એન્કાઉન્ટર / ટુ-વ્હીલર પર બેથી વધુ બેસવા ન દેવાનું કારણ શું?

What is the reason for not allowing more than two wheelers to sit on?

અશોક દવે

Dec 22, 2019, 07:14 AM IST

* તમે હાસ્યલેખક જન્મથી હતા કે લગ્ન પછી થઇ ગયા?- ધ્વનિત રામચંદ શાહ, અમદાવાદ
- જન્મથી તો દરેક બુદ્ધિશાળી હાસ્યલેખક બની શકે છે. મોંકાણ લગ્ન પછી જ થાય છે.
* સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે, એ વાત આજે કેટલી પ્રસ્તુત છે? - મેહમૂદઅલી ઝેડ. સૈયદ, સુરત
- કઇ બેવફા તમને આવું સંભળાવી ગઇ?
* મારી પ્રેમિકાના ફાધર પોલીસ-ઇન્સ્પેક્ટર છે. કહે છે, ‘હપ્તા રેગ્યુલર પહોંચાડશો, તો વાંધો નહીં આવે.’- કેતન એસ. ચૌહાણ, વડોદરા
- તમે ય હપ્તે-હપ્તે પ્રેમો કરવા નીકળ્યા હશો. આમાં તો બુકિંગ વખતે જ ડિલિવરી લઇ લેવાની હોય?
* પ્રભુ પરમેશ્વરને મિસ-કોલ કરવો છે. શું કરવું?- હરેન્દ્રકુમાર જોશી, સુરેન્દ્રનગર
- મને કરો ને. ઇશ્વરે ય મને મિસકોલો જ કરતો હોય છે!
* 370ની કલમ હટાવ્યા પછી મોદીએ તો જમ્મુ-કાશ્મીરના પૂર્વ પ્રધાનોના વૈભવશાળી બંગલાઓ ખાલી કરાવવાનો ઓર્ડર આપ્યો!- વૈભવ જયેશભાઇ શાહ, અમદાવાદ
- હવે ખ્યાલ તો આવશે કે, બધો બાપાઓનો માલ નહોતો!
* આ રાહુલ અને પ્રિયંકા-લોકોને દરેક વાતે મોદીનું આડું બોલ્યા વિના બીજું કાંઇ આવડતું જ નથી?- અશોક જે. ત્રિવેદી, વલસાડ
- આડું ય બોલતાં ક્યાં આવડે છે?
* સુંદર સ્ત્રીને જોઇને સહુને ખરાબ વિચારો જ કેમ આવે છે?- પંચમ કુલશ્રેષ્ઠ, વડોદરા
- ખરાબ વિચારો તો તમને આવતા હશે. અમને તો સીધા ભેટી પડવાના જ વિચારો આવે છે.
* પ્રેમમાં પાગલ કેવળ પુરુષો જ કેમ હોય છે, સ્ત્રીઓ કેમ નહીં? - દીપિકા મનવંતરાય છાયા, વડોદરા
- માનસિક આરોગ્યને લગતા સવાલ અમારી ‘આરોગ્ય-પૂર્તિ’માં પૂછો.
* કહે છે કે, ‘પુલિસ કે હાથ લમ્બે હોતે હૈં’, પણ વાસ્તવમાં લમ્બે હાથ તો ચોર-બદમાશોં કે હોતે હૈં!- હારુન સૈફુભાઇ ગીદવાણી, સુરત
- નેતાઓના તો હાથ કરતાં ય આંગળીઓ વધારે લાંબી હોય છે. જ્યાં ને ત્યાં હળી કરી શકે છે.
* ડાયરાઓમાં નોટો ઉછાળવાના તૂત વિશે કાંઇ કહેવું છે?- વિપુલ ચપલા, વડોદરા
- બસ. કોકનું સારું જોઇને આપણે ય કાંઇક સારું શીખવું જોઇએ.
… મારા લેખો છપાય ત્યારે મારા ઘરે આવીને કોઇ આમ નોટો ઉછાળતું હોય તો મને વાંધો નથી.
* ખાનગીમાં અંધારામાં કોઇ પ્રેમિકાને લઇને બેસવાની ક્યાંય સગવડ મળતી નથી. શું કરવું?- પરાગ જ. દેસાઇ, સુરત
- તો ય કોઇ પુરુષને લઇને આમ ન બેસાય!
* પરમેશ્વર ગરીબોનો બેલી કહેવાય છે, તો શું એ ધનવાનોનો બેલી નથી?- હર્ષવર્ધન ચુડાસમા, વડોદરા
- ધનવાન થઇ ગયા પછી પરમેશ્વરની જરૂર શેની પડે?
* મનને શાંતિ મળે એવું જીવન જીવવાનો કોઇ રસ્તો બતાવશો?- કાવ્યા ગુરુચી, મહેસાણા
- ધ્યાન.
* મારે ‘ડોન’ બનવું છે. શું કરવું? - કૌસ્તુભ જીવાભાઇ મકવાણા, નડિયાદ
- નજીકના પોલીસ સ્ટેશને જઇને ગમે તે એકાદા હવાલદારને આડા હાથની ઝીંકી દો.
* પૈસા ખલાસ થઇ જવા આવ્યા હોય તો શું કરવું?- કાંતિભાઇ લાલભાઇ ચાડવાલા, સુરત
- ચિંતા.
* નોર્મલી, તમારી પત્નીને લઇને ક્યાં ફરવા જતા હો છો?- દેવાંગી પી. દેસાઇ, જામનગર
- ઘરની બહાર.
* ખોટું હોય તો ક્ષમા, પણ સાચું સાંભળ્યું છે કે, તમારી લાઇફમાં અગણિત પ્રેમિકાઓ આવી ગઇ!- પૂજારા મેહુલ જિનેશભાઇ, રાજકોટ
- હા, પણ બધીઓ ‘ગઇ’ નથી!
* જાહેરખબરોમાં તો સુંદર સ્ત્રીઓ જ બતાવે છે, પણ જે સ્ત્રીઓ સુંદર ન હોય, એમણે શું વાપરવું?- કલ્પના પ્રેમલ મહેતા, ભાવનગર
- મગજ.
* તમને મોદી સરકાર માટે કોઇ ફરિયાદ છે? - વિશ્રામ કુલકર્ણી, વડોદરા
- ઘણી મોટી! દિવાળીમાં હવા અને ઘોંઘાટનું પ્રદૂષણ ન થાય માટે ફટાકડા ન ફોડાય. ઉત્તરાયણમાં પક્ષીઓની પાંખો ન કપાય માટે પતંગો નહીં ચઢાવવાના ને હોળીમાં પાણીનો બગાડ ન થાય માટે ફક્ત ‘વોટ્સએપ’માં હોળી રમવાની! હિન્દુઓના જ બધા તહેવારો કેમ નડે છે?
* રાહુલ વારંવાર પરદેશ કેમ જાય છે?- વૈષ્ણવી જિગરરાય મહેતા, મુંબઇ
- પ્રોબ્લેમ એ કેમ જાય છે, એનો નથી. એ પાછા શું કામ આવી જાય છે, એનો છે!
* ‘ઓછા બાળ જય ગોપાળ’, તો ઝાઝા બાળ?- જય મેહુલ ચોકસી, ભાવનગર
- પોતાની નિશાળ.
* આ રૂપાણી સાહેબ દર શનિ-રવિ રાજકોટના ધક્કા ખાય છે, એના કરતાં સચિવાલય જ રાજકોટ લઇ આવીએ તો? - સંજય બોરિચા, રાજકોટ
- થેન્ક ગોડ, તમે પાર્લામેન્ટ વડનગર લઇ આવવાની વાત નથી કરી!
* તમારી બાયોપિક બને તો હીરો ‘અશોક દવે’ તરીકે કોણ ચાલે?- જયેશ અંતાણી, ભાવનગર
- બાયોપિક તો એની બને જેને અડધું ભારત ઓળખતું હોય. મને તો ભાવનગરમાં ય તમારા સિવાય કોઇ ઓળખતું નથી.
* સિદ્ધુ અને શત્રુઘ્ન સિંહા હવે શું વિચારતા હશે?- હેમંત ત્રિવેદી, વડોદરા
- ‘સાલું... હવે તો ઘરમાં ય કોઇ પૂછતું નથી, આજકાલ શું કરો છો?’
* જીવન જીવવામાં મજા છે કે માણવામાં?- નિલેશ હીરાણી, જામજોધપુર
- બેમાંથી જે વહેલું પતે, પછી કહેજો.
* આજકાલ ચરણજીતના ગંજીફરાક કેમ દેખાતાં નથી?- જીતેન્દ્ર કેલા, મોરબી
- તમારે જોઇને કામે ય શું છે?
* આપશ્રી સુપર કોમિક જવાબો આપો છો, તો કપિલ શર્મા જેવો શો શરૂ કરો તો વધુ જમાવટ થાય?- પ્રફુલ્લ કોઠારી, જૂનાગઢ
- મારા જવાબો કરતાં વાચકોના સવાલો વધુ સારા હોય છે. એટલે જ તો આટલું ટકી ગયો!
* ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ’, એ કહેવત શિવસેનાને બરાબર લાગુ પડે છે કે નહીં?
- જિનેશકુમાર ચંદુલાલ શાહ, સતલાસણા, મહેસાણા
- સહેજ પણ નહીં. આ કહેવત લગાડી જોવા માટે બુદ્ધિ હોવી પૂર્વશરત છે.

X
What is the reason for not allowing more than two wheelers to sit on?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી