તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકશાહીના પેટમાં સત્તાની ગાંઠ થાય છે, તો શું કરવું જોઈએ?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સત્તા વગરની લોકશાહી કે કોઇ બી શાહી ચાલે ખરી? (પ્રશ્નકર્તા: રોહિતકુમાર બી. જોશી, ખંભાત)  

પ્રશ્ન: ક્રિકેટના આ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે નહીં રમવાનું ઝનૂન ચઢ્યું હતું,એ  શું ઊતરી ગયું?‘- મનજીતસિંહ ‘દુલાર’, અમદાવાદ

જવાબ: લોકસભાની જેમ વર્લ્ડ કપ પણ ચૂંટણીથી જીતાતો હોત તો વિરાટ કોહલી રાડો પાડી પાડીને કહેતો હોત, ‘અમે પાકિસ્તાનને એના ઘરમાં ઘૂસીને મારીશું...’ પછી ભલે વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં  રમાવાનો હોય! 

પ્રશ્ન: ચાઇનીઝ ચીજવસ્તુઓના બહિષ્કારની વાતો...- ડો. શૈલજા ઠક્કર, અમદાવાદ

જવાબ: વડાપ્રધાન કાર્યાલયથી માંડીને મારા-તમારા ઘરમાં કેટલી ચાઇનીઝ ચીજો વપરાય છે, એ જાણ્યા પછી બહિષ્કારની વાતો પાછી ખેંચી લેવી પડશે!

પ્રશ્ન: તમે દાઢી કેમ રાખતા નથી?  રવીન્દ્ર કૌશિકરાય હાથી, રાજકોટ

જવાબ: હું તો એમને એમ પણ...

પ્રશ્ન: રાજકીય પક્ષોને ચૂંટણી-ઢંઢેરાઓ હાસ્યલેખકો લખી આપે છે, આ સાચું?  જયેશ અંતાણી, ભાવનગર

જવાબ: તો આ હિસાબે હાસ્યલેખકો માટે તમારો મત બહુ ઊંચો નથી!

પ્રશ્ન: ‘ભાર વિનાનું ભણતર’ એટલે?  હરેશ બી. લાલવાણી, વણકાબોરી

જવાબ: આજે દીકરો-દીકરી 99.99 ટકા માર્ક્સે પાસ થાય તો ડોબા કહેવાય છે. છોકરાને માથે પેલા એક માર્કનો ભાર મુકાય છે. 

પ્રશ્ન: આપણા દેશની સુરક્ષા કરનાર જવાનોનો પગાર આટલો ઓછો કેમ - નૈતનકુમાર મા. ભટ્ટ, સુરત

જવાબ: મને ખબર નથી કેટલો હોય છે.

પ્રશ્ન: ચૂંટણીનાં પરિણામો પછી ચૂંટાયેલા સંસદસભ્યો પાસેથી આપણને બેસવાના બાંકડા સિવાય શું મળશે?- યોગરાજ રાઠોડ, પોરબંદર

જવાબ: અમારા અમદાવાદના હાલના અને ભૂ.પૂ. ધારાસભ્યો પાસેથી એ લોકોએ શીખવાનું છે. બાંકડે-બાંકડે એમનું નામ કોતરાવેલું હોવું જોઇએ. એમના ગાંઠના પૈસે તો પોતાના ઘરમાં ય બાંકડો નંખાવે એવા નથી.

પ્રશ્ન: ‘ગંગા સ્વરૂપ’ સ્ત્રી ફરી પરણે તો ‘સૌભાગ્યવતી’ કહેવાય, પણ બંને સ્થિતિ એક જ થતી હોય તો? - કર્દમ યાજ્ઞિક, વડોદરા

જવાબ: આ સાબિત કરે છે કે, આવી કોઇ પણ સ્થિતિમાં ઢીલો તો પુરુષ જ થાય છે.

પ્રશ્ન: મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવામાં આવ્યો. પાકિસ્તાનનું શું? - જયેશ સુથાર, કણજરી-નડિયાદ

જવાબ: ત્યાંની સ્કૂલની પરીક્ષામાં છોકરો ચોરી કરતાં પકડાય તો મા-બાપને ચિંતા ન હોય. બાકીના છોકરાઓ તો પકડાવાના બાકી છે ને!

પ્રશ્ન: ઇ.સ. 2014 પછીનું ભારત ‘મોદીયુગ’ તરીકે સુવર્ણાક્ષરે લખાશે ને? - મયૂરકુમાર મફતભાઇ વાળંદ, ભૂજ-કચ્છ

જવાબ: ધીરે સે બોલો... રાહુલોં કે ભી કાન હોતે હૈં...

પ્રશ્ન: એક જમાનામાં આપનું પ્રિય પાત્ર જેન્તી જોખમ શું કરે છે?- રાકેશ ભાવસાર, ભરૂચ

જવાબ: જેના ઉપરથી જેન્તી જોખમનું પાત્ર બન્યું હતું, એ મારો પ્યારો દોસ્ત હું અમેરિકા ગયો ત્યારે જ અવસાન પામ્યો. હવે એ શું કરતો હશે, એ જાણવાનું જિગર ચાલતું નથી.

પ્રશ્ન: પત્ની પિયર જાય તો શું કરવાનું?    - મહાસુખ દરજી, અમદાવાદ

જવાબ: કેમ આટલા ગભરાયેલા છો? એ પાછી આવે છે કે જતી નથી?

પ્રશ્ન: તમને રૂ. 72,000 જ દેખાયા, 15 લાખ કેમ નહીં? - રાજ વી. ક્રિશ્ચિયન, અમદાવાદ

જવાબ: આપણા બેમાંથી એક પણ સાચું નીકળે, એવી પ્રાર્થના.

પ્રશ્ન: રાષ્ટ્રગીત ગવડાવવા ઉપરાંત ‘ભારત માતા કી જય’નો પ્રચંડ નાદ કરાવવાની અપીલને સારો પ્રતિસાદ મળ્યો છે. ભારતનો જવાન મળે તો એને સેલ્યૂટ કરવાની પણ અપીલ કરો તો? - દીપક એસ. માછી, વડોદરા

જવાબ: ભારતીયોની દેશભક્તિ સ્વયંભૂ છે. મને ફખ્ર છે કે, કોઇના કહેવાથી એ ઉજાગર થતી નથી.

પ્રશ્ન: રોડ-રોલરમાં જેટ-એન્જિન ફિટ ન કરાવાય? - સતીશ કરગટિયા, માધાપર-પોરબંદર

જવાબ: કેમ જાણે તમારે તો રોડરોલર લઇને ચારધામની યાત્રાએ જવાનું હોય!

પ્રશ્ન: દેશનું ભવિષ્ય વિદેશીના હાથમાં જાય તો દેશના શું હાલ થાય?-ધવલ જે. સોની, ગોધરા

જવાબ: જા કો રાખે સાંઇયા, માર સકે ના કોય.

પ્રશ્ન: બ્રાહ્મણોને લાડું ખૂબ ભાવવાનું કારણ?- રમેશભાઈ ચંપકલાલ દવે, રાજકોટ

જવાબ: એ લોકોને બધું શ્રેષ્ઠ અને સર્વોત્તમ હોય એ જ ગમે.

પ્રશ્ન: તમે ન્યૂઝ રીડર તરીકે ચાલો કે નહીં? - યાસ્મિન મોહમ્મદભાઈ શેખ, મુંબઈ

જવાબ: હા, પણ ચાલતાં ચાલતાં ન્યૂઝ વાંચવાનું ન ફાવે.

પ્રશ્ન: શાંત પાણી ઊંડાં હોય...! - મયૂર વિભાકર દેસાઈ, રાજપીપળા

જવાબ: ફ્રીઝમાં એવું નથી હોતું.

પ્રશ્ન: ચીરી નાંખે એટલી ફી લેવા છતાં ડોક્ટરોને લોકો ભગવાન સમકક્ષ કેમ ગણે છે?  માધવલાલ વિ. ત્રિવેદી, ભાવનગર

જવાબ: ભગવાનોય માંદા પડે ત્યારે એમનેય જરૂરત ડોક્ટરોની પડે છે.

પ્રશ્ન: તમે ડ્રિન્ક્સ લો છો?- કમલ વી. વ્યાસ, રાજકોટ

જવાબ: લાલચો ઊભી ન કરો.

પ્રશ્ન: નરસિંહ મહેતાના સુવિખ્યાત ભજન ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ જે’ તમને ખૂબ ગમે છે, એવું સાંભળ્યું છે. - કુસુમરાય મનવંતરાય છાયા, મુંબઈ

જવાબ: હા. બસ, એક લાઇન ગમતી નથી, ‘પરસ્ત્રી જેને માત રે...’?

પ્રશ્ન: તમને હોડી ચલાવતા આવડે છે? - રાજેશ જી. પટેલ, સુરત

જવાબ: ના. હવે તો નોકરી મળી ગઈ છે. 

અન્ય સમાચારો પણ છે...