એન્કાઉન્ટર / ગમે તે થાય તોય બ્યૂટીપાર્લરોમાં મંદી કેમ નથી આવતી?

Whatever happens, why not make Beauty Parlers a recession?

અશોક દવે

Dec 29, 2019, 07:24 AM IST

* સોશિયલ મીડિયામાં દીકરીઓને લગતા મેસેજો જોઇને હવે લાગે છે, દીકરાઓ માટે ‘જેન્ડર-બાયસ’ ઊભો થઇ રહ્યો છે...!- આદિત્ય રાવલ, ભાવનગર
- તમારી વાત સાચી છે. દીકરીઓને વહાલ કરવામાં ક્યાંક દીકરાઓ આડે હાથે મુકાવવા માંડ્યા છે.
* યાદ અને ફરિયાદ વચ્ચે ફેર શું?- પ્રવીણ મહેતા, કેશોદ
- તમે પ્રશ્ન પૂછીને મને યાદ કર્યો. જવાબ ન આપ્યો હોત તો ફરિયાદ કરત!
* મારે વડાપ્રધાન બનવું છે. શું કરું?- નિતેશ ચૌધરી, દિયોદર
- તાબડતોબ પાકિસ્તાન જતા રહો. ત્યાં ચાન્સ જલદી લાગે એવું છે!
* લોકો આર્ટ્સ અને કોમર્સ કરતાં સાયન્સને વધારે ઊંચું કેમ ગણે છે? - મિલન ટાઢા, તળિયા-તળાજા
- ઊંચું છે, માટે.
* ટોળાને મગજ ન હોય, તો શિવસેના, કોંગ્રેસ કે એનસીપી વિશે શું માનો છો?- હર્ષ રાઠોડ, સાવરકુંડલા
- આ ત્રણમાંથી એકે ય માટે કાંઇ પણ માનવું પડે, એટલા મહત્ત્વના નથી.
* દિલ્હીમાં હવે ઓક્સિજન વેચાવા માંડ્યો છે, બોલો!- માનસી ભટ્ટ, સુરત
- તમે સવાલ પૂછી રહ્યા છો કે જીવ બાળી રહ્યા છો?
* વાહનો ઉપર આંખો અંજાઇ જાય એવી હેલોજન લાઇટો ફરજિયાત નંખાવવાનો કોઇ અર્થ?- જગત રાજપૂત, જામનગર
- વાહન વગર હાથમાં એકલી લાઇટો લઇને તો ન ફરાય ને!
* આ વર્ષે ચોમાસુ કેવું રહ્યું, સાહેબ?- શ્યામકુમાર એસ. સોલંકી, રાધનપુર
- એ તો બાજુવાળાને એમની છત્રી પાછી આલી આયા!
* લારી ફોર-વ્હીલર કહેવાય તો લારીવાળાને હેલ્મેટ કેમ નહીં? - શરદ એન. મહેતા, મહુવા-ભાવનગર
- શૂટે ય પહેરાવો ને!
* શું ખાવાથી બુદ્ધિ વધે? - મહાસુખ દરજી, અમદાવાદ
- લમણું.
* તમને સવાલો પૂછવાનો ચાર્જ લેવાનું શરૂ થાય તો કેવું રહે?- રિયાઝ આર. જમાણી, મહુવા
- હવે... તમારે બસ, મને હજાર મોકલવાના રહ્યા!
* તમારો સર્વોત્તમ ગુણ કયો? - પિનાલી આર. ત્રિવેદી, અમરેલી
- હું કોઇપણ વ્યક્તિની સારી બાજુના એના મોઢે જ નિખાલસ વખાણ કરી શકું છું.
* ‘સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય, તો સાકરના ગાંગડે કંદોઇ થવાય?’- રવીન્દ્ર કૌશિકરાય હાથી, રાજકોટ
- હજી એ બંને ધંધાઓ વિશે કાંઇ વિચાર્યું જ નથી.
* ‘મારું મન મોર બની થનગાટ કરે’... તમારું? - ખીમભાઇ પટેલ, ચોરવાડ
- હવે શું? લગ્ન થયે 42 વર્ષ થયાં.
* અમિત શાહ મહારાષ્ટ્રનો પ્રશ્ન કેમ ઉકેલી ન શક્યા?- વિપુલ કાપડિયા, વાલાવાવ-મહુવા
- મહિનો રાહ જુઓને...!
* આલિયાના સોગંદ ખાઇને કહેજો, ‘એન્કાઉન્ટર’ના જવાબો તમે જ આપો છો? - જયેશ અંતાણી, ભાવનગર
- વાતવાતમાં તમારી બહેનને વચ્ચે ન લાવો!
* મહારાષ્ટ્રની ઊથલપાથલ વિશે શું કહો છો? - વિપુલકુમાર પંડ્યા, ટીમાણા-તળાજા
- મારામારીઓ જોવાની મજા હવે આવશે!
* આપના જવાબો તટસ્થ હોવાને બદલે મોદી-ભાજપ માટે પક્ષપાત કેમ? - હીરાભાઇ બારૈયા, મહુવા
- કોણે કહ્યું, ‘હું તટસ્થ છું?’
* તમારી દૃષ્ટિએ શરદ પવાર ચડે કે અમિત શાહ? (મહારાષ્ટ્રની ઘટનાઓ પછી)- ઉપેન્દ્ર વાઘેલા, રાજકોટ
- છેલ્લા ચારે ય સવાલોમાં તમને મારો એક જવાબ મળી જશે!
* તમે મોદી સાહેબને આટલા ચડાવો છો કેમ? - શિવમ ધાંધલા, જામનગર
- કારણ કે એ ‘સાહેબ’ છે... ને હું હજી નથી થયો!
* મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી નિમિત્તે પ્રસારિત થતા ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ જે...’ ભજન બાબતે આપનું શું માનવું છે? - નચિકેત વિનયકુમાર યાજ્ઞિક, અમદાવાદ
- એ જ કે, મહાત્માજી વૈષ્ણવ હતા.
* મા-બાપ કરતાં રિશ્તેદારો સલાહો વધુ કેમ આપે છે?- રવિરાજ ગેગાડા, આતરસુંબા
- બદલો લેવા.
* પહેલાં રિક્ષાની પાછળ ‘તમારું વાહન 20 ફૂટ દૂર રાખો’, એવું લખાતું. હવે 10-ફૂટ દૂર રાખવાનું કહે છે.- હિમાંશુ વ્યાસ, અમદાવાદ
- એક રિક્ષાની પાછળ બોલપેન જેટલા અક્ષરોથી લખ્યું હતું, ‘જો તમે વાંચી શકતા હો... તો’ ‘મરવાના થયા છો!’
* આ કોલમમાં ‘એન્કાઉન્ટર’ કોનું? સવાલ પૂછનારનું કે જવાબ આપનારનું? - વિનોદ ચૌધરી, જામજોધપુર
- છેલ્લે તો મરવાનો વાચક જ થાય છે ને?
* કેટલાક લોકોને છોકરી મળી જવા છતાં લગ્ન કેમ નહીં કરતા હોય?- મનીષભાઇ બારૈયા, મહુવા-ભાવનગર
- જેની મને કે તમને ખબર નથી પડી, એ ખબર છોકરીને પડી ગઇ હોય!
* ‘એન્કાઉન્ટર’નો કેવો પ્રશ્ન તમને મૂંઝવે? - એમ. એ. વેકરિયા, રાજકોટ
- જેનો જવાબ ફક્ત એક શબ્દમાં આપી શકાય, એ પ્રશ્ન મને સૌથી વધુ ગમે!
* હું એક શાયર, કવિ અને લેખક છું. હાસ્યલેખક બનવા શું કરવું?
- ગુંજનકુમાર ચૌહાણ, ગાંધીનગર
- એકસાથે પેલા ત્રણની હત્યા શું કામ કરવા માગો છો?
* તમને રાહુલ ગાંધી અને સંજય રાઉત વચ્ચે શું તફાવત લાગે છે?- કપિલ જાની, પોરબંદર
- એક ચમચો છે. બીજાના ચમચાઓ છે.
* તમે અત્યાર સુધી કેટલાં ‘એન્કાઉન્ટર’ કર્યાં હશે?- નિકુંજ ભટ્ટ, ભાવનગર
- સરેરાશ દર અઠવાડિયે 25. છેલ્લાં 20 વર્ષનાં ગણી કાઢોને!
* માવા ઉપર કેટલો GST લાગે? - માધવ ધ્રુવ, જામનગર
- અચ્છા અચ્છા... તો હવે કંદોઇનો ધંધો શરૂ કર્યો? અભિનંદન.

X
Whatever happens, why not make Beauty Parlers a recession?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી