસેજ આવી રહ્યો છે. આખી ફૂંકમાં કદમ્બના વૃક્ષનું એડ્રેસ લખ્યું હોય અને રાગ લાંબો છેડાય તો રાધા સમજી જતી કે, ‘બોસની હટી ગઈ લાગે છે! જલદી ભાગવા દે.’ આમ તો પૂરા ગોકુળિયા ગામમાં નેટવર્ક નહોતું પકડાતું, પણ કૃષ્ણ પાસે તો સેટેલાઇટ ફોન! ગઈ બર્થડે ગિફ્ટમાં રાધુને પણ આવો એક ફોન આપ્યો હતો. વૃંદાવન-ગોકુળના ગોવાળિયાઓને એ જ ફરિયાદ હતી કે, કાન્હો અમારા નેટવર્કો માટે કોઈ મદદ કરતો નથી. ગોપીઓ ઘાંઘી થઈ જતી કે, કાન્હો મથુરાનો રાજો થયો, પણ ગોકુળ માટે હજી સુધી તો ટુ-જી નેટવર્કે ય અલાવતો નથી. ‘વધુ વૃક્ષ વાવો’ સુધી બધું બરાબર છે, પણ મથુરા-વૃંદાવનના કદમ્બનાં બધાં વૃક્ષો નટવર-ગિરધરના નામે છે. અમારે બેસવું ક્યાં? જ્યાં જઈએ છીએ ત્યાં કદમ્બ કે લીમડો તો જાવા દિયો, વાંહે થોરનાં ઝાડ ઊભાં હોય છે. બરડામાં ઘૂસી જાય એવાં!
પણ આજના ઘનશ્યામો આટલાં નસીબદારો નથી હોતા. એક તો કોઈ સતાવે નહીં, એવો અંધારિયો ખૂણો ગોતવો પડે. મળતા પહેલાં પચીસ મિનિટ તો ખૂણો શોધવામાં જતી રહે. સ્કૂટર બે સીટોવાળું હોવું જોઈએ. આમાં રિક્ષા ઊભી રાખીને, મહીં બેસીને પ્રેમો ન કરાય. અવરજવર નામ પૂરતી હોવી જોઈએ. કોઈ આવતું દેખાય ત્યારે ભાઈ-બહેન બની જવાનું. પેલા કોઈ, લોહી પીધા વગર પસાર થઈ જાય પછી ‘ગયા અંકથી ચાલુ’ના ધોરણે હપ્તો આગળ ચલાવવાનો.
પણ વટેમાર્ગુઓ હખણા રહેતા નથી. કેમ જાણે આવું કાંઈ જોયું જ ન હોય એમ જોઈ જાય એટલે, ‘એય, સુઉં કરો છો?’ની રાડ પાડીને પેલા બંનેને ભગાડવા માંડે છે. આવામાં તો પોલીસો ય હખણા રહેતા નથી. જે કાંઈ ખર્ચા-પાણી મળે, એ ઝાપટી લેવા આ બંનેને ખખડાવે. પેલા બંને પાસે ઉઠબેસ કરાવે. આઈકાર્ડો માગે. ફાધર-મધરનાં નામ-સરનામાં માગે. બધું મગાઈ ગયા પછી ‘રોકડી’ માગે. એમાં તોડ-પાણી થાય. પેલો કન્હૈયો તો આખો નેહરુ બ્રીજ ખરીદવા ન આવ્યો હોય કે એની પાસે 20-25 હજારેય નીકળે! એ માસૂમ પાસેથી માંડ ત્રણસો-ચારસો નીકળે. એમાંથી માંડ આ લોકોની બાટલીનો ખર્ચો નીકળે. ‘હવે પછી ક્યારેય અહીં નહીં આવવાની’ ખાતરી લઈને રડતાં મોંઢે એમને જવા દે.
લગભગ બધાં રાધા-કૃષ્ણો મિડલ-ક્લાસનાં હોય એટલે રોજેરોજ હોટેલ-રેસ્ટોરાં પોસાય નહીં. આ કાંઈ સાંભારમાં બોળી બોળીને રવો ઢોંસો ખાવાનો અવસર નથી. વેઇટરો ય હખણા બેસવા ન દે. જરાક અમથો પેલીનો હાથ પકડ્યો હોય એ જોઈને, ‘ઓર કુછ લાઉં, સા’બ?’ કરતો દૂધપાકમાં કોલસો નાખવા આવી જાય. એ વધારે ડિસ્ટર્બ ન કરે, એટલા માટે દર દસમી મિનિટે એને ટીપ આપવી પડે. ફરહાદ ગાડીવાળો હોય ને શીરીંનો હજી હાથ જ પકડ્યો હોય ત્યાં પોલીસની ટીમ જીપ પાસે આવી જાય, ‘ક્યા કર રહે હો?’
ટોપા, દેખાતું નથી, ‘હમ ક્યા કર રહે હૈં?’ એમને બધી ખબર હોય કે, તમે શું કરી રહ્યાં છો અને ખાખી વર્દી પહેરીને એ લોકો પોતપોતાની જુલિયેટો સાથે આવી રીતે બેસી ય ન શકે. ગાડી લઈને પ્રેમો કરવા નીકળ્યા હો એટલે મોટા તોડપાણી થાય!
જેનો કોઈ જવાબ જ નથી, એ સવાલ એ છે કે, આ બિચારાઓ જાય ક્યાં? પ્રેમ થઈ ગયો હોય એટલે મળવું તો ખાનગીમાં જ પડે! પ્રેમ ભલે પવિત્ર કહેવાતો હોય, પણ પેલીને પોતાની બાંહોમાં જકડીને સમર્થેશ્વર મહાદેવના પટાંગણમાં તો ન ઊભા રહેવાય! ‘મેરા પ્રેમ તો શુદ્ધ ગંગા કી તરહા પવિત્ર હૈ’ એવું ફિલ્મોમાં સારું લાગે, પણ ઢીંચણથી ચાર ઈંચ ઊંચી ચડ્ડી અને ભરાવદાર જર્સી પહેરેલી મિન્કીને આલિંગન આપીને એના ‘બડ્ડી’ બિન્ગોથી સ્કૂલના કમ્પાઉન્ડમાં રિસેસમાં ઊભા ન રહેવાય. પ્રિન્સિપાલની બા ય ખિજાય! ઉંમર મિન્કી-બિન્ગોની હોય કે હવે કાકા-કાકી થઈ ગયાં હો, જાહેરમાં મળાય નહીં અને ખાનગીમાં જવું ક્યાં? ગાર્ડન-બગીચા તો પ્રેમીઓ માટે સદીઓ પહેલાં બંધ થઈ ગયા. ત્યાં પોલીસ કે લુખ્ખાઓ કરતાં એનાં મમ્મી-પપ્પાએ છૂટું મૂકી દીધેલું નાનું ટેણિયું અચાનક ઝાડી પાછળથી પ્રગટ થાય, ‘આન્કલ, યે ક્યા કર રહે હો? બુચી બુચી?’
આઘાતની વાત એ છે કે, બંને યુવાન હૈયાં જાય ક્યાં? બેમાંથી એકેયના ફાધરના ઘેર તો જઈને આમ બેસાય નહીં! સિનેમાઓવાળા તો આવા બાળુડાંની રાહો જ જોઈને બેઠા હોય અને હાથ પણ પકડવા ન દે. શું વિશ્વાસમાં એક પણ સ્થળ એવું નથી જ્યાં લયલા-મજનૂ ચેનથી બેસી શકે?
ના, સોરી. આવડી મોટી ના. કોઈ લૈલો-મજનૂડો ચેનથી બેસવા નથી આવતો. અડપલાં કર્યા વિનાનો કોઈ રહેતો નથી. ફૂટપાથે-ફૂટપાથે તો ‘A’નું ‘ફક્ત પુખ્ત વયનાઓ માટે જ’નું બોર્ડ તો મૂકી શકાય નહીં અને આ કારીગરી થોડી કાંઈ ફક્ત પુખ્ત વયનાઓ માટેની જ છે? આમાં તો ‘માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનારા દાઝે જોને’વાળો ખેલ હોય છે. જોયા કરતાં જાણ્યું ભલું અને જાણ્યા કરતાં માણ્યું ભલું!
પણ આનો ઉકેલ શું? ના આ લોકોથી ક્યાંય બેસાય નહીં, ના આપણાથી આ બધું જોવાય! આપણું કામકાજ તો વર્ષો પહેલાં પતી ગયું હોય ને હજી ચાલતું હોય તોય ઉપાધિ કે, ‘આ લોકોને કોઈ ઉઠાડતું કેમ નથી?’

X
Where does it go?
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી